બચકે રહેના રે બાબાઓં સે
22:52
દર એકાદ બે વરસે બની બેઠેલા બાબાઓ દ્વારા જાતીય શોષણની વાત બહાર આવે છે તેમાંથી હવે તો કંઈક શીખ મેળવીએ
ટેલિવિઝન ચેનલ કે અખબાર દરેક સમાચારમાં રામરહીમ ઉર્ફે ગુરમીતની જ ચર્ચાઓ ચાલી રહી છે. તેની લીલાઓની, સમૃદ્ધિની વાત લોકો ખૂબ રસપૂર્વક વર્ણવી રહ્યા છે અને જોઈ રહ્યા છે. એવું તો નહોતું કે આ પહેલાં તેના વિશે કોઈને ખબર નહોતી? હા બહાર નહોતું આવ્યું. વળી આ બાબા જે રીતે સમૃદ્ધિનું અને પોતાની ફેશનેબલ ટેલેન્ટનું પ્રદર્શન કરી રહ્યા હતા તે છતાં લોકો તેનામાં અંધશ્રદ્ધા ધરાવતા હતા તે જોઈને નવાઈ લાગે. ખેર જોકે આ વાત નવીનવાઈની નથી. સ્ત્રીઓને આવા બાબાઓ અને બાપુઓના પગ પકડવાનું ગમતું હોય છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે ભેદ પારખતાં સમાજે શીખવું પડશે. કોઈ બાબા કે બાપુ ચમત્કાર કરીને નસીબ નહીં બદલી શકે. જો એવું જ હોય તો આજે અનેક બાવાઓ જેલમાં મજૂરી ન કરતા હોત.
૨૦૧૩માં આસારામ અને નારાયણસાઈની લીલાઓની ચર્ચા પૂરજોશમાં હતી. ગુરમીતની જેમ તેમની પણ દરરોજ નવી પોલ ખૂલી રહી હતી. નવાઈ તો એ લાગે કે કેટલીબધી સ્ત્રીઓ અને છોકરીઓ તેમના સકંજામાં ફસાઈ હતી. અને શક્ય છે કે હજી કેટલીય સ્ત્રીઓ ચુપ બેસી હશે. આ પહેલાં ૨૦૧૦ની સાલમાં નિત્યાનંદ સ્વામીના સેક્સ કૌભાંડોની વાત ચગી હતી. આજે મીડિયા દ્વારા આટલી વાતો બહાર આવી રહી હોવા છતાં કહેવાતા સંતોની આસપાસ સૌથી વધુ પ્રમાણમાં સ્ત્રીઓ હોય છે. ગુરમીત ઉર્ફે રામરહીમને બળાત્કાર બદલ સજા થઈ ત્યારે પણ અનેક સ્ત્રીઓએ તેના બચાવમાં હિંસક આંદોલન કર્યું હતું. એ જ રીતે આસારામના સપોર્ટમાં આજે પણ ઘણી સ્ત્રીઓ હોઈ શકે. ત્યારે એક પ્રશ્ર્ન જરૂર ઉદ્ભવે કે કેમ આજે પણ સૌથી વધુ સ્ત્રીઓ સંતોમહંતો અને બાપુની વાણીમાં આવી પોતાની જાતને સમર્પિત કરવા તૈયાર હોય છે?
સાયકોલોજિસ્ટ અને રિલેશનશિપ કાઉન્સેલરો આ અંગે કહે છે કે સ્ત્રીઓ ભણેલી હોય કે અભણ આજની સ્ત્રી હોય કે કાલની તેમની માનસિકતા એક જ હોય છે. તેમને પોતાના જીવનમાં મિરેકલ બદલાવ જોઇએ છે. તેમને પોતાને કોઇ સમજે, મહત્ત્વ આપે તે ગમે છે. સ્ત્રીઓ લાગણીથી કામ લેતી હોય છે. અને આવા બાબાઓ, બની બેઠેલા બાપુઓને આ બાબતની જાણ હોય છે. તેઓ સ્ત્રીઓની સાયકોલોજીને જાણતા હોય છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણતા હોય છે. અને જે સ્ત્રીઓ આવા બાબાઓની નજીક જાય છે તેઓ પોતાના ઘર, પતિ કે જીવનમાં બદલાવ ઇચ્છતી હોય છે. તેમને થાય છે કે બાબા કોઇ ચમત્કાર કરશે અને તેમનું જીવન બદલાઈ જશે. આવા બાબાઓ કે બાપુઓ બોલવામાં માસ્ટર હોય છે. તેમના શબ્દો આવી સ્ત્રીઓને હિપ્નોટાઈઝ એટલે કે વશીકરણનું કામ કરે છે. ધીમે ધીમે તેઓ તેમના શબ્દો પ્રતિ નહીં પણ તેમના પ્રત્યે આકર્ષણ અનુભવે છે. પોતાના ઘરની કે કુટુંબની સેવા કરતાં આવા બાબાઓની સેવા કરવામાં માટે તેઓ તત્પર રહે છે. અને પોતાની જાતને ધન્ય માને છે. બસ, આવી માન્યતામાં સ્ત્રી ફસાય તેની જ આવા ઢોંગી લોકો રાહ જોતા હોય છે.
બીજું આ સ્ત્રીઓને આવા કોઇ બાબાના ગ્રુપમાં જોડાઈને પોતાની આગવી ઓળખ હોય તેવો ભ્રમ પેદા થાય છે. તેમનું મહત્ત્વ સાબિત થતાં અહમ્ પુષ્ટ થાય છે. જેમ જેમ તેઓ પોતાની ઓળખ અને સત્તા ગ્રુપમાં મેળવતાં જાય તેમ તેમનું જીવન સાર્થક થયું અનુભવાય અને પછી બાબાની નજીક હોવાનો ગર્વ પણ ઉમેરાય. ધર્મ પ્રત્યેની આસ્થા અને કાર્યને લોકો શંકાની નજરે નથી જોતા. એટલે તેમને ઘરની બહાર નીકળવાનો પણ વાંધો નથી આવતો, કારણ કે અનેક સ્ત્રીઓ સાથે જતી હોય છે. બાબાના સ્પર્શ માટે પડાપડી કરતી પણ જોવા મળશે.
તેમના પગનો , હાથનો સ્પર્શ કરવા મળે તો તે સમયે તેઓ ધન્યતા અનુભવે છે. આવા બાબાઓ જાણતા હોય છે કે કઈ સ્ત્રી કે છોકરી તેમના સકંજામાં ફસાશે. આ સ્ત્રીઓને સત્તા, પૈસા કે ધાકધમકીથી ચૂપ કરી દેવામાં આવે છે. એટલે આવી વાતો બહાર ભાગ્યે જ આવે છે કારણ કે આ બાપુઓનો અનુયાયી વર્ગ અને ધાક જબરા હોય છે. અને વળી સ્ત્રીઓને પોતાની બદનામીનો ડર હોવાને કારણે પણ તેઓ બોલતી નથી. કેટલાં વરસો પહેલાં બે સાધ્વીઓએ રામરહીમ વિરુદ્ધ ત્યારના વડા પ્રધાન અડવાણીજીને લખવાની હિંમત કરી તે પણ નવાઈ લાગે છે. અને આટલા વરસો બાદ તેમની ફરિયાદને ન્યાય મળ્યો તે દર્શાવે છે કે જે સ્ત્રીઓ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તેને વહેલો કે મોડો ન્યાય મળે જ છે. આસારામબાપુ, નારાયણસાંઈ, નિત્યાનંદ સ્વામી, મહેન્દ્રગિરિ જેવા લોકો વિશે આપણે જાણીએ છીએ, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આજે એકવીસમી સદીમાં આજની નારી પણ આવા સ્વામી, સાધુઓ પર કેમ આંધળો વિશ્ર્વાસ મૂકે છે?
માનસચિકિત્સકોનું કહેવું છે કે સ્ત્રીઓને ગમે છે જ્યારે તેમને કોઇ વ્યક્તિ મહત્ત્વ આપે છે. તેમાંય જેનું સમાજમાં સ્થાન હોય, લોકો તેને માનતા હોય તેવી વ્યક્તિની નજીક હોવું જીવનને સાર્થક લાગે છે, કારણ કે તેમને પરિવારમાં કે ઘરમાં એટલું મહત્ત્વ નથી મળતું. તેમની કદર નથી થતી એટલે જ મંદિરો, આશ્રમોમાં સ્ત્રીઓની સંખ્યા વધુ દેખાશે. ભગવાનમાં શ્રદ્ધા રાખવી ખરાબ નથી પણ કોઇ વ્યક્તિને પોતાની જાતને સમર્પિત કરવા સુધીની કે પોતાનું શોષણ કરવા દેવું તે યોગ્ય નથી.
થોડા જ સમયમાં નવરાત્રી આવશે અને દશેરાએ રાવણદહન પણ થશે. ખરું રાવણદહન ત્યારે જ થશે જ્યારે ઘરમાં કે ઘરની બહાર આવા અનેક માથાં લઈને ફરતાં રાવણને સમર્પિત ન થઈએ. રાવણે પણ સાધુનું સ્વરૂપ લઈને જ સીતાને ફસાવી હતી. આ પરંપરા આજના રાવણોએ પણ ચાલુ રાખી છે એવું ચોક્કસ કહી શકાય. યાદ રાખવું જોઈએ કે સીતા રાવણને વશ નહોતા થયા કે રાવણે સીતા પર બળજબરી નહોતી કરી, પણ આ તો કળિયુગના રાવણ છે. શ્રદ્ધા રાખવી જ હોય તો ભગવાનમાં અને જાતમાં રાખીએ, આવાં બની બેઠેલા બાબાઓ પર શું કામ ઓળઘોળ થઈએ? લાગણીમાં આવીને કોઇ નિર્ણય લેવા કે પોતાની જાતને અસહાય માનવા કરતાં નારીએ પોતાના શક્તિસ્વરૂપને ઓળખતાં શીખવું પડશે. વખત આવે આવા રાવણોને ખુલ્લા પાડતાં અચકાવાની જરૂર નથી. તેમ કરવાથી બીજી અનેક નારીનું શોષણ અટકાવવામાં આપણે મદદરૂપ બનીએ છીએ.
0 comments