નહીં માફ નીચું નિશાન (4-1-18) mumbai samachar

19:25

 પુલિત્ઝર પ્રાઈઝ, ઓસ્કાર, નોબલ પીસ પ્રાઈઝ જેવા માનઅકરામ જીતનાર સ્ત્રીઓ કેવી રીતે શિખરે પહોંચી તેની વાત કરે છે.

દરેક સ્ત્રી વાચકોને નવા વરસની શુભેચ્છા સાથે પોતાના માટે સપનાં જોવાની સલાહ આપીશ. સ્ત્રીઓ મોટેભાગે સફળતાના સપનાંઓ જોતી નથી. તેઓ ફક્ત નાની ઈચ્છાઓ રાખે છે. સારો પતિ, સારું સાસરું મળે તેની. સુંદર બાળકને જન્મ આપે અને તે સફળ થાય તેવી, નોકરી મળે પણ તેમાંય ઘરને વર બન્ને સચવાઈ એટલું જ ઈચ્છે.  પરંતુ  પોતે સફળ વ્યક્તિ હોય તેવા કોઈ સપનાં જોવાની હિંમત નથી કરતી. કેટલીક એવી સ્ત્રીઓ હોય છે જે સફળતાના શિખરે પહોંચવા પગલાં માંડે છે. સફળતા તરફની તેમની યાત્રાનું રહસ્ય તેમની જ પાસેથી જાણીએ. આ સ્ત્રીઓ પણ આપણી જેમ પિતૃસત્તાક સમાજવ્યવસ્થામાં પોતાનો જુદો ચીલો પાડીને સફળ થઈ છે. તેમણે પીડિતા બનીને જીવવાને બદલે જીવનની જંગમાં યોદ્ધા બનીને જીતવાનું  નક્કી કર્યું.
નીમકો અલી – સોમાલિયામાં જન્મેલી નીમકો અલી ડોટર્સ ઑફ ઈવ નામની સામાજીક સંસ્થાની સહસ્થાપક છે. તેની સંસ્થા ઈંગ્લેડમાં ફિમેલ જેનિટલ મ્યુટિલેશનની (એફએમજી, છોકરીઓની સુન્નત) પ્રથાને અનુસરતી જાતિની સ્ત્રીઓને મદદ કરે છે અને આવી પ્રથા બંધ કરવાના પ્રયત્નો કરે છે.  તેણે વિમેન્સ ઈક્વાલિટી પાર્ટી ઊભી કરવામાં સક્રિય ભાગ ભજવ્યો છે. નીમકો એક મુલાકાતમાં કહે છે કે, હું સાત વરસની હતી ત્યારે મારું એફએમજી કરવામાં આવ્યું હતું. હું માંડ જીવતી રહી છું.  મેં બીજી છોકરીઓને પણ તે પીડામાંથી પસાર થતા ચૂપચાપ જોયું છે. મારું મૌન મને કઠી રહ્યું હતું. 2010ની સાલમાં હું લંડન શિફ્ટ થઈ અને હું એફએમજી પ્રથા વિરુદ્ધ કામ કરતાં લોકોના સંપર્કમાં આવી. હું જોઈ શકી કે તેઓ કોઈ ખાસ ફરક પાડી શકતા નહોતા. સમાજમાંથી  આ ક્રૂર પ્રથા બંધ થતી નહોતી. લયલા હુસૈન સાથે મળીને મેં આ સંસ્થાની સ્થાપના કરી. આ એક ઓર્ગેનાઈઝડ ક્રાઈમ છે. તેના વિશે મારે સમાજમાં જાગૃતિ લાવવી હતી. સૌ પ્રથમ તો મેં જોયું કે સમાજમાં લોકો પ્રથાનો વિરોધ ફક્ત કરવા ખાતર કરતાં હતા. તેઓ સ્ત્રીને જ વખોડતા કે સગી મા કેવી રીતે આટલી ક્રૂર પ્રથામાં દીકરીને ધકેલી શકે. હું ઈચ્છું છું કે સ્ટેટને પણ આ કામમાં જોડું. માની ક્રૂરતાની વાત કરતાં લોકોને પૂછું છું કે તમે કેમ પાંચ વરસની છોકરી વિશે વિચારતા નથી. તેને બચાવતા નથી કારણ કે તમે એ ધર્મ કે જાતિને નારાજ નથી કરવા માગતા. છોકરી કરતાં ધર્મ વધુ મહત્ત્વનો બની જાય છે. 2011માં મેં પહેલીવાર કહ્યું કે હું એફએમજીની પીડાને પાર કરી ચુકી છું. સર્વાઈવલ છું. ત્યારે લોકોને આઘાત લાગ્યો હતો. મને તેમની દયા નહોતી જોઈતી. મારે પીડિતાની વાત નહોતી કરવી પણ પીડાને હંફાવનારની વાત કરવી હતી. મારે આ પ્રથા જ બંધ કરાવવી છે.
પહેલીવાર મારો ફોટો છાપામાં આવ્યો ત્યારે મને મોતની ધમકીઓ મળી. બે દિવસ ઘરમાં પૂરાઈ રહીને વિચાર્યું કે હું જે કામ કરી રહી છું તે યોગ્ય તો છે ને? તેને માટે જોખમ લેવાની જરૂર છે. ત્યારે વિચાર આવ્યો કે કેટલીય છોકરીઓ એફજીએમ થયા બાદ મૃત્યુ પામે છે અને તેની કોઈને ય જાણ પણ નથી થતી. હું મરી જઈશ તો લોકો જાણશે તો ખરા. ને બસ પછી મને કદીય ડર નથી લાગ્યો. હું મારી પીડાની વાત મિત્રોને કરી શકું છું તે કેટલી મોટી વાત છે. મારે કેટલીય સ્ત્રીઓના મિત્ર બનવું છે. એકવાર રસ્તા પર એક અજાણી છોકરીએ મને ઊભી રાખીને પૂછ્યું કે તમે જ એ સ્ત્રી છો ને જે  મ્યુટિલેશન વિશે વાત કરે છે? મને એમ કે તે મારા પર થૂંકશે, ધિક્કારશે પણ તેણે મારો આભાર માન્યો. હું મારી જાતને નેતા નથી માનતી. મારા પહેલાં પણ અનેક સ્ત્રીઓએ કામ કર્યું છે હું તો બસ તેમનું કામ આગળ વધારું છું.
મેરિલ સ્ટ્રીપ – હોલિવૂડ અભિનેત્રીએ સૌથી વધુ એકેડમી એવોર્ડ જીત્યા છે. 2015માં તેણે અમેરિકન બંધારણમાં સ્ત્રીઓને સમાન અધિકાર ધારાનું  અમેડમેન્ટ પાસ થાય તે માટે દરેક કોંગ્રેસીઓને સપોર્ટ કરવાનો અનુરોધ કરતો પત્ર લખ્યો હતો. જો કે તે બીલ પાસ ન થયું. મેરિલ સ્ટ્રીપ જાણે છે કે હોલિવૂડમાં પણ પિતૃસત્તાક વ્યવસ્થા છે. સ્ત્રીઓને નિર્ણય લેતા પહેલાં ભાગ્યે જ પૂછવામાં આવે છે. બધું જ પુરુષો જ નક્કી કરે છે. કેવી ફિલ્મો બનશે કે કેવા વિષયની ફિલ્મો બનશે તે પણ પુરુષો જ નક્કી કરે છે. મેરિલ કહે છે કે 67 વરસની ઉંમરે મારી વયને અનુરૂપ જ વિષયો મારી પાસે આવે પણ જોઉં છું કે દસ કે વીસ વરસ પહેલાં કરતાં વિષયો બદલાયા છે. પહેલાં હું ડાકણ અને એકલી રહેતી ખડુસ વૃદ્ધાઓની ભૂમિકાઓ જ કરતી હતી. મેરિલને અભિનેત્રી નહોતું બનવું તેને તો યુએનમાં કામ કરવું હતું. પણ તેને અભિનયમાં રસ હતો. જુદા જુદા પાત્રોનું જીવન જાણવા સમજવાના રસે તેને અભિનેત્રી બનાવી. તેને હોલિવૂડની ઝાકમઝોળ અને ગ્લેમરમાં રસ નથી. એટલે જ તેને અસમાનતા દેખાય છે અને તેના માટે જાહેરમાં બોલતાં કે પ્રયત્નો કરવાની હિંમત કરે છે. ચાર બાળકોના ઉછેર માટે તેણે સતત કામ સાથે બાંધછોડ કરી છે. તે કહે છે કે ઓડિશન માટે હું સૂટકેસ લઈને ન જઈ શકું ત્યાં તો મારે શરીર સાથે જ જવાનું હોય. વિઝ્યુલ માધ્યમ છે ત્યાં તમે દેખાવને નજરઅંદાજ ન જ કરી શકો. મને અનેકવાર આ ગ્લેમરની દુનિયા છોડવાનો વિચાર આવ્યો હતો. ત્યારે હું જાતને સમજાવતી કે મોટા ફલક વિશે મારે વિચારવું જોઈએ. હું જે પાત્રો ફિલ્મમાં જીવું છું તે અનેક વ્યક્તિત્વોને રજૂ કરશે. દરેક વ્યક્તિનો આકાર અને વિચાર જૂદા હોય છે. એ પાત્રોને હું બદલાતા જોઉં છું અને તે બદલાવ ઘણો ફરક લાવે છે. દરેક સાઈઝ અને સ્તરના વ્યક્તિત્વો હવે ફિલ્મોની વાર્તામાં દેખાય છે તે બદલાવ, સમાજના બદલાતા વિચારોનું જ પ્રતિબિંબ છે.
લીમા બોવી – તેને 2011ની સાલમાં નોબલ પીસ પ્રાઈઝ મળ્યું હતું. પશ્ચિમ આફ્રિકાના લિબેરનમાં શાંતિ માટે ચળવળનું કામ શરૂ કર્યું 2002માં ત્યારે તે 30 વરસની હતી અને ચાર બાળકોની માતા હતી. તે સિંગલ પેરેન્ટ હતી. એકલે હાથે બાળકોને ઉછેરવા સાથે તેણે સમાજ માટે કામ કર્યું.  તે સમયે લિબેરનમાં સિવિલ વોર ચાલુ હતી. નાના બાળકોને ગામમાંથી ઉઠાવી જઈને તેમના હાથમાં એકે  47 પકડાવી દેવામાં આવતી હતી. સરકાર અને લોકો વિરુદ્ધની લડાઈ હિંસક અને ક્રૂર બની હતી. 1998ની સાલમાં તે વોલન્ટિયર તરીકે સમાજસેવી તરીકે  કામ કરતી હતી. તે સમયે બીજા દેશમાંથી આવેલી એક કાર્યકરે તેને કહ્યું કે સ્ત્રીઓ ધારે તે સમાજમાં બદલાવ લાવી શકે છે. તે માટે લીમાએ કામ કરવું પડે. તેણે કોમ્બેટ સૈનિકોની પત્ની સાથે કામ શરૂ કરવાનું સૂચવ્યું. આ સૈનિકો ખૂબ જ ગુસ્સાવાળા અને હિંસક હતા. તેમની પત્નીઓ તેમને સાથ આપતી હતી. તેમના હિંસક માનસને બદલવાનું કામ  સહેલું નહોતું. વરસો લાગ્યા. લીમાએ સ્ત્રીઓને પતિઓને સેક્સ ન આપવાનું આંદોલન શરૂ કર્યું જેની ચર્ચા વિશ્વમાં થઈ. હિંસાનો વિરોધ કરવાનો જુદો અભિગમ સહેલો નહોતો પણ ધીમે ધીમે તેની અસર દેખાવા લાગી. કોઈપણ લડાઈમાં સ્ત્રીઓ અને બાળકો  પર થતાં બળાત્કાર, અત્યાચાર  દુશ્મનને નબળા પાડવા માટે થતો હોય છે. તેમણે પુરુષો, સ્ત્રીઓને સાંભળે અને હિંસા અટકાવવા માટે કામ શરૂ કર્યું. હિંસક વિચાર ધરાવતી સરકાર ઉથલાવીને પ્રથમવાર આફ્રિકામાં સ્ત્રી વડાપ્રધાન બની શકી હતી. આ ચળવળમાં લીમા બોવીએ અગ્રેસર રહીને ભાગ ભજવ્યો હતો. લીમાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે સ્ત્રીઓએ રાજકારણી નથી એવું કહેવાનું ટાળીને પોતાની જાતને ઉપર ઉઠાવવી પડશે. સમાજને બદલવો હશે તો સ્ત્રીઓએ સલામતીના કોચલામાંથી બહાર નીકળીને કામ કરવું પડશે. સ્ત્રીઓજો બહાર નીકળે તો હિંસક યુદ્ધો અટકાવી શકાય છે. શાંતિ સ્થપાઈ શકે છે. આજે તો લીમા સાત બાળકોની માતા છે પણ તેના બાળકો માટે તે યોગ્ય ઉદાહરણ પૂરું પાડે છે. આજે તે આફ્રિકન સ્ત્રીઓના શિક્ષણ અને ઉત્કર્ષ માટે કામ કરી રહી છે.
આવી અનેક સ્ત્રીઓ છે જેમણે પતિ, બાળકો અને ઘર સંભાળતા પોતાની જાતમાં રહેલી શક્યતાઓને વિસ્તારી છે. સ્ત્રી સમાનતા માટે કામ કર્યું છે. આ બધી સ્ત્રીઓ પણ આપણા સૌના જેવી સામાન્ય જ હતી, ફરક એટલો જ છે કે તેમણે પોતાના દરેક કામને તન્મયતાપૂર્વક કર્યું. એટલે જ તેઓ શ્રેષ્ઠ બની શકી અને સફળતા પામી શકી. આવતા ગુરુવારે હજી આવી બીજી નારીઓની પ્રેરણાત્મક વાત કરીશું. નવા વરસે નવા શુભ વિચારોને માટે દરવાજા ખોલીએ.


You Might Also Like

0 comments