મૃત્યુ કે મર્ડર ...એક વધુ વણઉકલ્યું રહસ્ય 3-10-15

00:05



પચાસ વરસ બાદ ભારતના બીજા વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી  સોવિયેત યુનિયનમાં પાકિસ્તાન સાથે શાંતિ કરાર પર સહી કર્યા બાદ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. તેમના કુટુંબીજનોએ એ રહસ્ય ઉકેલવા અંગે ઘટતું કરવા  હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે.

‘તે રાત્રે મને અનિષ્ટના ભણકારા સમું સ્વપ્ન આવ્યું કે તેઓ મૃત્યુ પામી  રહ્યા છે. તે જ સમયે દરવાજે ટકોરા પડ્યા ને તંદ્રામાં મેં દરવાજો ખોલ્યો. દરવાજે ઊભેલી એક સ્ત્રીએ કહ્યું  કે તમારા પ્રાઈમ મિનિસ્ટર મૃત્યુ પામ્યા છે.  તરત જ કપડાં બદલી હું દોડ્યો. ....’ કુલદીપ નાયરે ૧૧ જાન્યુઆરી, ૧૯૬૬ની રાતનું વર્ણન તેમના આત્મકથાનક પુસ્તક ‘બિયોન્ડ ધ લાઈન્સ’ માં  લાલબહાદુર શાસ્ત્રી વિશેના પ્રકરણમાં લખ્યું છે. શાસ્ત્રીજીને યાદ કરવાનાં અહીં બે કારણો છે. જન્મ અને મૃત્યુ. એક તો તેમનો જન્મદિન ગાંધીજીના જન્મદિનની સાથે  ૨જી ઑક્ટોબરે હતોે. બીજું તેમના મૃત્યુ સંદર્ભે  હજી અનેક રહસ્યો વણ ઉકલ્યા છે. સુભાષચંદ્ર બોઝના મૃત્યુના રહસ્યની ફાઈલો જાહેર થવાની વાત ચર્ચામાં છે તો એની સાથે  સ્વાતંત્ર્ય સેનાની અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના મૃત્યુ અંગેના કેટલાક જવાબો માટે ૨૦૦૯ની સાલમાં આરટીઆઈ ફાઈલ કરવામાં આવી હતી.
૧૯૬૬ની જાન્યુઆરીના અગિયાર તારીખે આપણાં ત્યારના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ તાશ્કંદ (ઉજબેકિસ્તાન) શાંતિ કરાર માટે ગયા હતા. લાલબહાદુર શાસ્ત્રી કૉંગે્રસના તેમની પ્રત્યેના વર્તનથી ખુશ નહોતા. નહેરુ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે શાસ્ત્રી પોર્ટફોલિયો વિનાના પ્રધાન હતા. અને તેમણે એ બાબતે નારાજગી દર્શાવી હતી. તેમણે રાજીનામું આપી અલાહાબાદ ચાલી જવાની વાત પણ પત્રકાર લેખક  કુલદીપ નાયર સાથે કરી હતી. ત્યાં જ અચાનક નહેરુનું નિધન થતાં લાલબહાદુર શાસ્ત્રીને વડા પ્રધાન બનાવવામાં આવ્યા. જોકે નહેરુજીની ઈચ્છા તેમની દીકરીને જ વડા પ્રધાન બનાવવાની હતી એવું લાલબહાદુર શાસ્ત્રીએ કુલદીપ નાયરની સામે કબૂલ્યું હતું. વડા પ્રધાન નહેરુને મળવા માટે પણ પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને સરળતાથી એપોઈન્ટમેન્ટ નહોતી મળતી એવું જાણવા મળે છે.
૨૭ મે, ૧૯૬૪ની સાલમાં નહેરુનું મૃત્યુ થતા ત્યારના કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ કે. કામરાજે જુનમાં શાસ્ત્રીજીને વડા પ્રધાન પદે બેસાડ્યા હતા. શાસ્ત્રીજીના નમ્ર સ્વભાવને કારણે લોકોને તેમના વડા પ્રધાન પદને યોગ્ય ન્યાય આપી શકશે કે કેમ તેની શંકા હતી. પણ ૧૯૬૫માં પાકિસ્તાન સામે યુદ્ધ શ‚ થતાં કેટલાક નિર્ણયો તેમણે લીધા તેની સરાહના થઈ. દુશ્મનના દેશમાં પહોંચીને માત આપવાની હિંમત તેઓ કરી શક્યા એટલું જ નહીં તાશ્કંદમાં શાંતિ કરારમાં પોતાની શરતો ઉમેર્યા સિવાય સહી નહીં કરવાની વાત પર અડગ  રહ્યા હતા. એ શરત હતી કે પાકિસ્તાન ભવિષ્યમાં  હથિયારનો ઉપયોગ નહીં કરે.  તેમના નમ્ર વ્યક્તિત્વ હેઠળ ફોલાદી હૃદય હતું તે એમણે સાબિત કરી બતાવ્યું હતું. પણ કરાર પર સહી કર્યાના થોડા જ કલાકમાં તેમનું અચાનક નિધન થતા રાષ્ટ્રમાં શોક ફેલાયો હતો. તેમની પત્ની લલિતાદેવીને શંકા હતી કે તેમનું મૃત્યુ કુદરતી રીતે નથી થયું. શાસ્ત્રીજીનો દેહ ભારત પાછો આવ્યો ત્યારે લલિતાદેવીને બ્લ્યુ લાગ્યો હતો અને તે અંગે સવાલ પણ કર્યો. તેમને જવાબ મળ્યો કે દેહ સાચવવા માટે ઔષધિ વાપરવામાં આવી હતી. શાસ્ત્રીજીના નાના પુત્ર અનિલ શાસ્ત્રી જે કૉંગ્રેસના મેમ્બર છે અને મોટા પુત્ર સુનીલ શાસ્ત્રી જે બીજેપીના ધારાસભ્ય છે તેમનું કહેવું છે કે તેમની માતા ૧૯૯૩માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી માનતા હતા કે શાસ્ત્રીજીનું મર્ડર થયું છે. અને તેઓ પોતે પણ એવું જ માને છે.

કેટલાક  મુદ્દાઓ જે શાસ્ત્રીજીના મૃત્યુ અંગે રહસ્ય પેદા કરે છે.

૧. રેકોર્ડ ક્યાં છે  ? -  રાજ નારાયણે તપાસ શ‚ કરી હતી, પરંતુ તેઓ કોઈ નિષ્કર્ષ પર નહોતા પહોંચી શક્યા.  છતાં તે તપાસ અંગેના રિપોર્ટની ફાઈલ કેમ મળતી નથી. શું એ ફાઈલ દબાવી રાખવામાં આવી છે કે પછી તેને નષ્ટ કરી નાખવામાં આવી છે  ?

૨. પોસ્ટમોર્ટમ થયું હતું  ? -તેમનાં પત્ની લલિતાદેવીએ કહ્યું હતું કે તેમનું શરીર એકદમ ભૂરું હતું અને શરીર પર કેટલાક કટ માર્ક પણ જણાતા હતા. જો પોસ્ટમોર્ટમ થયું જ ન હોય તો ઔષધિઓ લગાવવાની કે શરીર પર ચીરાનાં નિશાન શું કામ હોય  ? અને જો પોસ્ટમોર્ટમ થયું હોય તો તેનો રિપોર્ટ કયાં છે  ?


 ૩. શું તેમને ઝેર આપવામાં આવ્યું હતું  ?  - તેમના અંગત તબીબ ડૉ. આર કે ચુગે કહ્યું હતું કે શાસ્ત્રીજીની તબિયત એકદમ સારી હતી. ભૂતકાળમાં તેમને હૃદયની કોઈ બીમારી નહોતી. એટલે હાર્ટ એટેક આવવાની શક્યતા નહીવત્ હતી. અને તે સમયે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહોતું તો શરીર પર પંકચરના ચિહ્નો ઝેર આપ્યાના પણ હોઈ શકવાની શક્યતા છે.
૪. હાજર સાક્ષીઓ શું કહે છે - તે રાત્રે બે વ્યક્તિ શાસ્ત્રીજી સાથે હાજર હતી.  ૧૯૭૭ની સાલમાં સાક્ષી તરીકે પાર્લામેન્ટરી કમિટી સમક્ષ તેઓ હાજર થવાના હતા. એક હતા ડૉ. ચુગ, તેઓ કમિટી સમક્ષ હાજર થવા જઈ રહ્યા હતા કે ટ્રકે તેમને કચડી નાખ્યા. તત્ક્ષણ તેમનું નિધન થયું.
બીજી વ્યક્તિ હતી તેમનો નોકર રામ નાથ. તેણે કમિટી સામે જતાં પહેલાં શાસ્ત્રીજીની પત્નીને કહ્યું હતું કે ‘બહુત દિનકા બોજ થા અમ્મા, આજ સબ બતા દેંગેં. ’ તેને પણ એક કારે ઉડાડી દીધો. તેનો પગ કાપી નાખવો પડ્યો અને તેની સ્મરણશક્તિ નષ્ટ થઈ ગઈ.

૫. સીઆઈએ એજન્ટનું શું કહેવું હતું  ? - ગ્રેગરી ડગ્લાસ નામના પત્રકારે સીઆઈએના એજન્ટ રોબર્ટ ક્રોવલીનો  ઈન્ટરવ્યુ લીધો હતો અને તેણે કહ્યું હતું કે લાલબહાદુર શાસ્ત્રી અને વૈજ્ઞાનિક હોમી ભાભાના મૃત્યુ પાછળ સીઆઈએનો હાથ હતો. શાસ્ત્રીજીએ ન્યુક્લિઅર ટેસ્ટ માટે ગ્રીન સિગ્નલ આપ્યું હતું. તેનાથી  ભારતમાં  આવી રહેલા સુધારા તથા ભારત-રશિયાનું વર્ચસ્વ વધવાને કારણે અમેરિકા ભય પામ્યું હતું. તેમનો ઈન્ટરવ્યુ   ‘ક્ધર્વશેસન વિથ ક્રો’  નામના પુસ્તકમાં પ્રસિદ્ધ થયો હતો.

૬. રશિયન બટલરનો હાથ હતો  ? - રશિયન બટલર તેમની નજીક જઈ શક્યો હતો. તેની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ તેને સરળતાથી છોડી પણ મૂકાયો હતો. જો શાસ્ત્રીજીને ઝેર આપવામાં આવ્યું હોય તો તેની પાસેથી માહિતી મળી શકી હોત. શાસ્ત્રીજી કાર્ડિયાકઅરેસ્ટથી મૃત્યુ પામ્યા હતા એવું જ અધિકારીઓએ સાબિત કયુર્ં.

You Might Also Like

0 comments