બત્રીસ પુતળીની વાત -2 -------20-1-15

01:03




સત્ય શું કહી શકાય ?


મુંબઈ લોકલમાં ભીડથી હકડેઠઠ લેડિઝ ડબ્બામાં જ્યારે મનને સાંભળવાનું એપ ઓન કર્યું તો અનેક વિચારો ભેળસેળ થવા લાગ્યા. આખરે બારી પાસે બેસેલી એક સ્ત્રી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આશરે 35 વરસની એ સ્ત્રીના મનમાં જે ચાલી રહ્યું હતું તે સાંભળીને વિચાર આવ્યો કે આ લખી શકાય કે નહીં ?  પરંતુ, આ પણ સ્ત્રીની દુનિયા છે. તો લખવું જ જોઈએ કારણ કે આવા વિચાર કેટલીય સ્ત્રીઓને આવતા હશે પણ કહી નહીં શકતી હોય.
 રશ્મિનો પતિ મરી ગયો તેને મળવા જવું છે અઠવાડિયાથી પરંતુ, સમય જ નથી મળતો. ઓફિસથી ઘરને ઘરથી ઓફિસમાં જ જીંદગી પુરી થઈ જાય છે. સાલુ મારે આવું જ જીવવાનું ... રશ્મિને હવે કેટલી શાંતિ બાળકો મોટા થઈ ગયા છે અને પતિ છે નહીં જવાબ માગવા માટે ... સવારે વહેલી ઊઠી ગરમ નાસ્તો ચા પાણી અને જમવાનું ટિફિન બધું જ કરવાનું .... હું ને એ સાથે જ ઘરમાંથી બહાર નીકળીએ પણ ત્યાં સુધી એ છાપા વાંચે, ફોન જુએ...મેસેજ કરે અને શાંતિથી બે ત્રણ કપ ચા પીએ. કારણ કે તેને ખુલાસાનો પ્રોબલેમ છે.  અને તે બધી જ ચાની માગણીઓ મારે જ પૂરી કરવાની.... મરવાની ય ફુરસદ ન હોય... ને જો બે મિનિટ મોડું થાય તો મને લીધા વિના જ સ્ટેશન જતો રહેશે. સ્વાર્થી કહીનો.... રશ્મિનો પતિ પણ શું આવો
હશે ? આવો જ હશે મોટેભાગે જો હોય તો તેને હવે મુક્તિનો અહેસાસ થતો હશે. છૂટાછેડા લેવા સહેલા નથી હોતા... એમ તો મને છોડશે નહીં કારણ કે પછી તેને કમાતી ધમાતી કામવાળી ક્યાંથી મળે. (ગાળ) કોઇ જ કામનો નથી. બેડરૂમમાં પણ તે આનંદ ક્યાં આપી શકે છે. જરાપણ ગમતું નથી તેનું ગંધરાપણું. ઊબકા આવે પણ શું થાય... મારાથી કશું જ ન કહેવાય કે ન વિરોધ થાય. કાશ રશ્મિની જગ્યાએ મારો.... કેટલી શાંતિ હોત... થોડું લાગે સાથે રહેતા હોઇએ એટલે આદત પડી ગઈ હોય એકબીજાની. અને સાજશણગાર પણ એને કારણે જ થઈ શકે ને ભારતીય સ્ત્રીઓને તો વિધવા થયા બાદ.... સારી રીતે રહેવાય પણ નહીં. હા આજે જમાનો બદલાયો છે કેટલીક સ્ત્રીઓ બિન્દાસ પહેરે ઓઢે છે. પેલી મરિયાને જ જુઓને... હજી ફ્રોક ને મિડી મેક્સી લાલી કાજલ કરીને આવે છે ઓફિસમાં. તેનો  વર પણ યુવાનીમાં જતો રહ્યો. એક્સિડન્ટમાં. પણ અમારી જ્ઞાતિ ખૂબ જુનવાણી છે વળી સાસરા પક્ષે તો ખૂબ જ નેરોમાઈન્ડેડ... હજી પણ મારે સાડી જ પહેરવાની... ડ્રેસ પહેરવાની પરવાનગી જ નહી.  હું જ એટલી બદનસીબ .... રામ રામ... છી છી કેવા વિચારો આવે છે આજે.... પણ શું કરું કાલે જ સા...એ કેવું વર્તન કર્યું. ઓફિસમાં અચાનક કામ આવી ગયું ને થોડું મોડું થયું. ઊતાવળમાં તેને ફોન કરવાનું ભૂલી ગઈ. ને પાછા વળતાં... ટ્રેનમાં એટલી ગરદી કે માંડ ઊભી હતી ચગદાઈને... ત્યાં મોબાઈલ ક્યાં કાઢું ને કેમ જણાવું.... એટલામાં તેના 10 મીસ કોલ... સ્ટેશન પર ઉતરીને શાક લઈને ઘરે પહોંચી તો બૂમાબૂમ ....અરે ... પોતે ગયા અઠવાડિયે  મિત્રો સાથે પબમાં બેઠો હતો તે નહીં જમે તેનો ફોન પણ ન કર્યો ત્યારે કંઇ નહી. લગ્ન શું કામ... અને છૂટાછેડા સહેલાઈથી લઈ શકાતા નથીને અહીં. એટલે જ તો....છૂટકારાનો એક જ રસ્તો... કાં હું મરું કે એ.... પણ ભગવાને ય સાંભળે નહીં. થાકી ગઈ કે મૂડ નથી એવુ કંઇપણ કહો તો સામે કહેશે.... કે આખા ગામની સ્ત્રીઓ કામ કરે છે. તું નવી નવાઈની  નથી...

બાળકો થયા ત્યારે નોકરી છોડવાનું કહ્યું હતું ત્યારે કહે કે અરે, એક જણની આવકમાં ક્યાંથી સારી રીતે રહેવાય. મા-બાબા છે ઘરે છોકરા સાચવી લેશે. અને હું પણ છું મદદ કરીશ. પણ આવી સારી સરકારી નોકરી ન છોડાય. પછી તો ઘરના ને બહારના બમણા કામ મારે જ કરવાના... કારણ કે હું તો ફક્ત ક્લાર્ક ઓફિસમાં એટલે મારું કોઈ કામ મહત્ત્વનું નહી. અને રસોઈમાં શું ધાડ મારવાની હોય... એવું જ હોય તો તે પોતે કેમ નથી બનાવતો... અરે એકાદ વાર શાકભાજી લાવવાનું કહ્યું હતું તો કેટલાં બહાના અને સંભળાવ્યું તે નફામાં... આ બાયકોનો જન્મ જ નકામો.... જન્મતાં જ મારા માતાપિતાએ મને મારી નાખી હોતતો સારું..હોત... વળી ઓફિસમાં ય સાંભળવાનું ...પેલો અધિકારી વારે વારે મેણાં મારે કે બૈરાઓને કામ પર રાખવા જ ન જોઈએ.  તેમનું બધું ધ્યાન ઘર, છોકરાઓ, રસોઈ, ખરીદીમાં જ હોય. કેટલીય વાર થાય કે એક ખેંચીને લાફો મારું. ઓફિસના કામ તો અમે જ કરીએ છીએ. એ તો ફક્ત હુકમ જાડે અને તેના બોસને મસ્કાઓ મારે. ને વળી તેની ગંદી નજરો.... થાય કે આંખો ફોડી નાખીએ.....

You Might Also Like

0 comments