સ્મૃતિઓનાં મૂળિયા

00:04



હું જ્યાં જન્મી, ઉછરી તે મુંબઈનો એક જમાનામાં ગુજરાતીઓનો ગઢ ગણાય એવો વિસ્તાર. હજુ આજે પણ ત્યાં કેટલાક મકાનો, સ્વદેશી માર્કેટ, મૂળજી જેઠા માર્કેટ, ભૂલેશ્વર જૂની સ્મૃતિઓ સાચવીને બેઠાં છે. કાલે એટલે કે ૨૧ નવેમ્બર ૨૦૨૪ના દસ વરસ બાદ વિસ્તારમાંથી પસાર થઈ. વિસ્તારમાં જવાનું મુખ્ય કારણ હતું મારા મેન્ટર, મોટા બહેન, સખી  કહી શકાય એવા નીલા ઠાકરનું મૃત્યુ. અઠવાડિયું પહેલાં નીલાદીદીના પિતરાઈ ભાઈ હિમાંશુ ઠાકરને એક કાર્યક્રમમાં મળવાનું બન્યું. હિમાંશુ મારી પાસે આવીને કહેતમને ખબર છે કે નહીં નીલાબહેન હવે નથી રહ્યાં.’ સાંભળીને મગજ શૂન્ન થઈ ગયું. નીલા ઠાકરને હું ૧૯૮૦-૮૧ની સાલમાં એસએનડીટી ચર્ચગેટમાં મળી હતી. ત્યાં મેં એફવાયબીકોમમાં એડમિશન લીધું હતું. એનસીસી કેડેટ તરીકે જોડાઈ તો ત્યાં નીલાદીદી મારા સિનિયર. એમણે મને ખૂબ પ્રેમથી સ્વીકારી. મારા વ્યક્તિત્વને ઘડવામાં એમણે રસ લીધો. હું શું કરી શકું તેની ઓળખ મને કરાવી. એમને અમે બધાં દીદી કહેતાં. ખૂબ પ્રેમાળ, ખાવાપીવાથી લઈને દરેક બાબતમાં ઊંડો રસ લઈને વાત કરે. કાળજી લે. ક્યારેક સાચવી પણ લે. અમે એક વિસ્તારમાં રહેતાં હોવાથી ઘણી ઝડપથી નજીક આવ્યા. કાલબાદેવીની જાણીતી આર્યનિવાસ લોજ તેમના કુંટુંબની. તેમના ઘરે નિયમિત આવતી જતી એટલે મમ્પી, પપ્પા બહેન વગેરે દરેક લોકોની સાથે મારે સંબંધ બંધાયાં હતાં. પછી તો મેં કોલેજ બદલી. એનસીસીના વરસો પૂરાં થયા. નીલાબહેન પ્રોફેસર થયા માટુંગાની કોલેજમાં અને હું પણ નોકરી કરતી હતી એટલે ધીમે ધીમે મળવાનું ઓછું થતું ગયું, પણ સંબંધો હજુ લીલાં હતાં. ૧૯૯૨માં દીપક સાથે લગ્ન કરી મેં વિસ્તાર છોડ્યો એની સાથે ઘણાં સંબંધોથી હું કપાઈ. નીલાદીદી સાથે શરૂઆતના પાંચેક વરસો સંપર્ક હતો પણ દીકરા ઈશાનના જન્મ બાદ સંપર્ક ઓછો થતો ગયો. તેઓ પણ વ્યસ્ત હતા. વચ્ચે થોડો સમય તેઓ મુંબઈ છોડી અમદાવાદ રહેવાં ગયાં. વચ્ચે દસેક વરસ સંપર્ક રહ્યો. કારણ શરૂઆતના વરસોમાં મોબાઈલ નહોતા.  અચાનક ફેસબુક દ્વારા ફરી સંપર્ક થયો. વચ્ચે એકાદવાર મળ્યા પણ ખરાં, પરંતુ છેલ્લા દસ વરસમાં મળાયું નહીં પણ ફેસબુક દ્વારા સંપર્ક હતો. એમના માતાને મળવા હું કાલબાદેવી નરનારાયણની વાડીના એમના ઘરે પહોંચી. હવે એમના માતાની સ્મૃતિ આછી થઈ ગઈ છે. વળી હું એમને તો પાંત્રીસેક વરસ બાદ મળતી હતી. અને દીકરીને ગુમાવ્યાના આઘાતની કળ વળી નહોતી. ઓળખ આપ્યા બાદ મને ઓળખી હોય એવું લાગ્યું. 

શું કામ હું ત્યાં ગઈ હતી? હું ત્યાં જાત કે નહીં એનાથી કોઈ ફરક નહોતો પડવાનો પણ વિસ્તારમાં જવાનું બહાનું મારે જોઈતું હતું કદાય. વિસ્તારમાં હવે હું કદાચ રહી શકું પણ ત્યાંના ખૂણેખૂણામાં મારો ભૂતકાળ સ્મૃતિ સાચવીને બેઠો હતો. ત્યાંથી ચાલીને જતાં દેખાયું કે અનેક મકાનો રિડેવલપ થયા છે. વિસ્તાર ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. નાની ગલીઓ અને હાથગાડીઓ, ટોપલો લઈને કામ શોધતાં મજૂરો. કાપડ બજાર હજુ છે પણ એની શિકલ બદલાઈ છે. જૂનીને જાણીતી દુકાનોને સ્થાને નવી અજાણી દુકાનો દેખાય છે. ભીડની વચ્ચે હું એકલી જાણીતા અજાણ્યા પ્રદેશમાં ખોવાઈ રહી હતી. સારું છે દીપક સાથે હતો. મારાં જાણીતા રામ મંદિર ગઈ તો તેને કોર્પોરેટ ઓફિસની જેમ રિનોવેટ થતાં વળી એક આઘાત લાગ્યો. પૂજારીને પુછાઈ ગયું કે ભગવાન તો જૂના છે ને? પુજારીએ નવાઈથી મારી સામે જોઈને કહ્યું હા છે. સવાસો વરસ જૂનું મંદિર ધમધમતાં વિસ્તારમાં થોડું અંદર હોવાથી જૂના કાલબાદેવીમાં પ્રવેશ્યાનો અહેસાસ થતો. અહેસાસ છીનવાઈ ગયો. ત્યાંથી બહાર નીકળી દ્વારકાધીશના મંદિરમાં ગઈ. મંદિરમાં સાંજે ખૂબ ભીડ થતી. એક બાજુ દસ બાર બહેનો રણછોડરાય માટે ફુલોના શણગાર તૈયાર કરતી હોય તો વચ્ચે બહેનોની ભજનમંડળી ભજનો ગાતી હોય. આગળ પુરુષો અને સ્ત્રીઓ દર્શન ખુલે એની રાહ જોતાં હોય. ગઈકાલે મંદિરમાં માંડ વીસેક જણાં હતાં. કોઈ ફુલો નહોતું ગુંથતું કે તો મંદિરના ગર્ભદ્વારની બાજુમાંથી બનતાં પ્રસાદની સુગંધ આવતી હતી. પાંચ બહેનો ભજન ગાતી હતી. ગર્ભદ્વાર પાસે પહેલાં ધ્રુપદ તાલમાં ભજન ગવાતાં નહોતાં. દર્શન ખુલ્યાં ત્યારે ભગવાન પણ એકલાં લાગ્યા. મંદિરથી હું જ્યાં રહેતી હતી તે મકાન બસ ત્રણેક મકાન છોડીને હતું સામી બાજુ સ્વદેશી માર્કેટની બાજુમાં. ત્યાં ગઈ તો મકાન ગાયબ. મારા મકાનનું અંધારિયું પ્રવેશ દ્વાર શોધ્યું જડ્યું. એની જગ્યાએ કોઈ ફાઈવ સ્ટાર હોટલ જેવું ઝગારા મારતું પ્રવેશદ્વાર હતું. આજુબાજુ શોધ્યું પણ અંધારો લાંબો પરસાળ અને પછી દેખાતા દાદરા બધું ગાયબ. ત્યાં બેસેલા અપટુ ડેટ ચોકીદારોને પૂછ્યું કે ક્યું મકાન છે? દાદરા ક્યાં? લોકોએ મારી સામે જોયું અને કહ્યું જુઓ બહાર લખ્યું છે. હું બહાર જઈ ઉપર જોયું તો એડ્રેસ ૩૪૨, કાલબાદેવી પણ મારી સ્મૃતિઓ લઈને આખું મકાન ગાયબ થઈ ગયું હતું. મારી સ્મૃતિઓનાં મૂળિયા કાળના ધસમસતાં પ્રવાહમાં વહી ગયા હતા. ગઈકાલ મારા ૫૯માં વરસનો છેલ્લો દિવસ હતો. ત્યાંથી દૂર જતાં હું નવા મકાનમાં મારી જૂની ઓળખ શોધવા ખાંખાખોળા કરતી રહી. સ્વજનનું મૃત્યુ થયું હોય એવો અહેસાસ થયો. મારી સારી,ખરાબ બધી સ્મૃતિઓ ભૂંસાઈ જતી જોઈ રહી.


You Might Also Like

0 comments