વડોદરાની સ્પેશિયલ કચોરી

07:38


હજી ગયા અઠવાડિયે વડોદરા જવાનું થયું. હાથમાં હતો દિવસ એક જ. મિત્ર શ્રેયા સંઘવી શાહના સ્કુટર પાછળ બેસીને જ્યુબિલી ગાર્ડન પાસે ખરીદી કરવાને ઇરાદે નીકળી. તો ત્યાં રસ્તા પર ખાણીપીણીના સ્ટોલ પરની સુગંધે મને શ્રેયાને પુછવા મજબુર કરી કે અહીંની સ્પેશ્યાલિટી શું .... શ્રેયા કહે કચોરી... તે મને તારકેશ્વર મહાદેવની બહાર એક રેકડી પાસે લઈ ગઈ. મિક્સ કચોરીનો ઓર્ડર અપાયો. તે પહેલાં અમે તારકેશ્વરમાં દર્શન કરી આવ્યા. મોટા ડેલા જેવા દરવાજામાંથી દાખલ થતાં ચારે બાજુ કોર્ટ યાર્ડ અને વચમાં મંદિર આસપાસ પહેલાં માળ સુધીનું બાંધકામ... આર્કિટેકચરમાં જાઝી ગતાગમ પડે નહીં પણ વરસો જુની મહારાષ્ટ્રીયન મંદિરની બાંધણી હોઇ શકે તેવું લાગ્યું. એકાદ વ્યક્તિ ત્યાં અંદર મંદિરમાં દેખાતા જાણવા મળ્યું કે ત્રણસો વરસ જુનું મંદિર છે. નિરવ શાંતિમાં એકલું એકલું ભવ્ય ઇતિહાસના ગીત ગાતા મંદિરના શબ્દો પકડવા પ્રયત્નો કર્યા પણ અમારા કાન કાચા પડ્યા.
બહાર આવ્યાતો અંધારું અને ઠંડી હોવા છતાં ભગવાન કરતાં કચોરીવાળાને ત્યાં ભીડ ભારે હતી. લારી પર પુરીઓ, મમરા, કચોરી, ચવાણુંની વચ્ચે મોટું સ્ટીલનું તપેલું ભરીને મીઠી ચટણી અને દેગડો ભરીને તીખી ચટણી હતી. મીઠી ચટણીનો રંગ કંઇક લાલ પણ ખજુરની ચટણી જેવો નહીં. નવાઈ લાગી એટલામાં  કચોરી પર કાંદા, મમરા, ચણાદાળ, સેવ,ટમેટા અને તીખી, મીઠી ચટણી નાખીને ડીશ અમારી સામે ધરવામાં આવી. કચોરી ભેલ ખાતા હોઈએ તેવો સ્વાદ... ખાતાં ખાતાં લારીની સાઈડમાં લખેલા મેનુ પર નજર ગઇ. ચીઝ સેવપુરી, ચીઝ ભેલ વાંચીને નવાઈ લાગી... લારીવાળા સાથે વાતચીત શરુ કરી... દેવી સિંહે વરસો પહેલાં આ લારી શરુ કરી હતી... આજે તેને પચાસેક વરસ થવા આવ્યા. મીઠી ચટણીની વાત નીકળી તો ખબર પડી કે આ ચટણી બનાવતા કલાકેકથી વધારે લાગે... ના ખજુર ના આમલી... આમચુર અને ચાકુ ગોળને ઉકાળીને  આ ચટણી બને... ખટમીઠી આ ચટણીમાં ખજુર કે આમલી નથી ચાખ્યા પછી નવાઈ લાગે. એક ગ્રાહકે અમને જણાવ્યું કે રવિવારે તો અહીં લાઈન લાગે છે છેલ્લા 35 વરસથી હું અહીં ખાવા આવું છું. બંગાળી પુરી અને ચીઝ સેવપુરી, ભેલ સાથે મિક્સ કચોરીનો સ્વાદ જરાક હટકે તો હતો જ. 

You Might Also Like

1 comments

  1. એક વાર કચોરી ચાખવી પડશે.

    ReplyDelete