શરીર એ જ સ્ત્રીનું ગૌરવ ? 7-5-13

04:08


એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં કુર્દીશ અને ઇરાની પુરુષોએ સ્ત્રીના કપડાં પહેરીને ફેસબુક પર ફોટો અપલોડ કર્યા. કારણ ઇરાનમાં એપ્રિલના પહેલાં અઠવાડિયામાં એક પુરુષને સ્ત્રીનો વેશ પહેરીને રસ્તા પર ચાલવાની સજા કરવામાં આવી. આ સજાના વિરોધમાં શરુઆતમાં કેટલાક કુર્દીશ પુરુષોએ સ્ત્રીના વેશમાં પોતાનો ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કર્યો અને લખ્યું કે સ્ત્રી હોવું એ શરમજનક બાબત કે સજા નથી. અમને સ્ત્રીઓ માટે માન છે એટલે આવી સજા એ નારીનું અપમાન કહેવાય. અમે સ્ત્રીના વેશને ગર્વભેર ધારણ કરીએ છીએ. ધીમે ધીમે બીજા અનેક કુર્દીશ અને ઇરાની પુરુષોએ પણ સ્ત્રીના વેશમાં ફોટા અપલોડ કરી નારીનું અપમાન કરતી સજાનો વિરોધ કર્યો.
તો બીજી તરફ ભારતમાં હજી સતત બળાત્કારના કિસ્સાઓ બની રહ્યા છે. બળાત્કાર કરીને નારીના શરીરને અપમાનિત કરીને તેને ક્રૂરતાપૂર્વક મારી નાખવાનો જાણે ચીલો પડી રહ્યો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે દિલ્હીમાં પાંચ વરસની બાળકીઓ જીવન સામે જઝૂમી રહી છે તો બેલગામમાં 20 વરસની યુવતી પર બળાત્કાર કરીને મારી નાખવામાં આવી. મુંબઈમાં 13 વરસની છોકરીને પાર્ટીમાં બોલાવી કોલામાં ડ્રગ પીવડાવી ચાર યુવાનોએ ગેંગરેપ કર્યો.  ચાર મહિના પહેલાં દિલ્હીમાં બનેલા નિર્ભયાના કિસ્સા બાદ આજે ફરીથી દરેક શહેરોમાં સ્ત્રીઓ અને પુરુષો નારીના સન્માન માટે રેલી કાઢી રહ્યા છે. ત્યારે ન્યુયોર્ક ટાઇમ્સમાં છપાયેલ એક લેખ વાંચતા આંખો ગર્વથી ભરાઈ આવી. સોહેલા અબ્દુલાલી જાણીતી ભારતીય લેખિકા છે. તેમણે લખ્યું કે 32 વરસ પહેલાં જ્યારે હું સત્તર જ વરસની છોકરી હતી ત્યારે મુંબઈના એક પરામાં હું રહેતી. એક સાંજે મારા એક પુરુષ મિત્ર સાથે હું ફરવા ગઈ. ત્યાં ચાર વ્યક્તિઓએ અમને ઘેરી વળી, અમને ડરાવી ધમકાવીને એકાંત સ્થળે  ટેકરી પર લઈ ગયા. ચારેય જણાએ મારા પર બળાત્કાર કર્યો. ત્યારબાદ તેમની વચ્ચે દલીલો થઈ કે અમને મારી નાખવા જોઇએ કે નહીં. છેવટે અમારા સારા નસીબે અમને જીવતાં મૂકીને તેઓ ભાગી ગયા. અંદર બહારથી ઘવાયેલી હું ઘરે પહોંચી જ્યાં મારા પરિવારે મારી કાળજી લીધી. લાગેલા ઘાને તેમણે સહાનુભૂતિ અને પ્રેમથી ભર્યા. એટલે આજે હું જીવનને જીવી રહી  છું. બળાત્કાર એ કરુણ અને ઘાતકી ઘટના છે જેનાથી તમે ઘવાઓ છો પણ તેમાં તમારા સ્ત્રીત્વનો વાંક નથી એ સમય જતાં મને સમજાયું. એટલે જ હું આજે એ દુર્ઘટનાને અકસ્માત ગણીને વાત કરી શકું છે. બળાત્કારએ  વ્યક્તિગત નુકશાન છે. તેનાથી ભાઈ,પિતા કે પતિએ શરમ અનુભવવાની નથી. બળાત્કારનો ભોગ બનવાને કારણે તેની ઇજ્જત જતી નથી રહેતી. આવા ખોખલી લાગણીઓમાંથી બહાર આવવાની જરુર છે.  કારણ કે સ્ત્રી એક વ્યક્તિ પણ છે તે ફક્ત શરીર કે જાતિ નથી.
બળાત્કારીને સજા જરુર થવી જોઇએ અને કુટુંબીઓએ તથા સમાજે તેનો ભોગ બનનાર પ્રત્યે ઉપેક્ષિત કે ગુનાહિત ભાવના ન સેવતાં તેને એ ક્રૂર દુર્ઘટનાને ભૂલવામાં મદદ કરવી જોઇએ. સમાજની માનસિકતા બદલવા માટે આપણે છોકરીઓ અને છોકરાના ઉછેર વખતે જ તેમનામાં સંસ્કાર મૂકવા જોઇએ શરીરથી મુક્ત થઈને વ્યક્તિત્વનું સન્માન કરવું. આજની નારી જ કાલની માતા છે જે સમાજનું નિર્માણ કરવાની છે. સોહેલા કહે છે કે એ જ્યારે સત્તર વરસની હતી ત્યારે બળાત્કારના વિરોધમાં આટલા બધા સ્ત્રી પુરુષો બેનર લઈને માર્ચ કરતાં હોય તેવી કલ્પના થઈ શકતી નહોતી. પણ આજે આટલો બદલાવ આવ્યો છે તો નારી માટે હજી સમાજ બદલાશે.
આજે અનેક પુરુષો જાહેરમાં સ્ત્રીત્વના સન્માન માટે પોતાનો સહકાર વ્યક્ત કરી રહ્યા છે સ્ત્રીઓની તેમના અધિકાર માટેની લડતમાં સાથ આપી રહ્યા છે. ઇસ્લામિક દેશ ઇરાનમાં પણ જો એવી ચળવળમાં ગર્વભેર પુરુષો જોડાતાં હોય તે દર્શાવે છે કે ભલે ધીમી ગતિએ પણ સમાજ બદલાઈ રહ્યો છે. સ્ત્રી ફક્ત શરીર જ નથી પણ પોતાના આગવા વ્યક્તિત્વની સ્વામી છે. અને તેને અધિકાર છે પોતાના શરીરની સાથે કોઇ જબરદસ્તી કરે કે તેને ઊતારી પાડે તેની સામે અવાજ ઊઠાવવાનો.  જે પુરુષ સ્ત્રીના શરીર સાથે ક્રૂરતા આચરે તેને સખત સજાનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે તેવો સ્પષ્ટ સંદેશ તેમના સુધી પહોંચવો જરુરી છે. ધન્ય  છે સોહેલાને જેણે પોતાના પર થયેલા બળાત્કારની પીડા અને તે ઘટનામાંથી બહાર આવીને પોતાનું વ્યક્તિત્વ વિકસાવવાની વાત જગત સમક્ષ મૂકી. જેથી તેને વાંચીને સ્ત્રીને પોતાના શરીર પ્રત્યે શરમ ન અનુભવતા ગૌરવપૂર્વક જીવવાની પ્રેરણા લઈ શકે.
You Might Also Like

0 comments