સાચો વિકાસ કોને કહીશું ?15-5-13

02:20


ડેવિડ હેન્રી થોરોનું  એક વાક્ય  છે કે  જંગલમાં જ દુનિયા સચવાઈ રહી છે. આ વાક્યને દુનિયામાં અનેકે વાંચ્યુ હશે પણ તેને ગંભીરતાથી લીધું બ્રાઝિલિયન ફોટોગ્રાફર સબાસ્ટિઅન સલ્ગાડોએ. તેણે પોતાની રણ જેવી થઈ ગયેલી જમીન પર રેઇન ફોરેસ્ટ ઊભું કરી દીધું છે. સબાસ્ટિઅન આજે 69 વરસનો છે. તે પ્રખ્યાત ફોટોગ્રાફર છે અને તેનું જીવન એક રોમાંચક કથા જેવું રહ્યું છે. આપણે કારર્કિદી અને ભવિષ્યની ચિંતા કરતા હોઇએ છીએ પણ સબાસ્ટિઅનની જીવનકથા વાંચીને થશે કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થશે...
તે બ્રાઝિલમાં એવા સમયે જન્મેલો જ્યારે માર્કેટ ઇકોનોમીનું અસ્તિત્વ નહોતુ. તેનો ઉછેર એવા ફાર્મ હાઉસમાં થયો જે અડધું ઉપરાંત રેઇન ફોરેસ્ટ એટલે કે ગાઢ જંગલ હતું. તેમાં 35 કુટુંબો રહેતા...ફાર્મ હાઉસમાં જે કંઈ પાકતું તે આ કુટુંબોમાં જ વપરાઈ જતું. પક્ષી,પ્રાણી,ટેકરો,  નદીનાળા જેવા કુદરતી વાતાવરણમાં  ઉછરેલા સબાસ્ટિઅને 15 વરસની ઉંમર બાદ શહેરમાં વધુ ભણવા જવું પડ્યું. ત્યાં તેણે શહેરીકરણ,યાંત્રિકી કરણનું રાજકારણ જોયું. તે લેફ્ટિસ્ટ ગ્રુપમાં જોડાઈને એક્ટિવિસ્ટ બન્યો. પછી  તેણે યુનિવર્સિટીમાં જઇને ઇકોનોમિક્સમાં માસ્ટર્સ કર્યુ. દરમિયાનમાં લેઇલા નામની મિત્ર સાથે તેણે પ્રેમલગ્ન કર્યા. પછી ફ્રાન્સમાં પેરિસ જઇને પીએચડી કર્યું. અને ઇન્વેસ્ટમેન્ટ બેકિંગ ક્ષેત્રે કામ કરવા લાગ્યો. એક દિવસ અચાનક તે બધું જ છોડી ફોટોગ્રાફર બની ગયો. ફોટોગ્રાફી જ તેનું જીવન બની ગયું. તેણે ફોટોગ્રાફના અનેક પ્રોજેક્ટો કર્યા, પુસ્તકો, એક્ઝિબિશન કર્યા. 1994થી 2000ની સાલ દરમિયાન તે માઇગ્રેશન નામે પ્રોજેક્ટ કરી રહ્યો હતો. તે કામ માટે તે મોટાભાગે રુવાંડામાં રહ્યો. ત્યાંની જબરદસ્ત  હિંસા,ગરીબી,મોતને સતત નજીકથી જોતા તેના તનમન પર અસર થઈ. જીવન પરથી તેનો વિશ્વાસ જ ઊઠી ગયો અને ડોકટરે તેને જીવવા માટે ફોટોગ્રાફી છોડી દેવાની સલાહ આપી.
સબાસ્ટિઅન પોતે પણ કંટાળી ગયો હતો. તેણે પાછા પોતાના વતન બ્રાઝિલ જવાનું નક્કી કર્યું. તેના માતાપિતાએ તેમનું ફાર્મ હાઉસ સબાસ્ટિઅન અને તેની પત્નિ લૈલાને આપવાનું નક્કી કર્યું હતું. સબાસ્ટિઅનના આશ્ચર્ય વચ્ચે વિકાસને નામે મોટાભાગનું જંગલ કપાઈ ગયું હતું. લાખો ઝાડની સાથે લાખો પશુધન પણ નહોતા રહ્યા. જે થોડાઘણા ગાયભેંશ બચ્યા હતા તેને પણ યોગ્ય રીતે સંભાળી નહોતા શકતા. તે નિરાશ થઈ ગયો પણ તેની પત્નિએ કહ્યું કે તું જે સ્વર્ગ જેવા વિસ્તારમાં ઊછર્યો હતો તે સ્વર્ગ ફરીથી ઊભું કરીએ. રેઇનફોરેસ્ટ જીવંત કરીએ. 
અશક્ય જણાતાં આ કામને એક મિત્રની મદદથી જંગલનું ઉછેરવાનું પ્લાનિંગ કર્યું. તેણે રોજના હજારો વૃક્ષો વાવ્યા. ધીમે ધીમે જંગલ ઊભું થવા લાગ્યું. તેણે એમાં પર્યાવરણ સેન્ટર અને નેશનલ પાર્ક બનાવવાનું નક્કી કર્યું. તે પોતે અને જંગલ બન્ને ફરીથી જીવંત બન્યા. તેણે ફરીથી ફોટોગ્રાફી કરવાનું શરું કર્યું. હવે તે નષ્ટ થતાં લોકોના નહીં પણ જીવંત બચેલા કુદરતી દ્શ્યોના ફોટા પાડતો. તે નષ્ટ થઈ ગયેલું જોવાને બદલે જે બચ્યું છે તેનો આનંદ લોકોમાં વહેંચી રહ્યો છે.
તેનું કહેવું છે કે આપણે આજે વિકાસના નામે એવા તબક્કાએ પહોચ્યા છીએ કે પાછા ફરવું શક્ય નથી. આપણે જંગલો નષ્ટ કરી દીધા છે.  હવે  જે બચ્યું છે તેને સાચવી લઈએ અને દુનિયામાં દરેક વ્યક્તિ કેટલાક વૃક્ષો વાવીને ઊછેરે તો ધીમેધીમે નષ્ટ થયેલા જંગલો અને તેમાં વસતા અન્ય પ્રાણીઓની લુપ્ત થતી પ્રજાતિઓને જીવંત કરી શકીએ. અશક્ય કશું જ નથી વિકાસને નામે વૃક્ષો કાપવાનું બંધ કરીએ. અને વાવવાનું શરું કરીએ. કારણ કે વૃક્ષો આપણે પેદા કરેલો કાર્બન લઈને આપણને જીવવા માટે જરુરી ઓક્સિજન આપે છે. જમીનનું ધોવાણ થતું અટકાવે છે અને પક્ષી પ્રાણીઓને ય જીવતદાન આપે છે. આટલી સાદી વાત આપણે જાણીએ જ છીએ પરંતુ, આપણા જ અસ્તિત્વ પર કુહાડો મારીને વિકાસની દોટમાં જોડાઈ જઇએ છીએ. જાગ્યા ત્યારથી સવાર... ચાલો આપણે આપણા ગામ કે શહેરની આસપાસ જંગલ ઊભું કરવાની મોહિમ શરુ કરીએ

You Might Also Like

1 comments