લિકર મેન 30-12-2014

05:21

આપણને પાછળ ફરીને જોવું ગમતું હોય છે. અને કોઇ આપણને પાછું વળીને જોતું હોય તે પણ ગમતું હોય છે. દર વરસે પાછા ફરીને વીતેલા વરસને નિહાળવાનો આ સમય છે. બસ એક દિવસ પછી વરસ બદલાઈ જશે. શરૂઆતમાં નવું વરસ લખવામાં ગરબડ થાય. પણ પછી તેનાથી ટેવાઈ જઈએ ત્યાં તો તેને પણ ભૂલવાનો સમય આવી જાય ને...બસ સતત યાદ રાખવાની, ભૂલવાની પ્રક્રિયા સર્જાતી રહે છે. આમ તો આપણું ગુજરાતીઓનું નવું વરસ કારતક સુદ એકમ પણ પશ્ર્ચિમી રંગ એટલો ચઢી ગયો છે કે જાણે-અજાણે ૩૧ ડિસેમ્બર અને ૧લી જાન્યુઆરીની અસર અચેતન મનમાં પડ્યા સિવાય રહેતી નથી.

કેટલાકને લાગે કે હાશ ! એક વરસ પૂરું થઈ ગયું તો કેટલાકને લાગે કે ઓ હો વરસ પૂરું થયું! દર વરસે જાણે-અજાણે મનમાં કોઇને કોઇ સંકલ્પ દરેક વ્યક્તિ કરતી હશે. તે સંકલ્પ પૂરો થાય કે ન થાય એ અલગ વાત છે પરંતુ, એ સંકલ્પ વીતેલા સમયના સરવૈયા બાદ જ લેવાતો હોય છે. હવે વળી નવો ચીલો શરૂ થયો છે કે વીતેલા વરસોનાં સરવૈયા કાઢવા કરતાં પાર્ટી કરીને વીતેલું વર્ષ ભૂલીને નવા વરસથી નવું શરૂ કરવાનું. પાર્ટીની વાત આવે એટલે આલ્કોહોલ વગર તે અધૂરી જ રહે છે. તેમાંય વળી વરસના અંતે થતી પાર્ટીમાં તો મોકા ભી હૈ દસ્તૂર ભી હૈ કહીને પીનેવાલો કો પીને કા બહાના ચાહીએ. ભલે આજકાલ સ્ત્રીઓ પણ ડ્રિન્ક કરતી હોય પણ સદીઓથી આ બાબતે પુરુષોનો ઈજારો રહ્યો છે. અને આજે પણ પુરુષોનું ચલણ આ બાબતે વધુ હોય છે. એ ત્યાં સુધી કે દરેક બોટલ ઉપર પુરુષોનાં નામ હોય છે. આલ્કોહોલ, સ્પિરિટ, લિકર આપણે પીતા હોઈએ કે નહીં પરંતુ, કેટલાંક નામો આપણે સૌએ સાંભળ્યા હોય પણ આ પુરુષો વિશે જાણ્યું નથી. ૨૦૧૪ના બાકી રહેલા કલાકો સાથે કેટલીય પાર્ટીઓમાં આ લીકર મેન અનેકની નસોમાં વહેતા હશે.

૧. જેક ડેનિયલ -

અમેરિકાના ટેનિસી વિસ્તારમાં જેકને વારસામાં જ વ્હિસ્કી ડિસ્ટિલ કરવાનો વ્યવસાય મળ્યો હતો, પરંતુ જેકનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો હતો. કોઇપણ કામ બરાબર ન થાય તો વસ્તુઓ ફેકવી, સામે જે વસ્તુ હોય તેને કીક મારવી તેની આદત હતી. એકવાર ડિસ્ટલરી ફેક્ટરીમાં તેણે આ જ રીતે ગુસ્સામાં સામે પડેલા બોક્સને કીક મારી તે એટલી જોરથી કે તેનો અંગૂઠો ઘાયલ થયો, તેના ઘામાં ઇન્ફેકશન લાગ્યું ને તે ગુજરી પણ ગયો. તેના આ સ્વભાવને કારણે તે એટલો બદનામ હતો કે લગ્ન થઈ શક્યા નહીં. એટલે તેના વ્યવસાયનો વારસો તેના પ્રિય ભત્રીજા લેમ મોલ્ટોવને મળ્યો. એટલે જેક ડેનિયલ બ્રાન્ડના પ્રોપરાઈટર તરીકે લેમ મોલ્ટોવનું નામ આજે જોવા મળે છે.

૨. જ્હોની વૉકર -

આ નામ દુનિયાની મોસ્ટ પોપ્યુલર વ્હિસ્કી બ્રાન્ડનું છે. સ્કોટલેન્ડના એશાયરમાં ૧૮૦૫ની સાલમાં જન્મ્યો. એ હજી કિશોર હતો ને તેના પિતા મૃત્યુ પામ્યા અને તેને ૪૦૦ પાઉન્ડનો વારસો મળ્યો. આગળ જતાં તે કિલ્મારનોક શહેરનો ખૂબ જાણીતો અને સફળ દાણાનો વેપારી બન્યો. સાથે જ તે વોકર્સ કિલ્મારનોકના નામે વ્હિસ્કી પણ વેચતો હતો. તેનો દીકરો એલેકઝાન્ડર ટી એટલે કે ચા બ્લેન્ડ કરવામાં હોશિયાર હતો તેણે જ્યારે પોતાના પિતાનો વ્યવસાય સંભાળ્યા બાદ વ્હિસ્કીને પણ બ્લેન્ડ કરવાના પ્રયોગો કર્યા. અને ઓલ્ડ હાઈલેન્ડ વ્હિસ્કી સૌથી વધારે લોકોએ વખાણી. અને તે જ છેવટે જ્હોની વોકર બ્લેક લેબલ નામે પ્રસિદ્ધ થઈ.

૩. ટન્કરે -

ઇંગ્લેન્ડના એક પરગણા બેડફોર્ડશાયરમાં ચાર્લ્સ ટન્કરેના પરિવારમાં ત્રણ પેઢીથી પાદરી બનવાની પ્રથા ચાલી આવતી હતી. એટલે દરેકને એમ જ લાગ્યું કે ચાર્લ્સ પણ પાદરી જ બનશે પણ તેના બદલે ૧૮૩૦માં લંડનના બ્લૂમસબરી જિલ્લામાં તેણે નાનકડી જીન ડિસ્ટિલ કરવાની ફેકટરી શરૂ કરી. ૧૮૪૭માં તો તેનું જીન આખાય બ્રિટનમાં શિપ થવા લાગ્યું. જીન વિથ ટોનિક પીવાની ત્યારે ફેશન શરૂ થઈ.

૪. જોશ ક્યુવો -

સ્પેનના રાજાએ જોશ ક્યુવોને મેક્સિકોના જેલિસ્કો વિસ્તારમાં અગાવે ફાર્મ કરવા માટે ખૂબ બધી જમીન આપી. અગાવે એક જાતની વનસ્પતિ છે જેમાં એકવાર ફુલ આવ્યા બાદ તે મરી જાય. પણ એ વનસ્પતિમાંથી નીકળતા રસને સ્વીટનર તરીકે ખાદ્ય પદાર્થોમાં ભેળવાતું. એમાંથી જ પ્રખ્યાત ડ્રિન્ક ટકિલા જોશ ક્યુવોએ બનાવ્યું. જોશ ક્યુવો પ્રથમ વ્યક્તિ હતો જેને સ્પેનના રાજા કાર્લોસ ચોથાએ વ્યવસાયિક રીતે ટકિલા બનાવવાનું અને વેચવાનો ઇજારો આપ્યો હતો. એટલે તેણે પોતાને મળેલી જમીન પર જ મોટી ફેક્ટરી શરૂ કરી હતી. આજે જોશ ક્યુવોની છઠ્ઠી પેઢી આ પ્રસિદ્ધ ટકિલાનો વ્યવસાય સંભાળી રહી છે.

૫. સ્મિરનોફ્ફ -

વોડકા જે વિશ્ર્વભરમાં જાણીતો છે. ૧૮૬૪ની સાલમાં યોત્રે સ્મિરનોવે રશિયામાં વોડકાનું ડિસ્ટિલેશન શરૂ કર્યું હતું. સ્મિરનોફ્ફ જે ફ્રેન્ચ રીતે લખાયેલું નામ છે. યોત્રેના મૃત્યુ બાદ તેના ત્રીજા પુત્ર વ્લાદમીર સ્મિરનોવે તેને પ્રસિદ્ધ કર્યો. ૧૯૦૪ની રશિયન ચળવળ વખતે તેણે રશિયા છોડીને બીજા દેશમાં જવું પડ્યું. ત્યારબાદ જ્યારે તે રશિયા પાછો આવ્યો તે સમયે બૅન્કરપ્ટ થયા પછી તેણે અમેરિકામાં સ્થળાંતર કરીને રહેતા રશિયન રુડોલ્ફ કુનેટ્ટને પોતાની બ્રાન્ડના રાઈટ્સ આપ્યા. કાળક્રમે અનેક ચઢાવ-ઉતાર બાદ પણ આજે સ્મિરનોફ્ફ દુનિયાભરમાં પ્રસિદ્ધ વોડકા બ્રાન્ડ છે.

૬. કમ્પારી -

ગાસ્પર કમ્પારીએ ઘણી નાની વયે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૪ વરસની વયે તે ઇટલીના તુરિન શહેરમાં માસ્ટર ડ્રિન્ક મિક્સર તરીકે પ્રખ્યાત થયો હતો. તે ડ્રિન્કમાં અનેક જાતના ફ્લેવર મિક્સ કરતો હતો. ૧૮૬૦ની સાલમાં આમ કરતાં લગભગ ૬૦ જાતની વસ્તુઓ મિક્સ કરીને કમ્પારી ડ્રિન્ક બન્યું. તેણે મિલાનમાં કમ્પારી ડ્રિન્ક બનાવવાની ફેક્ટરી નાખી. આજે પણ એ જ રેસિપી પ્રમાણે કમ્પારી બને છે. અને તેમાં ખૂબ જ ઓછા લોકોને કામ આપવામાં આવે છે. તેની રેસિપી તેના વારસદારો પાસે સિક્રેટલી જળવાયેલી છે. એમાંની બેચાર વસ્તુઓ વિશે લોકોને ખબર છે જેમ કે સંતરાની છાલ, ક્વિની વગેરે...

૭. કેપ્ટન મોર્ગન -

સત્તરમી સદીમાં કેરેબિયન ચાંચિયો હેન્રી મોર્ગનના નામ પરથી આ સ્પાઈસ્ડ રમનું નામ પાડવામાં આવ્યું છે. કેપ્ટન મોર્ગન પોતાની પિતરાઈ બહેનને જ પરણ્યો હતો. અને જમૈકન સરકાર માટે જોખમી લડતો કરતો. તેણે સ્પેનની કેટલીક વ્યક્તિઓને તાબામાં રાખી હતી તો હાઈતીના એક ટાપુને પણ તેણે નષ્ટ કર્યો હતો. ક્યુબાના કિનારાનું એક શહેર પનામા પર તેણે કબજો મેળવીને ધ્વસ્ત કર્યું એટલું જ નહીં, તેણે પનામા શહેરને લૂંટીને બાળ્યું હતું. છેવટે જ્યારે ઇંગ્લેન્ડ અને સ્પેને ૧૬૭૧માં શાંતિના કરાર કર્યા ત્યાર બાદ તેની ચાંચિયાગીરીની

કારકિર્દી પર રોક આવી. તે જમૈકામાં લેફટ્નન્ટ ગવર્નર બન્યો હતો. આ બ્રાન્ડની રમ ૨૦૦૭થી દુનિયામાં સૌથી વેચાતી બ્રાન્ડમાં સાતમા ક્રમે આવે છે. ૨૦૧૧થી તેના લેબલ પર સ્લોગન પણ આવે છે. ઝજ્ઞ હશરય, હજ્ઞદય ફક્ષમ હજ્ઞજ્ઞિ.ં

૮. જીમ બીમ -

દુનિયાની સૌથી પ્રસિદ્ધ બોરબોન વ્હિસ્કી બ્રાન્ડ. બોરબોન વ્હિસ્કીનો પોતાનો અલગ આગવો સ્વાદ અને મિજાજ હોય છે. તેમાં ૫૧ ટકા મકાઈ હોવી જરૂરી છે. બાકી મોલ્ટ, ઘઉં વગેરે અનેક ધાન્યો મિક્સ કરવામાં આવે છે. ઉપરાંત ડિસ્ટિલ આલ્કોહોલને લાકડાના બેરલમાં ભરી મૂકવામાં આવે છે. તે અમેરિકાના અનેક વિસ્તારમાં તેને બનાવવામાં આવે છે. પણ બીમ પરિવારે સત્તરમી સદીથી આ બોરબોન વ્હિસ્કી બનાવવાની શરૂઆત કરી હતી. ત્રીજી પેઢીએ જીમ બીમે પોતાના નામે બ્રાન્ડ પ્રસિદ્ધ કરી.

આલ્કોહોલ સદીઓથી દરેક દેશમાં પીવાતો આવ્યો છે. સોમરસ તરીકે મહાભારતકાળમાં પણ પીવાતો હતો. ઉપર જણાવેલ દરેક બ્રાન્ડનેમ ઊભું કરનારા પુરુષોને સેલિબ્રેશનના સમયે યાદ કરીને ચિયર્સ સાથે નવા વરસે દરેક વાચકોને શુભેચ્છા. નવા સ્પિરિટ એટલે કે જોમ સાથે ૨૦૧૫ના વરસને વધાવીએ.

You Might Also Like

0 comments