નવી શરુઆત

15:11


આમ જોઈએ તો દરેક શ્વાસ આપણામાં નવો પ્રાણ પુરતો હોય છે. દરેક પળ નવી હોય છે પરંતુ, જીવનની ભાગદોડમાં દરેક નવો ઊગતો દિવસ આપણા માટે નવી શરુઆત લઈને નથી આવતો. પણ કેટલાક વ્યક્તિત્વો હોય છે કે જેઓ એકનું એક જીવન જીવતા નથી. તેઓ જીવનના મધ્યે પહોંચીને વળી નવી દિશામાં પ્રવાસ શરુ કરે છે. તદ્દન અજાણ્યો રસ્તો પકડી નવી મંઝિલની શોધમાં ઊપડે છે અથવા વિધિ તેમના માટે નવી કેડી રચી દેતી હોય છે. એપલ કંપનીના સ્થાપક અને ચેરમેન   સ્ટિવ જોબ્સે કદી વિચાર્યુ નહોતુ કે તે ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ રચશે. તેણે આવી કોઈ કલ્પના સાથે ભણવાનું શરુ નહોતું કર્યુ કે ન તો ટેકનોલોજી ક્ષેત્રે ડિગ્રી લીધી હતી. ઘીરુભાઈ અંબાણીએ પણ સામે જે રસ્તો મળ્યો ત્યાં ચાલવાનું શરુ કરી દીધું અને ક્યાંક તો નવી કેડી કંડારી ઈન્ડસ્ટ્રિ ઊભી કરી દીધી. અમિતાભ બચ્ચન હીરો બનવા નહોતા માગતા તેમણે પહેલાં તો ભણીને નોકરી કરી અને ફિલ્મમાં કામ મેળવવા ગયા તો તેમને લોકોએ સરળતાથી કામ નહોતું આપ્યું. ત્યાં સુપરસ્ટાર બનવાના સપના ન જ જોયા હોય ને. કેરેકટર એકટર તરીકે પ્રસિધ્ધ બોમન ઈરાનીએ અભિનય કારર્કિદીની શરુઆત 40ની ઉંમરે કરી હતી. તે પહેલાં તેઓ ફોટોગ્રાફર હતા. આપણી આસપાસ એવી અનેક વ્યક્તિઓ જોવા મળે છે જેઓ જીવનમાં એક હારને પચાવી શકતા નથી કે એક દરવાજો બંધ થતાં જ તેઓ હતાશ થઈને જીવનની બાજી હારી જાય છે. અમે એવી વ્યક્તિઓને મળ્યા જેમણે સંજોગોને કારણે કે પોતાની મરજીથી નવી શરુઆત કરી હોય.
મારી મરજીથી જીવું છું – પ્રશાંત દેસાઈ
 વલસાડમાં 700 વારના બગીચાની વચ્ચે આવેલા નાનકડા બંગલામાં હીંચકે ઝૂલતાં પક્ષીઓના અવાજને શાંતિથી સાંભળતા 51 વરસીય પ્રશાંતને કશુંજ કરવાની ઊતાવળ નથી. નામ પ્રમાણે જ પ્રશાંત મને તેઓ જીવન જીવે છે.  તેમને કવિતાઓ વાંચવી કે સંગીત સાંભળવાનું ખૂબ ગમે છે. એટલે જ્યારે મન પડે ત્યારે પુસ્તકો વાંચે કે સંગીત સાંભળે. બગીચામાં કામ કરે કે પછી ચાલવા ઊપડી જાય. એ સિવાય પ્રશાંત છેલ્લા છ વરસથી આજીવિકા માટે કોઈ કામ નથી કરતા. તમે જો વલસાડમાં પ્રશાંત દેસાઈને શોધવા જાઓ તો તમને ન ય મળે કારણ કે તેઓ તેમના હુલામણા નામ કેદારને નામે જ ઓળખાય છે. કેદારનું જીવન જોઈને ભલભલાને ઈર્ષ્યા આવે અથવા નક્કી થઈ જાય કે આપણે પણ આવું કંઈક કરવું જોઈએ. પણ એ એટલું સહેલું નથી. કેદારે આઈમીન પ્રશાંતને પોતાની રીતે જીવવું ગમે છે. અને કશું જ કામ કરવાની આળસ આવે છે એવું કહેતા તેઓ ઊમરે છે, કદાચ મારી એ આળસમાંથી જ વહેલા નિવૃત્તિ લેવાની વાત મારા મનમાં દ્રઢ થઈ ગઈ હતી. મારે તો ચાલીસમાં વરસે જ ઘરમાં બેસી જવું હતું પણ હું જ્યાં કામ કરતો હતો તે મારી કંપની માઈક્રોઇન્કના મારા માલિકોએ કહ્યું કે આખો દિવસ ઓફિસ ન આવ પણ બેત્રણ કલાક કામ કરવા આવી શકે. એટલે મેં થોડો વખત એવી રીતે પાર્ટ ટાઈમ જવાનું શરુ કર્યુ. પણ જમ્યા બાદ હીંચકે બેઠો હોઉં ને મનમાં ફડક રહે કે મારે ઓફિસે જવાનું છે ઘડિયાળ તરફ નજર રહે તે ય મને ગમતુ નહીં એટલે 46માં વરસથીતો મેં બસ ઓફિસ અને કામને સાવ  જ તિલાંજલી આપી દઈને મારી રીતે મારા માટે જીવવાનું શરુ કર્યુ. સાચુ કહું બહુ જ આનંદ આવે છે. વાંચો, કુદરતની વચ્ચે , સાથે રહેવાનું, અને સંગીત સાંભળવાનું. મિત્રોને મળવાનું આ બધામાં નવરાશ જ ક્યા છે કે કંટાળો આવે. ફરવા જવું હોય તો બસ ઊપડવાનું જ રહે. રજા કે વાર જોવાની ય જરુર નહીં.
પ્રશાંતભાઈ માઈક્રોઈન્કમાં બોર્ડના ડિરેકટર હતા. તેમણે વડોદરાથી એન્જિનયરીંગ કર્યા બાદ બીકે સ્કુલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ પણ કર્યુ છે. ત્યારબાદ તેમણે એલેમ્બિક કંપનીમાં પ્રોડકટ મેનજર અને અતુલમાં એગ્રો ફાર્મા ડિવિજનમાં ઈન્ચાર્જ તરીકે આઠ વરસ કામ કર્યુ. ત્યાર બાદ અતુલની જ આ સિસ્ટર કન્સર્ન માઈક્રોઇન્ક કંપનીમાં 14 વરસ કામ કર્યુ. પ્રશાંતના કાકા મેનેજમેન્ટ કન્સલટન્ટ હતા તેઓ વહેલા રિટાર્યમેન્ટની વાત કરતા ત્યારથી જ પ્રશાંતે નક્કી કર્યુ કે આપણે વહેલા નિવૃત્ત થઈ ગમતુ જીવન જીવવું. જો કે કામ પણ તેમણે મોજથી જ કર્યું. પ્રશાંત કહે છે, કામ કરવાની મને ખૂબ મજા આવતી હતી. કામ નિમિત્તે મારે અવારનવાર વિદેશ જવાનું થતું. ત્યારે હું પ્લેનની લાંબી મુસાફરીમાં વાંચતો અને મારું મનગમતું મ્યુઝિક સાંભળતો ક્યારેય કામ ન કરતો. વિદેશના કવિઓ વાંચવા ગમે એટલે વિદેશમાં પણ પુસ્તકો ખરીદું , મ્યુઝિયમ જોઉં આમ કામ પણ આનંદ પડે એવું જ કર્યુ છે. વહેલા નિવૃત્ત થવાના વિચાર સાથે મારા માતાપિતા કે મારી પત્નિ કોઈને જ વાંધો નહતો. હા કેટલાક સગાંઓ જરુર સવાલ કરતા કે કામ વગર શું કરીશ કે કેવી રીતે જીવીશ. પણ તેમને જવાબો આપવા મને જરુરી ન જણાતા. હું સારું કમાતો હતો એટલે મેં પૈસાનું આયોજન સારી રીતે કર્યુ હતું. વળી અમારી જરુરિયાત વધુ ન હોવાને કારણે પણ ખર્ચા વધુ નહતા. આજે હું રુમી , ટાગોર,ગાલિબ અને અનેક વિદેશી કવિઓની સાથે મોજ કરુ છું. શાસ્ત્રિયથી લઈને ગઝલો, ફિલ્મિ ગીતો મનથાય ત્યારે સાંભળું છું. ઓર્ગેનિક શાકભાજી અને ફળો ઊગાડું છું. ખરુ કહો તો જીવન જીવવાનું મેં 40 વરસ પછી શરુ કર્યુ. કશું જ ન કરવાનો આનંદ પણ અદભૂત હોય છે.
કામ કરતા હતા ત્યારે પ્રશાંત વાપીમાં રહેતા હતા પણ પછી વલસાડમાં સ્થાયી થવા માટે પ્લોટ લઈને ઘર બાંધ્યુ. વલસાડ એટલા માટે કે તેમનુ અને તેના પત્નિનું બાળપણ અહીં વિત્યું હતું એટલે મિત્રો પણ અહીં હતા. પ્રશાંત અને તેમના પત્નિ મીનલ ને એક દિકરો છે કવન આ વરસે આઠમા ધોરણમાં આવ્યો. કવન આ વરસથી શાળામાં નહીં જાય. ઘરે રહીને પરિક્ષા આપશે. જીવનની આવી શરુઆત નસીબદાર વ્યક્તિઓ જ કરી શકે અથવા હિંમતથી આવો નિર્ણય કરીને કામ મૂકીને પોતાના માટે જીવવાનો નિર્ધાર કરનાર વ્યક્તિ જ કરી શકે.

પોતાને ગમતું કામ શરુ કરવું સહેલું નહોતુ – ઓજસ દિનકરરાય દેસાઈ

સુરતના ઘોડદોડ રોડ પર આવેલ રાજહંસ પ્લાઝા નામના મોલમાં સુરતની એકમાત્ર આર્ટ ગેલેરી તમને જોવા મળશે. તેમાં કાબર ચિતરી દાઢી અને ચશ્માધારી યુવાન દેખાય તો તે ચોક્કસ ઓજસ દેસાઈ જ હશે. તેતાલીસ વરસના ઓજસ દેસાઈને આ આર્ટગેલેરી વારસામાં નથી મળી કે નતો તે પોતે કોઈ ચિત્રકાર છે.  પણ આ તેમના નવા જીવનની શરુઆત રુપે આજથી નવ વરસ પહેલાં શરુ કરી હતી. ઓજસે મિકેનિકલ એન્જિનયર કર્યા બાદ એમબીએ કર્યુ હતું અને ત્યારબાદ તણે અરવિંદ મિલ્સ, રિલાયન્સ મિલ્સ લિમિટેડ , અને છેલ્લે એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં અગિયાર વરસ સુધી કામ કર્યુ. મેનેજર લેવલ સુધી પહોંચી ગયેલા ઓજસને કંપનીના કામ માટે અવાર નવાર વિદેશ પણ જવું પડતું.વિદેશમાં બુક સ્ટોર અને આર્ટ ગેલેરીઓ તેને આકર્ષતા.  એક વખત જર્મનીમાં તેણે આર્ટ ગેલેરીમાં નામાંકિત ચિત્રકારોના ચિત્રો બાર હજારમાં વેચાતા જોયા અને તેને નવાઈ લાગી. એણે ગેલેરીમાં જઈને આ વિશે પુછ્યુ તો જાણવા મળ્યું કે આ તો રિપ્રિન્ટ છે. ઓજસનો આત્મા સળવળ્યો. સારી નોકરી છતાં કામમાં આનંદ નહોતો આવતો. થયું આવું કંઈક કલા અને પુસ્તકોને લગતું કામ કર્યુ હોય તો. પણ આ તો વચ્ચે આવતો હતો. ઓજસ મધ્યમવર્ગિય પરિવારમાંથી જન્મયો હતો. પરિવારમાં કોઈએ વ્યવસાય કર્યો નહતો. ઓજસના લગ્ન થઈ ગયા હતા અને નાનકડી દિકરી પણ હતી. પોતે રહેતો હતો તે થોડું મોટું ઘર લેવા માટે હાઉંસિગ લોનના હપ્તા પણ ચાલુ હતા. પણ જર્મનીથી આવ્યા બાદ ઓજસે સુરતમાં બુક સ્ટોર શરુ કરવા માટે પ્લાન ઘડવા માંડ્યા. પણ ઘરમાં બૂમાબૂમ થઈ કે આ પરિસ્થિતમાં આ શું ગાંડપણ માંડ્યુ છે. માતાપિતા, સ્વજનો અને મિત્રોએ ઓજસને સમજાવવા માંડ્યો. સુરતમાં બુક સ્ટોર ચાલશે કે નહીં એની ખાતરી ન હોતી એટલે તેને કોઈ રોકાણકાર પણ ન મળ્યા, એટલે ઓજસે પોતાના જુના નાના ફ્લેટમાં આર્ટ ગેલેરી શરુ કરવાનું નક્કી કર્યુ. નોકરી છોડી દીધી. અને ભારતમાં અન્ય શહેરોમાં જઈને આર્ટ ગેલેરીઓ જોઈ તેનો અભ્યાસ કર્યો. અન્ય શહેરોમાં જો આર્ટ ગેલેરીઓ ચાલે છે તો સુરતમાં ચાલશે જ તેની એને ખાતરી થઈ. ઘરમાં લોકોને પૈસાની ચિંતા ન થાય એટલે સવારના કોલેજમાં પાર્ટ ટાઈમ લેકચરર તરીકે  નોકરી સ્વીકારી. અને બપોરના આર્ટ ગેલેરીના વ્યવસાયને જમાવવામાં લાગી ગયો. નોકરી છોડી ત્યારે જે પ્રોવિડેન્ટ ફંડની રકમ મળી તે વ્યવસાયમાં લગાવી દીધી. અને સુરતમાં આમ પ્રથમ અને એકમાત્ર આર્ટ ગેલેરી શરુ થઈ. પણ ફ્લેટમાં આર્ટ ગેલેરી કઈ રીતે ચાલે એટલે તેણે આર્કિટેકટ્સના સંર્પકો કર્યા. ધીમે ધીમે લોકોને આર્ટ ગેલેરીનો ખ્યાલ આવવા લાગ્યો. પણ શરુઆતમાં ઓજસે સવારના કોલેજમાં છોકરાઓને ભણાવ્યા બાદ બપોરે એકથી રાત્રે નવ વાગ્યા સુધી દિવસના તેર ચૌદ કલાક કામ કર્યુ. આવક નોકરી કરતા ઓછી હતી પણ કામમાં મજા આવતી હતી. ધીમે ધીમે તેણે ફ્લેટ વેચીને  2300 સ્કેવર ફુટની જગ્યા લઈને તેને આર્ટ ગેલેરી તરીકે વિકસાવી. આજે આર્કિટેક્ટ્સ જ નહીં અન્ય લોકો પણ તેની આર્ટ ગેલેરીમાં આવે છે. નોકરીમાં આજે કદાચ તે પૈસા વધુ કમાતો હોત પણ પોતાની આર્ટ ગેલેરીમાં જે આનંદ આવે છે તેનું મુલ્ય ન હોય એવું કહેતા ઓજસ કહે છે, એક તો આ વ્યવસાયમાં લોકો તમારી સાથે ખૂબ સલુકાઈ પર્વક વાત કરે. બીજું, ગેલેરીમાં રોજના પાંચ કે છ જ ગ્રાહકો આવે એટલે બાકીના સમયમાં હું મનગમતું સંગીત સાંભળું, વાંચુ અને કોલેજમાં ભણાવવાની તૈયારી કરુ કે મિત્રો સાથે ફોનમાં કે કોમપ્યુટરમાં ચેટ કરું. કોલેજમાં ભણાવવાની મને મજા આવવા લાગી અને પ્રિન્સિપાલે મારી લોકપ્રિયતા જોઈને મને કાયમી કર્યો. એટલે કોલેજમાં હું મારી મોજ માટે ભણાવું છું અને આર્ટ ગેલેરીતો મારો વ્યવસાય છે. નોકરી ન છોડી હોત તો મેં કોલેજમાં ભણાવવાનું પણ ન કર્યુ હોત આમ , મને મારામાં રહેલી છુપી પ્રતિભા પણ નવી શરુઆતને લીધે મળી. આજે તો મારી ગેલેરીની જગ્યાની કિંમત અઢી કરોડ રુપિયા છે. અને મારા ઘરની લોન પણ મેં પુરી કરી દીધી છે. અત્યાર સુધી હું આર્ટ ગેલેરીને ચલાવવાના જ પ્રયત્ન કરતો હતો. હવે હું સ્થિર થયો અને હવે હું ગાડી ખરીદી શક્યો છું. અને ગાડી ચલાવતા પણ હવે જ શીખી રહ્યો છું. કહેતાં ઓજસ જરા અટકે છે અને કહે છે, અઘરું છે મોટી ઉંમરે ગાડી ચલાવતાં શીખવું , કોન્ફિડન્સ આવતા વાર લાગે પણ નવી શરુઆત કરવાની મજા તો છે જ. કહેતાં તે હસી પડે છે.

જીવનને નાના નાના ટુકડામાં ન જોવી જોઈએ. – શ્રેયા સંઘવી શાહ

વડોદરામાં 44 વરસિય શ્રેયાની સાથે એક પંદર વરસનો તનય  અને એક બે વરસનો અન્વય નામના  દિકરાઓ જોઈ નવાઈ લાગે. સહજ ખ્યાલ આવે મોટી ઉંમરે બીજો દિકરો આવ્યો હશે. તો આછું હસતાં શ્રેયા કહે , હા, ચાલીસ વરસ બાદ મા બનવું કેટલું મુશ્કેલ છે તે પણ મને સમજાયું. પણ મારા પતિ સંજયને અમારા બાળકની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે. અમારા ચહેરા પર નવાઈની રેખાઓ જોઈ શ્રેયા કહે આ મારા બીજા લગ્ન છે. સાત વરસ પહેલાં જ કર્યા.... કહીને ગાલે ખંજન પાડતું હાસ્ય વિકસે છે જરા અટકે છે અને આગળ માંડીને વાત કરે છે. ... જીવનની આ નવી શરુઆત કરવાની હતી પણ એ ય સહેલી નહોતી. પણ હું માનું છુ કે જીદગીંને આપણે નાના ટુકડાઓમાં જોઈએ છીએ અને દુખી કે સુખી થઈએ છીએ. જીવનમાં એજ બનતું હોય છે જે આપણા નસીબમાં લખાયેલું હોય છે.
શ્રેયા વિશે વધુ જણાવું તો તેણે પ્રથમ પ્રેમ લગ્ન કર્યા હતા સંજય નામની જ વ્યક્તિ સાથે લગ્ન બાદ તનયનો જન્મ થયો. અને એક તબક્કે બન્નેને લાગ્યું કે સાથે નહીં રહી શકાય એટલે તેમણે છૂટાછેડા લીધા. ત્યારબાદ શ્રેયાએ લગ્ન નહોતા કરવા પણ તનયને પિતાની જરુર જણાતી હતી અને તેને પોતાને પણ સમય જતા લાગ્યુ કે એક સ્ત્રિ તરીકે મારે ઘર હોય, પતિ હોય અને પરિવાર હોય. શ્રેયા કહે છે કે, જેની સાથે મારો ઋણાનુબંધ નહોતો તેની સાથે ન રહેવાયું તે જો સ્વીકારી શકું તો  બીજા લગ્ન પણ ઋણાનુબંધ હોય તો જ શક્ય થઈ શકે ને. બીજા બાળક માટે હું નકારાત્મક હતી  થતું હતું કે હવે આ ઉંમરે કઈ રીતે ડિલિવરીની પ્રોસેસ હેન્ડલ કરીશ. પણ આજે આ બાળક મોટું થઈ ગયુ અને મન પરનો ભાર ઓછો થવા લાગ્યો. સાચું કહું તો મેં જીવનમાંથી કશું જ ભૂંસવાનો પ્રયત્ન નથી કર્યો. કારણ કે હું નથી માનતી કે આવતી દરેક ક્ષણ વીતેલી ક્ષણની જેમ જ પસાર થશે. એટલે જ મારા બીજા પતિનું નામ પણ સંજય હોવા છતાં મને કોઈ જ વાંધો નથી આવ્યો. પાછળના અનુભવ પ્રમાણે જ આગલી જીંદગી જશે એવું માનીને જીવવું એ મુર્ખામી છે. વળી મારા પતિ સંજયે મારા દિકરા તનયને દિલથી સ્વિકાર્યો છે વળી સંજયની પણ આ નવી શરુઆત હતી. તેના પણ છૂટાછેડા થયા છે. અમે બન્ને એકબીજાની નવી શરુઆતનો આદર કરી શકીએ છીએ. મારા બીજા લગ્ન એરેન્જ મેરેજ છે. મારા માતાપિતાને મારી ઘણી ચિંતા હતી. મને તનયની ચિંતા હતી. આમ દરેક ચિંતાનો અંત આવ્યો. સાત વરસના મારા લગ્નજીવનને જોઉં છું તો મને કોઈ અફસોસ નથી. આ બન્યુ કારણ કે જ્યારે હું નવ વરસના દિકરા તનય સાથે હું સંજય સાથે પરણી ત્યારે હું પોઝિટીવ વિચારો સાથે નવી શરુઆત કરતી હતી. નવા ઘરમાં નવા સેટઅપમાં ગોઠવાવું સહેલું નહોતું. વળી હું અમદાવાદની એટલે મારે માટે તો વડોદરા શહેર પણ નવું હતુ. બધું જ એકસાથે બદલાયું.... અંદર બહાર સંઘર્ષો થયા પણ મને સમજાય છે  કે જીવવા માટે થોડીઘણી આધ્યાત્મિકતા કેળવવી પડે છે. વિપરિત સંજોગોની સામે જઝુમવા કરતા તેમાં ટકી જવું મહત્ત્વનું છે. મને મિત્રો સારા મળ્યા છે.તેમનો ભરપૂર પ્રેમ મળ્યો છે. કોઈ એક વ્યક્તિનો પ્રેમ  મળે તો જ જીવાય એવું હું નથી માનતી. એવું વિચારીને બીજી જે આપણી આસપાસની અનેક વ્યક્તિઓ આપણને પ્રેમ કરે છે તેને આપણે અન્યાય કરીએ છીએ.કોઈપણ સમય કાયમ નથી રહેતો. દરેક સમય પસાર થઈ  જ જાય છે પછી તે સારો હોય કે ખરાબ. આજે હું ખુશ છું મારા પતિ અને બન્ને બાળકો સાથે નવા શહેરમાં ધીમે ધીમે મારા મૂળિયા રોપી રહી છું.

સંજોગોએ મને નવી શરુઆત કરવા માટે મજબૂર કર્યો – હેનરી શાસ્ત્રી

હેન્રી શાસ્ત્રીને લગભગ દરેક મળનાર તેમના નામ વિશે સવાલો પુછે જ. હેન્રી નામ સાંભળીને લાગે કે કન્વર્ટેડ ખ્રિસ્તિ હોઈ શકે. તો પછી શાસ્ત્રી અટકનું શું તો પંચાવન વરસીય હેન્રીભાઈ હસતાં હસતાં કહે છે , અરે ભાઈ મારા પિતા ઈતિહાસ પ્રેમી હતા અને તે સમયે હું ઘરમાં નવમી વ્યક્તિ તરીકે જન્મ્યો હતો એટલે મારા પિતાએ હેન્રી નાઈન્થ કરીને મારું નામ પાડ્યુ. કારણ કે હેન્રી આઠ સુધી ઈતિહાસમાં નોધાયેલું છે. વળી તેમણે અઢી અક્ષરનું નામ પાડવું હતું કારણ કે મારા ત્રણે ભાઈના નામ સાડાત્રણ અક્ષરના હતા અને ઘરમાં ચાર, બે , ત્રણ અક્ષરના નામ ધરાવનાર હતા હેન્રી અઢી અક્ષરનું નામ હતું એટલે. ઈતિહાસ પુરો થયો પણ હેન્રીભાઈની વાત કરવાની હજી બાકી છે. હેન્રીભાઈ હાલમાં ઇનવેસ્ટસ્માર્ટ કન્સલટન્સના નામે શેર બ્રોકરનું કામ કરે છે. આ કામ કરવાની શરુઆત તેમણે 2005ની સાલથી કરી એટલે કે બરાબર છ વરસ પહેલાં. 45 વરસની વયે તેમણે શેરબ્રોકર તરીકે કામ કરવું પડશે તેની કલ્પના તેઓ આજેય સ્વિકારી નથી શકતા. તેમણે આ પહેલાં વીસ વરસ સુધી પત્રકારત્વ કર્યુ. ગુજરાતી અને મરાઠી  પેપરમાં તેમણે લેખ લખ્યા. તેમની કારર્કિદીની શરુઆત ગુજરાત સમાચાર અખબારથી થઈ. પછી ચંદેરી ષટકારમાં જોડાયા. તેની ગુજરાતી આવૃત્તિ બંધ થતા નિખલ વાગળેએ તેમને મરાઠી શીખીને મરાઠી મેગેઝિન માટે લખવાની તક આપી. આમ, મરાઠીમાં ય લખવા માંડ્યુ. પછી એજ ગ્રુપનું મરાઠી પેપર મહાનગર શરુ થવાનું હતું એટલે અખબારના અનુભવને મહાનગરને એસ્ટબ્લીશ કરવામાં હેન્રીભાઈની મદદ લેવાઈ. ત્યારબાદ ગુજરાતી મિડ ડે નવું છાપુ શરુ થતાં એમાં ફિચર એડિટર તરીકે જોડાયા. મિડ ડેમાં કામ કરતાં હતા ને 2004ના એપ્રિલ મહિનામાં માથેરાન ફરવા ગયા. ત્યાં ડુંગર પરથી 20 ફુટ નીચે પટકાયા ઝાડને આધારે લટકીને બચ્યા પણ શરીરમાં ઘણું વાગ્યુ હતું. પગમાં ફ્રેકચર થયું હતુ. લાંબો સમય પથારીવશ રહ્યા બાદ કાખઘોડી લઈને ચાલવું પડ્યું. આમ એક્સિડન્ટ બાદ પત્રકારત્વ છોડવું પડ્યું. એટલે આજીવિકા માટે તેમણે શેરબજારનું કામ શીખીને શરુ કર્યુ. કારણ કે તેમાં ઘરે બેઠા કામ કરી શકાતું હતું. એક્સિડન્ટને કારણે તેમણે નવી શરુઆત કરવી પડી. જો એક્સિડન્ટ ન થયો હોત તો આ નવી શરુઆત ન કરી હોત. હેન્રીભાઈ આજે પણ તે દિવસો યાદ કરતાં ઉદાસ થઈ જાય છે. તેઓ કહે છે, ઘરે બેસીને શું કામ થઈ શકે તેની કોઈ જ ખબર નહોતી. ભવિષ્ય કંઈ દેખાતું જ નહોતું. પણ મારા સાળાએ શેરબજારની લાઈન સુચવી. સાચું કહું તો તે સમયે શેરબજારનું નામ જ સાંભળેલું એ સિવાય કશી જ ગતાગમ મને નહોતી. 2008માં તેમાંય સેટબેક આવ્યુ એટલે શેરબ્રોકરેજ ઉપરાંત લોકોને  અંગ્રેજી સ્પિકિંગ અને કોમ્યુનિકેશનના પ્રાયવેટ ટ્યુશન પણ આપ્યા. આ પરાણે કરેલી શરુઆત છે. ચાલ્યા સિવાય છુટકો જ નથી. કામ કરું છું. હવે સારું ચાલે છે. તકલીફોનો સામનો કરવાની આદત પડી ગઈ છે. બાકી આ રીતે ભગવાન કોઈને પણ નવી શરુઆત ન કરાવે. ખરુ કહું છું અકસ્માત ન થયો હોત તો મને નથી લાગતું કે હું ક્યારેય શેરબજારનું કામ કરત. જીવનમાં બદલાવ આવે છે અને તેને સ્વિકારવો પડે છે. જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ ઓર શામ.

આજે હું જે કાંઈ છું તે મારા પિતાજીના પુણ્યને લીધે છું – સી બી પટેલ

પંચોત્તેર વરસીય ચન્દ્રકાન્ત બાબુભાઈ પટેલ આજે સી બી પટેલના નામે લંડનમાં પ્રસિધ્ધ છે. ગુજરાત સમાચાર (લંડનથી પ્રકાશિત થતું વીકલી છાપુ) અને એશિયન વોઈસના તંત્રી અને પ્રકાશક સી બી પટેલ મોટું નામ છે. પણ સહજ અને સહ્દય વ્યક્તિ છે. તેઓ ગૌરવભેર કહે છે કે મારા પર સરસ્વતી અને  લક્ષ્મી માતાની અઢળક કૃપા છે.  1975ની સાલમાં તેમણે પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ કર્યો. જે અનાયાશે થયો એમ પણ કહી શકાય અને તેમના પિતાની ઈચ્છા હતી કે તેઓ કંઈક અક્ષરજ્ઞાનનું કામ કરે એટલે પણ તેમણે પત્રકારત્વના ક્ષેત્રે પ્રવેશ કર્યો એવું સ્વિકારવાનું પણ તેમને વાંધો નથી. સીબી પટેલ મૂળ ભાદરણ ગામના વતની. ભાદરણમાં પણ તેમના ઘરે સમૃધ્ધિ હતી. તેઓ 1966માં લંડન એલએલબી કરવા ગયા હતા. પણ ફાઈનાન્સિયલ પ્લાનર માટે એટલે કે યુનિટ લિન્કડ ઈન્સ્યુરન્સના એજન્ટ   બન્યા અને થોડો જ વખતમાં તેમણે 2200 પાઉન્ડ કમાઈ લીધા. આમ ઇન્સ્યુરન્સના કામ સરસ રીતે ચાલવા લાગતા તેમણે એલએલબીની પરિક્ષા ન આપી. જે પૈસા કમાયા તેમાંથી પ્રોપર્ટીમાં રોકાણ કરવાનુ શરુ કર્યુ તેમણે રિટેલ દુકાનો ખરીદી. આમ સમય જતાં ત્રીસથી વધુ દુકાનો ખરીદી અને વેચી પણ. 1972ની સાલમાં તેમનો દિકરો બે કે અઢી વરસનો હશે તેને લઈને ભારત આવ્યા. તેમના પિતાજીએ પચાસ વરસની ઉંમરે  બધી સમૃધ્ધિ , સંસારનો ત્યાગ કરી સંન્યાસ લીધો હતો. એટલે તેમને ઘણા વખતથી  મળવાનું બન્યુ ન હતું. પણ તેઓ જ્યારે ભારત આવ્યા ત્યારે ખબર મળ્યા કે તેઓ કરનાલીમાં છે એટલે પરિવાર સાથે તેમને મળવા ગયા. તેમના પિતાજી શણના કપડાં પહેરતા એટલે કાથી બાવા તરીકે ઓળખતા હતા. બધા મળવા ગયા તેનાથી કાથીબાવાને ગુસ્સો આવ્યો કે હવે સંસારને અને તેમને શું. પરંતુ, બાળપણમાં સી બી પટેલ કરનાલી પિતાજી સાથે આવીને ઘણો સમય રહ્યા હતા . એટલે  તેમના પિતા જેમને હવે તેઓ સ્વામી કહેતા હતા તેમની સાથે નર્મદાને કિનારે ચાલતા વાતે વગળ્યા.  સી બી પટેલે ચાલતાં ચાલતાં પોતાના વ્યવસાયની દુકાનોની અને પૈસા કમાય છે તેની વાતો કરી તો સ્વામીજી કહે , તેરે કો કુત્તા કાટ ગયા હૈ... પૈસાની વતો કરવી હોય તો બીજીવાર અહીં ન આવીશ. ચિંતન કર તેનાથી ચેતના આવશે. અક્ષરજ્ઞાનનું કંઈ કામ થાય તો કર. તેમના પિતા ચારેક જ ચોપડી ભણ્યા હતા પરંતુ, તેમને વાંચનનો શોખ.  અખંડ આનંદ, પરિચય પુસ્તિકા વગેરે વાંચતા જ . એટલે તેમનું કહેવાનું હતું કે આવું કંઈક કર તો ખરું. સી બી પટેલ કહે છે કે , લંડન પરત આવી ઘણો વિચાર કર્યો , પણ શું કરવું સુઝે નહીં. પિતાજીની વાત ખોટી નહોતી તે મને સમજાતું પણ મને વેપાર સિવાય કશીજ ખબર પડતી નહીં. જનરલ સ્ટોર્સ, દવાની દુકાન, કપડાંની દુકાનો એમ અનેક જાતની દુકાનો મારી પાસે હતી.સમય જતા  એકાદ વરસ બાદ હું લંડનના સાઉથ વેસ્ટમાં આવેલ થિયોસોફિકલ લોજમાં ત્રણ દિવસ મનન ચિંતન અને વાંચન માટે રહેવા ગયો. ત્યાં મારા હાથમાં પુસ્તક આવ્યુ લાઈફ બીગન્સ એટ ફોર્ટી તેની મારા પર અસર થઈ કારણ કે હું પણ બે ત્રણ વરસમાં ચાલીસનો થવાનો જ હતો. મને સમજાયું કે ગાડીનો પાટો બદલવો હોય તો વ્યવસ્થિત આયોજન કરવું પડે. તે સમયે એટલે કે 1975માં હું વિપુલ કલ્યાણીના સંપર્કમા આવ્યો અને મારો પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ થયો. મારા પિતાના બોલ મને યાદ આવ્યા. મેં ગુજરાત સમાચાર સાપ્તાહિક ખરીદ્યુ અને ચલાવવા માંડ્યું તે એપ્રિલ 1976થી. શરુઆતમાં તો ભૂલો અને ખોટ પણ કરી. ગુજરાત સમાચારને પગભર કરવા  માટે મારે દર ત્રણ મહિને એક દુકાન વેચવી પડતી. ખૂબ પીડા થતી ઈમોશનલ પીડા કારણ કે પહેલાં દુકાનો ખરીદતો , ચલાવતો અને વેચતો જેમાંથી હું સારા એવા પૈસા કમાતો હતો. પ્રકાશક , તંત્રી બન્યા બાદ હું પૈસા તોડતો હતો કમાતો નહતો. લોકો પણ કહેતા કેટલી દુકાનો વેચશો. પણ હું હિંમત ન હાર્યો. પિતાજીના વચનો અને ભગવાનમાં મને ખૂબ શ્રધ્ધા હતી અને આજે પણ છે. આજે મારા અંગ્રેજી અને ગુજરાતી સાપ્તાહિક પગભર થઈ ગયા છે. અને હું એન્જોય કરું છું. હા દુકાનો હવે એકપણ મારી નથી. દુકાનો હોત તો હું વધુ પૈસાદાર હોત પણ આજેય સમૃધ્ધ છું સફળ છું. મારા જીવનની નવી શરુઆત મારા પિતાજીના પુણ્યબળે જ થઈ છે એવું હું માનું છુ.  મારા દાદા મણિલાલ અને પછી મારા પિતા  જે અક્ષર પુરષોત્તમમાં શ્રધ્ધા ધરાવતા હતા તેમના પુણ્યને લીધે પ્રમુખ સ્વામીના પણ આર્શિવાદ અને પ્રેમ મળે છે. સમાજમાં  મારા આદર માન છે તે આ નવી શરુઆતને કારણે જ નહીં તો પૈસાતો પહેલાં પણ કમાતો હતો અને આજે પણ કમાઉં છું. પણ માન, પ્રતિષ્ઠા અને લોકોનો પ્રેમ મને પત્રકારત્વના પ્રવેશે આપ્યો. હું કદી કોઈથી ડરતો નથી, ખોટું બોલતો નથી. તેનું કારણ મારા વડિલોના પુણ્ય અને સંસ્કાર જ છે. 

You Might Also Like

0 comments