કોને માટે જીવવાનું ? 5-9-12

21:22


ગયા વરસે ઈટ, પ્રે, લવ નામની અંગ્રેજી  ફિલ્મ રજુ થઈ હતી. તેમાં જુલિયા રોબર્ટ હતી. અને તેમાં ભારત પણ હતું. આ ફિલ્મ એલિઝાબેથ ગિલર્બટના બેસ્ટ સેલર પુસ્તક ઇટ, પ્રે, લવ  પરથી  બની છે. એલિઝાબેથે આ પુસ્તક ફિલ્મ માટે નહોતુ લખ્યું પણ તેના શબ્દોમાં જોઈએ તો , હું જીવનની સમસ્યાઓથી એટલી ઘેરાયેલી હતી કે તેમાંથી બહાર નીકળવા માટે મેં લખવાનો સહારો લીધો. મેં આ પુસ્તક મારા જીવનના પ્રશ્નોના ઉત્તર શોધવા માટે લખ્યું હતું. એટલે લોકો જ્યારે મને આ પુસ્તક વાંચીને કહેતા કે આમાં અમારા પ્રશ્નોના જવાબ છે તો મને નવાઈ લાગતી. પણ પછીથી મને સમજાયું કે દરેકના જીવનમાં સમસ્યા હોય છે પણ તેમાંથી બહાર નીકળવાનો માર્ગ કોઈને લખવાથી મળે છે, કોઈને વાંચવામાંથી મળે છે તો કોઈને મિત્રની સલાહ, સિમ્પથીમાંથી મળે છે.
એલિઝાબેથના લગ્નજીવનમાં અનેક તકલીફો હતી. તે રાતોની રાત બાથરુમની લાદી પર રડતાં રડતાં વિતાવતી. અને છેવટે તેણે પોતાના પતિથી છૂટા થવાનો નિર્ણય લીધો. કેટલાકની દ્રષ્ટિએ જોઈએ તો તેનું લગ્નજીવન એટલું ખરાબે પણ નહોતું. તેનો પતિ તેને મારતો પણ નહોતો. એલિઝાબેથ અહીં પ્રશ્ન પૂછે છે કે શું પતિ મારતો હોય તો જ ફરિયાદ કે સમસ્યા  હોઈ શકે ? મને પ્રશ્નો થતાં જે અનેક લોકોને ક્યારેકને ક્યારેકતો થતાં જ હશે ? મને થતું કે હું કોનું જીવન જીવી રહી છું ? આ શરીર કોનું છે ? ક્યા મુલ્યો માટે આ જીવન જીવી રહી છું ? મને લાગતું હતું કે હું મારું જીવન તો જીવી જ નહોતી રહી. આ પ્રશ્નો મારા માટે સમસ્યા બની ગયા હતા. પતિથી અલગ થવાનો પર્યાય બની રહ્યા હતા . હું જ્યારે વીસ વરસની વયે પરણી નવું ઘર લેવાયું. બધું નવું થતું ગયું. ત્યારબાદ પણ સતત સફળતાની સીડીઓ ચડતી વખતે મેં ક્યારેય ના શબ્દનો ઉપયોગ ન કર્યો કારણકે તે મારો પોતાનો અભિપ્રાય હોત. પણ જ્યારે બાળકો પેદા કરવાની વાત આવી ત્યારે મને લાગ્યું  કે માતા બનવા માટે હું તૈયાર નથી. મારે ના કહેવાની આવી. સ્વાભાવિક છે ઘર્ષણો થવાના જ. મારે વિચારવું પડે એમ હતું કે મારે લગ્નજીવન ટકાવવું કે નહીં. ખરું જોઈએતો મારા નિર્ણય કે ઇચ્છાની કોઈ કિંમત હતી કે નહીં તે વિચારવાનું હતું. તમે કોઈને પ્રેમ કરતા હો સાથે રહેવું હોય પણ .... તે છતાંય જુદા થવાનો નિર્ણય લેવો પડે તમારા અસ્તિત્વને ટકાવવા માટે ત્યારે મુશ્કેલીઓ વધુ તાવે છે. મેં ભગવાનને સતત  પ્રાર્થના કરી કે હું મારા માટે કોઈ નિર્ણય લઈ શકતી નથી. તું મને સાચા રાહે લઈ જવામાં મદદ કર. અને ખરું કહું તો પ્રાર્થનાએ જ મને બળ આપ્યું અને મારા જીવનનો મુશ્કેલ નિર્ણય હું લઈ શકી.
છૂટાછેડા લીધા બાદ એલિઝાબેથને પોતાના જાણીતા માહોલ, શહેરથી દૂર ભાગી જવાની જરુરત લાગી. અને તેણે પ્રવાસ પર નીકળી જવાનો નિર્ણય લીધો. જેથી તે પોતાની જાત સાથે જોડાઈ શકે. જીવનને માણી શકે, જીવી શકે પોતાની રીતે. તેણે પુસ્તકમાં જે ક્રમ લખ્યો છે તે જ રીતે તેણે પ્રવાસ આદર્યો પોતાના હ્રદયને સમજવાનો. એલિઝાબેથ એન્ટી ડિપ્રેશનની ગોળીઓ ખાઈ રહી હતી અને તે માનસિક જ નહીં શારિરીક રીતે પણ ભાંગી પડી હતી. એટલે  પહેલાં તેણે ઇટલી જઈને ખાવાનો આનંદ માણ્યો. આપણામાં કહેવત છેને કે ભૂખે ભજન ન થાય તેમ ,ચાર મહિના ઇટલી રહી શારિરીક અને માનસિક સ્વથતા મેળવ્યા પછી તે ભારત આવી યોગ કર્યો,  પ્રાર્થના કરી બહારથી અંદરની યાત્રા કરી આંતરીક સ્વસ્થતા મેળવી.  પછી તે બાલી ગઈ ત્યાં પ્રેમ મેળવ્યો અને જીવનનું ખોરવાયેલું બેલેન્સ પાછું મેળવ્યું.બાલીમાં તેને સાચો જીવનસાથી મળ્યો અને તે પરણી ગઈ.  
તેણે જ્યારે પ્રવાસ આરંભ્યો હતો ત્યારે એકલી જ નીકળી હતી. ઇટલી,ભારત કે બાલીની ભાષા તેને નહોતી આવડતી. પણ તેને જરુર હતી પોતાને જીવનમાં શું જોઈએ છે તે જાણવાની. આજે તે દરરોજ  ત્રણ બાબત કરે છે તે આપણને ય ઉપયોગી થઈ શકે, તે રોજ ડાયરી લખે છે. તેમાં રોજ સવારે પ્રશ્ન પૂછે છે કે જીવનમાં તેને ખરેખર શું જોઈએ છે  ? દરરોજની સૌથી આનંદભરી ક્ષણને તે લખે છે. અને છેલ્લે તે નવા હકારાત્મક વિચારને પોતાના મનમાં ઘૂંટીને પોતાના જીવનને વર્તમાનની દરેક ક્ષણને પોતાની રીતે પ્રામાણિકતાથી જીવવાનો પ્રયત્ન કરે છે.
એલિઝાબેથ કહે છે કે જીવન એક યાત્રા છે તેને માટે મારી જેમ બહાર નીકળવાની જરુર નથી. કે મારી જેમ જીવવાની જરુર નથી. તમારે તમારી ભીતરનો અવાજ સાંભળવાનો છે. અને તેને અનુસરવાનો છે. દરેકે પોતાનું જીવન પોતાની ઇચ્છામુજબનું જીવવું જોઈએ. બીજાનું જીવન તમને આનંદ ન આપી શકે. તમને પિત્ઝા ખાવાનો આનંદ આવતો હોયતો જરાય ગુનાહિત ભાવ લાવ્યા વગર તેણે માણતા શીખો. પોતાની જાતને પ્રશ્નો પૂછતા શીખો. 

You Might Also Like

3 comments

  1. Beautiful! Fulchhab column of yours is going to rock for sure. And personally, I feel, it is going to be my favorite out of your all 3 columns! Congrats and all the best!

    ReplyDelete
  2. hmmm....koi pan prakar ni samjuti saathe juvavu...etele...gulaami ma jivavu...!!!

    ReplyDelete