ગૃહિણી કામ નથી કરતી 20-8-13

04:22

આ વાક્ય વાંચતા અનેક ગૃહિણીઓના ભવાં ખેંચાશે... સામે હોય તો સવાલો ય પૂછત કે બેન, મરવાની પણ ફુરસદ નથી હોતી અમને ઘરકામમાંથી અને કેમ કહો છો કે ગૃહિણી કામ નથી કરતી. આ વાક્ય અમે નથી કહેતા પણ ગર્વમેન્ટ નેશનલ સેમ્પલ સર્વે કહે છે. 1983ની સાલમાં ગ્રામ્ય વિસ્તારમાં 34 ટકા અને શહેરમાં 15.1 ટકા મહિલાઓ કામ કરતી હતી પણ 2011-2012માં આ ટકાવારી વધવાને બદલે ઘટી છે એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં હવે 25 ટકા અને શહેરી વિસ્તારમાં 14.7 ટકા મહિલાઓ જ કામ કરી રહી છે. કારણ કે ઘરકામને કે છોકરા ઊછેરવા જેવા કામને કામ ગણવામાં નથી આવતા. 
પત્રકાર તરીકેની નોકરી છોડ્યા બાદ મને કોઇએ પૂછ્યું કે તમે શું કરો છો તો મેં કહ્યું ઘરકામ. તો સામેવાળી વ્યક્તિ નવાઈથી મને જોઇ રહેતા કહે એમ નહીં કમાણીનું શું ? બે ક્ષણ વિચાર આવ્યો વાત સાચી ઘરકામમાંથી મને પૈસા નથી મળતા એટલે હું કામ કરતી નથી. પણ મને ઘડીની ય નવરાશ નથી. આવું જ દરેક ગૃહિણીઓનું હોય છે. તમે એમને પૂછો કે શું કરો છો તો કહેશે કંઇ નહી. તો પછી બાળકો ઊછેરવા, ઘરનું મેનેજમેન્ટ, રસોઇ બનાવવી,સાફસફાઈ કોણ કરે છે ?
આંકડાઓ કહે છે કે મોટાભાગની આજની નારી પ્રોડક્ટિવ કામ નથી કરતી. જો કોઇ સ્ત્રી બીજાના ઘરે સાફસફાઈ કરે કે રસોઇ કરે, છોકરા સાચવે તો તે કામ કરે છે. અને પોતાના છોકરા ઊછેરે, પોતાના ઘરનું કામ કરે તો તે કામ નથી કરતી. આ તેની સાદી વ્યાખ્યા છે. આ જ માનસિકતા છે આજે પણ આપણા બધાની કે ઘરકામ તે કામ નથી. કારણ કે તેની ગણતરી દેશના અર્થશાસ્ત્રમાં થતી નથી. મેં કેટલીક શિક્ષિત ગૃહિણીઓ સાથે વાત કરી તેમની માનસિકતા જાણવા માટે તો નવાઈ લાગી કે ગ્રેજ્યુએટ કે પોષ્ટ ગ્રેજ્યુએટ થયેલી સ્ત્રીઓ પણ એવું વિચારે છે કે ઘરકામ,બાળકો ઊછેરવા એ સ્ત્રીઓની ફરજ છે. પૈસાને તેની સાથે કંઇ લેવાદેવા નથી. તો કેટલાકે એવું ય કહ્યું કે નસીબ આપણા સ્ત્રી થઈને જન્મયા એટલે આ બધા કામ કરવાના અને પુરુષથી દબાઈને રહેવાનું કારણ કે પૈસા તેના હાથમાં હોય છે. જો થોડા પૈસા ખર્ચ્યા હોય પોતાના માટે પોતાની રીતે તો પતિ કે પિતાનું સાંભળવું પડે. તો સવાલ એ થાય કે જો પતિ દારુ કે સિગરેટ પાછળ કે પછી પોતાના નવા સેલફોન,ગાડી માટે પૈસા વાપરે તો તે તેનો અધિકાર કહેવાય. કારણ કે તે એવું કામ કરે છે કે જેમાંથી પૈસા મળે છે. તાજેતરમાં જ થયેલા સર્વેમાં એવું પણ જણાવાયું છે કે મોટાભાગની મહિલાઓ ઘરની જવાબદારીને કારણે બહાર કામ કરવા નથી જતી કારણ કે તેમને ઘરકામમાં મદદ મળતી નથી અને જે મળે છે તો તેમને તે પોષાઈ શકે કે પરવડી શકે તેમ નથી.
એસએનડીટી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગના વડા ડૉ વિભૂતિ પટેલે આ વિષયે ખાસ્સો અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે વરસોથી આ વિષયે દુનિયાભરમાં મહિલા ચળવળકારો અવાજ ઊઠાવી રહ્યા છે. મોટાભાગની મહિલાઓ જે કામ કરે છે તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે પિતૃસત્તાક માનસ ધ્વારા પ્રોડકટીવ અને અનપ્રોડકટિવ... જે કામમાંથી પૈસા મળે તે પ્રોડકટિવ અને જેમાંથી ન મળે તે અનપ્રોડકટિવ. આપણા સેન્સસમાં  વરસમાં 183 દિવસ રોજના આઠ કલાક કામ કરે તે મેઇન વર્કર એટલે કે ફુલટાઈમ વર્કર અને જે વરસના 186 દિવસ માટે રોજના ચાર કલાકને હિસાબે કામ કરે તે માર્જીનલ વર્કર કહેવાય. બાકીના નોન પ્રોડકટિવ વર્કર . મહિલાઓના જે કામમાંથી પૈસા મળતા હોય તેને આ રીતે મૂલવવામાં આવે છે. જો કે વરસોથી ચાલી આવતી ગૃહકાર્યને પ્રોડકટિવ કામ ગણવાની માગણીમાં થોડોક ફેરફાર થયો છે. પણ હજી સમાજની માનસિકતાને કારણે દેખીતો બદલાવ નહીં જણાય.

ગૃહણીના ગૃહકાર્યને સેન્સસમાં ગણતરી સુધી પહોંચતા હજી કેટલી સદી વીતશે તે ખબર નથી. આ સમયગાળો આપણે ઓછો જરુર કરી શકીએ. આજની નારી જો પોતાના ગૃહકાર્યની કદર કરશે તો જ આ શક્ય બની શકશે. બાકી જો ગૃહિણીના કાર્યને સેન્સસમાં ગણતરી કરાય તો પુરુષો કરતાં નારી વધુ પ્રોડકટિવ સાબિત થાય એ મોટામાં મોટો ડર પિતૃસત્તાક સમાજને સતાવી રહ્યો છે એટલે ઘરકામ , છોકરા ઉછેર જે ખૂબ જ અગત્યની બાબત છે તેને નગણ્ય ગણી લેવામાં આવી છે. આજનું બાળક જ કાલનો ડોકટર, ખેડૂત, એન્જિનયર, સાયન્ટિસ્ટ બને છે. અને તેમાં માતાની ભૂમિકા ગર્ભ ધારણ કરતાં જ શરુ થાય છે. તેને બિન પ્રોડકટિવ કઈરીતે ગણી શકાય ?

You Might Also Like

0 comments