જાતિયવાદથી માનવતા સુધી 28-10-14

05:26
મધુરિમાના વાચકોને સાલ મુબારક... નવું વરસ,  આજની નારીમાં  નવા વિચાર સાથે, નવ જીવનની પ્રેરણા લાવે  તેવી હાર્દિક શુભેચ્છા. 
હેરી પોટર ફિલ્મો ધ્વારા પ્રસિધ્ધ થયેલી હોલિવુડની અભિનેત્રી એમ્મા વોટસન હાલમાં યુનાઈટેડ નેશનની વિમેન ગુડવીલ એમ્બેસેડર બની  છે. તેણે હાલમાં જ હી ફોર શી નામે કેમ્પેઇન લોન્ચ કર્યું. અર્થાત સ્ત્રીને થતાં જાતિય ભેદભાવ અંગે પુરુષો અવાજ ઊઠાવે. નવાઈ લાગે કે પિતૃસત્તાક સમાજ ઊભો કર્યો પુરુષોએ  અને હવે પુરુષો જ પિતૃસત્તાક માનસિકતા વિરુધ્ધ અવાજ ઊઠાવે ?!  આ વિશે મતમતાંતર ચર્ચામાં રહ્યા છે.
પણ આ વિચાર નવો હોવા છતાં નવો નથી. આપણે ત્યાં જ્યોતિબા ફુલે, મહાત્મા ગાંધી જેવા અનેક પુરુષોએ સ્ત્રીને સમાન દરજ્જો આપવાની પહેલ કરી છે. સ્ત્રીના શિક્ષણની, વિધવા વિવાહની અને ઘર બહાર નીકળીને પોતાનું વ્યક્તિત્વ સ્થાપવાની પ્રેરણા પણ આપી છે. આ બધા પુરુષ નેતાઓએ સ્ત્રી સ્વાતંત્ર્યની વાત પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાની વિરુધ્ધ જઈને કરી છે, એટલું જ નહી પોતાની આસપાસની સ્ત્રીઓને તેમણે પોતાના વ્યક્તિત્વ અંગે જાગૃત થવા પ્રેરિત પણ કરી છે.  
હવે યુનાઈટેડ નેશન આ કેમ્પેઇન ધ્વારા ઇચ્છે છે કે આજના યુગના  પુરુષો સ્ત્રીને થતાં અન્યાય અંગે બોલે અને પોતે નારીવાદી છે તેવું જાહેર કરે. આ કેમ્પેઇનમાં ફક્ત પુરુષો જ ભાગ લઈ શકે. સ્ત્રીઓ નહીં. કેટલીક સ્ત્રીઓ માને છે કે નારી સાથે થતો જાતિય ભેદભાવ પુરુષ પ્રધાન માનસિકતાને કારણે જ સંભવ બને છે. તો પુરુષ કઈ રીતે નારીને થતાં અન્યાયને સમજી શકે અને તેના વિરુધ્ધ બોલી શકે ? તો નારીવાદી પુરુષ (નારી પર થતાં અન્યાયનો વિરોધ કરે છે તેવા પુરુષો પોતાને નારીવાદી જાહેર કરે છે.) કહે છે કે સ્ત્રી પર થતાં અત્યાચાર-અન્યાયએ માનવીય અધિકારનો મુદ્દો છે.   પ્રાણીઓ પર થતી હિંસા માટે આપણે પણ વિરોધ કરીએ છીએ. આપણે એવું નથી કહેતા કે  પ્રાણીઓ જ સંગઠિત થઈ પોતાના પર થતી હિંસાનો વિરોધ  કરી શકે. આમ સ્ત્રી ન હોવા છતાં પુરુષો અન્યાય કે અત્યાચારને સમજી શકે છે.
વાત સાચી ય છે. ફક્ત સ્ત્રીઓ વિરોધ કરતી રહે પિતૃસત્તાક માનસિકતાનો તેનાથી કશો ફરક નહીં પડે. પુરુષ પણ જો અન્યાયનો વિરોધ કરશે તો ચોક્કસ જ ફરક પડશે. સ્ત્રી અને પુરુષ એ સમાજના અવિભાજ્ય અંગ છે. તેમાં દરેકની અંગત અનુભૂતિઓ અને સમજ જુદી હોઇ શકે પરંતુ, માનવીય અધિકારની વાતમાં જાતિય ભેદભાવ ન જ આવે. અને પુરુષ પ્રધાન માનસિકતાને પુરુષ પણ જો જુએ સમજે અને તેમના ધ્વારા થતાં જાતિય ભેદભાવનો વિરોધ કરે તો સમાજ ઝડપથી બદલાઈ શકે છે. નવાઈ લાગે એવી વાત અનેકવાર જોવા મળી છે કે કેટલાક કુટુંબમાં પુરુષ પિતૃસત્તાક માનસિકતાનો વિરોધી હોય છે. પરંતુ, સ્ત્રી જ પિતૃસત્તાક માનસિકતાને પોષતી હોય છે.

એટલે આ કેમ્પઇનમાં ફક્ત પુરુષ જ નારીવાદી બનીને વિરોધ કરે તે કેટલી અંશે વ્યાજબી છે તે વિચારવું રહ્યું. શું કામ આ કેમ્પેઇન પુરુષ અને સ્ત્રીનું સહિયારું ન હોય ? નહીં તો શક્ય છે અહીં પણ એક દિવાલ ઊભી થઈ શકે. જો આ માનવીય અધિકારની લડત હોય અને નારીને માનવ તરીકે જ જોવામાં આવતી હોય તો તેના અધિકારને સ્થાપિત કરવાની લડતમાં ય જાતિય ભેદભાવ રાખવાની જરૂરત નથી. આજના યુગમાં મોટાભાગના ઘરોમાં કેટલાક પુરુષો સ્ત્રીઓને સમાન દરજ્જો આપવા માગતા હોય છે. તેમની માનસિકતામાં પુરુષ પ્રધાનપણું નથી હોતું પરંતુ, સ્ત્રીઓની માનસિકતા ન બદલાય તો પણ કશો જ ફરક નથી પડતો. ઉદાહરણ તરીકે એક કુટુંબમાં પતિ એમ ઇચ્છે કે પોતે ઘરમાં હોય ત્યારે  પત્નીને ઘરમાં દરેક કામમાં મદદ કરે. અને તે જો રસોડામાં જઈને સિન્કમાં પડેલાં વાસણ ઘસે કે ઘરમાં કચરો, પોતું કરે તો સ્ત્રી તરત જ કહેશે કે અરે તમે મને બદનામ કરો છો. આ કામ પુરુષનું નથી એવું પણ કહી દેશે. આ ગુનાહિતતા સાથે સ્ત્રી પુરુષના જુદા કામની માનસિક ગુલામીમાંથી જો સ્ત્રી પોતે પણ મુક્ત નહીં થાય તો તે સમાજની માનસિકતા બદલવામાં અવરોધરૂપ બનશે. દિકરાને અને દીકરીને જુદાં કામ, ઉછેરમાં તફાવત પહેલાં તો માતા જ કરી શકે. ગાંધીજી કહેતાં કે છોકરીઓને શિક્ષણ આપવું જરૂરી છે કારણ કે માતા શિક્ષિત હશે તો સમાજ શિક્ષિત બનશે. શિક્ષણ એટલે સાચું જ્ઞાન ફક્ત બાહ્ય માહિતી નહી કે ડિગ્રીનું ફિંડલું નહી. હું માનું છું કે  બાળક માતા પાસેથી જ સૌ પ્રથમ જાતિય ભેદભાવનું જ્ઞાન મેળવે છે. જો જાગૃત, શિક્ષિત માતા હોય તો તે બાળકને દરેક ને વ્યક્તિ તરીકે  જોતાં શીખવાડશે. સ્ત્રી કે પુરુષ તરીકે નહી. તે દીકરીને નહી કહે કે તું છોકરી તરીકે જન્મી એટલે કેટલાક નિયમો પાળવાના જ. તારું કામ, તારી ઇચ્છા, સપના છોકરા કરતાં જુદા હશે. જ્યારે છોકરાને કહેશે નહી કે તું છોકરી કરતાં ઊચ્ચ છે. આ ભેદભાવ સ્ત્રી અને પુરુષ સાથે મળીને  ઉછેર અને આચાર ધ્વારા બદલી શકે છે.  નવા વરસથી નવો ઇતિહાસ લખવાની શરૂઆત કરીએ. માનવતાના ધોરણે જ વિચારીએ. જાતિયતાના આધારે વિચારવાનું બંધ કરીએ. તમસોમાં જ્યોર્તિગમય....

You Might Also Like

0 comments