કેમિકલ લોચા અને હિંસાની અંદર બહાર

00:42


ઈન્ટ્રો – ગયા અઠવાડિયે બે ઘટનાઓએ ચિત્તને વિક્ષિપ્ત કર્યું. હિંસા ખૂન કરવાથી પણ શક્ય છે અને  આત્મહત્યા દ્વારા પણ શક્ય છે.

નજીકના એક મિત્રના લગભગ 42 વરસના દીકરાએ આત્મહત્યા કરવાના સમાચારે મનને ક્ષુબ્ધ કરી દીધું હતું. હું પણ એક માતા છું અને પત્ની છું એટલે આત્મહત્યા કરનારની માતા અને પત્નીની પીડા સમજી શકાય છે. જો કે આત્મહત્યા કરનાર પોતે પણ પીડાઓને ઝેલી જ રહ્યો હતો. તે ડિપ્રેશનનો શિકાર હતો. હતાશાના રસાયણે તેના મનનો કબજો લઈ લીધો હતો. જેને લીધે તેને દુનિયા નિરર્થક જણાતી હતી. પ્રેમાળ અને સમજદાર માતાપિતા-પત્ની અને જેને પોતે ખૂબ ચાહે છે એ નાનકડો દીકરો છતાં એ વ્યક્તિને દુનિયા જીવવા જેવી નથી લાગતી. જે પણ મિત્રોને વાત કરતી તેઓ તરત જ તારણ મૂકી દેતા કે નોકરી કે છોકરીની સમસ્યા હશે. તેમને દૃઢ સ્વરે કહેવું પડે કે ના. આત્મહત્યા કરનાર વ્યક્તિ ખૂબ સ્કોલર અને સાલસ સ્વભાવનો વ્યક્તિ હતો. તેને જાણ હતી કે આવા ન આવવા જેવા વિચારો તેનો કબજો લઈને સુખી સંસારને રોળી રહ્યા છે. તેણે પોતાના પરિવાર અને મિત્રોના સહયોગથી હતાશાને હંફાવવાનો પ્રયાસ કર્યો હતો.
તમે જ્યારે ચાલતા હો છો ત્યારે ધ્યાન રાખીને ચાલતા હો છો તે છતાં ક્યારેક તમારો પગ તમને ખબર ન પડે તેમ ગફલતમાં મચકોવાય જાય કે તમે ગડથોલિયું ખાઈ જાઓ છો. એવું જ હતાશામાં બનતું હોય છે. હતાશા એટલે કે ડિપ્રેશન બાહ્ય કારણોને લીધે પણ સંભવ છે અને કોઈ કારણ ન હોય પણ કેટલાક કેમિકલ લોચાને કારણે પણ માનસિક બિમારીઓ જન્મ લેતી હોય છે. આત્મહત્યામાં પણ બેવડી હિંસા હોય છે. એક તો પોતાને ખતમ કરનાખવાની અને તેના ઘાવ પરિવારને પણ લાગતા હોય છે. સમાજમાં બધા જ સમજદાર નથી હોતા કેટલીક નજરો સવાલ પૂછતી હોય છે કે શું પરિવારે તેનું ધ્યાન નહોતું રાખ્યું? ભાઈ, એવું નથી હોતું તમે ગમે તેટલું ધ્યાન રાખો, કાળજી કરો તે છતાં પડાય છે. ગેસ  પર દૂધ ગરમ કરવા મૂક્યું હોય અને આપણે સામે જ ઊભા હોઈએ તો પણ ક્યારેક સેકન્ડ્સ માટે બેધ્યાન બનો અને દૂધ ઊભરાય છે. બ્લેમ ગેમનો કોઈ અર્થ નથી હોતો. આજે તેની માતા અને પત્નીને ગુનાહિતતાનો ભાવ પીડી રહ્યો હોય છે કે કેમ અમે સાથે નહોતા?  એવું વિચારીને બનેલું ટાળી નથી શકાતું. પ્રયત્નોતો કર્યા જ હતા. અફસોસ અને દુખ થાય પણ કેટલાક પરિબળો સામે તમે કશું જ કરી નથી શકતા.
 એવું કહી શકાય કે મરનેવાલે પે શેખ હેરત ન કર, મોત આસાન હો ગઈ હોગી.  તેને પોતાને પણ પીડી રહ્યુ હોય છે ડિપ્રેશન. તેનો ઈલાજ થતો હોય છે. સાઈકોલોજીસ્ટ દવાઓ  આપે છે તે કેમિકલ રિએકશનને નાથવાનો પ્રયાસ કરે છે. તે છતાં ક્યારેક એ કેમિકલની જીત થાય છે અને વ્યક્તિ નબળી ક્ષણે આત્મહત્યા કરીને પોતાના પરિવારને છેતરીને જતો રહે છે. પોતાની જ વ્યક્તિ જેણે આપણે બહુ ચાહ્યો હોય તે આપણને છેતરીને જતો રહે તો તેની કારમી પીડા જેણે સહી હોય તે જ જાણે. હકારાત્મક વિચારો કે લખાણો કશું જ કામ નથી આવતું. ભૂખ્યો વાઘ સામે ઊભો હોય અને તે સમયે તમારે ડર્યા વિના તેની આંખમાં આંખ નાખીને ડરાવવો પડે છે. એટલી હિંમત તે સમયે લાવવી અઘરી હોય છે. એવું જ આ ડિપ્રેશન નામના રાક્ષસનું છે. લડાઈના મેદાન કરતાં પણ કપરી જંગ આપણે આપણી જાત સાથે લડવી પડતી હોય છે. નાની અમથી ટેવ છોડવા પણ આપણે જ્યારે અક્ષમ હોઈએ છીએ ત્યારે કપરી પરિસ્થિતિ સામે ઝઝુમવાનું સહેલું નથી હોતું. દરેક વ્યક્તિ દરેક બાબતમાં સફળ નથી થઈ શકતી. તે પણ સ્વીકારવું જરૂરી છે. આવું નથી સ્વીકારતા એટલે જ બીજી હિંસાની વાત આવે છે.
 ગયા અઠવાડિયે મુંબઈમાં એક વીસ વરસના દીકરાએ પોતાની માતાની હત્યા કરી. ઈન્સપેકટનો દીકરો. સુખી ઘરનો દીકરો. તેને માગ્યું તે મળ્યું. પણ તેના પર સતત ભણવાની અપેક્ષાનો બોજો લદાતો હતો. માતાએ બાળક થયા બાદ લંડન જઈને અભ્યાસ કર્યો હતો. તે માટે તેના પતિએ એકના એક દીકરાને સાચવ્યો. હવે એ છોકરો એન્જિનયરીંગમાંથી ડ્રોપઆઉટ થયો અને સાયન્સના પહેલાં વરસમાં પણ ભણવા નહોતો જતો. એ બાબતે માતા અને દીકરા વચ્ચે રોજ જ ચકમક ઝરે. દીકરાએ પરીક્ષા જ નથી આપી. પરિણામની વાત આવી ત્યારે દીકરો ખોટું બોલે છે તે પકડાઈ જવાનું છે. માતા તેની સાથે કોલેજમાં જવા માગતી હતી જે તેને મંજુર નહોતું અને આવેશમાં તે માતાનું ખૂન કરી નાખે છે. સુખીસંપન્ના પરિવાર ખતમ થઈ ગયો. માતાનું ખૂન કરીને પોતે પણ આત્મહત્યા કરવા માગતો હતો પણ જેટલી સહેલાઈથી તેણે માતાનું ખૂન કર્યું તેટલી સહેલાઈથી તે પોતાની જાતને મારી ન શક્યો. ભાગી ગયો પણ પકડાઈને જેલમાં ગયો.  લાડકવાયા દીકરા અને પ્રેમાળ પત્નીને ખોઈને પુરુષ ભાંગી પડ્યો. તેને કેટલી નિરર્થકતા લાગતી હશે તેની કલ્પના પણ કરવી અશક્ય છે. અહીં આપણે તે દીકરાને સાયકોપેથ કહી શકીએ. પણ એક મિનિટ જરા થોભો. અહીં પણ આપણે અન્યાય કરી રહ્યા છીએ. આપણને લાગે છે કે છોકરો કેટલો ક્રૂર નીકળ્યો. ભણવું તો જોઈએ જ ને. ભણીશું નહીં તો કમાણી નહીં થાય. દરેક બાબત આપણે એક ને એક બે કરીને મૂકી દેવા માગીએ છીએ. આપણું શિક્ષણ યોગ્ય છે? તે વિશે વિચારવા જ નથી માગતા. ધારો કે કોઈ બાળકે ન ભણવું હોય તો? એવી કોઈ શક્યતા આપણે રાખી નથી. ભણ્યા વિના જાણે કોઈ જીવન જીવી જ ન શકે એવો સમાજ ઊભો કર્યો છે. આપણા પૂર્વજો નહોતા ભણ્યા પણ જીવ્યા. કદાચ સારી રીતે ય જીવ્યા. દરેક બાળકની ક્ષમતા જુદી હોવાની. પણ વધુ માર્ક્સ લાવનારને જ એડમિશન મળે. તે જ સફળ કહેવાય. હોંશિયાર કહેવાય એવો સમાજનો ધારો બનાવી દીધો છે. એને કારણે આજે અનેક ઘરોમાં બાળકો પર હિંસા આચરવામાં આવે છે. કોઈને મારવા માત્રથી જ હિંસા નથી થતી. તેને સતત ત્રાસ આપવાથી પણ હિંસા થઈ શકે છે.
આ ઘટના વાંચીને થયું કે મેં પણ જાણેઅજાણે મારા દીકરા પર હિંસા કરી છે. શરમ આવે છે મને મારા પર. એ છોકરાએ તેની માતાને નથી મારી પણ આપણી શિક્ષણપ્રથા અને આપણી ખોટી અપેક્ષાઓને લપડાક મારી છે. સોશિયલ મીડિયા પર અનેક સારા સારા સંદેશાઓ આપણે ફોર્વડ કરતા હોઈએ છીએ. તેમાં પંખીની વાત પણ ક્યાંક વાંચી હતી. પંખીઓ અને પશુઓ પોતાના બાળકની કાળજી લેતાં જ હોય છે પણ ત્યાં સુધી જ જ્યાં સુધી તે ઊડતાં શીખે કે ચાલતાં શીખે. તેમને માટે કોઈ નિયમ હોતા નથી કે આમ જ કરવાનું ને તેમજ કરવાનું. દરેક જણ પોતાની ક્ષમતા મુજબ જીવે. પરંતુ સૌથી મોટી હિંસા આપણે જ આપણા પર કરી છે ચોસલાઓમાં જીવનને મૂકી દીધું છે.
આ બધું વિચારીને આપણે હિંસાને બહાલી નથી જ આપવાની. એ છોકરાએ જે ગુસ્સામાં ક્રૂરતા આચરી તે યોગ્ય નથી જ. પરંતુ સમાજે પણ વિચારવાની જરૂર છે. આપણે એવો સમાજ રચ્યો છે કે તેમાં સફળતાની વ્યાખ્યાઓ મટિરિયલસ્ટીક છે. પૈસાના આધારિત છે. કુદરતી વાતાવરણને નષ્ટ કરીને સિમેન્ટ કોન્ક્રિટની દિવાલોમાં આપણે કેદ છીએ. આપણું શિક્ષણ પણ તેમાં કેદ છે. શિક્ષણ જીવનના મૂલ્યો શીખવાડતું નથી. એ શિક્ષણની ડિગ્રીઓ લઈને સેલ્ફીશ એટલે કે સ્વાર્થી બનીને આપણે વધુ કેમ પૈસા કમાવવા તેની જ ગણતરી કરવાની. ડોકટર બનીને ગરીબોની સેવા કરવાની નહીં કે એન્જિનયર ગામડાઓમાં ચેક ડેમ બાંધવા નહીં જાય. સમાજના દરેક સ્તરમાં છુપી હિંસા છે. તે ક્યારેક આ રીતે બહાર આવે ત્યારે આપણને આઘાત લાગે છે. બાળકોને હિંસક મોંઘી વિડિયા ગેમ આપવાની, મોબાઈલ્સ, ગાડી કે દરેક સુખસગવડ આપવાના. એના બદલે તેને મૂલ્ય આધારિત સાદગીપૂર્ણ જીવનની ઝલક આપી શકાય તેવું કેટલા વિચારે છે. વેકેશનમાં કેટલા માતાપિતાઓ હવે પોતાને ગામ બાળકોને લઈ જાય છે? તેમની પાસે સમય નથી હોતો અને માતાપિતાને પણ કમાણી કરવામાંથી ફુરસદ નથી હોતી.
દરેક પરિસ્થિતિના સ્વીકાર સાથે બીજાનો વિચાર કરીને જીવનને મહત્ત્વ આપવું જરૂરી છે. બાળકને સુખસગવડ નહીં પણ તેને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર આપો. તેને ન ભણવું હોય તો એનો સ્વીકાર કરો. તેને ગમતું જે કંઈપણ હુન્નર શીખવું હોય તો તે શીખવા દો. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ આવડત હોય જ છે. અને આત્મહત્યા કરનાર વ્યક્તિના ઘરવાળાઓનો વિચાર કરીને  સોશિયલ મીડિયા પર પોષ્ટ લખો કે બોલો. ભાગ્યે જ કોઈ પોતાના સ્વજનનું અહિત ઈચ્છે કે તેની કાળજી ન લે. ગમે તેટલી કાળજી લીધા બાદ પણ  કોઈને કોઈ સ્વરૂપે મુત્યુ આવતું જ હોય છે. કેટલીકવખત  સતત કાળજીને ચિંતા પણ વ્યક્તિને નબળી બનાવી દેતી હોય છે. વધુ પડતી કાળજી પણ હિંસાનું કારણ બની શકે છે તે વિચારવું જોઈએ.           


You Might Also Like

0 comments