આનંદ ગાંધી -- ફેસબુક ડાયરી

03:24

લાંબા ગુંગરાળા વાળને એક હાથે સવારતો બીજા હાથ લાંબા કરીને ચારે તરફ અભિભૂત થઈ તેને સાંભળી રહેલા લોકો તરફ એકધારું બોલતા આનંદ ગાંધીના તરવરાટ રાતના બાર વાગ્યે પણ ગજબના છે. આનંદ ગાંધીને બે વાર મળવાનું બન્યું એક જ દિવસમાં .... 23 જુલાઈ મંગળવાર મુંબઈમાં સતત ભારે વરસાદની આગાહી સાચી પાડતો ભીનો માહોલ... દિવસભર રહ્યો. મુંબઈ લગભગ વરસાદ મય બંધ પાળી રહ્યું હતું. થયું ઘરની નજીકના થિયેટરમાં ફિલ્મ જોઇએ આવામાં ટિકિટ મળી જ જાય તેમાંય શીપ ઓફ થિસિઅસ.. માંડ બે ત્રણ થિયેટરમાં બે જ શો થતાં હતા મતલબ કે આ કોમર્શીયલ ફિલ્મ નથી. અનેક એવોર્ડ વિનર આ ફિલ્મ જોવી જ હતી. એડવાન્સ બુકિંગ કરાવ્યા વગર થિયેટર પર પહોંચ્યા રાતના 8.15 શો 8.20નો ... આશ્ચર્ય વચ્ચે ફિલ્મના શોની ફક્ત ત્રણ ટિકિટો બાકી હતી અને તે પણ પહેલા જ રો ની... કમને ટિકિટ લીધી. જીવનમાં પહેલીવાર પ્રથમ હરોળમાં બેસી ફિલ્મ જોવાની હતી.નવાઈ લાગી આટલા વરસાદમાં ય ફિલ્મ હાઉસફુલ લોકો આવવા લાગ્યા... ફિલ્મ શરુ થઈ... અભિનય, સિનેમેટોગ્રાફી,ડાયલોગ,સંગીત બધું જ એક નવા માહોલમાં લઈ ગયા. આનંદ ગાંધી કંઇક જુદી જ માટીનો માણસ હશે તેવું લાગ્યું. ફિલ્મ જોવા જતાં પહેલાં રિવ્યુ વાંચ્યા હતા પરંતુ, ફિલ્મતો કંઈક જુદી જ વાત કરતી હતી. સામાન્ય તમારા મારા જેવા માણસોની , આસપાસના માહોલની, દરેક દ્રશ્યો બોલતી તસવીર અને સંવેદનાત્મક.
ઘણા વખતે ભારતીય સર્જકે બનાવેલી અદભૂત ફિલ્મ જોયા બાદ સંવેદનાથી તરબતર થઈને બહાર નીકળ્યા તો લિફ્ટ પાસે એક ચબરખી ચિટકાડેલી હતી. શીપ ઓફ થિસિઅસના ડિરેકટર આનંદ ગાંધી  અને પ્રોડ્યુસર , એકટર સોહમ શાહ નીચે કેફે કોફી ડે માં દર્શકોને મળી શકશે. પત્રકાર તરીકે હંમેશા લેખક ,નિર્દેશક, એકટરને મળવાનું બન્યું હતું. પણ આપણને મજા આવી હોય તેવી ફિલ્મ જોયા બાદ દર્શક તરીકે ડિરેકટરને મળવાનો ઉત્સાહ હતો. નીચે પહોંચ્યા તો લગભગ પચાસેક જણાનું ટોળું આનંદ ગાંધીની આસપાસ વીંટળાયેલું હતું. કોઇ દર્શકે પુછ્યું કે તમે જૈન સાધુને પાછો સંસારમાં લઈ આવ્યા એવું કેમ દર્શાવ્યું એ જૈન સાધુ છે એવું ક્યાંય કહ્યું નથી કહેતા આનંદ કહે છે , મારે કોઇ એક ખાસ ધર્મ નહોતો દર્શાવવો. ફિલ્મમાં ક્યાંય મેં કહ્યું નથી કે આ જૈન કે બૌધ્ધ સાધુ છે. ધર્મ બાબતે હું મુક્ત વિચારસરણીમાં માનું છું, વળી જ્યારે હું નાનો હતો ત્યારથી મારા મનમાં ધર્મ પ્રત્યે , જીવન પ્રત્યે સવાલો હતા એ સવાલો જ મેં આ ફિલ્મમાં વણી લીધા છે.  આ ફિલ્મ  મને  સૌદર્ય અને સત્ય, શ્રધ્ધા અને સત્ય વચ્ચેની મૂંઝવણમાંથી ઊદભવતા સવાલોમાંથી મળી છે. જેના જવાબો મને પણ જોઇએ છે અને લોકોને પણ.. મારે એવી જ ફિલ્મ બનાવવી હતી જે સવાલો ઊભા કરે. આ પ્રશ્નો ફિલ્મ સાથે સંકળાયેલા દરેકના મનમાં પણ હતા. વાંચનની ફિલ્મોની અસરો મારા મનમાં છે. ખાસ કરીને તાર્કોવસ્કીની ફિલ્મોની ફોટોગ્રાફી ,બોરહેસની ફિલોસોફી... સમયસાર વગેરે . આવી ફિલ્મો માટે પણ ઓડિયન્સ છે. ઇન્ટરનેટ અને વર્લ્ડ સિનેમાને કારણે 2 ટકા લોકોની પણ ફિલ્મો જોવાની પસંદગી બદલાઈ છે. અને તેનો મને આનંદ છે.
વાત કરતાં કરતાં સતત આનંદ હાથ હલાવતો ઉત્સાહથી ભરપૂર હતો... તો સામે પક્ષે રાતના બાર વાગ્યે પણ લોકો આછા અજવાળામાં એક કલાક સુધી તેને વીંટળાઈને સાંભળી રહ્યા હતા. આ ફિલ્મનું ટાઈટલ જ ફિલ્મનો મધ્યવર્તી વિચાર છે. સતત પળેપળે બદલાતા આપણે ખરેખર એ જ વ્યક્તિ હોઇએ છીએ ખરા અદભૂત ફિલ્મની કથા , દિગ્દર્શન , અભિનય.... આ ફિલ્મ આપણી આસપાસના સૂક્ષ્મ સમાજની, વિચારની , માનસિકતાની અને દેખાતા દ્રશ્યોની ય વાત કરે છે. જેમ કે લહેરાતું ઘાસ, પવનચક્કીઓનો પ્રદેશ, મુંબઈના એક ટેકરા પર આવેલી ઝૂપટપટ્ટીની રચના અને માહોલ. આ દ્રશ્યો સંવેદનાની વાત વગર શબ્દે કહી જાય છે.અને સ્ટોરીમાં પૂરક બની રહે છે.


You Might Also Like

0 comments