પ્રકૃતિ માટે જીવનું જોખમ 15-10-14

05:47


હાલમાં જ ભારતના કૈલાશ સત્યાર્થીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળ્યું. ત્યારે ઘણા લોકોએ સવાલ કર્યો કે આપણને તો કૈલાશ સત્યાર્થી વિશે ખબર જ નહોતી. કૈલાશ સત્યાર્થી જેવા અનેક લોકો આ દુનિયામાં સમાજ માટે કામ કરે છે. જેના વિશે વધુ લખાતું નથી. તો વળી કેટલાક જીવના જોખમે પણ સમાજના હિતાર્થે કામ કરતા રહે છે. તેમાંની એક વ્યક્તિ છે કાસોવા. આ વ્યક્તિ બર્મિસ છે. અને આ તેનું સાચું નામ પણ નથી. તેના જીવને જોખમ હોવાથી તેણે પોતાનું સાચું નામ બદલીને કાસોવાના નામે જ ઓળખાય છે. તેના નામનો અર્થ થાય વ્હાઈટ એલિફન્ટ, સફેદ હાથી. જે સત્ય,શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય. આપણી આસપાસ પ્રકૃતિ જળવાઈ રહે તે સાચી સમૃદ્ધિ છે. કારણ કે કુદરતી વાતાવરણ સમતોલ જીવન આપે છે. પ્રકૃતિની અવગણના કરીને કુદરતનો ખોફ આપણે વહોરી લેતા હોઇએ છીએ. આ દરેક બાબતે 

આપણે આંખ આડા કાન કરીએ છીએ. પણ કાસોવા જેવા વિરલાઓ તેને સાચવવાના દરેક પ્રયત્ન કરતાં 

હોય છે. 

કાસોવા બર્માનો છે. તેના પિતા ડોકટર હતા. સુખી ઘરમાં ઉછરેલા કાસોવાએ ક્યારેય કોઇ તકલીફ જોઇ નહોતી. કોલેજમાં ગયા બાદ તે રાજકીય ચળવળમાં જોડાયો અને વિદ્યાર્થીઓનો નેતા બન્યો. હાલમાં હોંગકોગમાં જેમ લોકશાહી માટે વિદ્યાર્થીઓ લડત ચલાવી રહ્યા છે તેમ ૧૯૮૮ની સાલમાં બર્મામાં પણ લોકશાહીની લડત ચાલી રહી હતી. બર્મિસ સરકારે વિદ્યાર્થીઓને પકડીને જેલમાં પૂર્યા હતા અને તેમના પર અત્યાચાર કર્યો હતો. કાસોવા ઉપર પણ જેલમાં ખૂબ અત્યાચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાસોવા દેશ છોડીને જતો રહ્યો હતો પણ થોડા જ સમયમાં તે પાછો ફર્યો. અન્યાય અને માનવીય નિર્દયતાને કચકડે મઢીને દુનિયા સમક્ષ મૂકવા માટે. તે ચુપ બેસી રહે તેવો નહતો. જો કે બર્મામાં પાછો ફર્યો ત્યારે એણે નામ બદલી નાખવું પડ્યું. તે જ્યારે બર્મિસ આર્મીથી ભાગી રહ્યો હતો ત્યારે એણે જોયું કે જંગલોનો નાશ થઈ રહ્યો હતો અને જંગલમાં રહેતાં આદિવાસીઓ પર જુલ્મ પણ થઈ રહ્યા હતા. 

તેણે બર્માના યદાના વિસ્તારમાં પેટ્રોલિયમ પાઈપલાઈન નાખવા માટે ફ્રેન્ચ કંપની અને અમેરિકન કંપનીએ કરેલા માનવીય અધિકારોનું ઉલ્લંઘન અને પર્યાવરણના નુકસાનને ડોક્યુમેન્ટ કર્યા. તે વિસ્તારના જંગલો, ગામો ખાલી કરાવવા માટે જે રીતે લોકો પર અત્યાચાર અને બળાત્કાર કરવામાં આવ્યા હતા તેના વિરુદ્ધ ડોક્યુમેન્ટલ સાબિતી સાથે કેસ કર્યો. અને તે વિસ્તારના લોકોને વળતર અપાવ્યું હતું. કાસોવા સરકાર અને મલ્ટિનેશનલ કંપનીઓ સામે બાથ ભીડીને હ્યુમન રાઇટ્સ, માનવ અધિકાર માટે લડત ચલાવી રહ્યો હતો. તેણે સતત દેશની બોર્ડર છુપી રીતે પાર કરવી પડતી હતી. પંદર વરસથી તે પોતાના માતાપિતાને મળી નહોતો શક્યો. જો કે તેના માતાપિતાને પણ ટોર્ચર કરીને મારી નાખવામાં આવ્યા. કાસોવા સરકાર સામે પર્યાવરણ જ નહીં પણ પોતાની સંસ્કૃતિ, ભાષા બચાવવા માટે સતત લડી રહ્યો છે. જંગલોના નાશ સાથે સંસ્કૃતિનો નાશ અને મલ્ટિનેશનલો પાસેથી પૈસા મેળવી સત્તા ચલાવવા માગતી સરકારના અમાનુષી અત્યાચારો માટે તે આજે પણ જંગલોમાં છુપાઈને પ્રવેશ મેળવે છે. 

આર્મીને સતત હાથતાળી આપવામાં કાસોવાએ મહારત હાંસલ કરી છે એમ કહી શકાય. તે જ્યારે આ રીતે પોતાને બચાવીને ભાગતો હોય ત્યારે તેની પાસે એક બંદૂક રાખે છે. જેથી પકડાતા પહેલાં પોતાની જાતને તે ખતમ કરી શકે. કારણ કે જો તે પકડાય તો તેના પર અમાનુષી અત્યાચાર થવાના જ છે તે જાણે છે. 

આવા જોખમી કામમાં તેની સાથે કામ કરતી એક યુવતી કેટી રેડફોર્ડ સાથે તેણે લગ્ન કર્યા અને તેમને બે બાળકો પણ છે. તેની પત્ની એન્વાયરન્ટમેન્ટલ અને હ્યુમન રાઈટ્સ એટર્ની તરીકે કામ કરે છે. કાસોવાએ પોતાના કુટુંબ અને સલામતીને ક્યારેય પહેલાં મહત્ત્વ નથી આપ્યું. બર્માની સંસ્કૃતિ અને પર્યાવરણને બચાવવાના પ્રયત્નોને જ પોતાના જીવને જોખમે ચાલુ રાખ્યા છે. 

કાસોવા અને તેની પત્નીએ અર્થરાઈટ્સ ઇન્ટરનેશનલ નામે સંસ્થા શરુ કરી છે. એ દ્વારા તેમણે પોતાનું કાર્યક્ષેત્ર બર્માની બહાર પણ વિસ્તાર્યુ છે. કાસોવા આવતી પેઢીમાંથી અનેક નેતા તૈયાર કરવા માગે છે. આ નેતાઓ પોતાની આસપાસ હ્યુમન રાઈટ્સનો ભંગ થતો જોશે તો વિરોધ કરે. ચુપ ન બેસી રહે. માનવીય અધિકારમાં કોઇનું ય શોષણ કે અત્યાચારને સ્થાન નથી. કાસોવાને મેગસાયસાય, ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઈઝ,રિબોક હ્યુમન રાઈટ એવોર્ડ, વ્હાઈટલી એવોર્ડ ફોર એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન રાઈટ્સ માટે મળ્યા છે. તેણે મેગસાયસાય અને ગોલ્ડમેન એવોર્ડ સ્વીકારતાં કહ્યું કે તે અહિંસામાં માને છે. કોઇપણ રીતની હિંસા તે આસપાસ જોઇ નથી શકતો. મલ્ટિનેશનલ કોર્પોરેટ્સે માનવ અધિકારોનું પાલન કરવું જ જોઇએ તેવો એનો આગ્રહ છે અને તે ખોટો નથી જ. 

ગરીબોનું શોષણ કરી અમીરો માટેના ઉત્પાદનો ઊભા કરવા માટે ય અનેક હિંસાઓ આચરવામાં આવતી હોય છે. એ જોઇને કાસોવાનું હ્રદય દ્રવે છે. તેની અર્થરાઇટ્સ ડોટ ઓઆરજી પર પર્યાવરણ અને માનવ અધિકાર અંગેના તેના કાર્ય અને કેસો અંગે માહિતી છે. જ્યાં સુધી માનવ અધિકારનો ભંગ થતો રહેશે ત્યાં સુધી પોતાની લડત ચાલુ રાખવાની અને કાર્ય કરવાના તેમણે શપથ લીધા છે. 

આપણે ત્યાં પણ કોલમાઈન જ્યાં જ્યાં આવી છે ત્યાનાં જંગલો અને તેમાં રહેતાં આદિવાસીઓને હટાવી હ્યુમન રાઈટ્સ વિરુદ્ધનું કામ થતું જ હોય છે. વાપી પાસેથી પસાર થતા જ હવામાં કેમિકલની વાસ અને પાસેથી વહેતી નદી દમણગંગાનું પ્રદૂષણ આપણને દેખાય છે પણ નડતું નથી. મીઠી અને દહીંસર નદીને ગટરની જેમ વહેતી જોઇને કે સંજય ગાંધી નેશનલ પાર્કના જંગલનો નાશ થતો જોઇને પણ ક્યારેય અફસોસ નથી થતો કે તેને બચાવવા માટે ક્યારેય મરણિયા મુવમેન્ટ નથી થતી. 

સતત વધતી ભૌતિકતા અને ઉપભોક્તાવાદને કારણે પર્યાવરણનું નુકસાન થાય છે તેના વિશે ક્ષણનો ય અફસોસ કે વિચાર કરવામાં આવતો નથી.

You Might Also Like

0 comments