જો બકા વાંચીને ખોટું નહી લગાડવાનું 14-10-14

23:41દશેક વરસ પહેલાં આ બકાનું નામ સાંભળ્યું હશે.એકવાર અમદાવાદની કોઇ ઓફિસમાં ફોન પર સંપર્કમાં રહેવાનું હતું.  ઓફિસમાં ફોન કરીને જે તે વ્યક્તિની સાથે વાત કરવા પ્રયત્ન કરીએ કે તરત જ સામેથી બૂમ સંભળાતી એ બકા તારો ફોન છે. પહેલાં થતું કે ના મારે બકા સાથે વાત નથી કરવી પણ ફોન પર આવે તે સાચી વ્યક્તિ. પછી તો જેને ફોન કરો તે બકો જ હોય. ધીમે ધીમે મી મુંબઈકરને સમજાયું કે બકો કોઇ એક વ્યક્તિ નથી અને છે. કન્ફ્યુજિંગ લાગ્યું ને મને ય લાગ્યું હતું. અત્યાર સુધી પણ આ બકો હવે વોટ્સ એપ અને એફબી અને કારની પછવાડે ય દેખાવા લાગ્યો. છેલ્લે તો બકાની શ્રધ્ધાંજલિ પણ બકાઓએ જ ફેરવી.
શરૂઆતમાં બકા સિરિઝે ગમ્મત કરાવી પણ પછી તે ય બકાની જેમ ઇરિટેટ કરવા લાગ્યો. બીજાને ઇરિટેટ કરવા માટે બકો વાપરવાનો ય વિચાર આવવા લાગ્યા. પણ સાલું કોઇને ઇરિટેટ કરવા બકાને વાપરવો ય ઇરિટેટિંગ લાગ્યું.  આ બકો પુરુષ જ છે તે તો નક્કી જ કારણ કે બકુડીની સિરીઝ પણ શરૂ થઈ હતી. જો કે તે બકા જેટલી અસરકારક ન રહી તે તો માનવું જ પડે. અમ સ્ત્રીઓની ગમે તેટલી મજાક ઊડાવાતી હોય પણ બકા નામે પુરુષો જ પોતાની મજાક ઉડાવવા માડે તે નવાઈ લાગી. આદતસે મજબૂર અંગ્રેજીમાં બકા(baka)  લખીને ગૂગલ પર સર્ચ કરી જોયું. નવાઈ વચ્ચે જાપાનીસ લેંગ્વેજમાં પણ બકા શબ્દ છે અને તેનો અર્થ થાય ઇડિયટ, સ્ટુપિડ અર્થાત મૂર્ખ. શક્ય છે તેનો ઉચ્ચાર જાપાનીઝ બાકા ય કરતાં હોય. પણ બકા શબ્દની ઉત્પત્તિ જાપાનમાંતો બીજી વ્યક્તિને મૂરખ કહેવા માટે જ થઈ પણ ગુજરાતી બકાની ઉત્પત્તિ જરા લાગણીસભર છે.
બંગાળીમાં ય બોકા શબ્દ છે. તેનો અર્થ મૂરખ થાય. બકો ગુજરાતના દરેક ઘરમાં જડી આવે.જાપાનીઝ અર્થ પ્રમાણે નહીં માની લેવાનું.  કારણ કે આમ તો આ લાડનું નામ છે. જે માતાઓ પ્રેમથી પોતાના બાળક માટે વાપરતી આવી છે. ક્યારેક છોકરીઓને ય બકા કહી દેવામાં આવે છે. બકાનો અર્થ તે છતાંય આજે ય આપણા સૌના મનમાં જાપાનીઝ કેમ થાય છે તે સમજવા મેં ઘણાં ધમપછાડા કર્યા પરંતુ તેનું કોઇ સાયન્ટિફિક રિઝન ના જ મલ્યું. ઘરમાં નાનકડો બકો શરીરે મોટો થાય પણ માનસિક રીતે તે હજી પણ બેબી બકા જેવી હરકતો કરે ત્યારે બકાને કહેવું પડે કે .... જો બકા આમ ન વર્તાય. આ બાબત ગુજરાતના પોલીસવ્યવસ્થાપને પણ ચોક્કસ રીતે પકડી. નવરાત્રીમાં બધા બકાઓ  ટ્રાફિક રુલ્સ ન તોડે  તે માટે પોલીસોએ બકાને જ  ઉપયોગમાં લીધો. જાહેરાતોમાં લખ્યું કે જો બકા ટ્રાફિક રુલ્સ નહીં તોડવાના. જો બકા વાહનતો યોગ્ય રીતે જ પાર્ક કરવાનું. અને હા હાલમાં માનનીય વડાપ્રધાન મોદીજીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે જે જરૂરી જ છે પણ આપણામાં રહેલા બકાઓ સમજતા જ નથી. એટલે જો બકા કચરો કચરાપેટીમાં જ નાખવાનો. એવી જાહેરાતો ય કરવી પડી. શક્ય છે હવે દિવાલો ઉપર પણ લખવું પડશે કે જો બકા જાહેરમાં સૂ સૂ નહીં કરવાની કે થૂંકવાનું નહી.
રસ્તા પર કે રેલ્વે સ્ટેશનના છેવાડે ઊંધા ઊભા રહીને સૂ સૂ કરતાં બકાઓને શું ખબર નથી કે મોટા થયા બાદ જાહેરમાં ગમે ત્યાં સૂ સૂ ન કરાય ? !  ફક્ત ઉંમર વધવાથી કે બર્થ ડે પાર્ટીઓ ઉજવવાથી મોટા નથી થવાતું. પુખ્તતા દર્શાવવી પડે છે વર્તનમાં ને આચરણમાં. તમે ક્યારેય સ્ત્રીઓને આ રીતે સૂ સૂ કરતાં નહીં જુઓ. હા તેની સામે દલીલ થઈ શકે અનેક પણ તો જો સ્ત્રીઓ નથી કરતી તો તેઓ પહેલાંથી પ્લાન કરે છે. શું આ બકાઓ ઘરેથી કે ઓફિસથી નીકળતા સમયે યાદ કરીને સૂ સૂ ન જઇ શકે. કે પછી પોતાની જાતને ન રોકી શકે ? ચલો સમજ્યા કે કંઇક તકલીફો છે તો તેમને માટે પબ્લિક શૌચાલયો છે જ. સ્ત્રીઓ માટે તો એ પણ નથી. એ સિવાય પણ શૌચાલયની વાત નીકળી છે તો બીજી અનેક હાઇજનિક વાતો છે જે બકાઓને ઘરમાં નથી શીખવાડાતી કે તે મોટો થઈને શીખતો નથી. જેમકે ટ્રેનના ટોઇલેટમાં સ્વચ્છતા અને સૌજન્યતા કેમ જાળવવી. જેથી કરીને તેમના પછી તે જ ટોઇલેટ ઉપયોગમાં લેતી તેમની માતા,બહેન કે પત્નિને અસ્વાસ્થયપ્રદ ન બને. ટોઇલેટને ઉપયોગ પછી સ્વચ્છ રાખવું કે ત્યારબાદ હાથ ધોવાની હાઈજીન આદતો બકો ક્યારેય શીખતો નથી કે સમજતો નથી. સ્ત્રીઓને ટીકી ટીકીને ન જોવું તે પણ બકાને સમજાતું નથી. બીએમડબલ્યુ ચલાવે કે હોન્ડા પણ માવો કે પાન ખાઈને બારણું ખોલીને રસ્તા પર થુંકવાનું બકો ચુકતો નથી. આ બકાને આપણે કંઇ કહીએ તો અત્યારે તમારામાંથી ય કેટલાક મને કહી રહ્યા હશે કે જો બકા તકલીફ તો રેવાની જ.
વાત સાચી તકલીફ તો રહેવાની જ. બકાને કશું સમજાશે નહીં જ પછી તે ગમે તેટલો મોટો કેમ ન થાય....
બકા સિરિઝ પણ પચાસ વખત બીજાને વોટ્સ એપ પર ચિટકાડીને પોતે કેટલાં ઇન્ટેલિજન્ટ છે તેવું દર્શાવવાનું ય ચુકાશે નહીં જ. એમને કેમ ના કહીએ કે જો બકા વારેવારે બકા ચિટકાડીને પોતાની જાતને સાબિત ન કરાય. માનસિક પુખ્તતાને હિસાબે ઉંમર નક્કી થતી હોત તો આ  બકાની ઉંમર શું ધારી શકાય ?  સાંભળ્યું છે કે ફેસબુક હવે ભારતીય ભાષાઓમાં શરૂ થાય તેવી શક્યતાઓ છે... તો ગુજરાતીમાં એનું નામ બકાબુક રાખી શકાય કે નહી એવાય વિચાર કેટલાય બકાને આઈ ગયા હશે... બકાને બીજાઓને બકા કહેવામાં એટલો આનંદ આવે કે તેને રાતોરાત પ્રસિધ્ધ કરી દીધો સોશ્યલ મિડિયાએ. માર્ક ઝકરબર્ગે ય કદાચ પૂછ્યું હશે કે વ્હુ ઇઝ ધિસ બકા ? મારે તેને મળવું છે. સાચું કહું તો મને નવરાત્રિમાં નવો ગરબો પણ ગાવાનું મન થયું હતું. કે જ્યાં જોઉં ત્યાં બકા જ બકા.... ક્યાં, કેમ વર્તવું કે કોની સાથે કેમ વર્તવું તે બકાને શીખવાડી ન શકાય. તેને શીખવાડતા આપણે બકા થઈ જઈએ તો નવાઈ નહી.
જુઓને બકાનો અતિરેક કેટલો કે મને બકા સિવાય કોઇ વિષય સૂઝ્યો જ નહી. બકાને યાદ કરતાં તેની જ રાશીનામ બીન યાદ આવ્યા.ક્યાંક એવું તો નથીને કે બકો અમેરિકા જઇને મિં બીન થઈ ગયો ? હશે જે પણ હોય પરંતુ,  આ લેખ બકાને નામ. આ લેખ વાંચીને ખોટું લાગ્યું હોય તો જો બકા આમ ખોટું ન લગાડવું. કારણ કે તકલીફ તો રેવાની જ. બકાને જ સાચી વાતે ખોટું લાગી શકે બાકી પુખ્ત વ્યક્તિને સાચી વાત સમજાય જ. તે ગંદકી ન ફેલાવે કે ખોટું વર્તન ન કરે. ખોટું કામ ન કરે. બાકી બકાને તો કંઇ તકલીફ થાય જ નહી.

બકા વિશે વિચારતાં છેલ્લે એક જ્ઞાન લાધ્યું તે એ કે બકો આસપાસ, અત્રતત્ર, સર્વત્ર છે. ને બકાને લાગે છે કે તેને કોઇ જોતું નથી. જાણતું નથી. ને પોતે જ બહુ બુધ્ધિશાળી છે. વ્યવહારજ્ઞાની છે. એટલે બકો કહે છે જો બકા... ગંદકી તો રેવાની જ. માવો ખાઈને થુંકવું તો પડે જ. આપણા લોકો નહીં જ બદલાય....  અમેરિકામાં જઇને ય એકાદવાર કોઇ ન જોતું હોય તેમ કચરો ફેંકી આવ્યા છીએ શું કહો છો ? કહેતા બકો તાળી માટે હાથ લાંબો કરે....બકા આમ જ ચાલે ... ચિંતા ન કરો જલસા કરોને ! બકો એટલો હોશિંયાર કે  વોટિંગ માટેની રજામાં વોટિંગ કરવા ન જાય ને પિકનિક કરે. 

You Might Also Like

0 comments