જીવંતતાના ગુલાલનો રંગ ફિક્કો પડતો નથી....

02:19




કેટલીક વ્યક્તિઓ સમાજ સેવા કરવા માટે સંસ્થા સ્થાપે તો કેટલીક વ્યક્તિઓ પોતે જ હાલતી ચાલતી સંસ્થા જેવુ જીવન જીવતી હોય છે.  જો કે આવી નિસ્વાર્થવૃત્તિ સાથે જીવવું અઘરું છે પણ મુશ્કેલ નથી તેવું આપણા લેખક અશ્વિની ભટ્ટે સાબિત કરી આપ્યું. જીવનને જીવવાના અનેક રસ્તાઓ આપણી સમક્ષ હોય છે , પુસ્તક કે કોઇનું જીવન આપણને પ્રેરણા આપી શકે. તો એવું ય બને કે આખીય જીંદગી વીતી જાય અને જીવનની સીમારેખાને ઉલ્લંઘીને એક ડગલું પણ આગળ ન ચાલી શક્યા હોઇએ. અશ્વિની ભટ્ટ એવી વ્યક્તિ હતા કે તેઓ જીવનને ગુલાલની માફક ઊડાડીને મસ્તીથી જીવ્યા. ગુલાલ એટલા માટે કે તેમના સંપર્કમાં આવનાર દરેકને જીવંતતાનો સ્પર્શ થયા વિના ન રહે.તેઓ ખૂબ લોકપ્રિય લેખક હતા કારણ કે તેઓ લોકોને ગમે તેવી રીતે નવલકથાને લખતા. હું મારા માટે લખું છું કે મારા માટે જીવું છું એવો કોઇ વાક્યપ્રયોગ તેમની ડિકશનરીમાં નહોતો. એટલે જ તેમના ઘરના , મનના ,હ્રદયના બારણા  દરેકને માટે ખુલ્લા રહેતા. તેમની નજીક જેઓ ન જઇ શક્યા તેમાં આપણી કહેવાતી માનસિકતા જ ક્યાંક નડતી હોય છે. બાકી તેઓ દરેકને ખુલ્લા હાથે સ્નેહથી આવકારતા.
સારા લેખકને વાંચીને તેમને મળવાની કે સંપર્ક કરવાની ઇચ્છા દરેકને થાય પણ તેમને ગમશે કે નહીં ? આવકારો મળશે કે નહીં ? તેવી શંકા સંપર્ક કરતાં રોકતી હોય છે. અશ્વિની ભટ્ટ લેખક તો હતા જ પણ સૌ પહેલાં તેઓ ખરા માણસ હતા એટલે તેમની આસપાસ રહેતા કે તેમને બારણે આવતા દરેકને હુંફાળો આવકારો મળતો. કલ્પના કરો કે તમારા ઘરમાં પાંચ રુમ છે. અને તમે બે જ વ્યક્તિ છો અને કોઇને થોડો સમય માટે એકાદ રુમની જરુર છે તમે આપી શકો  ? અશ્વિની ભટ્ટે પોતાના બંગલાનો પહેલો માળ લગભગ સાર્વજનિક કરી દીધો હતો. બાકી લેખકને એકાંત જોઇએ તેવી વાત આપણે સાંભળી જ છે. અહીં તો તેમના ઘરની બહાર ઊંટગાડીવાળાને કશે  જગ્યા ન મળે તો અહીં  ઊભા રહેવાની જગ્યા મળે. પાનવાળા કે ચાવાળાને રોજ પોતાનો સામાન રાત્રે મુકવા માટે જગ્યા તો મળે જ પણ પુછવું ન પડે એટલે બંગલામાં સામાન મુકવાની પરવાનગી રુપે ઘરની ચાવી જ મળે. આ સાંભળીને વિચાર આવે  કે આટલી હદે સાર્વજનિક ઘરમાં  રહેતો લેખક  સાચુકલો નહીં પણ કોઇ નવલકથાનું પાત્ર જ હોઇ શકે. પણ પંચોત્તેર વરસની વયે દલ્લાસમાં અવસાન પામનાર અશ્વિની ભટ્ટના જીવનમાંથી પ્રેરણા લેવા જેવી છે કે જીવનની અંતિમ પળ સુધી જીવંતતાને જાળવી શકો.
  આજે જ્યારે દરેક વ્યક્તિને શંકાની નજરે અને સ્વાર્થની નજરે આપણે જોઇએ છીએ ત્યારે અશ્વિની ભટ્ટ જેવી વ્યક્તિ બીજાને પ્રેમ કરતાં  એવું ભરપુર જીવન જીવ્યા કે તેમનું મૃત્યુ પણ જીવંત બની ગયુ હતું. લાંબી નવલકથા લખતા આ લેખકને એકવાર મળનાર કે સતત મળતા મિત્રોના મોઢે ક્યારેય પણ એવું સાંભળવા નથી મળ્યું કે તેમની પાસે સમય નહોતો. રાતોની રાતો વાત કરતાં આ લેખકના ઘરે ગરીબ ખેડૂત પણ રહેવા જઈ શકે. અને મેધા પાટકર પણ પોતાની મિટિંગ કરી શકે. કે પછી પત્રકારો પણ ત્યાં જઇને પ્રેરણા લઈ શકે.
 લેખક થયા એટલે મૂડી રહેવું ,આસપાસની ઘટનાઓથી અનભિજ્ઞ રહેવું એવું નહીં ઊલ્ટાનું યા હોમ કરીને તેઓ નર્મદા બચાવ આંદોલન માટે ફક્ત લખવા માત્રથી અટકી નહોતા ગયા. તેના માટે કામ કરવા પહોંચી ગયા હતા. આખો દિવસ ચાલીને કે થાકેલા ચળવળકારોના પગ દબાવવા પણ બેસી ગયા હતા. અને તે વિશે ક્યારેય ડંફાશભરી વાતો નથી કરી. જેમણે પોતાનું ઘર અને જીવન લોકોને માટે જ જાણે હસતાં રમતાં જીવવાનું નક્કી કર્યું હતું. મૃત્યુને માત આપતા પેસમેકર સાથે ફરિયાદ કર્યા વગર સતત હસતાં અને જીવન ગુલાલ ઊડાડતા જીવતાં અશ્વિની ભટ્ટના જીવનમાંથી  એક વાતની પ્રેરણા લેવા જેવી છે કે લોકોને જેવા છે તેવા સ્વીકારવા, પ્રેમ કરવો અને તેમને સારું જીવન જીવવા માટે બીજું કંઇ નહીં પણ પ્રોત્સાહનના બે શબ્દો તો કહી જ શકીએ.અને આપણાથી શક્ય હોય તેટલું તો કરી જ શકીએ.  અહીં આ કોલમમાં જ્યારે પૈસા વિના જીવતી વ્યક્તિની વાત લખી ત્યારે અનેક જણે સવાલ ઊઠાવ્યો આવું જીવન જીવવું દરેક માટે સહેલું નથી. કે પછી આખી વાતને જ મૂર્ખામીભરી કહી દીધી. ત્યારે આપણી આસપાસની વ્યક્તિઓને ફક્ત માનવ તરીકે પ્રેમ કરવાની પ્રેરણા તો લઈ જ શકાય. ઉમાશંકર જોષીની પંક્તિઓ યાદ આવે છે.... હું માનવી માનવ થાઉં તો ઘણું... 

You Might Also Like

0 comments