દુનિયા ખરાબ નથી કે બ્લેકહોલ નથી

09:54


 સ્ટિફન હોકિંગ તકલીફોની વચ્ચે પણ શક્યતાઓને શોધીને જીવ્યા

આ સદીના મહાન વૈજ્ઞાનિકનું મૃત્યુ થયું ત્યારબાદ ઘણું તેમના વિશે લખાયું છે. તેમના જીવન પરથી અંગ્રેજીમાં ફિલ્મ પણ બની ચુકી છે ધ થિયરી ઑફ એવરિથિંગ. એટલે તેમના જીવન વિશે વાત નથી કરવી અહીં. તેમના જીવન પરની વાત પુસ્તક રૂપે પણ મળી રહેશે. મારે વાત કરવી છે અહીં તમારા મારા જીવન વિશે વાત કરવી છે પણ હા તેમાં સ્ટિફન હોકિંગની વાત પણ હશે. ગયા અઠવાડિયે ગુજરાતમાં પ્રવાસ કરવાનું બન્યું. ટ્રેનમાં જતાં આસપાસની વ્યક્તિઓની વાતચીત કાને પડતી હતી. મોટાભાગના પ્રૌઢ વયની વ્યક્તિઓ હતી. ઘણાં સમયે સેકન્ડ ક્લાસમાં સફર કરવાનો મોકો મળ્યો. ફર્સ્ટ ક્લાસ કે એસીમાં પ્રવાસ આરામદાયક લાગે તેનું કારણ હોય છે મોટાભાગની વ્યક્તિઓનું વર્તન અને એટિટ્યુડ એ બાબત મને સમજાઈ. અહીં સેકન્ડ ક્લાસમાં લોકો ખૂબ જોરથી વાતો કરી રહ્યા હતા. બાજુમાં બીજું કોઈ બેઠું છે અને તેમની પોતાની પ્રાઈવેસી હોય તેની સમજ ન હોય તે સ્વાભાવિક છે, પરંતુ આ લોકો પોતાના ઘરના ઝઘડાની વાત કરી રહ્યા હતા. તેમાંથી ફલિત થતું હતું કે તેઓ ખૂબ સારા છે અને બીજાઓ ખૂબ ખરાબ છે. ઝઘડામાં મુખ્ય બાબત હતી બીજી વ્યક્તિઓના વર્તન. હવે તેમની વાત કરું જે મને અનુભવ થયો. તેમની બધી ટિકિટ કન્ફર્મ નહોતી થઈ. એટલે તેમને જેમની કન્ફર્મ ટિકિટ હતી તેમની ઈર્ષ્યા થતી હતી. દરેક કન્ફર્મ ટિકિટ ધરાવનાર જાણે વસીલો લગાવીને જ ક્ન્ફર્મ ટિકિટ કરાવતા હોય તે રીતની વાત થતી હતી. મારી સામે જ જોયું કે  તેમણે પણ પ્રયત્ન કરેલા ટીસીને પૈસા આપીને સીટ મેળવવાના, પરંતુ ટીસીએ ના પાડી દીધી હતી ગેરકાનૂની રીતે કોઈ કામ કરી આપવાની અને તેમને ખાસ્સો દંડ ભરવો પડ્યો. પત્યું આખા રસ્તે તેમણે દુનિયા કેટલી ખરાબ છે તેવી નેગેટિવ વાતોની પારાયણ ચલાવી અને અમને સંકોચાઈને બેસવાનું કહીને માનવતા દાખવવાનું કહ્યું. લાંબો પ્રવાસ અને ખાસ્સો સામાન પણ તેમની સાથે હતો જે બીજાને નડી રહ્યો હતો.
સતત પોતાનો જ વિચાર કરીને જીવતાં આવા માણસો પોતાની તકલીફ માટે દુનિયાને અને બીજાને  સતત ભાંડ્યા કરીને નકારાત્મક વાતાવરણ ઊભું કરતા હોય છે. યા તો કેટલાક લોકો સતત ડિપ્રેશનમાં જીવતા હોય છે. જાન્યુઆરી 7, 2016ના દિવસે લંડના રોયલ ઈન્સન્ટિટ્યુટ ખાતે લેકચરમાં ઘણી પ્રેરણાદાયક વાતો કરી હતી. એમણે કહ્યું કે બ્લેક હોલને જે રીતે રજૂ કરવામાં આવે છે એટલી હદે તે ખરાબ નથી. તે જેલ જેવું નથી. તેના બન્ને છેડાની બહાર જીવન  છે. એટલે જો તમને એવું લાગે કે તમે બ્લેકહોલમાં ફસાઈ ગયા છો તો હિંમત હારી ન જશો તેના બીજા છેડે નવું યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ હોવાની શક્યતા છે જ. તમે નિરાશ થઈ જાઓ તો ઉપર આકાશમાં જુઓ નીચે તમારા પગ તરફ ન જોઈ રહેશો. તમે જે જુઓ તેને સમજવાનો, પામવાનો પ્રયત્ન કરો. બ્રહ્માંડને કુતૂહલથી જુઓ અને વિચારો કે તેનું અસ્તિત્વ કેમ ટકી રહ્યું છે. જીવનમાં ગમે તેટલી તકલીફો અને પડકારો આવે તેમાંથી પણ કોઈને કોઈ  માર્ગ બહાર લઈ જવા સમર્થ છે. તમે સફળ થઈ જ શકો છો બસ જરૂર હોય છે થાકીને હાર ન માની લો. લડી લો સંજોગોની સામે.  આ સલાહ આપનાર સ્ટિફન હોકિન્સની પરિસ્થિતિ આપણને ખબર જ છે. 21 વરસની ઉંમરે તેમને એવો અસાધ્ય રોગ લાગુ પડ્યો કે ડોકટરે તેમને જીવવાના બે જ વરસ છે એવું કહી દીધું હતું. તેમનું મોટાભાગનું શરીર લકવાગ્રસ્ત થઈ રહ્યું હતું. ફક્ત મગજ એક સાબૂત હતું. મગજ જે વિચારી શકે છે, અનુભવી શકે છે પીડા, હર્ષ, શોક, આનંદ. સ્ટિફને તેનો ઉપયોગ કર્યો નવી શોધ કરવા માટે. કલ્પના કરો કે તેની જગ્યાએ આપણે હોઈએ તો શું થાય?  રડતાં, દુખી થતા બેસી જઈએ. મૃત્યુ આવે તેવી પ્રાર્થના કરીએ.
જીવનમાં નાની નાની તકલીફોમાં આપણે સતત નકારાત્મકતા શોધીએ છીએ. બ્લેકહોલના ગુલામ બની જઈએ છીએ. બ્લેકહોલના બે છેડાની બહારની દુનિયાની શોધ કરીએ તો બ્લેકહોલનું અંધારું આપણને ગળી જઈ ન શકે. હકિકતમાં તો આપણે જ નકારાત્મક વલણથી બ્લેકહોલનું નિર્માણ કરીએ છીએ. જીવનનો આનંદ વિસ્મયમાં છે. આપણી આસપાસ કુદરતને જોઈએ તો કેટકેટલું વિસ્મય પથરાયેલું છે જે આપણને નકારાત્મકતામાંથી દૂર લઈ જઈ શકે છે. એ જ લંડનના ફંકશનમાં સ્ટિફનની દીકરી લ્યુસીએ જે કહ્યું હતું કે તેના પિતાનું હાસ્ય અને પ્રેરણારૂપ જીવનને નવો આયામ આપે છે. તેણે દર્શકોને કહ્યું કે    –
તેમની પાસે ઈર્ષ્યા આવે એટલી પ્રબળ ઈચ્છાશક્તિ છે. એટલું જ નહીં તેને એક ચોક્કસ દિશામાં લઈ જવા માટે તેમની દરેક શક્તિનો ધ્યેયાત્મક ઉપયોગ કરી શકે છે. તેમની શક્તિ વેડફતાં નથી. તેમનું બધું જ ધ્યાન સતત આગળ વધવામાં જ કેન્દ્રિત થયેલું હોય. તેમનું ધ્યાન ફક્ત ટકી રહેવા તરફ જ નથી હોતું પણ તેમની તમામ શક્તિને અદભૂત કામ કરવા પાછળ ખર્ચે છે જેમ કે પુસ્તક લખવું, વક્તવ્ય આપવું, ન્યુરોડિજનરેટીવ અને અન્ય અસાધ્યરોગથી પીડાતા લોકોને પ્રેરણા આપવી.
એ જ વકતવ્યમાં પ્રોફેસર હોકિન્સ કહે છે કે મને જે મળ્યું છે તેનો આદર કરતાં હું શીખ્યો છું. મારું બદનસીબ ખરું કે મને મોટરન્યુરોન અસાધ્ય રોગ થયો છે પણ એ એક  સિવાય બાકી દરેક બાબતમાં નસીબદાર છું. હું નસીબદાર છું કે મને યોગ્ય સમયે થિયોરેટિકલ ફિજિક્સનું કામ કરવા મળ્યું. વળી કેટલાક જ કામ એવા છે કે જે હું મારી અપંગ અવસ્થા છતાં કરી શકું આ કામ એમાનું એક હતું જેમાં મને મારી ડિસએબિલીટી નડી નથી. જીવન ગમે તેટલું કઠિન કેમ ન હોય પણ ગુસ્સે ન થવું એ ખૂબ મહત્ત્વની બાબત છે, કારણ કે જો તમે તમારા પર અને પરિસ્થિતિ પર હસી નથી શકતા તો  તેમાંથી બહાર નીકળવાની દરેક શક્યતાઓ તમે ખોઈ બેસો છો.
76 વરસની ઉંમર સુધી સ્ટિફન કેવી પરિસ્થિતિમાં જીવ્યા તે આપણાથી અજાણ્યું નથી જ. જો એ વ્યક્તિ દુનિયામાં જ નહીં ઈતિહાસમાં  નોંધપાત્ર બની રહે તેવું કામ કરી શક્યો હોય તો સ્વસ્થ શરીર સાથે આપણે સામાન્ય જીવન પણ કોઈ ફરિયાદ કે નકારાત્મકતા વિના ચોક્કસ જ જીવી શકીએ. જીવનમાં આવતી કોઈ પરિસ્થિતિ એવી ન હોઈ શકે કે તેમાંથી માર્ગ ન નીકળી શકે. ફરિયાદ કરવી અને નકારાત્મક વાતો કરવી, બીજા પર દોષનો ટોપલો ઢોળી દેવો એ ભાગેડુ જીવનવૃત્તિ છે. તેનાથી ન તો તમને ફાયદો થાય છે કે ન તો બીજાને આનંદ આપી શકો છો. તમારી શક્તિને નકામી બાબતોમાં વેડફી દો છો એના કરતાં તેને કોઈ ચોક્કસ ધ્યેય તરફ વાળી દો તો સફળતા ચોક્કસ તમને આનંદની અનુભૂતિ આપશે એવું સ્ટિફનનું કહેવું છે. એમણે એવું જીવન જીવ્યા બાદ જ લોકોને કહ્યું છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઈ શકીએ તે જ તેમને સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય. આપણે બદલાઈશું તો આખું વિશ્વ બદલાશે. કેટલીય વિડંબણાઓની વચ્ચે સ્ટિફને પોતાનું વિશ્વ ઊભું કર્યું.  સંશોધન કર્યું, નવી શોધ કરી, ભૌતિકશાસ્ત્રમાં નવો ચીલો ચાતર્યો. તેમનું સૌથી મોટું કાર્ય હતું કે આવી પરિસ્થિતિ સાથે પણ તેમણે સતત કામ કરીને લોકોને ઉદાહરણ પૂરું પાડ્યું કે મક્કમ નિર્ધાર હોય તો કોઈપણ પરિસ્થિતિ તમને હરાવી શકે નહીં. દુનિયા ખરાબ નથી કે તમારી સામે કાવત્રું નથી ઘડી રહી પણ તમે જાતે જ તેને નકારાત્મક કે હકારાત્મક બનાવી શકો છો. પણ આપણે તો નાની અમથી વાત ટ્રેનમાં જગ્યા ન મળી, પરિક્ષામાં સારા માર્ક્સ ન આવ્યા, નક્કી કરેલી કોલેજમાં એડમિશન ન મળ્યું, નોકરી ન મળી, છોકરી ન મળી, કોઈ જરા આપણી સાથે ન બોલ્યું કે કોઈ આડું બોલ્યું  તો પણ ડિપ્રેશનમાં સરી પડીએ, આપઘાત કરીએ, ગુસ્સે થઈએ વગેરે વગેરે વગેરે ખરું કે નહીં ?    

You Might Also Like

0 comments