લુઝર ડાયરી - 4 12-12-12

01:45


ઉપપપસ... ગયું આખું અઠવાડિયું ચાલવા નથી જવાયું. છેલ્લા બે દિવસથી તો લુઝર ડાયરીમાં શું લખું તે વિચારતા થયું કે લખવાનું પણ માંડી વાળવું જોઇએ. પણ ના... વાદા કિયા તો નિભાના પડેગા... પણ તો પછી મારી જાત સાથેના વાયદામાં કેમ હારી જાઉં છું ? સારું છે અહીં માત્ર તમે મને વાંચી શકો છો. જોઇ શકતા હોત તો થાત કે અઠવાડિયામાં કેમ આટલો ફરક ...
ખેર, દર નવા વરસે આપણે આપણી જાતને બદલવાનો વાયદો કરીએ છીએ. એટલે કે દરેકને કોઇને કોઇ આદત છોડવી હોય છે કે કંઇક નવું કરવું હોય છે પણ એકાદ દિવસ ઉત્સાહથી ચાલે અને પછી જૈસે થે... આપણે આપણી જાતને ખાસ પૂછતા નથી. જવાબ નથી માગતા એટલે વાત ત્યાં પતી જાય છે. વજન ઉતારવાની વાતમાં ય આવું જ મોટાભાગના સાથે બને છે. કાશશશશશ..... વિચારવા માત્રથી દરેક બાબત થઈ જતી હોત તો ..... આવું વિચારતા મનને સમજાવવું પડે છે કે થશે એ પણ થશે વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે. મનને મોટીવેટ કરવાના દરેક લેખો , પુસ્તકો વાંચી જઇએને તોય મન જેટલું મોટીવેટ થવું હોય છે તેટલું જ થાય છે. લખવાનો , ફેસબુક જોવાનો, વાંચવાનો , ટીવી જોવાનો , સૂઇ જવાનો કંટાળો નથી આવતો કે મનને મોટીવેટ નથી કરવું પડતું. પણ કસરત કરવા માટે કે ચાલવા જવા માટે મનને કેટકેટલું મનાવવું પડે છે.
દરરોજ છાપામાં એક યા બીજા પ્રકારે છપાતાં બેઠાડું જીવનના ગેરફાયદા ખુદને જ વાંચી સંભળાવું છું. વજન ઉતારવાના અને કસરત કરવાના ફાયદાઓ વિશે અનેક લેખો વાંચ્યા છે અને લખ્યા છે. આ લેખો વાંચવા કે લખવાથી કેટલી કેલેરી બળે કોઇ કહેશે... પણ જીવનમાં ઊતારવું અઘરું છે. લખવાની ડેડલાઈન, ઘરનું કામ, ઠંડી ,ગરમી , માંદગી.... આળસ એનું શું કરવું તે સમજાતું નથી. ફક્ત કસરત કે ચાલવા જવાની આળસ... ફિલ્મ જોવા જવું હોય કે મિત્રોને મળવા જવું હોય... કે પછી સાહિત્યના સેમિનારમાં જવું હોય... બંદા કોઇપણ રીતે તૈયાર પણ કસરત ઘેરબેઠાં પણ નથી થતી. પત્રકારનો જીવ રહ્યો ને એટલે આવું કેમ થાય છે તે વિશે સંશોધન કરવું પડશે એવું મને લાગે છે. તમારી પાસે આનો કોઈ જવાબ હોય તો લખી શકો.... મારા જેવા અનેકને તે ઉપયોગી થશે. 

You Might Also Like

0 comments