થોડા સા રુમાની હો જાયે....

09:10

સ્ત્રીને પ્રેમ અને સમર્પણની મૂર્તિ માનવામાં આવે છે. પુરુષને પથ્થર હૃદય કહેતા કવિઓ પણ છે. તે છતાં પારાવાર પ્રેમ કરી શકતા પુરુષ વિશે શું કહીશું? આકાશમાં વાદળ ઘેરાય ત્યારે કાલિદાસને જ યાદ કરવામાં આવે છે. મેઘદૂત કવિતામાં મેઘની સાથે પ્રિયતમાને સંદેશો પહોંચાડનાર પ્રિયતમ આજે પણ લોકોના હૈયે રાજ કરે છે.

પ્રેમની અભિવ્યક્તિ પુરુષો ન કરી શકે કહેનારાએ ફેર વિચારણા કરવી જોઈએ. જે પુરુષો કહે છે કે પ્રેમ કંઈ બોલીને કહેવાય નહીં તેમણે પણ કાલિદાસથી લઈને સાહિર લુધિયાનવી સુધીના અનેક કવિઓને વાંચવા જોઈએ. ફક્ત કવિઓ જ નહીં અનેક વિચારકો અને લેખકોએ પણ પ્રેમમાં પડવાના ગુનાઓ કર્યા છે. અને તેની સજાઓ પણ ભોગવી છે. પ્રેમકાવ્યો કે પ્રેમપત્રો મિલનમાં લખાતા નથી એ વિરહમાં જ લખાય છે.   માધવ રામાનુજ લખે છે કે પાસ પાસે તોય કેટલા જોજન... આમ તો આપણે સાવ અડોઅડ પણ તોય છેટાનો ભાસ...

પુરુષ પ્રિયતમ બને છે ત્યારે કાલિદાસ અને દેવદાસ બન્ને રીતે દિલ ફાડીને પ્રેમ કરી શકે છે. સ્ત્રીના શરીરસૌંદર્ય અને તેની લાગણીઓની કવિતાઓ ગાનારા પુરુષો જ છે. પુરુષ વિના દુનિયાનું નવસર્જન પણ શક્ય નથી કે સ્ત્રીનું માતૃત્વ પણ પૂર્ણ નથી. કોયલનો પંચમ સ્વર વિરહ જગાડી શકે છે તો મોરનો તીવ્ર ષડ્જ હૃદયના આકાશને ભેદી શકે છે. કોયલ અને મોર પણ નર જ છે. નર વિના નારી અધૂરી જ છે. અર્ધનારીશ્ર્વર એ શિવનું રૂપ મનોહર છે. સતીના મૃત્યુ બાદ વિરહમાં શિવે તાંડવ કર્યું હતું તો સીતાના વિરહમાં રામ ચોધાર આંસુએ રડ્યા હતા અને હનુમાનને દૂત તરીકે સીતા પાસે મોકલ્યા

હતા.

મોરના ટુહુકાઓ અને વરસવા આતુર પ્રેમી જેવા ઘેરાયેલા આકાશ સાથે કેટલાક પુરુષોએ કરેલા પ્રેમની વાત યાદ કરીએ. તારી આંખનો અફીણી દિલીપ ધોળકિયા ગાતા ત્યારે આખુંય દર્શકવૃંદ ઝૂમી ઉઠતું. પતિ જ્યારે આ ગીત ગાતો હોય છે ત્યારે પત્નીઓની આંખમાં વોહી પહેલીસી શરમના શેરડા મલકી જતા જોઈ શકાય છે. સાહિર લુધિયાનવીએ અનેક સ્ત્રીઓને તૂટીને પ્રેમ કર્યો અને પછી એ પ્રેમ તૂટી જતો ત્યારે હૃદયની એ ટીસમાંથી કવિતાઓનો જનમ થતો.

કભી કભી મેરે દિલમેં ખ્યાલ આતા હૈ... કી જિંદગી તેરી ઝુલ્ફકે નર્મ છાઓંમેં, ગુજરને પાતી તો શાદાબ હો ભી સકતી થી...(શાદાબનો અર્થ થાય સુખી- સમૃદ્ધ) આ પંક્તિ કદાચ અમૃતા માટે જ લખાઈ હતી.

અથવા તો હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા... સાહિરના જીવનમાં અનેક સ્ત્રી આવીને ગઈ પણ પંજાબી કવિયિત્રી અમૃતા પ્રિતમ માટે તેમને ખાસ લગાવ હતો. સાહિર જો લગ્ન કરત તો અમૃતા સાથે જ કરત. અમૃતા પ્રિતમ સાહિરને મળ્યા ત્યારે પરિણીત હતા. જોકે પતિ સાથે તેમનાં લગ્નમાં પ્રેમ નહોતો. અમૃતા સાહિરના ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા.

સાહિરની સાથેનો સંબંધ તૂટ્યો નહોતો તે સમયે અમૃતા પ્રિતમને પોતાનાથી નાની વયના પેઈન્ટર ઈમરોઝ સાથે મિત્રતા બંધાઈ હતી. ઈમરોઝ અમૃતાને તેમના ભૂતકાળ સાથે પ્રેમ કરતો હતો. ઈમરોઝની પાછળ બાઈક પર બેસેલી અમૃતા ઈમરોઝની પીઠ પર આંગળીથી સાહિર લખતી હોય તે છતાં બાઈક સરળતાથી ચાલતી રહેતી. ઈમરોઝ સાહિર જેવો કવિ નહોતો પણ પાગલ પ્રેમી હતો. અને દરેક પ્રેમી કવિ બની જતો હોય છે. તેણે એક વાર અમૃતાને લખ્યું હતું કે મારા અધૂરા પેઈન્ટિંગ પર તારી નજર પડી જાય તો તે પૂર્ણ બની જાય.

ઈમરોઝ અને અમૃતા જ્યારે સાથે નહોતા રહેતા તે સમયે એક પત્રમાં અમૃતા પ્રત્યેના તેમના પ્રેમ વિશે ઈમરોઝ લખે છે કે - મને ખબર નહોતી કે એને કારણે મારું ઘણું બધું લૂંટાઈ જશે- મારા અસ્તિત્વની ઓળખ, મારું પૌરુષત્વ, મારી શાંતિ, જીવન માટેની મારી જિજ્ઞાસા-ઝંખના બધું જ ગયું. પણ હું મારું હૃદય નહીં ખોઉં. હું ચુપ નહીં રહું. હું ગંભીરતાપૂર્વક તેને શોધીશ જેણે મારું બધું જ લઈ લીધું છે. જીવનના અંતિમ શ્ર્વાસ સુધી, અંતિમ પડાવ સુધી, સાહસની સીમાને પાર કરીને પણ તેને ખોળી કાઢવાના પ્રયત્નો કરીશ અને મને ખાતરી છે કે હું તેમાં સફળ થઈશ. વાચકોની જાણ ખાતર ત્યારબાદ અમૃતા અને ઈમરોઝ સાથે રહેવા લાગ્યા હતા.

પ્રેમની માયાજાળમાંથી ફિલોસોફરો કે વિચારકો પણ બચી શક્યા નથી. તેઓ કવિતા તો નથી લખતા પણ પ્રિયતમાને પ્રેમપત્ર લખવાનું ટાળી શક્યા નથી. કેટલાક જાણીતા વિચારકોએ લખેલા પ્રેમપત્રોના અંશ :

આપણે જીવનમાંથી અર્થ શોધીએ છીએ, પણ મળતો નથી. આપણે પીડાદાયક અસ્તિત્વ જીવવા મજબૂર છીએ. હકીકતે હું જે મજબૂરીથી તને લાગલગાટ છ પત્રો લખવા મજબૂર થયો હતો તેનો ખુલાસો શોધી રહ્યો છું. હદ તો ત્યાં થાય છે કે મને એકેય પત્રનો ઉત્તર નથી મળ્યો. છ પત્રો તને ખયાલ આવે છે? મને તારી જરૂર છે અને હું તને પામી શકતો નથી. તારું મૌન મને અકળાવે છે. શું મેં તને કંઈક એવું કહ્યું જે તને નથી ગમ્યું ? ખરેખર જે હોય તે તું મને કહી શકે છે. મારાથી આ ક્રૂર મૌનની શાંતિ અને મારા તરફની તારી બેપરવાહી હવે નથી સહેવાતી. ફક્ત તારો પ્રતિભાવ જ બસ થઈ રહેશે.

કદાચ હવે મને તારા પ્રતિભાવની પણ એષણા નથી રહી. તું મારી સાથે બહાર ફરવા ન આવતી કંઈ વાંધો નહીં, હું ખૂબ જ જલદી મૃત્યુ પામવાનો છું. જીવનમાં કોઈ અર્થ ન રહે તે જ સારું છે. આ રીતે મારે ક્યારેય નિરાશ થવાનો વારો તો નહીં આવે.

- આલબેર કામુ (ફ્રેન્ચ ફિલોસોફર, લેખક, પત્રકાર)

બાળપણથી મેં તને ચાહી છે. ટ્રિઆરની ગલીઓમાં આપણે સાથે રમ્યા હતા તો ક્યારેક આપણે બે છુપાઈને રાજકીય સ્વતંત્રતાના ઈતિહાસને વાંચતા, એ સ્મૃતિઓને વાગોળવી હજી પણ મને ગમે છે. આપણે બન્ને દુનિયામાં કામગારો છીએ એ જોતાં વિચારું છું કે શું ક્યારેક આપણે સાથે બેસીને બિઅર પી શકીએ?

- કાર્લ માર્ક્સ (મૂળ જર્મન જાણીતો અર્થશાસ્ત્રી, ફિલોસોફર, સમાજશાસ્ત્રી)

આપણે મળ્યા તે પહેલાં હું અંધારી ગુફામાં પુરાયેલો હતો. એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો સૂઝતો નહોતો. તારું આગમન પ્રકાશ જેવું હતું. તારા આવવાથી હું અંધારામાંથી બહાર આવ્યો. મને ખૂબ ગમશે જો આપણે

ક્યારેક એ ગુફામાંથી બહાર નીકળીને મળી

શકીએ.

પવિત્ર આત્માના સહવાસમાં ભોજન માટે મળી શકીએ. મારો મિત્ર ડાયોજીનીસ સાંજ ઢળતાં હાર્પ વગાડવાનો છે. તમે ઈચ્છો તો જોડાઈ શકો છો.

- પ્લેટો (પ્રસિદ્ધ રોમન ફિલોસોફર, સોક્રેટિસ તેના ગુરુ અને એરિસ્ટોટલ તેનો

શિષ્ય હતો.)

મને એટલી તો ખબર જ છે કે હું કશું જ જાણતો નથી. આપણે અગોરા (બજાર જેવી ખુલ્લી જગ્યા)માં અનેક વાર મળ્યા છીએ. દેવત્વમાં માનવા વિશે ચર્ચાઓ કરી હતી. તે છતાં હું તમારા વિશે કશું જ જાણતો નથી. શું તમે હંમેશ દાયણનું કામ કર્યું છે? શું તમે ધનસંપત્તિને વધુ મહત્ત્વ આપો છો? તમારે કેટલા ભાઈબહેન છે? હું ઘણી બધી બાબતોથી અજાણ હોઈશ, પણ મને પ્રેમની કળા વિશે પૂરી સમજણ છે. પ્રેમમાં એટલા બધા સવાલો પૂછો કે સામી વ્યક્તિ જવાબો આપતાં થાકી જાય. શું હું પૂછવાનું ચાલુ રાખું ?

- સોક્રેટિસ ( પ્રસિદ્ધ રોમન ફિલોસોફર, પાશ્ર્ચાત્ય ફિલોસોફીનો જનક)

પ્રિય લોઉ,

આપણે શા માટે લગ્ન કરવા જોઈએ તે માટેનાં દસ કારણો નીચે લખું છું.

૧. મને ખબર છે કે મેં બે વાર તારી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો પણ તે નકાર્યો. તે છતાં ત્રીજી વાર હિંમત કરું છું કારણ કે કહે છે કે ત્રીજી વાર તે વશીકરણ કરી શકે છે.

૨. તું પહેલી સાયકોએનાલિસ્ટ સ્ત્રી છે જેને માટે મને આદર છે.

૩. તું ફ્રોઈડ સાથે સારી રીતે હળી શકે છે. એટલે જ મને ખાતરી છે કે તું મારા મિત્રો સાથે પણ ભળી જઈશ.

૪. તારી બૌદ્ધિકતાને શરણે રહેવા માગું છું.

૫. તને સ્ત્રીના શૃંગારિક સ્વભાવ વિશે અને કેવી રીતે સેક્સુઅલ ભેદભાવ આર્થિક કારણો કરતાં વધુ મહત્ત્વના છે તે લખવું ગમે છે. મને પણ એમાં રસ છે. શૃંગારરસ મને ગમતો વિષય છે.

૬. આપણે બન્ને ઈસ્બનના ચાહક છીએ.

૭. તારામાંથી હંમેશ માદક સુગંધ આવતી હોય છે.

૮. તારામાં જે છોકરાઓ જેવી ઉત્સુકતા અને કઠોરતાનું કવચ છે ને તે મને ગમે છે.

૯. આપણને બન્નેને દરેક બાબતને ટીકાત્મક કારણો સાથે જોવાની અને દરેક સત્યની પાછળના હેતુને નકારવાની આદત છે.

૧૦. હું ખૂબ જ એકલો છું.

- ફ્રેડરિક નિત્સે ( પ્રસિદ્ધ જર્મન ફિલોસોફર, કવિ, પશ્ર્ચિમી સાહિત્ય પર તેની અસર આજે પણ છે. )

આવા મોટા ગજાના ફિલોસોફરોને પણ પ્રેમની સંવેદના પીડે છે. કદાચ પીડામાંથી જ ફિલોસોફીનો જન્મ થતો હશે. ખેર, અહીં તો આપણે વરસાદી માહોલમાં વિરહની પીડાની વાત કરવી હતી.You Might Also Like

0 comments