અનકવર નારી દેહ અને કવરપેજનો વિવાદ

05:08
 સ્ત્રીના શરીરનો ઉપયોગ દરેક માર્કેટિંગ કંપનીઓ કરતી આવી છે તેનું કારણ શું?


મહિલા દિન આવે એટલે મોટાભાગની કંપનીઓ મહિલા દિન નિમિત્તે મહિલાઓને માલ વેચવા માટે લલચાવે. તો પુરુષોને પોતાની પ્રેયસી, માતા કે પત્ની કે બહેનને રાજી કરવા માટે ખરીદી કરવા લલચાવે. કંપનીઓનું કામ જ નફો રળવાનું હોય છે. કારથી લઈને દાઢી કરવા માટેનું ક્રિમ વેચવા માટે પણ સ્ત્રીના શરીરનો ઉપયોગ કરવામાં આવે છે. નારી શરીરનો ઉપયોગ ફિલ્મો વેચવા માટે પણ થાય છે. ઈન્ટરટેઈનમેન્ટના નામે કંઈપણ વેચાઈ શકે છે. તે માટે વિવાદો થતાં નથી પણ કેટલાક કવરપેજ પર અનકવર નારીદેહ છાપીને સેન્સેનલ વિવાદો દ્વારા પબ્લિસિટી કમાઈ લેવામાં આવે છે.  
એ જ રીતે મહિલા દિન નિમિત્તે કેટલાક મેગેઝિન નારી દેહના સેન્સેનલ ફોટા કવર પર છાપીને વિવાદોનો મધપૂડો છંછેડે છે. બદનામ થઈને ય નામ થાય છે એ ઉક્તિ આજકાલ મશહૂર છે. આ વરસે મલયાલી મહિલા મેગેઝિને મહિલા દિન સંદર્ભે બાળકને સ્તનપાન કરાવવું તે માતાનો અધિકાર છે તે દર્શાવવા માટે  બાળકને સ્તનપાન કરાવતી મોડલ ગીલું જોસેફની તસવીર છાપી. તસવીરમાં મોડેલના સ્તન ઢંકાયેલા નથી અને તે કેમેરા સામે જુએ છે. હકિકતમાં તમારી આંખોમાં જુએ છે અને કહે છે કે મને ખરાબ નજરે જોશો નહીં.  ગીલું પરિણીત નથી અને બાળકની માતા પણ નથી. એટલે જ સંદર્ભ કોઈ સંદેશનો હોય તેવું લાગતું ય નથી. વિવાદતો થાય જ પણ 2012ની સાલમાં ટાઈમ મેગેઝિને નિખાલસતાથી માર્કેટિંગ ફંડાની વાત કબૂલી હતી. એટલી સહજતા આપણે ત્યાં નથી જ.   
2012માં માતૃદિનના એક દિવસ પહેલાં ટાઈમ મેગેઝિને 26 વરસીય  મોડેલ માતા જેમી લીન ગ્રુમેટે પોતાના ત્રણ વરસના બાળકને સ્તનપાન કરાવતી હોય તેવું સેન્સેનલ, ચોંકાવી મૂકનારું કવર બહાર પાડ્યું ત્યારે વિવાદોનો મધપૂડો છંછેડાયો હતો. એક તો  આટલા મોટા બાળકને સ્તનપાન કરાવવું જોઇએ કે નહીં અને બીજું આવો ફોટો પડાવવો અને છાપવો જોઇએ કે નહી. મેગેઝિનના એડિટરે તો કબુલ્યું કે અમારે એવા સેન્સેનલ કવર ફોટો આપવા પડે જેથી લોકોનું ધ્યાન ખેંચાય અને માર્કેટિંગ માટે પણ આવા ચોંકાવી દેનારા કવર છાપવા જરુરી હોય છે.
આ કવર જોઈને અનેક લોકોએ પોતાનો વિરોધ પણ પ્રગટ કર્યો. વાચકોની જાણ ખાતર આ કવર ફોટોમાં માતા ઊભી છે અને ત્રણ વરસનું બાળક સ્ટુલ ઊભુ રહીને સ્તનપાન કરી રહ્યું છે. યાદ હોયતો આપણે ત્યાં ત્રણ વરસ કે તેનાથી વધારે ઊંમરના બાળકને પણ ગામડામાં માતાઓ સ્તનપાન કરાવતી જોવા મળતી. બે ત્રણ વરસના બાળકને સ્તનપાન કરાવાતું હોય તેવા દ્રશ્યો પહેલાંના જમાનામાં ભારતમાં સહજ હતા. પણ હવે બાળકને સ્તનપાન કરાવવાનું જ જ્યાં ઓછું થઈ ગયું હોય ત્યાં વરસ બે વરસના બાળકને પણ સ્તનપાન કરાવાતું ભાગ્યે જ જોવા મળે. કેટલીક આધુનિક નારીઓ સ્તનપાન કરાવવાથી ફિગર બગડી જવાની બીક ધરાવતી હોય છે. તો કેટલીક નારીને પોતાની સ્વતંત્રતા છીનવાઈ જવાનો ભય હોય છે. પશ્ચિમની આધુનિક માનસિકતા આપણે ત્યાં  ધીમે ધીમે અપનાવાતી હોય છે.  ગીલુંનો ફોટો જોઈને આપણે ત્યાં પણ હવે સ્તનપાન કરાવતો ફોટો માતાઓ પડાવે તો નવાઈ નહીં.  કારણ કે ટાઈમ મેગેઝિનના ફોટોગ્રાફર સ્કોલરે આવી ચારેક માતાઓના પોતાના બાળકને સ્તનપાન કરાવતા ફોટા પાડ્યા હતા. જો કે માણસ સ્તનધારી પ્રાણી છે અને બાળકને દૂધિયા દાંત હોય ત્યાં સુધી સ્તનપાન કરાવવાનું ચલણ સહેજેય અમલમાં મૂકવામાં આવતું. રામ તેરી ગંગા મૈલીમાં રાજકપુરે મંદાકિનીને સ્તનપાન કરાવતી  દર્શાવીને સેન્સેસન ઊભું કર્યું હતું.

આવા સેન્સેનલ કવરોમાં મહિલાઓના દેહનો ઉપયોગ હંમેશથી થતો આવ્યો છે. ડેમી મુરે પોતે ગર્ભવતી હતી ત્યારે નગ્ન ફોટો 1991ની સાલમાં વેનિટી ફેરના કવર  માટે પડાવ્યો હતો. તો સપ્ટેમ્બર 1993ના રોલિંગ સ્ટોન મેગેઝિનના કવર પર જેનેટ જેકશનના સ્તન પર પાછળથી બે હાથ  મુકાયા હોય તેવો ઇરોટિક ફોટો મૂકવામાં આવ્યો હતો. ન્યુયોર્કર મેગેઝિને 53 વરસની ગર્ભવતી મહિલાનો નગ્ન ફોટો છાપી લખ્યું હતું કે શું આ માટે મારી ઉંમર વધુ છે ? 2011માં પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકનો એફએચએમ નામના મેગેઝિનમાં નગ્ન કવર ફોટો છપાયો હતો.  જાપાનના ન્યુમરો મેગેઝિન માટે 37 વરસની વિક્ટોરિયા બેકહેમે પોતાની ડિઝાઇન કરેલા અન્ડર ગારમેન્ટને પહેરીને ફોટોશુટ કરાવ્યુ હતું.  2012ના માર્ચના શેપ મેગેઝિનના કવર પર 44 વરસીય કેટ વોલ્સે પોતે હજી સેક્સી છે એવું સાબિત કરવા ન્યુડ કવર ફોટો આપ્યો હતો. તો જેસિકા સિમ્પસને પણ માર્ચમાં  એલે મેગેઝિન કવર પર  નગ્ન ફોટો આપ્યો હતો  આ લિસ્ટ ઘણુ લાંબુ થઈ શકે છે. લેડી ગાગા, જેનિફર એનિસ્ટન વગેરે અનેક જાણીતી મહિલાઓએ સેન્સેનલ કવર ફોટો શુટ કરાવ્યા છે. હવે પ્રશ્ન એ થાય કે જાણીતી ખ્યાતિ પામેલ નારીઓ શામાટે નગ્ન કે સેન્સેનલ ફોટો શુટ કરાવે છે. તો તેના માટે કેટલાક કારણો આપી શકાય. તેમાં પૈસાતો મહત્ત્વના હોય છે જ પણ પબ્લિસિટી માટે પણ તેઓ પોતાના દેહનો આ રીતે ઉપયોગ કરતી હોય છે. આજની નારી માટે અર્ધ નગ્ન કે નગ્ન ફોટોશુટ સહજ હોઇ શકે પણ તમે ઇતિહાસ તપાસશો તો આજથી વીસ વરસ પહેલાં પણ સેન્સેનલ કવર ફોટા માટે નગ્ન દેહનો ફોટો શુટ કરાવવાનું મહિલાઓ અપનાવતી હોય છે. પ્લેબોય મેગેઝિન એને કારણે જ ચાલ્યું હતું તે ન ભૂલીએ. ગીલું જોસેફને આ પહેલાં બહુ ઓછા લોકો જાણતા હતા હવે દેશવિદેશમાં અનેક લોકો ઓળખે છે.

મર્લિન મનરોનું ફ્રોક હવામાં ઊડે અને તેના સેક્સી પગ ખુલ્લા થઈ જાય છે તે ફોટો આજે ય લોકો વારંવાર છાપે છે. આમ, પબ્લિસિટી માટે મેગેઝિન કે મહિલાઓ સેન્સેનલ બનવાની એકપણ તક ચુકતા નથી પછી તેને માટે કારણ ગમે તે હોય. ના અહીં આપનું ચહિતું મુંબઈ સમાચાર આવા કોઈ કવર પેજ ઉદાહરણ તરીકે પણ  છાપીને વાચકોની લાગણી દુભાવશે નહીં.   


You Might Also Like

0 comments