ગૃહિણીનું સરનામું તેની આગવી ઓળખ

07:28ગૃહિણીનું સરનામું તેની આગવી ઓળખ

ગૃહિણી ધારે તો પોતાના જીવનને નવો વળાંક આપી પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે. 


નવું વરસ શરૂ થયાને હજી પંદર દિવસ પણ પૂરા નથી થયા ત્યારે વરસની શરૂઆત આપણે પોઝિટિવ વાતોથી કરવી છે. અનેક તકલીફો છે દુનિયામાં. અન્યાય પણ છે અને ભેદભાવ પણ છે. તેમાં સ્ત્રી માટે અનેક પડકારો છે. ઘરમાં અને ઘર બહાર પણ તે છતાં અનેક સ્ત્રીઓ પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. પત્રકાર હોવાને નાતે મારે ઘણી સ્ત્રીઓના સંપર્કમાં આવવાનું બન્યું છે. જીવનની અનેક વિટંબણાઓ છતાં તેમણે કંઈક અનોખું કરીને સફળતા હાંસલ કરી હોય, અથવા કશુંક હટકે કરવાના પ્રયત્નો કર્યા કરે. એવામાં જ્યારે કોઈ ફંકશનમાં સામાન્ય ગૃહિણીઓને મળવાનું બને કે આસપાસની કોઈ સ્ત્રી સાથે વાત થાય ત્યારે કહે કે અમારું જીવન તો અહીં , આમ પુરું થઈ જવાનું છે. તે સમયે એમ ચોક્કસ કહું કે તમે તમને મનગમતું કામ કે શોખ શોધી કાઢશો તો ચોક્કસ તમારી ઓળખ મેળવી શકશો.  ઇંગ્લી ઇંગ્લીશ વિંગ્લીશ અને ક્વીન બન્ને ફિલ્મો ઘરેલુ સ્ત્રીઓની વાત કહે છે. સાવ ઘરરખ્ખુ અને જેણે બહારની દુનિયા જોઇ હોય તેવી સ્ત્રી જ્યારે એકલી ઘરની બહાર, દેશની બહાર જવાની હિંમત કરે છે ત્યારે તેની અંદરની સીમાઓ પણ વિસ્તરે છે. પ્રેમાળ છતાં પ્રોટેક્ટેડ વાતાવરણમાં ઊછરેલી સ્ત્રી જ્યારે પોતે જીવનનો રાહ નક્કી કરે છે ત્યારે પોતાની ઓળખ મેળવે છે. સ્ત્રીને જો તક  આપવામાં આવે તો તે સ્વતંત્રતાનો ગેરફાયદો નથી ઊઠાવતી પણ સાચા અર્થમાં પોતાના અસ્તિત્વને ઓળખતી થાય છેસ્ત્રી કશું તોડવા નથી માગતી પણ જોડાવા માગતી હોય છે પોતાના અસ્તિત્વ સાથેપોતાની વ્યક્તિઓ સાથેસ્ત્રી જ્યારે સાવ તૂટી જાય છે તો ફિનિક્સ પક્ષીની જેમ નવેસરથી ઊડતાં શીખે છે. 
આજે યાદ કરું છું તો મારી નજર સમક્ષ કેટલીક એવી ગૃહિણીઓ દેખાય છે જેમનામાંથી પ્રેરણા લેવાનું મન થાય છે. આપણાં જાણીતા કવિયેત્રી પન્ના નાયક પણ  લગ્ન બાદ એક ગૃહિણી તરીકે અમેરિકા પહોંચ્યા ત્યારે નવો પ્રદેશ પડકાર બનીને ઊભો હતો.  તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ કદીય કવિતા લખશે કે પ્રસિદ્ધ થશે. તેમાં પણ ગુજરાતી સ્ત્રી તરીકે નવો ચીલો પાડ્યો કે ૮૦ વરસની વયે પોતાનાથી સાત વરસ નાની વયના પુરુષ સાથે  લગ્ન કર્યા. તેમણે જીવનને જેમ આવ્યું તેમ સ્વીકાર્યું. અમેરિકા પરણીને ગયા કે તેમના પતિને અકસ્માત નડ્યો અને તેમની સેવા કરવા સાથે ઘર પણ સંભાળવાનું આવ્યું. ત્યાં જઈને ભણ્યા, નોકરી કરી સાથે કવિતા લખીને પોતાની લાગણીઓને  કવિતામાં ઉતારવાનું શરૂ કર્યું. પચાસ વરસના લગ્ન જીવન બાદ તેમના પતિ મૃત્યુ પામ્યા બાદ નટવર ગાંધી સાથેની મિત્રતા પ્રેમમાં પલટાઈ અને ૮૦ વરસે જ્યારે સ્ત્રીઓ પરવારી ગયાની લાગણી અનુભવે ત્યારે તેમણે લગ્ન કર્યા. ઉંમર વધતા જે સ્ત્રીઓ પોતાની ઓળખ શોધીને જીવે છે તેઓ ક્યારેય વૃદ્ધ નથી થતી. 
જાણીતી મહિલાઓની વાત કરીએ ત્યારે અનેક સામાન્ય સ્ત્રીઓને લાગે કે અમારાથી કશું થઈ નથી શકવાનું. એવું નથી, તમારે તમારી જાતને શોધવાની છે. ગયા વરસે ફેસબુક દ્વારા એક નવી ઓળખ થઈ. વિમુ પટેલ. મુંબઈ સમાચાર નિયમિત વાંચે. જ્યારે મારા લેખ ફેસબુક પર મૂકું કે તરત તેમનો પ્રતિભાવ આવે કે વાંચી લીધો સવારમાં સરસ. વિમુ પટેલના ગુજરાતી ટાઈપમાં ગડબડ ગોટાળા હોય પણ તેઓ ફેસબુક પર પોતાને ગમતી વાત લખે અને ખાસ્સા એક્ટિવ. બીજાની વોલ પર જઈને કોમેન્ટ કરે. પછી જોયું કે તેમનું ગુજરાતી ટાઈપિંગ ધીમે ધીમે સુધરવા માંડ્યું ..સહજ જીજ્ઞાસાથી  તેમનો પ્રોફાઈલ ચેક કર્યો તો દેખાયું કે વિમુ પટેલ ૮૫ વરસના છે. આટલી ઉંમરે તેમણે ફેસબુકમાં સક્રિય થવાનું પસંદ કર્યું અને તે માટે ટેકનોલોજી વાપરતા શીખ્યા.  તેમના ફોટાઓમાં સુંદર બોન્સાઈના વૃક્ષ હોય. ધીમે ધીમે વૃક્ષ કેટલા વરસ પહેલાં ક્યાંથી અને કેવી રીતે મળ્યું તેની વાત પણ લખાતી થઈ. આટલી ઉંમરે સહજતાથી ફેસબુક વાપરતા થયેલા વિમુ બહેન વિશે જાણવું જરૂરી હતું. વિમુ બહેનની ઓળખ થઈ તો જણાયું કે જીવનમાં પતિના મૃત્યુ બાદ આવી પડેલી એકલતા અને જવાબદારી છતાં  ૮૫ વરસે પણ તેમનામાં કોઈ જાતની કડવાશ નથી કે તો ઉંમર વધવાથી કોઈ ટેન્ટ્રમ.મિત્રો અને સ્વજનો  તેમના ઘરે ગમે ત્યારે જઈ શકે, એપોઈન્ટમેન્ટ લીધા વિના અને ગમે ત્યારે તેમને ફોન કરી શકાય કે મેસેજ કરી શકાય. વિમુ બહેન નવમું ધોરણ પાસ. મૂળ ખંભાતના લગ્ન કરીને મુંબઈ આવ્યા. ઘરકામ સાથે ગાર્ડનિંગનો શોખ કેળવ્યો. થોડો સમય લગ્ન રહ્યા ત્યાં ગાડી ચલાવતા શીખી ગયા અને લંડનમાં ઈન્ડિયન સોસાયટી ઓફ બોન્સાઈની સ્થાપના કરી હતી તે આજે પણ ત્યાં ચાલે છે. સુજોક એટલે કે એક્યુપ્રેશરની કળા પણ કેળવી દરેકને મફતમાં શીખવાડતા. દીકરો, વર,ઘર અને વ્યવહાર સાચવ્યા. હવે પતિ ગુજરી ગયા છે પણ તેમનું જીવન અટક્યું નહીં. ફેસબુક ત્યારબાદ શરૂ કર્યું. આજે પણ  સતત કસરત કરવાની, એક્યુપ્રેશરની સેવા મફતમાં આપવાની અને ગાર્ડનિંગ કરવાનું. સાથે બ્રિજની રમત પણ રમવા જવાનું મિત્રોની સાથે. અંગ્રેજી નથી આવડતું તેનો અફસોસ નથી કે શરમ નથી. હજી બે વરસ પહેલાં તો તેઓ ગાડી પણ ચલાવતાં હતા. તમે કહો કે ગૃહિણીનું જીવન સફળ ખરું કે નહીં. તેની સામે કેટલીય એવી સ્ત્રીઓ જોઈ છે કે એમને મળો તો સતત ફરિયાદ સાંભળવા મળે. શરીરનું ધ્યાન રાખ્યું હોય અને કોઈ શોખ કેળવ્યા હોય એટલે બહારની દુનિયા સાથે સંપર્ક હોય. 
ટેકનોલોજી વાપરવાની નહીં કારણ કે હવે તો ઉંમર થઈ ગઈ. હવે નવું શીખવાની જરૂર શું છે. પછી ફરિયાદ કરવાની કે આજના બાળકોનું ધ્યાન સતત ફોન અને કોમ્પ્યુટરમાં હોય. અમારી સાથે તો કોઈ વાત કરે. ઉંમર થતાં દરેક વ્યક્તિએ બદલાવાની જરૂર હોય છે. નવું શીખવાની જરૂર હોય છે.  બીજી એક ગૃહિણીને મળવાનું બન્યું હતું પન્ના રાજાને. હું જ્યારે તેને મળી હતી લગભગ દસેક વરસ પહેલાં ત્યારે ચાલીસેક વરસની હશે. તે સમયે જીવનમાં કોઈ ધ્યેય નહોતું. બાળકો નહોતા પરંતુ ઉંમર વધતાં જીવનમાં નિરાશા કે ફરિયાદને સ્થાન આપવાનો બદલે ધીમે ધીમે તેમણે શોખ કેળવ્યા. બેકિંગ શીખ્યા તેમ નવી વાનગીઓ બનાવતા શીખ્યા. જીમ તેમ યોગ કરીને શરીરને ફીટ રાખવાનું બીડું પણ ઝડપ્યું. શાક તેમજ ફળને કટિંગ કરીને તેમાંથી નિતનવા આકાર અને કલાકૃતિ બનાવવાની કળા પણ જાતે શીખ્યા. આજે તેઓ કળા બીજાને શીખવાડે છે અને નિર્ણાયક તરીકે શાળામાં પણ જાય છે. 
ઉંમર વધવાની સાથે બાળકો હોય તો તે મોટા થઈને પોતાના સંસારમાં સ્થાયી થઈ ગયા હોય. વય વધતાં મેનોપોઝની સાથે શરીરમાં અને મનમાં અનેક બદલાવ આવે. ત્યારબાદ બહાર કામ કરવા જતી સ્ત્રીઓ જીવનમાંથી રસ ખોઈ બેસે છે અને હવે ઉંમર થઈ, વૃદ્ધ થયા એવું વિચારે છે. તેની સામે આવી કેટલીક સ્ત્રીઓ જેઓ દરેક વિષમ પરિસ્થિતિને અને ઉંમરને હરાવીને પોતાની નવી ઓળખ ઊભી કરે છે. વિમુ બહેનને આજે અનેક જાણીતા અજાણ્યા મિત્રો છે. આજે વિમુબહેનની પોતાની ઓળખ છે. પન્ના રાજા અને પન્ના નાયકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.  તેઓ ફક્ત કોઈના પત્ની કે માતા તરીકે ઓળખાય છે એવું નથી.  સ્ત્રી એક  વ્યક્તિ પણ છે તે લગ્ન પછી વિસરાઈ જતું હોય છે. આજે આવી તો અનેક સ્ત્રીઓ પચાસ વરસ બાદ પોતાની ઓળખ ઊભી કરવાના પ્રયત્નો કરતી હશે અને જીવતી હશે. જેઓ અટકી જાય છે સંસારમાં તેમની ઉંમર વધે છે અને એકલતા અનુભવે છે. બાંય વે અહીં નામ લીધેલી ગૃહિણીઓનો ઓળખ ઊભી કર્યા બાદ પણ ઘરસંસાર બહુ સરસ રીતે ચાલે છે.


You Might Also Like

0 comments