ગ્રીન ઓસ્કાર વિજેતા અપરાજિતા દત્તા 28-5-13

23:41

2013નો ગ્રીન ઓસ્કારને નામે જાણીતો એવોર્ડ ભારતીય નારી અપરાજિતા દત્તાને મળ્યો છે. તેમને વ્હિટલી ફંડ ફોર નેચરનું બેલાખ પંચાણું હજાર ડોલરનું ફંડમાં પણ ભાગ મળશે. જે તેઓ ભારતના ડુંગરાળ પ્રદેશમાં વસતા હોર્નબીલની જાતિઓને બચાવવા માટે વાપરશે. આજની નારીના કામના સીમાડાઓ  વિસ્તરી રહ્યા છે. તેઓ કિચનની ચાર દિવાલોની પાર સરળતાથી નીકળીને વણખેડ્યા અનેક પ્રદેશો શોધી રહી છે. અપરાજિતા એવી જ એક નારી છે.
બાંબુથી બાંધેલા હાલક ડોલક થતાં પુલને પાર કરીને અરુણાચલના જંગલોમાં ખોવાઈ જતી અપરાજિતા ધરતી પરથી લુપ્ત થઈ રહેલાં હોર્નબિલ નામના સુંદર પક્ષીની પ્રજાતિને બચાવવાના તડતોડ પ્રયત્નો કરી રહી છે. શાળામાં ભણતાં ભણતાં જ તેનો પ્રકૃતિ અને પ્રાણીઓ માટે પ્રેમ વધી રહ્યો હતો. કુદરતી દ્રશ્યો સાથેના પુસ્તકો તેનો પહેલો અને છેલ્લો પ્રેમ.જેરાલ ડુરેલ અને જેમ્સ હેરિઅટના પુસ્તકો તેને અતિપ્રિય. તે બાયોલોજીસ્ટ બની અને અરુણાચલ પ્રદેશના પક્કે ટાઈગર રિઝર્વ પાર્કમાં પહોંચી ગઈ. ખિસકોલી અને તેના જેવા અન્ય પ્રાણીઓ વિશે તે સંશોધન કરવા માગતી હતી પણ એ પ્રદેશમાં રહેતા હોર્નબિલને જોતાં જ પ્રેમ થયો અને બસ પછી તો એ સુંદર પક્ષી તેના પીએચડીનો વિષય બન્યા.
નેચર ક્ન્જર્વેશન ફાઉન્ડેશન સાથે કામ કરતાં ડુંગરાળ પ્રદેશની ઊંચાઈએ વસતાં પ્રાણીઓ અને માનવોના જીવનને સમજવાનો પ્રયત્ન કર્યો અપરાજિતાએ. તેનું કહેવુ છે કે, હોર્નબિલ જેવા પક્ષીઓ અને અન્ય વન્યજીવો જંગલને જીવંત બનાવે છે. તેઓ જ જંગલ ઊભું કરે છે એવું પણ કહી શકાય. આ અભ્યાસ કરતાં મને ત્યાં રહેતાં લીસુ આદિવાસીઓની સાથે ઓળખ થઈ. તેમનું કહેવું હતું કે આ નેશનલ પાર્ક ઊભા થયા તે પહેલાંથી તેઓ એ વિસ્તારમાં વસી રહ્યા છે. આખરે તો તે માનવો જ ને એટલે ભોજન માટે, ખેતી કરવા કે ઘર બનાવવા માટે વૃક્ષો કાપે. પ્રાણીઓનો શિકાર કરે પણ જંગલ વિશે સૌથી વધુ જાણકારી પણ તેમની જ પાસે હોય છે. અપરાજિતાએ આ આદિવાસીઓને સમજાવીને તેમને સાથે લઈને પર્યાવરણ બચાવવાનું નક્કી કર્યું. એટલે સૌ પહેલાં આદિવાસીઓને માટે સ્વાસ્થય અને શિક્ષણના પ્રોજેકટ ઉપર કામ કર્યું. કારણ કે  આરક્ષિત જંગલને ખતમ થતું બચાવી જ શકાય છે પણ આરક્ષિત  નહોય તેવા જંગલને ખતમ થતું અટકાવી શકાય તો જ હોર્નબિલ જેવા અનેક પક્ષીપ્રાણીને લુપ્ત થતાં બચાવી શકાય. પર્યાવરણની જાળવણી પરસ્પર આલંબિત હોય છે. જંગલોમાં બાર બાર કલાક રખડવું સહેલું નથી હોતું. પણ જ્યારે તમે પર્યાવરણના પ્રેમમાં હો તો કોઇ જ પરિસ્થિતિ તમને ડગાવી શકતી નથી એવું કહેતાં અપરાજિતા ખડખડાટ હસી પડે છે.

અપરાજિતા હાલમાં હોર્નબિલના 80 જેટલા માળાઓનું ધ્યાન રાખી રહી છે. હવે તે ઇનામના ફંડ સાથે ભારતના અન્ય ડુંગરાળ પ્રદેશો મિઝોરમ,આસામ, મેઘાલય અને નાગાલેન્ડમાં પણ હોર્નબિલની વસ્તિ વધારવા માટે કામ કરશે. કોઇપણ કામ  સતત સાતત્યપૂર્ણ અને પેશન સાથે કરો તો કોઇ જ પડકારો નારીને રોકી શકતા નથી . સલામતીપૂર્ણ રસ્તા પર ડરતાં ડરતાં ચાલવા કરતાં ગમતા રસ્તા પર ચાલતા જીવનમાં ક્યારેય કોઇ વ્યક્તિને અફસોસ થઈ શકે નહીં. અપરાજિતાએ ખરે જ નવી કેડી કંડારી પોતાના નામને સાર્થક કર્યું છે.
 

You Might Also Like

0 comments