ચીલો ચાતરનાર સ્થપતિ

03:43 બાલકૃષ્ણ દોશીને હાલમાં જ આર્કિટેકચરનું નોબેલ ગણાતું પ્રિત્ઝકર પ્રાઈઝ મળ્યું છે તે ભારત માટે ગૌરવની વાત છે.

ગયા અઠવાડિયે અમદાવાદ હતી ત્યારે મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટમાં જવાનું થયું. અર્ધ ગોળાકાર આકારનું એ મકાનમાં થોડા પગથિયા ચઢીને દાખલ થવાનું હતું. બપોરનો સમય હતો, ઊંચા મકાનો જોવા ટેવાયેલી આંખોને મકાન કરતાં સૂરજનો તાપ આંખને આંજી દેતો હતો. જ્યાં જવાનું હતું તે વિશે ચોકીદારને પૂછ્યું તો કહ્યું કે પેલા પગથિયા ચઢીને ઉપર જશો કે તમને ડાબી તરફ નીચે ઉતરવાની સીડી દેખાશે એ ઊતરીને સામે જશો. ત્યારે તો સમજાયું કે અચ્છા ભોંયરામાં ઓફિસ છે. અમદાવાદમાં ગરમી પડે એટલે શક્ય છે કે ભોંયરામાં પણ ઓફિસો બનાવી હોય. ખેર, પણ પગથિયા ચઢીને હું એક વિશાળ કોરિડોરમાં પ્રવેશી. ગોળાકાર છત પર થોડા અંતરે કાચ હતા એટલે કુદરતી રીતે પ્રકાશિત કોરિડોરમાં મોકળાશનો અનુભવ થયો. કોરિડોર પણ વળી સાંકડો નહીં વિશાળ જે આજકાલના બહુમાળી મકાનોમાં નથી હોતો. દરેક ઈંચ જગ્યાનો ઉપયોગ તમારી મોકળાશને છીનવી લે છે તેનો અહેસાસ થયો. ડાબી તરફનો દાદર ઊતરતા જોયું કે નીચે પણ ખૂબ પ્રકાશ હતો. પગથિયા ઉતરતાં એક નવા વિશ્વનો ઊઘાડ થયો. કલ્પના કરી હતી બંધિયાર ભોંયરાની પણ  નીચે ઊતરતા જ ડાબી તરફ કોર્ટ યાર્ડ અને જમણી તરફ પણ મેદાન જેવું કોર્ટયાર્ડ નજરે ચઢ્યું. અહેસાસ થયો કે મકાનમાં પહેલે માળે દાખલ થયા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર જવાનું હતું. મકાનની રચના એવી રીતે કરવામાં આવી હતી કે આકાશ, પ્રકાશ અને બગીચા દ્વારા સુંદરતા તેમજ મોકળાશનો અહેસાસ તમને થયા કરે. પછી જાણવા મળ્યું કે  એ મકાન બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીએ ડિઝાઈન કર્યું હતું.
હાલમાં જ જેમને આર્કિટેકચરનું નોબલ ગણી શકાય તે પ્રિત્ઝકર પ્રાઈઝ જેમને એનાયત  થયું છે એ બાલકૃષ્ણ દોશી પ્રથમ ભારતીય છે જેમને આ ઈનામ  એનાયત થયું છે. ભારતનું ગૌરવ બાલકૃષ્ણ દોશી ભલે ગુજરાતમાં રહેતા હોય પણ તેમનું નામ વિશ્વના ટોચના આર્કિટેક્ટ તરીકે પ્રસિદ્ધ છે. નમ્ર અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતાં બાલકૃષ્ણ દોશી વિશે જાણવું હોય તો અમદાવાદની તેમની ઓફિસે જવું પડે. તેમની ઓફિસનું નામ છે સંગાથ.
તેમની ઓફિસના કમ્પાઉન્ડમાં પ્રવેશતાવેંત તમને કોઈ  ન તો  પ્રવેશદ્વાર દેખાશે કે ન તો મકાન દેખાશે. બગીચો જરૂર તમારું ધ્યાન ખેંચશે. કુદરતી સૌંદર્ય અને પક્ષીઓના કલરવ માણતા તમે અંદર દાખલ થાઓ તો માંડ ડાબી તરફ એક એવું સ્ટ્રકચર દેખાય કે તમને લાગે કે આ ઓફિસ હોઈ શકે? પણ હા એ જ બાલકૃષ્ણ દોશીનો સ્ટુડિયો કમ ઓફિસ કમ એમ્ફી થિયેટર કમ તેમના વ્યક્તિત્વનું એક્સટેન્શન છે. બાલકૃષ્ણ દોશી એવા આર્કિટેક્ટ છે કે તેમની ડિઝાઈન કોઈ કૃતિ વાંચતા હોય તેવું લાગે. તેમની ઓફિસનું મકાન જગતના સો  જોવા જેવા આર્કિટેક્ચર મકાનોની યાદીમાં શામેલ છે. રસ પડે તો તેમના મકાનની વિગત આપતો વીડિયો યુટ્યુબ પર છે. જેમાં બાલકૃષ્ણ દોશી કહે છે કે મને લોકોની સંગત ગમે છે એટલે જ એનું નામ સંગાથ છે. અહીં મકાનમાં પ્રવેશવા માટે તમારે મકાન અને તેનું પ્રવેશદ્વાર શોધવું પડે. જીવન એક શોધ છે. તમારે રસ્તાઓ બનાવીને કે શોધીને જીવનનું રહસ્ય પામવાનું હોય છે. સંગાથનું મકાન અને રસ્તો બધું જ મોટેભાગે વેસ્ટ મટિરિયલ્સમાંથી બનાવવામાં આવ્યું છે. બાલકૃષ્ણ દોશી  કહે છે કે કુદરતી તત્ત્વની સાથે જે મોકળાશ અને શાંતિ મળે તે તમને વિકાસ તરફ લઈ જવામાં મદદરૂપ બને છે.  બાલકૃષ્ણ દોશી એવા આર્કિટેક્ટ છે કે તેમનું જીવન અને મકાનોની ડિઝાઈનમાં સહજતા, રચનાત્મકતા અને મોકળાશનો અનુભવ થાય છે. તેમનું જીવન અને કામ બે જુદા પાડી ન શકાય. કદાચ એટલે જ  90 વરસની ઉંમરે પણ તેઓ સ્વસ્થ રહ્યા છે  અને કામ પણ કરે છે. નિવૃત્તિ વિશેના સવાલમાં મને સામે પ્રશ્ન પૂછાય છે કે એટલે શું?
બાલકૃષ્ણ દોશીનો જન્મ અને બાળપણ પૂનામાં. તેમના કુટુંબનો વ્યવસાય ફર્નિચર બનાવવાનો હતો. સંયુક્ત કુટુંબમાં રહેવાને કારણે તેઓ દરેકની સાથે રહેવાના અને સાથે રાખવાનો કરતબ જાણે છે. જો કે તેમનો વ્યવસાય પણ એવો છે કે કોન્ટ્રાકટર, કામગારો સાથે મળીને જ તેમની બનાવેલી આકૃતિઓ આકાર લઈ શકે છે.  તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ આર્કિટેક્ટ બનશે. પૂનેમાં મરાઠી શાળામાં ભણ્યા પછી સાયન્સ ફેકલ્ટીમાં ગયા હતા. તેમનું ડ્રોઈંગ સારું હતુ અને પછી એક શિક્ષકના કહેવાથી મુંબઈ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણવા આવ્યા. હજી ચોથા વરસની પરિક્ષા બાકી હતીને તેમના મિત્રને લીધે લંડન પહોંચ્યા. ત્યાં લે કોરબુર્ઝયે સાથે જોડાયા. આ વાત છે 1950ના દાયકાની.  બાલકૃષ્ણ દોશી કહે છે કે તેમના જીવનમાં બધુ સહજતાથી ગોઠવાતું ગયું. તેમણે ક્યારેય વિચાર્યું નહોતું લંડન જવાનું કે પેરિસમાં રહેતા પ્રખ્યાત આર્કિટેક્ટ કોરબુર્ઝયે સાથે કામ કરવાનું. તેઓ લંડનમાં બાય ચાન્સ એક પરિષદમાં કોરબુર્ઝયે સાથે કામ કરતા આર્કિટેક્ટને મળ્યા. તે સમયે કોરબુર્ઝયે ચંદીગઢનું ટાઉન પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમણે સહજતાથી પૂછી લીધું કે મને કોરબુર્ઝયે સાથે કામ કરવા મળી શકે તો તેમની પાસે એપ્લિકેશન મંગાવી. તેમને તે સમયે અંગ્રેજી પણ બરાબર આવડતું નહોતું તો ફ્રેન્ચ આવડવાની વાત જ ક્યાં હતી.  છએક વાર ડ્રાફ્ટ કરી તેમણે એપ્લિકેશન મોકલાવી. જવાબ આવ્યો કે તમને કામ મળે પણ શીખાઉ તરીકે જોડાવું પડે અને આઠેક મહિના કોઈ પગાર ન મળે. આટલા મોટા આર્ટિસ્ટ પાસે કામ શીખવા મળે તે જ મોટી તક હતી એટલે લાંબો વિચાર કર્યા વિના તેઓ પેરિસ ગયા અને કોરબુર્ઝયે સાથે જોડાઈ ગયા. પૈસા તો તે સમયે હતા જ નહીં. તબિયત પણ સારી નહોતી પરંતુ કામ શીખવું હતું એટલે ફક્ત ઓલિવ અને ચીઝ ખાઈને આઠ મહિના વીતાવ્યા. ત્યારબાદ  સાડા ત્રણ વરસ તેમની સાથે કામ કર્યું. ચંદીગઢના પ્રોજેક્ટ માટે તેમને ભારત મોકલ્યા. સરકારી ઢબે કામ કરવાનું તેમને ફાવ્યું નહીં એટલે અમદાવાદમાં પણ કોરબુર્ઝયેના પ્રોજેક્ટ હતા ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી અને તે શક્ય બન્યું એટલે તેઓ અમદાવાદમાં આવ્યા અને નસીબે તેમને ત્યાં જ રોકી દીધા એવું કહી શકાય. અમદાવાદમાં તેમણે સારાભાઈ અને શોધનના બંગલાઓ  તેમ જ અન્ય કામ કર્યાં.
અમદાવાદમાં જ કામ દરમિયાન કમલાની સાથે મુલાકાત થઈ જેની સાથે લગ્ન કર્યા અને અમદાવાદમાં જ સ્થાયી થવું તે નક્કી થયું. કોરબુર્ઝયેનું કામ છોડ્યા બાદ તેમનું પોતાનું કામ શરૂ કર્યું. સૌ પ્રથમ અમદાવાદ આઈઆઈએમ, સેપ્ટ (આર્કિટેક્ચર કોલેજ) અને લાલભાઈ ગ્રુપનું ઈન્ડોલોજી મ્યુઝિયમના મકાન માટે કામ કર્યું. બસ ત્યારબાદ તેમણે પાછું વળીને જોયું નથી. આર્કિટેક્ચરમાં તેમનું આગવું સ્થાન ઊભું થયું. કુદરતી તત્વો જે જીવન માટે જરૂરી છે તેને સાથે રાખીને તેમની ડિઝાઈન બનતી. થ્રી ઈડિયટ્સ ફિલ્મનું શૂટિંગ જ્યાં થયું છે તે આઈઆઈએમ બેંગ્લુરુની ડિઝાઈન પણ તેમની જ છે. તેમની ડિઝાઈનમાં કુદરતી લાઈટ્સનો ઉપયોગ એટલો બખૂબી થાય કે જોનારને આનંદ આપે. બેંગ્લુરુની તેમની ડિઝાઈનમાં લાંબી પરસાળો બનાવવાનૌ વિચાર તેમને મદુરાઈના મંદિરોને જોઈને આવ્યો હતો. દોશીજી માને છે કે આપણે ઈતિહાસ અને સંસ્કૃતિનો ઉપયોગ દરેક બાંધકામમાં કરવાની જરૂર છે. તેના લીધે રચનાત્મકતા, સૌંદર્યની અભિવ્યક્તિ થઈ શકે છે. આઈઆઈએમની લાંબી પરસાળોમાં તમે રોજ ચાલો તો પણ દરેક વખતે જુદું દૃશ્ય જોવા મળી શકે. ત્યાં તેમણે પરગોલા અને બગીચાનો ઉપયોગ કરીને પ્રકાશ, પડછાયાનો સુંદર ઉપયોગ કર્યો છે. મકાનને પણ જીવંત કરી શકાય છે એ સમજવા માટે બાલકૃષ્ણ દોશીના બનાવેલા મકાનોને જોવા પડે. અમદાવાદમાં આવેલી હુસેન-દોશી ગુફા એ સ્થાપત્ય કલાનો નમૂનો છે.
તેમણે મોટી સંસ્થાઓ અને બંગલાઓ જ નથી બાંધ્યા પણ મધ્યમ વર્ગ માટેની ઓછા દરની હાઉંસિંગ કોલોનીઓ પણ કેટલાક ઠેકાણે બાંધી છે. એ જોતા ખ્યાલ આવે કે તેમની ડિઝાઈનમાં સુંદરતા સાથે ઉપયોગીતા પણ સામેલ હોય છે. રહેનારાઓ માટે અનેક ઓપ્શન તેઓ ઊભા કરી શકે છે. સસ્તાદરના મકાનો પણ માનવીય સંદર્ભે બાંધી શકાય તેવું એમણે પૂરવાર કર્યું છે. બાલકૃષ્ણ દોશી સારા અને સાચા શિક્ષક પણ છે. આર્કિટેકચર કોલેજમાં ભણાવતા ત્યારે મળતો પગાર ઘરે ન લઈ જતા. શિક્ષણને તેઓ જ્ઞાનપરબ માને છે. આજે પણ તેઓ પોતાની ઓફિસમાં રિસર્ચ અને ટ્રેઈંનીગનો વિભાગ ધરાવે છે. યુનિવર્સિટિઓ બાંધવાના કામમાં તેઓ આજે પણ વ્યસ્ત છે. લોકોસ્ટ હાઉસિંગના કામને તેઓ પોતાની ફરજ માને છે. સમાજને આપણી પાસે જે હોય તે આપી જ શકાય એવો ચીલો ચાતરનાર અને સ્થાપત્યને નવો આયામ આપનાર બાલકૃષ્ણ દોશીએ ક્યારેય ઈનામ કે નામસન્માન માટે કામ નથી કર્યું. નમ્રતાથી ફોનમાં કહે છે કે આ ઈનામ મારે માટે અકસ્માત છે. મને પોતાને નવાઈ લાગે છે અને ગર્વ તેમજ ગૌરવ અનુભવું છું કે ભારતીય છું.
બાલકૃષ્ણ દોશી ધારત તો વિદેશમાં સ્થાયી થઈ જ શક્યા હોત પણ તેમણે ભારતમાં જ અને તે પણ ગુજરાતમાં જ રહેવાનું પસંદ કર્યું. દેશવિદેશની અનેક સંસ્થાઓ સાથે તેમણે કામ કર્યું. ભણાવ્યું અને સલાહકાર તરીકે પણ જોડાયેલા રહ્યા. આ ઈનામ તેમના કામ અને વિચારોની નોંધ લેવામાં કામયાબ રહ્યું છે એવું પણ કહી શકાય. You Might Also Like

0 comments