શું માણસ લાલચુ પ્રાણી છે 5-6-13

04:12

ટોલ ડાર્ક હેન્ડસમ અને તેજીલા તોખાર જેવો એસ શ્રીસાન્થની ઓળખ આપી શકાય. વાતે વાતે લડી પડતો અને પિત્તો ગુમાવતો ત્યારે તોફાની બાળક જેવો જણાય. પરંતુ, તેનામાં ટેલેન્ટ હતી. પેસ બોલર તરીકે તેનામાં અનેક શક્યતાઓ ક્રિકેટના માંધાતાઓ જોઇ રહ્યા હતા. તો બુકીઓએ પણ તેના સ્વભાવનો અભ્યાસ કર્યો. તે પૈસાની લાલચમાં આસાનીથી ફસાઈ શકે છે તેની એમને ખાત્રી થઈ હશે. ચોરેચૌટે ક્રિકેટની રમતના રસિયાઓ ઘા ખાઈ ગયા કે નામ,દામ અને કામ હોવા છતાં પૈસાની લાલચે તે ક્રિકેટના મેદાનને બદલે જેલમાં છે. આટલી લાલચ શું કામ ? ક્રિકેટ જ શું કામ.. રાજકારણમાં પણ કૌભાંડ વધુ ને વધુ પૈસા મેળવવા માટે થાય છે.

પ્રાણીઓનો અભ્યાસ જોઇશું તો તેઓ મોટેભાગે ખોરાકનો સંગ્રહ કરતાં નથી. જ્યારે જેટલી ભૂખ લાગે તેટલો જ શિકાર કરતાં હોય છે. જ્યારે માણસ હંમેશા ભવિષ્ય માટે સંગ્રહ કરે છે એટલું જ નહીં. જરુરિયાત વધારતા પણ જાય છે. ખરેખર તો પેટ ભરવા માટે બે ફળ કે બે રોટલી બસ થઈ શકે છે. પણ બત્રીસ જાતના પકવાન થાળીમાં પીરસાય તેને શું કહીશું આજે ક્રિકેટમાં સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગના સટ્ટાની રમતો ખુલ્લી પડ્યા બાદ લોકો વાતો કરતાં હોય છે કે આટલા પૈસા અને નામ ક્રિકેટરોને મળે છે તો પછી શું કામ તેઓ મેચ ફિક્સિંગમાં સામેલ થાય છે. આમ તો વાત એકદમ સરળતાથી કહી શકાય કે વધુ પૈસાની લાલચ તેમને એમ કરવા પ્રેરે છે. પકડાયું એટલે ખોટું અને નહોતા પકડાયા ત્યાં સુધી રમતની મજા આપણે મોંઘા પિઝા અને સોડા પીતા માણતા જ હતા.
આજની લાઈફ સ્ટાઈલ એવી થઈ ગઈ છે કે ઉપભોક્તાવાદે આપણને જકડી લીધો છે. વૈજ્ઞાનિકોએ પણ આનો અભ્યાસ કર્યો છે કે માણસ કેમ લાલચમાં ફસાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર બ્રાયન નટસનને  ગ્રીડ એટલે કે લાલચ અંગે રિસર્ચ કરતાં જણાયું કે પ્રાણીમાત્ર  આનંદ અને પીડા એ બે બાબતને સમજી શકે છે. દરેક પીડા કે દુખદ બાબતથી તે દૂર રહેવાના પ્રયત્નો કરે છે જ્યારે આનંદ કે સુખદ લાગતી બાબતો પ્રત્યે ખેંચાય છે. કૂતરાને જો ટ્રેઇન કરવામાં આવે કે ઘંટડી વાગે એટલે જમવાનું મળે તો દરેક વખતે ઘંટડી વાગતા તે પોતાની ડિશ તરફ વળશે. જ્યારે માનવનું મન જરા વધારે વિકસિત છે એટલે તેને ફક્ત ભોજન સિવાય અન્ય બાબતોમાં પણ આનંદ મળે છે. પૈસા ધ્વારા દરેક વસ્તુ ખરીદી શકાય છે એ સૌ કોઇ જાણે છે. એટલે પૈસા આનંદનું પ્રતિક બની જાય છે માનવ મન માટે. પ્રોફેસર બ્રાયન કહે છે કે મનનું આનંદનું જે સેન્ટર છે તે જોખમ ખેડતી વખતે  કે સેક્સ કરતી વખતે કે કોકેન જેવા નશીલા પદાર્થ લેતા સમયે સ્ટિમ્યુલેટ થાય છે. એ જ સેન્ટર ગેમ્બલિંગ કરતી સમયે કે સટ્ટો કરતા સમયે પણ સ્ટિમ્યુલેટ થતું હોય છે. ન્યુરોલોજીકલ લેવલે માણસના મનમાં સેક્સ કે ડ્રગ માટે થાય એવી  ટાળી ન શકાય એવી ઝંખના  કે લાલચ પૈસા માટે પણ થતી હોય છે. તેને કેટલીક વ્યક્તિઓ કાબુ કરી શકે છે તો કેટલીક નથી કરી શકતી. વળી હાલમાં મેચ ફિક્સિંગમાં પકડાયેલ કોઇ વ્યક્તિ ગરીબ નથી કે ન તો તેને ખાવાનાં સાંસા છે.
આટલું સમજાયા પછી આપણી રોજ રોજની જરુરિયાત તરફ નજર નાખીશું તો સમજાશે કે એવી અનેક વસ્તુઓ આપણે વાપરતા હોઇએ છીએ કે જેના સિવાય ચાલી શકતું હોય છે. અને એવી અનેક વસ્તુઓની ઝંખના કરતાં હોઇશું જેની ખરેખર આપણી જરુરિયાત ન પણ હોય. પરંતુ, એ મેળવવા  વધુ પૈસાની જરુર પડશે. જેને કમાવવા રેટરેસમાં દોડતાં પણ અચકાઈશું નહીં. શું એ પણ સટ્ટાનો પ્રકાર નહી ?  સાદગીપૂર્ણ  જીવનના મૂલ્યોને ભૂલીને ઝાકમઝોળના લલચામણા રસ્તે તમે હું કે કોઇપણ સરી પડી શકે. સંયમ, સાદગી અને કરકસર જેવા શબ્દો ફક્ત ડિકશનરીમાં રહી ગયા છે. તેને બોલવા ,સાંભળવા કે અનુસરવાનું ટાળીએ છીએ. ગાંધીજીને ફક્ત પૈસાની નોટ પર જોવા ગમે છે. જાગો ઇન્ડિયા જાગો એવું બૂમ પાડીને કહેવાનું મન થાય.


You Might Also Like

0 comments