મેરેથોનના ઇતિહાસની મેરેથોન યાદો....

02:11


(મુંબઈમાં મેરેથોનની શરુઆત 2004ની સાલથી શરુ થઈ... એક આંતરરાષ્ટ્રિય રેસ તરીકે તેને ખ્યાતિ મળી છે.)
દોડવું એ સ્પોર્ટસનો ભાગ હોવા છતાં દોડનું પોતાનું એક આગવું મહત્ત્વ છે. દોડવું દરેક માટે અઘરું હોય છે. અને છતાં જીવનમાં ક્યારેક ને ક્યારેક વ્યક્તિએ દોડવું જ પડતું હોય છે. દોડવું એ પ્રતિક છે કશુંક પાછું મેળવવા માટે અથવા કશાકથી ભાગી છૂટવાનું . અને એટલે જ દોડવીરો હંમેશા કોઇક કારણ સાથે દોડતા હોય છે. રવિવારે મુંબઈમાં યોજાનારી મેરેથોન દોડમાં અનેક લોકો કોઇક કારણોસર દોડવાના છે. કારણ વગર દોડવાનું ભાગ્યે જ કોઇ પસંદ કરે. ટોમ હેન્ક અભિનિત હોલિવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પમાં હિરો પહેલાં રેંગીગથી બચવા માટે લંગડા પગે દોડે છે અને તે લંગડાપણામાંથી મુક્ત થાય છે. તો પછી યુવાન થયા બાદ બસ કોઇ કારણવગર મહિનાઓ સુધી દોડે છે. અને કારણ વગર જ તે દોડને પુરી કરે છે. પણ હકિકતમાં આવું કદી બન્યું હોવાનો ખ્યાલ નથી. મુક્તિની અભિવ્યક્તિ તે દોડ છે. એટલે જ મેરેથોનમાં અનેક ગ્રંથિઓ, ગરીબી , બિમારીઓ અને રેકોર્ડ બ્રેક કરવા માટે લોકો દોડે છે. દોડનો બીજો અર્થ ભાગવું કરવામાં આવે છે પણ  મેરેથોનમાં ભાગવું એટલે એસ્કેપઝિમ નહીં પણ મુક્તિ તરફ ભાગવું તે  અર્થ કરવામાં આવે છે.
* પ્રથમ મેરેથોન 1896ની સાલમાં ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી તેનું કારણ હતું. ઐતિહાસિક તહેવારની ઉજવણી. તે સમય ગ્રીક સદીઓ બાદ ગુલામીમાંથી મુક્ત થયું હતું.
* 1912થી સાન ફ્રાન્સિસકોમાં બે ટુ બ્રેકર મેરેથોન શરુ થઈ. 1906ની સાલમાં ત્યાં થયેલા વિનાશક  ધરતીકંપમાં હામ હારી બેસેલા લોકોમાં નવો જોમનો ઉત્સાહ જગાડવા માટે લોકોએ દોડ લગાવી હતી.
* દક્ષિણ આફ્રિકામાં  1921ની સાલથી 89 કિલોમીટરની  કોમરેડ મેરેથોનની શરુઆત થઈ. પ્રથમ વિશ્વયુધ્ધ સમયે કેટલાય કોમરેડે પોતાનું બલિદાન આપ્યું હતું તેમની યાદને જીવંત રાખવા માટે આ દોડની શરુઆત થઇ.
*1924ની સાલમાં  યુરોપે અનુભવેલ પ્રથમ વિશ્વયુધ્ધની ભીષણતાને ભૂલાવવા માટે સ્લોવેનિયાના નાનકડા શહેર કોસિસમાં આંતરરાષ્ટ્રિય પીસ મેરેથોનની શરુઆત થઈ.
* 1948ની સાલમાં લંડનમાં યોજાયેલ ઓલિમ્પિક વખતે પણ  યુરોપમાં થયેલ પ્રથમ વિશ્વયુધ્ધની ભીષણતામાં ટકી રહ્યાની ખુશાલીમાં અને દુનિયામાં શાંતિનો સંદેશ ફેલાવવા માટે વોર ટુ પીસ મેરેથોનનું આયોજન થયું હતું.
* 1946ની સાલમાં બોસ્ટનની મેરેથોનમાં અત્યાર સુધીની ખૂબ જ ભાવૂક વિજય નોંધાયો હતો. બીજા વિશ્વ યુધ્ધમાં પોતાના દેશને મદદ કરવા બદલ ગ્રીકનો દોડવીર સ્ટાઇલિનો કાઈરીકિડ્ અમેરિકાનો આભાર માનવા માટે અને યુધ્ધ બાદ દુકાળગ્રસ્ત ગ્રીસની પડખે ઊભા રહેવાની વિનંતી સાથે મેરેથોન દોડી રહ્યો હતો. કેટલાય વિઘ્નો વચ્ચે જ્યારે તે જીત્યો ત્યારે લોકોની આંખોમાં આંસુ હતા.
* તેના એક વરસ બાદ ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન થયું. કોરિયન યુ બો સુને એક અમેરિકને બોસ્ટન મેરેથોન માટે સ્પોન્સર્ડ કર્યો અને તે જીત્યો ત્યારે એણે પોતાના દેશની તકલીફો વિશે દુનિયાને માહિતગાર કર્યા.
*1990ની સાલમાં બર્લિનની દિવાલની બન્ને બાજુને સાંકળી લેતી પહેલીવાર મેરેથોનનું આયોજન થયું બ્રાન્ડેનબડ ગેટને ક્રોસ કરીને બીજી તરફ પ્રવેશ કરતા જ હર્ષોલ્લાસના નાદે ગગન ગજવી દીધું હતું. તે મેરેથોનને રન ફ્રી નામ આપવામાં આવ્યું હતું.
*1998ની સાલમાં બેલ્જિયમમાં પ્રથમ વિશ્વ યુધ્ધમાં મૃત્યુ પામનાર હજારો લોકોને અંજલિ આપવા માટે મેરેથોન ઇન પીસ નામે ત્યાંની સ્મશાનભૂમિમાંથી વિશ્વના દોડવીરોએ દોડીને તેમના બલિદાનની યાદ તાજી કરી હતી.
મૃત્યુની સામે જીવનની દોડનો ઇતિહાસ રોમન કાળથીય પુરાણો છે. સાહિત્યમાં ઇલિયડ નામના પ્રસિધ્ધ કાવ્યમાં પણ દોડની વાત છે. તેમાં પણ વિજયની દોડનો ઉલ્લેખ છે. મૃત્યુ પામેલાની ક્રિયા સમયે દોડવાની રેસની ક્રિયા પણ  હજારો વરસો પહેલાં ગ્રીસમાં અને અમેરિકાના ઇતિહાસમાં નોંધાયેલી છે. એજ રીતે આજે પણ અનેક લોકો મેરેથોનમાં કોઇકની યાદમાં દોડ લગાવતા હોય છે. અમેરિકાના ટ્વીન ટાવર ટ્રેજેડી બાદ ત્રાસવાદી હુમલામાં મૃત્યુ પામેલા સ્વજનો માટે લોકો દોડ્યા હતા. આવા સમયે દોડનારાઓ વિચારે છે કે અમે મૃત્યુની સામે હારીને બેસી નહી રહીએ. પણ તેને આંબવાની ઇચ્છા અહીં પ્રગટ થાય છે. અહીં પ્રશ્ન જરુર થાય કે શા માટે દોડવાની સ્પર્ધા. કોઇકની યાદમાં ફુટબોલ, ટેનિસ કે ક્રિકેટ રમી શકાય પણ તે દરેક માટે અનેક સાધનો , સજ્જતા અને આયોજનની જરુર પડે છે. જ્યારે દોડવા માટે કશાની જ જરુર નથી હોતી. ફક્ત આત્મવિશ્વાસથી કોઇપણ વ્યક્તિ સરળતાથી થોડું ઘણું પણ દોડી જ શકે છે. દોડવું તે સર્વાઇવલના ભાગ રુપે હોય છે તેવો અર્થ આપણા મનમાં ક્યાંક તો હોય જ છે. એટલે દોડવાની સાથે જીવનના કોઇક ઊદ્દેશને પુરવાર કરવાની વાત પણ જોડાઈ ગયેલી છે. દોડવાની ક્રિયા કરતી વખતે તમે એકાગ્ર થઈ જાઓ છો અને શરીરમાં ઊર્જાનો પ્રવાહ વધતો અનુભવાય છે. એટલે જ તિબેટ અને જાપાનમાં રનિંગ મોન્ક , દોડતા સાધુઓ જોવા મળે છે. તેઓ દોડીને પોતાની સાધના કરતાં હોય છે. દોડતા દોડતા તમારું શરીર તો સુદ્રઢ બને જ છે પણ સાથે આત્મવિશ્વાસ પણ વધતો હોય છે જેની અસરથી અનેક વિટંબણાઓ, માનસિકતાઓમાંથી મુક્તિનો અહેસાસ થાય છે અને એટલે જ દોડવાને અને મુક્તિને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. અને એટલે જ મેરેથોન વધુ લોકપ્રિય થઈ રહી છે. કારણ કે દોડવું તે આપણો સહજ સ્વભાવ છે કારણ સાથે કે કારણ વિના તે આપણે જ નક્કી કરવાનું હોય છે.  

You Might Also Like

0 comments