એસી ખાઉગલીમાં ગરમાગરમ નાસ્તા!ખાણીપીણી - દિવ્યાશા દોશી

18:30

મુંબઈમાં સ્ટ્રીટ ફૂડ એટલે કે ખાઉગલીઓની કમી નથી. રસ્તા પર મળતું ખાવાનું ખાઈને મુંબઈગરાઓ ઈમ્યુન થઈ ગયા છે, રાજકારણીઓની જેમ. આવી કોમેન્ટ તમને મુંબઈની જીવાદોરી સમી લોકલમાં સાંભળવા મળશે જ. છેલ્લા બે દિવસથી મુંબઈની ગરમી પોતાના અસ્સલ મિજાજમાં આવી ગઈ હોય તો સ્ટ્રીટ પર ફૂડ ખાવાનું અને પરસેવો લૂછવાનો ઘણાને અઘરું પડે. તો કેટલાકને ટિપિકલ રેસ્ટોરન્ટમાં જવાનો પણ કંટાળો આવી શકે. અમે પણ એમાનાં જ છીએ. એટલે મિત્રો સાથે થીમ રેસ્ટોરાં એસી ખાઉગલી, વરસોવા, અંધેરીમાં પહોંચી ગયાં. આમ તો આ અમારી બીજી મુલાકાત છે. બે વરસ પહેલાં જ્યારે આ રેસ્ટોરન્ટ શરૂ થઈ હતી ત્યારે ગયા હતા એસીમાં બેસીને પાઉંવડા અને નારિયેલ પાની પીવા માટે. પણ હમણાં ગયા તો પાઉંવડા અને નારિયેલ પાની બન્ને ગાયબ પરંતુ, સ્ટ્રીટ અને મુંબઈ લોકલ ટ્રેનનું ઈન્ટિરિયર એમ જ હતું. ઢોસા, સેન્ડવિચ, ચાઈનીઝ, પંજાબી, બર્ગર, ગોલા, દમસમ, પાસ્તા, જ્યુસ, આઇસક્રીમ વગેેરે દરેક વસ્તુની લારી અહીંની ફેન્સી ધૂળ, અવાજ અને ગરમી વગરની ગલીમાં જોવા મળશે. ઢોસાની અહીં ઘણી વરાયટી છે. અને એસી હોવા છતાં ભાવ પણ વ્યાજબી છે. ૩૦ રૂપિયામાં સાદા, ૬૦ રૂપિયાથી શરૂ થાય મૈસુર મસાલા... અને પનીર ભુરજી, પાઉંભાજી, ચાઈનીઝ વગેરે દરેક જાતના ઢોસા મળે. સેન્ડવિચ ખાવી હોય તો ટોસ્ટ, ગ્રીલ કે સાદી સેન્ડવિચ ટ્રાય કરી શકો છો. અને જમવું હોય તો પંજાબી કે ચાઈનીઝ તો છે જ. વ્યક્તિ બસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયામાં પેટભરીને નાસ્તો કે જમવાનું ખાઈ શકે. ગરમીમાં એસીમાં બેસીને ગોળા ખાતાં જરા સોફિસ્ટિકેટેડ ટચ લાગે પણ બહારની ગરમીનો અહેસાસ કર્યા બાદ ગોળા ન ખાધા તો શું ખાધું?

વિશ્રામ સાવંત બોલીવૂડ ડિરેકટરે આ ખાઉગલીની શરૂઆત કરી છે. એટલે જ માહોલ એકદમ ફિલ્મી સેટ જેવો લાગે છે. આ ખાઉગલીનું ઈન્ટિરિયર પણ ફેન્સી ખાઉગલી જેવું જ. દરેક વાનગીની જુદી લારી છે અને તે રસ્તાની સામસામી બાજુ પથરાયેલી છે. રસ્તાને છેડે મોટા આયના લગાવેલા છે જેથી લાંબી ગલી હોવાનો અહેસાસ થાય. તમારે લારી પર ઊભા રહીને ન ખાવું હોય તો બેસવાનો વિકલ્પ છે, મુંબઈની લોકલ ટ્રેનનો ડબ્બો. ખાઉગલીની નીચે વિશ્રાંતે બેસવા માટે લોકલ ટ્રેનના ડબ્બાને આબેહૂબ રેસ્ટોરાંમાં ઊભો કરી દીધો છે. તમારી પ્લેટ લઈને તમે આ ડબ્બામાં બેઠાં બેઠાં બારીની બહાર પસાર થતા દશ્યો માણી શકો છો. નદીના પુલ પરથી પણ ટ્રેન પસાર થાય અને જંગલ પણ દેખાય. તો બાજુમાંથી બીજી ટ્રેન પણ પસાર થતી જોઈ શકાય છે. જો કે આ ખાઉગલી મુંબઈના એક ખૂણામાં આવી હોવાથી તમારે ખાસ ત્યાં જવાનો પ્લાન કરવો પડે અથવા તમે એ વિસ્તારમાં જવાના હો તો આગળથી નક્કી કરીને ત્યાં જઈ શકો. મિત્રો સાથે બહાર ખાવાના શોખીન વ્યક્તિઓ માટે આ ખાઉગલી આકર્ષણ બની જ શકે. ખાસ કરીને વિદેશથી આવેલા મહેમાનોને લઈ જવા માટે તો આ યોગ્ય સ્થળ જ કહેવાય.


You Might Also Like

0 comments