મારો સંબંધ હારી ગયો હું નહીં... મોના કપુર

02:19


2007ની સાલમાં મોના કપુરનો ઇન્ટરવ્યુ કર્યો હતો.મોના કપુર નવોદિત અભિનેતા અર્જુન કપુરની માતા અને બોની કપુરની સાથેનું લગ્નજીવન ભાંગી પડ્યા બાદ પોતાની આગવી ઓળખ ઊભી કરીને  સન્માનપૂર્વક જીવનાર મોના કપુર કેન્સરની બિમારીમાં માર્ચ 25 2012ના રોજ ગુજરી ગયા. આજે તેમની મુલાકાત હાથ લાગી, તેમની હ્રદયસ્પર્શી  વાત ... બધા સાથે વહેંચુ. છું ...


સ્મૃતિઓ દુખદ છે... બોની કપૂર સાથે મારા એરેન્જડ મેરેજ થયાં હતાં. એ મારાથી 10 વરસ મોટા છે. હું પરણી ત્યારે માત્ર 19 વરસની હતી . હું એની સાથે રહીને જ પુખ્ત બની છું એમ કહી શકાય. અમારાં લગ્નને તેર વર્ષનો ગાળો વીતી ચુક્યો હતો.મને જ્યારે જાણવા મળ્યું કે મારા પતિ બીજી કોઇ સ્ત્રીના પ્રેમાં છે ત્યારે એ મારા માટે આઘાત જનક હતું. બીજી વ્યક્તિ સાથેના સંબંધો વિશે મેં ફક્ત વાંચ્યું હતું અ સાંભળ્યું હતું, પણ એ મારી સાથે ખરેખર બન્યું અને મારું લગ્નજીવન ભાંગી પડ્યું. મને સમજાયું કે સ્વમાન મારા માટે વધુ મહત્ત્વનું છે, પ્રેમ એના પછી આવે છે. આપણે જેમ મોટા થઈએ છીએ એમ જીવનમાં સતત બદલાવ આવ્યા કરે. બોનીને કોઇ બીજાની જરુર હતી, મને નહીં. તે સમયે અમારા લગ્નજીનમાં કંઈ બાકી નહોતું રહ્યું. શ્રીદેવીને બાળક જન્મી ચુક્યું હતું. તેમનો સંબંધ સ્થપાઈ ચૂક્યો હતો. મારે આ સંબંધમાંથી નીકળી જવાનું હતું.
એ સમય કપરો હતો.... મારાં બાળકો માટે પણ એ સમય મુશ્કેલ હતો. દીકરો અર્જુન અને દીકરી અનુષા ત્યારે સ્કુલમાં ભણતાં હતાં. આ દુનિયા ખૂબ જ ખરાબ છે. ખાસ કરીને જ્યારે તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હો. લોકો તમારા વિશે જાતજાતની વાતો કરતાં અચકાતા નથી. મારા બાળકોને પણ સ્કુલમાં બીજા છોકરાઓનાં મેણાં સાંભળવા પડતાં હતાં. જો કે આ ઘટનાને લીધે તેઓ સ્ટ્રોન્ગ બન્યાં છે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ બન્યાં છે. અમારી વચ્ચે પીડાનો અહેસાસ છે જેણે અમને બાંધી રાખ્યા છે.
હું ભાંગી ન પડી.... કપરા કાળમાં મારાં માતાપિતા અને બહેનનો મને ઘણો જ સહકાર મળ્યો છે. તેમણે કહ્યું હતું, તું રડીશ કે હિમાલય જઇશ કે પછી જખમને ખોતર્યા કરીશ- દરેક પરિસ્થિતિમાં અમે તારી સાથે જ હોઇશું. “  જે અપમાન મારે સહેવું પડ્યું છે તે ખૂબ જ કષ્ટદાયક હતું. સતત મારી સરખામણી એક હિરોઇન સાથે થતી હતી. મને ઊતારી પાડવામાં આવતી હતી. ઇન્ડસ્ટ્રીની પત્નીઓ મને સલાહ આપતી કે તું તારું વજન કેમ ઓછું નથી કરતી ? તું સ્પામાં કેમ નથી જતી ? આ બધી વાતો સાંભળીને મને લાગ્યું કે મારે ભૂતકાળ ખંખેરીને ઊભા થવું જોઇએ. અને નવો રસ્તો શોધી લેવો જોઇએ. મેં મારાં માતાપિતાને કહ્યું કે ,મારે મારું પોતાનું વ્યક્તિત્વ બનાવવું છે. મારી સખી મીના ગોકુલદાસની માતાએ આપેલી શિખામણ મને ગમી. તેમણે કહ્યું કે જો બીજાની જિંદગીમાં તારા માટે કોઇ જગ્યા ન હોય તો તારી જીંદગીમાં પણ એ બીજા માટે જગ્યા ન હોવી જોઈએ. આ શબ્દો થકી મને સમજાયું કે હું નથી હારી પણ મારો સંબંધ હારી ગયો છે.
બહેન સાથે ડગ માંડ્યા... મેં મારી બહેન સાથે ટીવી પ્રોડકશનનું કામ શરુ કર્યું. અમે યુગ , વલાયતી બાબુ, હેરાફેરી અને કૈસે કહું જેવી ધારાવાહિકો બનાવી.ધીમે ધીમે અમે અમારી ગુડવિલ ઊભી કરી. ત્યારબાદ નવા ટ્રેન્ડ પ્રમાણે ફિલ્મ માટે સેટ બનાવ્યા. આજે તો અમેરી કંપની ફ્યુચર સ્ટુડિયોનો બે મકાનના બાર માળ પર બાર સેટ લાગેલા હોય છે.
હું કડવી નથી થઈ... મારાં બાળકો મારી સાથે જ રહે છે. પણ તેમના પિતા સાથે પણ તેમનો સંબંધ છે. બાળકો તેમના પિતા સાથે પ્રવાસે પણ જાય છે. ક્યારેક સાથે જમવા પણ જાય છે. મને બોની પ્રત્યે કોઇ જ તિરસ્કાર નથી. બાળકોને એનાથી દૂર રાખવાની ક્રૂરતા હું ન કરી શકું. હું પુરુષોની જેમ વિચારી નથી શકતી. હું ઇચ્છું છું કે તે સુખી થાય. આખરે મેં મારી જગ્યા કોઇને એટલા માટે આપી દીધી કે એ સુખી થાય.મારા જીવનમાં મને કોઇ પુરુષની જરુર હવે નથી લાગતી. જીવનમાં ઘણા સારા સંબંધો જોય છે. મને હવે લગ્નજીવનમાં રસ નથી, કારણ કે લાગણીઓનો ભાર તો હંમેશા સાથે રહે જ છે. પુરુષોને આ વાત ન સમજાઈ શકે. જીવન રોલર કોસ્ટર જેવું છે, જેમાં તમે નીચે પડો તો પણ તમારે હસવું પડે છે. આદે મારા જીવનમાં કોઇ જ પીડા નથી. ---દિવ્યાશા દોશી 

You Might Also Like

0 comments