મને ઈતિહાસ વાંચવો ગમે છે કારણ કે હું ભણ્યો નથી – અભિષેક બચ્ચન

15:18


(નવેમ્બર 2010માં લીધેલી મુલાકાત)આ શુક્રવારે રિલિઝ થનારી ફિલ્મ ખેલે હમ જીજાન સે માં મુખ્ય પાત્ર ભજવનાર અભિષેક બચ્ચનને બચ્ચન પરિવારની ઓફિસ જનકમાં મળવાનું થયુ. અભિષેક જ્યાં રહે છે તે જલસા બંગલાની પાછળની ગલીમાં જનક નામનું ત્રણ માળના મકાનમાં એબીસીએલની ઓફિસ છે. આ મકાનમાં પ્રવેશતા વેંત જ દરેક જગ્યાએ અમિતાભ બચ્ચનની તસીવરો દેખાય. એ સિવાય સ્વચ્છ આંગણામાં સુંદર રીતે કંડારેલા  ગણપતિ , સરસ્વતી, લક્ષ્મી અને અન્ય  મુર્તિઓને એક સાથે મુકીને ઓપન મંદિર ઊભુ કરવામાં આવ્યું છે. બીજે માળે એક નાના હોલ જેવા મિટિંગ રુમ સુધી પહોંચતા સતત અમિતાભની વિવિધ છબીઓ, પેઈન્ટિંગ દેખાય. મિટિંગ રુમમાં પણ અમિતાભ બચ્ચનની વચ્ચે ગણીને ત્રણ ચાર ફોટા અભિષેક બચ્ચનના દેખાય છે. એટ હોમ ફિલ કરતાં આછી દાઢી,  સફેદ કુર્તા પાયજામામાં એબી એટલે કે અભિષેક બચ્ચન સોફા ખુરશીમાં પલાંઠી વાળીને બેસી જાય છે. અને કહે છે, શુટ...
આ તારી પહેલી ફ્રિડમ પિરિયડની ફિલ્મ છે કેવો રહ્યો અનુભવ ?
સાચું કહું તો બહુ જ જુદો ... હું ભારતમાં ભણ્યો નથી એટલે મેં ઈતિહાસ વાંચ્યો નથી. ઈતિહાસ વાંચવો મને ગમે છે. જ્યારે આ ફિલ્મ એવી વ્યક્તિની વાત છે કે તેના વિશે બંગાળ બહારના લોકો ખાસ જાણતા નથી. સાચું કહું તો આ ફિલ્મ કરતાં પહેલાં મને તેની સ્ક્રિપ્ટ વાંચવાની મજા આવી. સાથે જ મને સુજો દા વિશે જાણવાની ઉત્કંઠા થઈ અને આસુતોષે ઓફકોર્સ હોમ વર્ક કરેલું એટલે મને ખૂબ રસ પડ્યો. આપણે ભારતીયો દેશભક્તની લાગણીને લઈને જીવીએ છીએ. મારા માટે આ જુદો અનુભવ રહ્યો કારણ કે મારા દાદા, દાદી એ સ્વતંત્રતાની લડાઈ જોઈ છે. તેમના અનેક મિત્રો અને તેમની પોતાની પાસેથી પણ મને સતત વાતો સાંભળવા મળી છે. અમે દરરોજ ધ્વજ લહેરાવીએ છીએ.(તેમના ઓફિસ ના મકાન પર ધ્વજ લહેરાતો જોયો હતો ) ભારતીય હોવાનો મને ગર્વ છે તે લાગણી મને આ ફિલ્મ કરતાં અનુભવાઈ. આમ તો એકટર તરીકે દરેક પાત્રો ચેલેન્જીંગ હોય, દરેક પાત્રોને અપનાવવાના હોય પરંતુ, આ સુજોદાના પાત્ર વખતે મારામાં જુદી લાગણીઓ મેં અનુભવી છે. કેટલાક પ્રસંગો શૂટ કરતી સમયે અમે લાગણીશીલ થઈ જતાં , ખાસ કરીને કોન્ટેનમેન્ટ પર ધ્વજ   લહેરાવવાની પળોને શૂટ કરતી વખતે યુનિટના દરેક સભ્યોની આંખો ભીની થઈ ગઈ હતી. તે સમયના માહોલની કલ્પના જો આટલી અસરકાર હોય તો તે સમયે ખરેખર જે માહોલ હશે તેની કલ્પના જ કરવી રહી. ખરેખર તે સીન શૂટ કરતાં અમારા બધાના રુંવાડા ઊભા થઈ ગયા હતા. કારણ કે આજે  આપણને એટલી ચોટદાર દેશભક્તિની લાગણીઓ અનુભવાતી નથી. દેશપ્રેમ હોય પણ આજે તેને માટે લડવાનું નથી , તે માહોલ નથી એટલે આ ફિલ્મ સિવાય આવી લાગણીનો અનુભવ મેં પહેલાં નથી કર્યો.  કહેતાં કહેતાં એબી રિતસરનો ખોવાઈ જાય છે.
ચિત્તેગોંગ માં કેમ શૂટ ન કર્યું  ? સુજોદાના પાત્રમાં તું પ્રવેશી શક્યો ?
કારણ કે ત્યાં આગળ આજે તે જમાનાનો એંગ્લો ઈન્ડિયન લુક ન મળ્યો. શહેર, વિસ્તાર આધુનિક  થઈ ગયા છે. એટલે ફિલ્મને ગોવા મહારાષ્ટ્રની બોર્ડર પાસે સાવંતવાડીમાં ફિલ્માવવવામાં આવી. સળંગ સાડાત્રણ મહિના શૂટિંગ થયું. સુજોદાને કે ચિત્તાગોંગ ફ્રિડમફાઈટની વાતને લોકોએ લગભગ વિસારી દીધી છે. સુજોદાનું કામ પણ ભગતસિંહ અને ચંન્દ્રશેખર આઝાદ જેવા અનેક જાણીતા સ્વાતંત્ર્ય સૈનિકો જેટલું જ મહત્વનું હતું. પણ મને આશા છે કે આ ફિલ્મ પછી તેની નોંધ લેવાશે. પાત્ર સાથે મારો અનુબંધ કેવો રહ્યો તે કહું તો આસુ મને સતત શાંત રહેવાનું કહી રહ્યો હતો. કારણ કે સુજોદા શાંત, મક્કમ અને માન આપવાનું મન થાય તેવા હતા. બીજા ફાઈટરોની જેમ તેમણે બૂમાબૂમ નહોતી કરી જે અમને એકટરોની તેની આદત છે. ફાઈટરનું પાત્ર હોય તો બૂમા બૂમ કરીને ડાયલોગ બોલવા પણ અહીં તદ્દન જુદો જ માહોલ હતો. કલ્પના દત્તાએ જેનું પાત્ર દીપિકા ભજવી રહી છે તે કલ્પનાજીએ જેમણે ફ્રિડમની એ મુવમેન્ટમાં ભાગ લીધો હતો તેમની પુત્રવધુએ ડુ એન્ડ ડાય માનીની ચેટરજી પુસ્તક લખ્યું છે. એના પરથી જ આ ફિલ્મ બનાવવામાં આવી છે. તેમણે ખૂબ રિસર્ચ કરીને આ પુસ્તક લખાયુ છે. સુજોદાના ફોટો એક જ મળ્યો છે જે ચિત્તાગોંગ અપરાઈઝ મુવમેન્ટના ત્રણ વરસ બાદનો છે. એટલે સુજોદાનું ફિજિકલ પાત્ર અમારી સામે નહોતું. એટલે શક્ય છે કે આ ફિલ્મ ધ્વારા સુજોદા સ્થપાય, ઓળખાય ચિત્ર રુપે. એટલે મારા માટે આ પાત્રમાં પ્રવેશ કરવો જરુરી હતો. જે એટલી અઘરી બાબત નહોતી લાગી. કારણ કે સુજોદાના પાત્રમાં ત્યારની સ્વતંત્રતા માટેની લાગણીએ મોટું પરિબળ હતું. અને મને સુજોદા માટે ખાસ્સુ માન પણ થયું હતું. એ પાત્રની ગરિમા સમજીને જાળવવાની જવાબદારી મારે નિભાવવાની હતી.  તે વખતના સમય કાળનું આસુતોષે ખાસ્સો અભ્યાસ કર્યો હતો એટલે પરિસર, માહોલ પણ મને પાત્ર સાથે એકરુપ થવા માટે મદદરુપ બન્યા હતા.
ઐશ્વર્યાને તું કેટલો પ્રેમ કરે છે ?
એ તો તમારે ઐશ્વર્યાને જ પુછવું પડે. પણ દરેક પતિ જેમ પોતાની પત્નિને પ્રેમ કરતો હોય છે એટલો પ્રેમ તો હું કરું જ છું. એ બહારના લોકો માટે એકટ્રેસ છે, વિશ્વસુંદરી છે પણ મારા માટે તે મારી પત્નિ છે. તે ખૂબ જ સહજ છે. ક્યારેય તે મારી સાથે એકટ્રેસ તરીકે વર્તતી નથી અને હું પણ એકટિંગ નથી કરતો તેની સામે. ખરુ કહું તો એ મારી સારી મિત્ર છે. પતિ તરીકે મને પેમ્પર પણ કરે અને હું ટિપિકલ પતિ નથી એટલે તેના વ્યક્તિત્વને સ્વિકારીને તેની કારર્કિદી માટે પ્રોત્સાહન આપુ છું. કામ કરવું કે ન કરવું તે મને કોઈ ન ડિકટેટ ન કરી શકે તો હું તેને  શું કામ તેના કામ બાબતે ડિકટેટ કરું. તેનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે અને હું તેને પ્રેમ કરુ છું એટલે વ્યક્તિત્વને સ્વિકારું છુ. મારા માનું વ્યક્તિત્વ અમે સ્વિકાર્યું છે જોયું છે. એટલે મારા માટે સ્ત્રીને વ્યક્તિ તરીકે માન આપવું સહજ છે.
ગુજારીશ ફિલ્મ કેવી લાગી એ પુછતાંવેંત જ અભિએ પુરો કરેલો ઈન્ટરવ્યુ પંદર મિનિટ લંબાઈ ગયો. ગુજારીશ ફિલ્મના તેણે બે મોઢે વખાણ કર્યા. અને પોતાની ફિલ્મ કરતાં ડબલ  ઉત્સાહથી તે બોલતો હતો તે જોઈને કહેવું જ પડે કે ભાઈ અભિષેક તું તારી પત્નિના ગળાડૂબ પ્રેમમાં છે.

You Might Also Like

0 comments