લાલચ બુરી બલા .... સાચું કે ખોટું ?

01:35




એક વાર્તા પહેલાં અહીં ટાંકું, ----
 એકવાર એક જમીનદારે પોતાના માણસોને કહ્યું કે તમે સવારથી સાંજ સુધીમાં જેટલું દોડીને ચક્કર કાપો તેટલી જમીન તમારી.

કોઇ એક એકર દોડ્યું, તો કોઈ બે એકર તો કોઈક ત્રણ કે પાંચ કે વધુ. એક માણસને સૌથી વધુ જમીન લેવાનો લોભ જાગ્યો. તે સતત દોડ્યા જ કર્યો. ખૂબ ઝડપથી દોડ્યો. કે સાંજ પડતાં પહેલાં તો તે હાંફીને મરી ગયો. જમીનનું ચક્કર પણ ન પૂરું કરી શક્યો અને જીવ પણ ખોયો. 

ગયા અઠવાડિયે ગેકોની વાત કરી જેણે અમેરિકાને ગ્રીડ ઇઝ ગુડનો મંત્ર આપ્યો હતો. અને તે મંત્ર આપણે ત્યાં પણ લોકોએ અપનાવ્યો હતો. શેરબજારની વાત એટલે કરવી પડે કારણ કે આપણે સૌ ગુજરાતીઓ જ નહીં દુનિયાની મોટાભાગનું અર્થશાસ્ત્ર તેની ધરી પર જ ચાલી રહ્યું છે. શેરબજાર ઊંચકાય કે શેરબજાર પડે ત્યારે જે માહોલ સર્જાય છે તેને દરેક મીડિયા પહેલે પાને છાપે છે. હજી ગયા મંગળવારે જ્યારે આ લોભ અને શેરબજારના ગેકોનો આર્ટિકલ છપાયો હતો, તે દિવસે જ સેન્સેક્સે એક જ દિવસમાં ૮૫૫ પોઇન્ટની ડૂબકી લગાવી હતી. અને રોજ નફા માટે લે વેચ કરતાં લોકોના જીવ તાળવે પહોંચ્યા હતા. વિશ્ર્વબજારમાં ક્રૂડ સસ્તું થતા મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં ગાબડું પડ્યું હતું. બુફેટ શેરબજારનો સિંહ છે. તેના જીવનની દરેક બાબતને પ્રેરણાત્મક પાઠ માનવામાં આવે છે.

બુફેટે નાની વયે સિસ્ટમેટિક રીતે લાંબા ગાળાનું રોકાણ શેરમાં કર્યું હતું. જે વ્યક્તિ રોકાણકાર તરીકે નહીં પણ ઝડપથી પૈસા કમાવવા માટે શેરબજાર કે બીજા કોઈપણ બજારમાં પૈસા રોકે છે. કે જુગાર રમે છે તેમને મોટા નુકસાનનું જોખમ પણ સહેવું પડતું હોય છે. રોકાણ અને સટ્ટામાં તફાવત છે. સટ્ટો કરનારા પણ તે જાણતા હોય છે. પરંતુ, લોભ વધી જતાં જુગારીની જેમ વધુ પૈસાની લાલચે જોખમ લેવા તૈયાર થાય છે. સટ્ટો એક જાતનો જુગાર છે એવું કહી શકાય પરંતુ, જુગાર કરતાં સટ્ટામાં ગણતરીઓ વધુ હોય છે. તો આર્થિક ક્ષેત્રે કામ કરનારા કે શેરબજારમાં પૈસાનું રોકાણ કરનારા સટ્ટાને જુગાર કહેવા સામે સહમત નહીં થાય. સ્ત્રીઓને લોભ હોય છે પણ પ્રમાણમાં નહીવત કારણ કે તેના ડિએનએમાં જ તે નથી. સલામતી એ સ્ત્રીનું પહેલી પસંદ રહેશે. સસ્તું મળે તો ય બાર્ગેઇન કરવું સ્ત્રીને ગમશે કારણ કે પૈસા બચાવવા ઘર ચલાવવું તે સ્ત્રીની માનસિકતા છે. જ્યારે પૈસાથી પાવર, સત્તા મેળવવાની પુરુષની માનસિકતા હોય છે. વળી પુરુષમાં જોખમ લેવાની માનસિકતા વધુ હોય છે. પાવર પુરુષને પુરુષાતનનો અહેસાસ કરાવે છે. પણ આ લોભ સારો કે ખરાબ ? આ પ્રશ્ર્ન હકીકતે થવો જ ન જોઈએ પણ થઈ રહ્યો છે કારણ કે આજે મૂલ્યો બદલાયા છે. આપણા શાસ્ત્રો અને ધર્મો કહે છે કે રાગદ્વેષ, કામ, મદ અને લોભ સારા માણસમાં ન હોય. લોભ બુરી બલા હૈ. એવા વાક્યો ભીંત પર કે કેલેન્ડર, ડાયરીમાં પ્રેરણાત્મક વચન તરીકે વાંચવા મળે છે. પરંતુ, તેને યાદ રાખવાની કે જીવનમાં ઉતારવાની જરૂર આજે નથી જણાતી. 

વોલસ્ટ્રીટ ફિલ્મમાં ગેકોનું પાત્ર જેના જીવન પરથી લેવામાં આવ્યું હતું. અમેરિકન સ્ટોક બ્રોકર ઇવાન બોસ્કીને ૧૯૮૬માં બર્કલી બિઝનેસ સ્કૂલમાં વક્તવ્ય માટે બોલાવ્યો હતો. તેણે બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે ગ્રીડ ઈઝ હેલ્ધી. અર્થાત્ લોભ સારો છે. તમે લોભી હો અને છતાં તમને ગુનાહિતતા અનુભવાય નહીં બલ્કે તમને સારું લાગે. આ ઈવાન બોસ્કીને ઇન્ટરનલ ટ્રેડિંગ સ્કેમ માટે ૧૦૦ મિલિયન ડોલરનો દંડ અને જેલવાસ ભોગવવો પડ્યો હતો. ઈવાને કોલેજમાંથી ગ્રેજ્યુએશન પણ પરાણે કર્યું. અને ક્લાર્કમાંથી કરોડોની સંપત્તિનો માલિક બન્યો પૈસાના લોભને કારણે. તે ભાડાના ઘરમાંથી ૨૦૦ એકરની જમીનમાં ઊભા કરાયેલા મહેલ જેવા બંગલામાં રહેવા ગયો હતો. તેનું ઘર અમેરિકામાં સૌથી વધુ મોંઘું અને વૈભવી હતું. તેનું ગ્રીડ ઇઝ ગુડનું વક્તવ્ય જ વોલસ્ટ્રીટના લેખક ઓલિવર સ્ટોને અપનાવ્યું. જે આજે ઐતિહાસિક પાત્ર બની ગયું છે. 

પૈસાનો લોભ દરેકને છે કોને નથી ? એવી દલીલો થઈ શકે. આજે ઉપભોક્તાવાદને કારણે સાદું જીવન જીવવાની વાત નથી થતી. દરેકને ખૂબ પૈસા કમાવવા છે. તે પણ ઝડપથી. હાલમાં જ અખબારમાં સમાચાર હતા કે ૪૪ ટકા ઓપરેશન વગર કારણે ડોકટરો દ્વારા થયા હતા. તેમાં ઘૂંટણના અને હ્રદયના ઓપરેશન સૌથી વધુ હતા. તેનું કારણ શું ? પૈસાનો લોભ વધી રહ્યો છે તબીબ જેવા સેવાભાવી વ્યવસાયમાં પણ. કોઈ ડોકટર ગરીબ હોય કે સાદાઈથી રહેતા હોય તેવું જોયું છે ? શિક્ષણ પણ પૈસા કમાવાનું સાધન બની ગયું છે. તે પણ લોભ જ. પરંતુ તેને આપણે જોતા નથી કે ન તો તેનો વિરોધ કરીએ છીએ. સારી શાળામાં કે કોલેજમાં લાખો રૂપિયાનું ડોનેશન આપીને બાળકોનું એડમિશન કરીએ. કેમ તો સારી શાળા કોલેજોમાં ભણનાર વ્યક્તિને વધુ પૈસા મળે એવી નોકરી મળે કે વ્યવસાય હોય. વૈભવી જીવનશૈલી આજે દરેકને જોઈએ છે. આજે ઈવાન અને ગેકોની ગ્રીડ ઈઝ ગુડનું જાણે અજાણે અનુસરણ થઈ રહ્યું છે. દરેકને વધારે પૈસા કમાવવાનો લોભ સહજ લાગે છે. એટલે જ તો ભ્રષ્ટાચાર અને સ્કેમ વધી રહ્યા છે. 

આપણે દરેક ફરિયાદ કરીએ કે દરેક જગ્યાએ મોંઘવારી વધી ગઈ છે. જરૂરિયાત આપણે વધારી દીધી. તેને પૂરી કરવા પૈસાની વધુ જરૂર પડે. પહેલાં ઘરમાં એક જ ફોન હતો. આજે ઘરની દરેક વ્યક્તિ પાસે મોબાઇલ હોય. દરેક વ્યક્તિને માટે કાર જોઈએ. બ્રાન્ડેડ મોંઘા કપડાં એસેસરીઝ અને મોટું વૈભવી ઘરની જરૂરિયાત આજે સહજ માનવામાં આવે છે. અતિ લોભ તે પાપનું મૂળ કહેવાય છે. થોડો લોભ અને અતિલોભ વચ્ચે અંતર જળવાતું નથી. વધુ વ્યાજના ચક્કરમાં કેટલાય કુટુંબોની મૂડી બરબાદ થઈ ગઈ છે. ચીટ ફંડો અને કોર્પોરેશન બેંકોમાં કેટલાય રોકાણકારોની કરોડો રૂપિયાની મૂડી અત્યાર સુધીમાં ધોવાઈ છે.

સમય બદલાતા મૂલ્યો બદલાયા હોવાથી લોભ ક્યાંથી શરૂ થાય છે તે કહેવું મુશ્કેલ છે. મંદિરો અને સાધુ સંતો પાસે પણ સંપત્તિ હોય. આશ્રમો ભવ્ય હોય. મંદિરોમાં પણ વધુને વધુ શ્રીમંત થવાની હોડ હોય ત્યારે આ લોભની હરીફાઈ ક્યાં જઈ અટકશે તે સવાલ થઈ શકે. સાવ અકિંચન અને સાદગીથી રહેનાર સાંઈબાબાની મૂર્તિ અને સિંહાસન સોનાના થાય ત્યારે નવાઈ જરૂર લાગે. આજે જો સાંઈબાબા હોત તો તે એ બધું જ સોનું ગરીબોમાં વહેંચી દેત અને પોતે એ જ ફકીરીમાં રહેતા હોત. એક ક્ષેત્ર આજે લોભથી વંચિત નથી રહ્યું. ફેસબુક ઉપર પણ વધુ લાઈક ખરીદી શકાય છે. વધુ પ્રસિદ્ધિ માટે લોકો બદનામ થતા પણ અચકાતા નથી. કે કોન્ટ્રોવર્સી ઊભી કરતાં ય અચકાતા નથી. લોભ એક ટ્રેપ છે જેમાં ફસાયા બાદ નીકળવાનો સહેલો રસ્તો નથી હોતો.

You Might Also Like

0 comments