કામનું વળતર અને ઓળખ ન મળે એવું પણ બને (mumbai samachar)

05:29

અનાઈસ નીન નામની ફ્રેન્ચ લેખિકાએ પોતાની ડાયરીમાં લખ્યું છે કે મા બનવું કે ન બનવું તે સ્ત્રીની મરજી પર નિર્ભર હોવું જોઈએ, કારણ કે બાળકને ઉછેરવું તે ઘણું મુશ્કેલ અને જીવનનો ખાસ્સો સમય લઈ લેતું કામ છે જે બધાથી થઈ શકતું નથી. લેખિકાએ એબોર્શન સંબંધે આ વાક્ય લખ્યું હતું. એબોર્શન ન કરાવી શકાય એવા કાયદાઓની સામે તેમનો આ વિરોધ હતો. ગર્ભ રહ્યા બાદ જેટલી જવાબદારી સ્ત્રીની વધે છે તેટલી જવાબદારી પુરુષોની વધતી નથી. 

આપણે ત્યાં એવું કહેવાય છે કે જે સ્ત્રી બહાર કામ નથી કરતી તે કશું જ કામ નથી કરતી. આખુંય ઘર અને ઘરમાં રહેનાર દરેક સભ્યનું જીવન વ્યવસ્થિત રીતે ચાલે એ માટે સતત કામ કરતી સ્ત્રીને ઘણીય વાર સાંભળવું પડતું હોય છે કે તને આખો દિવસ ઘરમાં કામ જ શું હોય છે? ઝીણાં ઝીણાં અનેક કામો સાથે એક ઘરનું કામ ક્યારેય પૂરું નથી થતું. ઘરકામની કિંમત આપણે ત્યાં ક્યારેય આંકવામાં નથી આવતી એટલે જ પુરુષોને ઘરના કામ કરવામાં રસ નથી હોતો. બહાર જઈને બીજાના હાથ નીચે કામ કરતા એક કંપનીનું અકાઉન્ટ લખવું કે એકાદ પ્રોજેકટ પર કામ કરે તેને આર્થિક વળતરમાં આંકી શકાતું હોવાથી તે કામ

ગણાય છે. 

દિલ્હીના અશોક નગરમાં રહેતી પાંત્રીસ વરસની રાણી સવાર-સાંજ ઘરના દરેક કામ કરીને બપોરે જે સમય મળે તેમાં સિલાઈકામ કરે છે. સિવવાનો સંચો તેનો ખાસ મિત્ર છે અને તેને ખૂબ પ્રિય છે, કારણ કે કંપની તરફથી જે સીવવાનું કામ મળે છે તેના એને હાથમાં પૈસા મળે છે. બાકી તો તે આખોય દિવસ જે કંઈ પણ કામ કરે છે તેનું વળતર મળતું નથી. 

રાણી મહિને ૭૦૦ થી ૪૦૦૦ રૂપિયા કમાઈ લે છે. આ રીતે બીજી સ્ત્રીઓ પણ ઘરે બેસીને સીવવા, ગૂંથવાનું કામ કરતી હતી. આ કામ તેમને મોટા બ્રાન્ડેડ સ્ટોર્સમાંથી મળતું હતું. હવે આ સ્ટોર્સ જે વિદેશી કંપનીઓ ચલાવે છે તેમણે આ રીતે ઘરમાં કામ કરતી સ્ત્રીઓની સંસ્થાને કામ આપવાનું બંધ કર્યું છે, કારણ કે તેમને હવે મોટી ફેક્ટરીમાં બેસીને કામ કરી આપે તેવું જોઈએ છે. આ ગૃહિણીઓને કામ મળવાનું ઓછું થઈ ગયું છે. મોટી કંપનીઓ આ રીતે સારું કામ કરી આપતી સ્ત્રીઓને કામગાર ગણતી નથી. જે રીતે પોતાના ઘરનું કામ કરતી સ્ત્રીઓને કામ કરે છે એવું માનવામાં આવતું નથી. 

WIEGO ગ્લોબલ રિસર્ચ પોલિસી નેટવર્કના અભ્યાસ મુજબ ત્રણ કરોડ ૮૦ હજાર ભારતીયો ઘરેથી કામ કરે છે. તેમાંથી કેટલાક સેલ્ફએમ્પ્લોયડ છે તો કેટલાક કોન્ટ્રાકટ અથવા ફ્રિલાન્સ કામ કરે છે. તેમાંથી ૪૦ ટકા મહિલાઓ છે. એમાંથી અનેક મહિલાઓ ગ્લોબલ ચેઈન ધરાવતી કંપનીઓ માટે પણ કામ કરે છે, પણ તેમની કોઈ ઓળખ ન હોવાથી તેમને કામગાર તરીકે ઓળખવામાં આવતા નથી. હોમ નેટ સાઉથ એશિયા સંસ્થા જે ઘરેથી કામ કરતા લોકોના અધિકાર માટે કામ કરે છે તેના સ્ટ્રેટેજી એડવાઈઝર ફિરોઝા મેહરોત્રાએ એક મુલાકાતમાં મીડિયાને જણાવ્યું હતું કે ઘરેથી કામ કરતી વ્યક્તિઓને લોકો કામ કરનાર ગણતા જ નથી. તેઓ જે કંઈ પણ કામ કરે તે ટાઈમપાસ માટે કરે છે તેવું માની લેવામાં આવે છે, પણ એ સાચું નથી. તેઓ કુટુંબની આવકમાં, સમાજમાં અને રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો નોંધાવે છે. એ દુખદ બાબત છે કે તેમના ફાળાની ગણતરી કરવામાં આવતી નથી. 

વાત સાચી છે. ઘર સંભાળતી, બાળકો ઉછેરતી ગૃહિણીનું કામ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતું નથી. ગૃહિણી કામ કરે છે ત્યારે જ તો પુરુષ નચિંત કામ પર જઈ શકે છે. બાળકો ભણી શકે છે અને મોટા થતાં તેઓ રાષ્ટ્રીય આવકમાં પોતાનું પ્રદાન આપે છે. બહાર કામ કરવા જતી મહિલાઓ પણ ઘરે રહેતી મહિલાઓને નીચી નજરે જુએ છે. તેમને લાગે છે કે ઘરે રહેતી મહિલાઓ કશું જ કામ નથી કરતી. ઘરકામ કરવું અને તે પણ ચીવટ તેમ જ કલાત્મક રીતે કરવું એ પણ આર્ટ છે. 

દરેક ગૃહિણીની કામ કરવાની આવડત જુદી હોય છે. કેટલીક ગૃહિણી આ રીતે સીવણ અને ભરતગૂંથણ કે પછી મીઠાઈઓ કે અથાણાં બનાવીને પોતાની અલગ ઓળખ ઊભી કરી શકે છે. પછી તેના પૈસા મળે કે ન મળે તો પણ તેની ઘરમાં અને સમાજમાં ફાળો તો હોય જ છે. ઘરે રહીને મસાલા કે પાપડ ઉદ્યોગ સાથે સંકળાઈને પણ અનેક સ્ત્રીઓ કામ કરે છે. 

ઘરેથી કામ કરતી સ્ત્રીઓનો મોટો ભાગનો સમય પાણી ભરવું, લાકડા વીણવા, કપડાં-વાસણ કરવા, ઘરની સાફસફાઈ, વડીલોની દેખભાળ વગેરેમાં પસાર થતો હોવાથી તેમની ઉત્પાદક ક્ષમતા ઘટી જતી હોય છે. 

પુરુષોની જેમ ફક્ત ને ફક્ત તે પોતાની આવડતના કામમાં સમય પસાર કરી શકતી ન હોવાથી તેમને વધુ પૈસા મળતા નથી. ઘરના કામ કરવા માટે હવે ટેકનોલોજીની મદદ મળી રહે છે પણ તે છતાં ઘરના એટલા બધા કામ હોય છે કે તેનો હિસાબ રાખવો અશક્ય છે. 

જોકે કેટલીય સંસ્થાઓએ દરેક ઘરકામની કિંમત આંકવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમ કરવું શક્ય નથી બન્યું. કારણ કે નાનાં નાનાં અનેક કામો હોય છે, જે સંજોગો અને સમય પ્રમાણે બદલાતા રહેતા હોય છે. તે છતાં રિસર્ચ દ્વારા જેના પૈસા નથી ચુકવાતા એવા કામોની ગણતરી કરીને અંદાજિત કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગૃહઉદ્યોગનું લગભગ ૬૧૪ કરોડ ડૉલર એટલે કે ૬૧ ટકા પ્રદાન ડોમેસ્ટિક ગ્રોસ પ્રોડકટ દ્વારા હોય છે. એનો અર્થ એ કે તમે કબાટ કે ફ્રિજ સાફ કરો છો ત્યારે પણ તેનું પ્રદાન આડકતરી રીતે પણ રાષ્ટ્રીય આવકમાં હોય જ છે. 

ગૃહિણીને પોતાના કામનો અંદાજ નથી હોતો કારણ કે તેની માનસિકતા એવી ઘડી નાખવામાં આવી હોય છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ કલાક કામ કરે છે અને વધુ પ્રોડક્ટિવ હોય છે. ભલે તેને દર મહિને રૂપિયા ચુકવવામાં આવતા હોય કે નહીં. ઘરના મેનેજર તરીકે કામ કરતી ગૃહિણીની આવડતને કારણે જ દેશમાં ગુણવત્તાસભર નાગરિકો અને વિકાસ શક્ય બને છે. 

માતા જ સમાજના નાગરિકનું પાલનપોષણ કરે છે. મૂલ્યો ઘડે છે. પણ તે દેખાતું નથી કારણ કે તેનું મહત્ત્વ સ્ત્રી પોતે પણ આંકતી નથી કે ન તો પિતૃસત્તાક માનસિકતા ધરાવતા સમાજને તેમાં રસ છે. ઘણાને કહેતા સાંભળીએ છીએ કે અમારે ત્યાં તો મહિલાઓનું જ ઘરમાં ચાલે. પણ ઘરની મહિલાને પોતાના પૈસાને કેમ વાપરવા કે કેમ બચાવવા તેની સ્વતંત્રતા હોતી નથી. તેમના નામનું બૅંક અકાઉન્ટ કે રોકાણ પણ તેમના પતિઓ કે દીકરાઓ જ કરતા હશે. પોતાના માટે કોઈ પણ પૈસા વાપરતા સ્ત્રીઓને ગુનાહિતતાનો ભાવ પીડતો હોય છે. એટલે જ જ્યારે ઘરનું બજેટ ઘડતી વખતે ક્યાંક તેના પોતાના માટેનો કોઈ સમય કે વસ્તુ નહીં હોય. 

આર્થિક સ્વતંત્રતા ભાગ્યે જ કોઈ ગૃહિણી પાસે હોય છે. ગૃહિણી પોતે પણ એવું જ માને છે કે ઘરનું કામ કરવું એટલે કશું જ ન કરવું. બહાર કામ કરતી સ્ત્રીઓની સામે અનેક સ્ત્રીઓને એમ કહેતાં સાંભળી છે કે હું કશું જ નથી. 

હાઉસવાઈફ હોવું એ ગર્વની બાબત હોવી જોઈએ પણ તેવું કોઈ માનતું નથી. બાળકો અને ઘર માટે અનેક સ્ત્રીઓએ પોતાની કારકિર્દી અધવચ્ચે છોડી દીધી હશે. બાળકો અને ઘર માટે કેટલા પુરુષો પોતાની સફળતા જતી કરી શકે છે? આજે પણ આ માનસિકતા વિશ્ર્વમાં હોવાને કારણે જ ઘરેથી કામ કરતી કે ઘરનું કામ કરતી મહિલાઓના કામની નોંધ લેવાતી નથી કે તેમની કોઈ ઓળખ ઊભી થતી નથી તે બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
You Might Also Like

0 comments