ભગવાન, ભક્ત અને ભ્રમણા (mumbai samachar)

01:29

દર બે ચાર વરસે એકાદ બાબા કે બાપુની ધરપકડ થાય અને તેમના હજારો ભક્તોની ભ્રમણાઓ ભાંગે છે. તેમની માનસિકતાને સમજવાનો પ્રયાસ -

                                                   


એક જોક વાંચ્યો ....હાઈટ્સ ઑફ સોશિયલ મીડિયા... આસારામને રામરહીમ કો ફ્રેન્ડ રિકવેસ્ટ ભેજા... આજ રીતે જ્યારે રામપાલ પકડાયા હતા ત્યારે આસારામને રામપાલ કો ફ્રેન્ડ રિકવેસ્ટ ભેજા...એવું ચાલી રહ્યું હતું સોશિયલ મીડિયા પર. 

ત્યાં બીજો જોક આવ્યો કે તેમણે વૉટ્સઍપ પર ગ્રુપ પણ બનાવી લીધું છે...

આપણે આજે આ જોક પર હસી શકીએ છીએ, પરંતુ જો તમે કોઇ ગુરુ કે બાપુના ફોલોઅર- અનુયાયી હોવ તો મનમાં કહેશો કે અમે આવા ગાંડા નથી. અમે જેમના પર શ્રદ્ધા ધરાવીએ છીએ તે ખરેખર આધ્યાત્મિક અને સાચી વ્યક્તિ છે. આવું જ કંઇક રામરહીમ ઉર્ફે ગુરમીત અને આસારામ કે રામપાલના અનુયાયીઓ કે તેમનામાં શ્રદ્ધા રાખનારા માનતા હતા કે હજી પણ માનતા હશે. 

ગોડમેન અંગ્રેજી શબ્દ છે, પણ તેનો અર્થ એજ થાય છે, જ્યારે આપણે બાપુ કે બાબા કહેતા કરીએ છીએ. ભગવાનનો માણસ જે ભગવાનની સાથે તમારો સીધો સંપર્ક કરી આપે કે ન કરી આપે પણ તમને જીવન માટે સતત આશાવાદી બનાવે. તમારી તકલીફોને દૂર કરવાની કે સપનાઓને સાચા પાડવાની આશા જગાડે. રામરહીમ તો પોતાને ભગવાનનો મેસેન્જર કહેવડાવતો હતો. કેટલાક ભક્તો માટે તો તે ભગવાન જ હતો. ગુરમીતની કહાણી જોતાં વિચાર આવ્યો કે, ભૂતકાળનો બાબાઓનો ઇતિહાસ તપાસતા જણાય કે દરેક બાબા કે બાપુઓને મોટો અનુયાયી ભક્તગણ વર્ગ છે. અને જેટલી પણ કોન્ટ્રોવર્સી થઈ તેમાં સેક્સ અને સત્તા કેન્દ્ર સ્થાને રહ્યા છે. કેટલીક ગણીગાંઠી સ્ત્રી સંન્યાસીનીઓ કે ધાર્મિક પ્રવચનો કરતી મહિલાઓ બહોળો ભક્તગણ ધરાવે છે, પરંતુ આંગળીના વેઢે ગણી શકાય તેટલી સંખ્યા પણ એમની નથી. તેમાં સૌથી કોન્ટ્રોવર્સિયલ હોય તો રાધેમા. 

રામરહીમ-ગુરમીત વિશે હજી કેટલાય ભેદ ખૂલવાના બાકી છે. ગુરમીતના ભક્તોને તેના પર અંધશ્રદ્ધા હતી તે સાબિત થાય છે, જે રીતે તેની ધરપકડ બાદ દંગલ થયા હતા તે પરથી. ગુરમીત જે લાઈફસ્ટાઈલથી રહેતો હતો તે જોતાં તેને ભગવાનની જેમ પૂજનારા પર કરુણા થાય એવું છે. 

ગુરમીત, રામપાલ અને આસારામની ઘટનાએ લોકોને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે ફરી ચર્ચાના ચકડોળે ચઢાવી દીધા છે. પુરુષો સારા ઓરેટર એટલે કે સારા વક્તા હોય છે. 

કૃષ્ણમૂર્તિ કે રજનીશને સાંભળનારા આજે પણ તે કબૂલે છે. એવું નથી કે સાચી આધ્યાત્મિક વ્યક્તિઓ ભારતમાં હતી જ નહીં કે છે જ નહીં. આધ્યાત્મિક સંત વ્યક્તિઓ ભારતમાં હતી અને હોઈ શકે છે. શક્ય છે તેમનો મોટો બહોળો ભક્તગણ ન હોય કે તેઓ પ્રસિદ્ધ ન હોય, કારણ કે તેમને કશું જ મેળવવું હોતું નથી. તેમને કિર્તી, ધન, સત્તા કે સ્ત્રીનો સાથ કશાની પડી હોતી નથી. તેમને પોતાના અનુયાયીઓ કરતાં ભગવાન સાથેના સંબંધમાં જ રસ હોય છે. હા કોઇ સાચા જિજ્ઞાસુ આવે તો તેને પોતે ખેડેલો માર્ગ ચીંધવાનો પ્રયત્ન જરૂર કરશે, પણ તે માટે કોઇ અપેક્ષા કે આગ્રહ નહીં સેવે.

કેટલીક વ્યક્તિઓની પ્રતિભા એટલે કે પર્સનાલિટી, કરીશ્મા એવો હોય છે કે તેમના તરફ સહજતાથી લોકો આકર્ષાય છે. તેમની આસપાસ રહેવું કે તેમની વાત સાંભળવી ગમે છે. જેમ આવા ધાર્મિક કે આધ્યાત્મિક કે જ્ઞાની પ્રવચનકારોની સાયકોલૉજી હોય છે તેમ તેમના ભક્તગણ કે તેમનામાં માનનારાઓની પણ સાયકોલૉજી અર્થાત્ માનસિકતા હોય છે. પછી તે જેહાદી મુસ્લિમ હોય કે જૈન હોય કે હિન્દુ હોય કે ક્રિશ્ર્ચયન હોય. ધર્મની વાત એટલે કે ધર્મના નામે જ મોટાભાગની લડાઈઓ કે હત્યાઓ કે જેહાદો થયા છે. ધર્મના નામે ભારતમાં કેટલા બળાત્કારો થાય છે કે હત્યાઓ થાય છે તેનું સંશોધન થયું નથી કે તેના આંકડાઓ જુદા ગણવામાં આવ્યા નથી. કારણ કે આપણે માનીએ છીએ કે ધર્મના નામે કોઇપણ દુરાચાર સરળતાથી થઈ શકે છે અને ધર્મમાં અંધશ્રદ્ધા રાખનારાઓ તેની પૂર્તિ કરતા હોય છે.

મોટાભાગના માણસો ભોળા હોય છે અને આળસુ પણ. તેમને એમ હોય છે કે ચમત્કાર થાય તો તેમની સંસારીક ભૌતિક ઇચ્છાઓ પૂરી થાય. કંઇક એવો ચમત્કાર થાય ને તેમના બધા દુખદર્દો દૂર થઈ જાય, જ્યાં લોભી હોય ત્યાં ધૂતારાઓ ભૂખ્યે નથી મરતા તેવો ઘાટ અહીં પણ થાય છે. કોઇને ભગવાન નથી જોઇતા હોતા પણ સંસારના સુખો જોઇતા હોય છે એટલે જ તેઓ એવા કોઇ બાપુ કે બાબા પાસે જાય છે જે સીધી કે આડકતરી રીતે કહે છે મારામાં શ્રદ્ધા રાખો. તમારી દરેક ઈચ્છા પૂરી થશે. તો વળી કેટલાક એવા પણ માનનારાઓ છે જેમને નવરાશ જ નવરાશ છે. કે તેમને એકલતાનો ભય હોય છે. એટલે સમૂહમાં રહેવા માટે જાય છે.

જેમનામાં આત્મવિશ્વાસ ઓછો હોય છે તેઓ આવી વ્યક્તિઓની પાસેથી ધાર્મિક-આધ્યાત્મિક વાણી સાંભળીને પોતાનામાં વિશ્વાસ જગાવે છે. તેમને વારંવાર પોતાના આત્મવિશ્વાસને દાખવે કે ખાતરી કરાવે તેવી પ્રેરણાની જરૂરત હોય છે. આવા બાબાઓ કે બાપુને કે ધર્મના વડાંઓને સમુદાયની માનસિકતા સમજીને વાત કરવાનો મહાવરો હોય છે. તેઓ એવું જ બોલે જે લોકોને સાંભળવું ગમતું હોય છે.

જેમ આવી વ્યક્તિઓના માનનારા ભક્તગણની સંખ્યા મોટી તેમ તેમાં પણ પોતે એ પ્રસિદ્ધ વ્યક્તિની કેટલી નજીક છે તે માટે હોડ લાગે છે. પૈસાદાર અને વગદાર વ્યક્તિઓ કહેવાતા બાબાઓ અને બાપુઓની નજીક સરળતાથી પહોંચી જઈ શકે છે. બાકીની ગરીબ અને ભોળી પ્રજા જે સખત પરિશ્રમ કરવા છતાં સુખ પામી નથી શકતી ત્યારે સરળ ચમત્કારની આશાએ આવી પ્રતિભાઓની પાસે પહોંચે છે. નહીં તો ગીતામાં ભગવાને કહ્યું જ છે કે કર્મણ્યે વાધિકારસ્તે... ફળની ઈચ્છા રાખ્યા વિના તું ફક્ત કર્મ કર્યા કર. આ વાત દરેક ભારતીય વ્યક્તિ જાણતી હોવા છતાં ફળની આશાએ જ મંદિરો કે આવા બાબા, ગુરુ કે બાપુઓની પાસે પહોંચી જતી હોય છે. જો આ ગુરુઓની કોઇ મહત્ત્વાકાંક્ષા નથી હોતી તો શા માટે તેમના આશ્રમોમાં કે પ્રવચનોમાં વીઆઈપી અને પૈસા આપનારાઓ પૈસાદારોને બેસવા અલગ વ્યવસ્થા અને સામાન્ય ગરીબોને

બેસવા અલગ વ્યવસ્થા હોય છે? કેમ દરેક માટે સરખી વ્યવસ્થા ન હોય, પણ આપણને સૌને સ્પેશિયલ થવું ગમે છે. પછી તે વ્યાસપીઠ પર બેસેલી વ્યક્તિ હોય કે શ્રોતામાં બેઠેલા આપણે...

ગુરમીતની ધરપકડ બાદ ડેરાસચ્ચાના ભક્તગણોએ જે તોફાન મચાવ્યું હતું તે જોઈને સવાલ થતો કે આવું કેમ? કેમ લોકો અંધ બનીને પૂજે છે? લોકો જેમને પૂજે છે માને છે તેમની ખામીઓ કે ખરાબી જોવા તૈયાર નથી થતા, કારણ કે તેમાં પોતે પણ ગુરુ બનાવવામાં ક્યાંક ભૂલ કરી છે તે સ્વીકારવું પડતું હોય છે. રામરહીમ કે રામપાલ કે આસારામ બાપુની કોન્ટ્રોવર્સીની દુનિયામાં પ્રથમ ઘટના નથી. વિદેશમાં પણ આવી ઘટનાઓ બનતી રહી છે. એક વિદેશી ક્રિશ્ર્ચિયન ફાધરને બાળકો સાથે સંભોગ કરવા બાબતે દોષી ઠેરવ્યા બાદ તેમને અહીં ભારતના ચર્ચમાં મોકલી દેવામાં આવ્યા હતા. અને અહીં પણ તેમણે યુવાનો સાથે સંબંધો વિકસાવ્યા હતા.

સૌથી મોટી ઘટના જે ગુએનામાં બની હતી. એ ઘટના ૧૯૭૮ના નવેમ્બરની ૧૮મી તારીખે જેમ્સ વોરન ઉર્ફે જીમ જોન્સ અમેરિકન કોમ્યુનિસ્ટ નેતા હતો અને પીપલ ટેમ્પલ શરૂ કરનાર ધાર્મિક ગુરુ હતો તેના કહેવાથી ૩૦૦ બાળકો સહિત (એકી સાથે નવસોનવ) ૯૦૯ જણાએ સાઈનાઈડ પીને સામૂહિક આત્મહત્યા કરી હતી. તેમાં એક કૉંગ્રેસમેન સહિત પાંચ જર્નાલિસ્ટોની હત્યા પણ તેના દ્વારા નજીકના હવાઈમાર્ગ પર કરવામાં આવી હતી. ગુએના વિસ્તારના જોન્સટાઉનમાં આ ઘટના બની ત્યારે આખું ય વિશ્વ સ્તબ્ધ બની ગયું હતું.

નવેમ્બર,૨૦૧૪માં હરિયાણાના હિસ્સાર ખાતે આવેલા રામપાલ બાબાના આશ્રમની અંદર અને બહાર બનેલી ઘટના કદાચ વિશ્વની સૌથી ખરાબ ઘટના બની શકી હોત, પણ સારા નસીબે વધુ જાનહાનિ થઇ નહી તેનો પાડ માનવો ઘટે, કારણ કે તે આશ્રમમાં બાબાના પંદર હજાર ભક્તો હાજર હતા (તેમને આશ્રમમાં પૂરી રાખવામાં આવ્યા હતા).

એક ટીવી ચેનલવાળાએ પહેલાં પાંચ હજાર માણસો નીકળી રહ્યા હતા તેમને કેવી તકલીફ થઈ તે જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ લોકો તો રડતાં કહી રહ્યા હતા કે અમને બાબાના દર્શન કરવા નથી મળ્યા તેનું દુખ છે, પણ પછી તે ચેનલે કે કોઇ ચેનલે આવા ભક્તોના મનોભાવ જાણવાનો પ્રયત્ન ન કર્યો તે સારું હતું. આ બાબાઓના માનસને સમજવાનો પ્રયત્ન પ્રખ્યાત માનસચિકિત્સક સુધીર ખખ્ખરે કર્યો છે. તેના વિશે અને આવા કેટલાક અન્ય બાબાઓ વિશે વધુ વાત કરીશું આવતા અઠવાડિયે.You Might Also Like

0 comments