ટોળાંની હિંસા માનવતાને હણે છે

07:38
  ટોળાંનો માણસ સમજદારી પર પાટો બાંધીને પોતાના અંગત અસ્તિત્વને ભૂલી માનવતાનું હનન કરી શકે છે.

છેલ્લા બે અઠવાડિયાથી વાદીઓ અને ભિક્ષુંકોને માણસોનું ટોળું મારી નાખે છે. શું કામ તો તેમને શંકા છે કે તેઓ બાળકોને ઉપાડી જનાર ટોળકીના માણસો હોઈ શકે. હજી સુધી કોઈ સાચો આરોપી આ રીતે પકડાયો નથી પણ શંકાને આધારે તેઓ કોઈ અજાણી સ્ત્રીઓને કે પુરુષોને માર મારીને યમસદન પહોંચાડવાનો ન્યાય તોળવા બેસી જાય  છે. ગુસ્સો આવી શકે છે પણ તેનો અર્થ એ તો નહીં કે તમે કોઈ નિર્દોષને મારી નાખો. આવું બને છે કારણ કે આજે લોકો અસહિષ્ણુ થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં આવતા ફેક સમાચારોને સાચી માનવાની ભૂલ કરી બેસે છે કારણ કે સ્વતંત્ર વિચાર બુદ્ધિ રહી નથી. અત્યારસુધી જાતિવાદ અને ધર્મના નામે ટોળાંઓ ન્યાયને રહેંશી નાખતા હતા હવે ભયને કારણે એવું કરે છે કે પછી પોતાના અન્ય ફ્રસ્ટ્રેશનને કારણે તે સમજવાની જરૂર છે.  
એક કૂતરો તમારી સામે ભસી શકે છે પણ કૂતરાંઓનું ટોળું તમારા પર હુમલો કરી શકે છે. મનુષ્યનું પણ એવું જ છે. એકલો માણસ કદાચ જે વર્તન ન કરી શકે તે ટોળાંમાં કંઈપણ કરી શકે છે. માણસ એકલો હોય ત્યારે જે રીતે પોતાની જાતને કાબૂમાં રાખી શકે છે તે ટોળાંમાં નથી રાખી શકતો, કારણ કે તેની માનસિકતા ટોળાંની માનસિકતા બની જતી હોય છે. જેટલું મોટું ટોળું હોય તેટલી જ વધુ તકલીફો થવાની શક્યતા હોય છે. ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જેવા નેતા હોય તો શાંત અને શિસ્તબદ્ધ ટોળું હોઈ શકે છે. પણ ગાંધીજીની આગેવાની હેઠળ શરૂ થયેલી અસત્યાગ્રહની ચળવળમાં ય ક્યાંક છમકલાં થઈ જતાં હતાં. 
ગયા વરસે જુલાઈમાં જ  કાશ્મીરમાં ડીએસપી મોહમ્મદ અયુબ પંડિતને બસોએક માણસોના ટોળાંએ મારી નાખ્યા તો ઝારખંડમાં ૧૫ વરસના જુવાન જુનૈદને ટોળાંએ મારી નાખ્યો. બન્ને ઘટનાઓ ખૂબ જ કરુણ અને અક્ષમ્ય અપરાધ છે એમ કહી શકાય. ઘણીવાર કોઈ ચોર પકડાયો હોય અને તેને પણ ટોળું જો હિંસક થયું હોય તો માર મારીને ન્યાય તોળી નાખતા. ટોળું જ્યારે મરવા મારવા પર ઊતરી આવે છે ત્યારે તે સારઅસારનું ભાન ભૂલી જાય છે. આવી ટોળાંની હિંસકતા જોઈને લાગે કે લોકોની માનસિકતા કેટલી નિમ્નકક્ષાએ ઉતરતી જાય છે કે તે હિંસા કરવા માટે ટોળું બની જાય છે. આવાં બેકાબૂ ટોળાં દ્વારા એકાદ બે માણસો તો રહેંસાઈ જાય છે પણ સાથે ટોળાંમાં રહેલો ચહેરા વિનાનો માણસ પણ માનવીયતાના નામે રહેંસાઈ જાય છે. આ ધિક્કાર અને હિંસાની લાગણીઓથી રંગાયેલ ટોળાંનો ઈતિહાસ છે. બરાબર 12 વરસ પહેલા2006ના સપ્ટેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના ભંડારામાં આવેલ ખેંરલાંજીમાં જાતિવાદ અને જમીનના ઝઘડામાં ચાર માણસો મોતને ભેટ્યા હતા. 2015 ના માર્ચ મહિનામાં નાગાલેન્ડમાં લગભગ દસેક હજારના ટોળાંએ દિમાપુરની જેલ તોડીને બળાત્કારીને બહાર ખેંચી કાઢી મોતને ઘાટ ઉતાર્યો હતો. દાદરીની ઘટના પણ ટોળાંની હિંસક માન્યતાઓથી ભરેલી હતી. મોહમ્મદ અખલકને ગૌમાંસ સંબંધે ટોળાંએ મારી નાખ્યો. 

ટોળું ભેગું મળીને કત્લ કરે તે નવાઈ નથી રહી. ભારતમાં સ્ત્રીઓ હાજતે જતી હોય અને સ્વચ્છ ભારત માટે ફોટો પાડતાં અટકાવનારને સરકારી અધિકારીઓનું ટોળું પણ વ્યક્તિને મારી નાખી શકે. દિલ્હીમાં એક રિક્ષાવાળો કોઈને જાહેરમાં પેશાબ કરતાં ટોકે તો એને પણ ટોળું લઈ આવીને મારી નાખતાં લોકો અચકાતા નથી. નાનાં મોટાં અનેક કારણો મળી રહે છે વ્યક્તિઓને પોતાની હિંસકવૃત્તિને પોષવાના. 

25 ઓગસ્ટ ૨૦15નો દિવસ ગુજરાતના ટોળાંશાહીના ઈતિહાસમાં લખાઈ ગયો. પાટીદાર સમાજ દ્વારા અનામતના મુદ્દે ક્રાંતિ રેલીનું આયોજન મોટાપાયે કરવામાં આવ્યું. લાખો લોકોનું ટોળું ભેગું થાય ત્યારે દુર્ઘટના સર્જાવાની સતત ભીતિ રહે છે. એવું જ થયું. અનેક ઘટનાઓ બની જેમાં બસો, વાહનોને બાળવામાં આવ્યાં. પથ્થર મારો થયો. સરકારે શાંતિ જાળવવાની અપીલ કરી અને ઈન્ટરનેટ નેટવર્ક ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. બે દિવસમાં વાત વણસી અને વાતાવરણ હિંસક બની ગયું. ટોળાંની માનસિકતામાં હિંસા થાય એમાં કોઈ જવાબદારી લેતું નથી. મોબ મેન્ટાલિટી લાગણીઓથી દોરવાતી હોય છે. તેમાં કોઈ લોજિક હોતું નથી. ટોળાંમાં સારઅસાર કે સાચા-ખોટાનાં કોઈ વિચારો કરાતા નથી. તત્કાલીન જે લાગણી કે ઉશ્કેરાટમાં બદલાય તેનો પડઘો જ વર્તણૂકમાં હોવાને કારણે હિંસા વકરતી હોય છે. ટોળાંનું વિચારધોરણ ખૂબ સીમિત હોય છે. ટોળું હિપ્નોટાઈઝ થયું હોય તે રીતે વર્તે છે એટલે જ ઉશ્કેરાટ ઝડપથી ફેલાય છે. સારઅસાર સમજ્યા વિના લોકો વર્તે છે. કેટલીક વખત એવું પણ બને કે કેટલાક લોકો આ રીતના વર્તનની મજા માણવા માટે અને હિંસક વર્તણૂક કરવા માટે જ ટોળાંમાં ભળી જાય છે. રસ્તામાં ક્યારેય જો ચોર પકડાશે તો રસ્તામાં આવતાં જતાં અનેક લોકો જેને તેની સાથે કંઈ જ લેવા દેવા નહીં હોય તેઓ પણ હાથ સાફ કરી લેશે. અર્થાત્ જે વ્યક્તિ એકલી ક્યારેય અમુક સ્તરનું વર્તન ન કરી શકે તે ટોળાંમાં ખૂન કરતાં કે બળાત્કાર કરતા કે કોઈને જીવતાં સળગાવી દેવા જેવા ક્રૂર કામ કરતાં પણ અચકાય નહીં તે બની શકે છે. આપણે ત્યાં કોમ, ધર્મના આધારે અનેકવાર ટોળાંએ હિંસાઓ આચરી છે. ગુજરાતમાં 2002ના હુલ્લડો કે 1993ની સાલમાં બોમ્બબ્લાસ્ટ બાદ ભારતભરમાં ફાટી નીકળેલી હિંસા ટોળાંઓએ જ આચરેલી. પાકિસ્તાન ભારતના ભાગલા સમયે આચરાયેલી હિંસા ટોળાંની જ હતી. ટોળાંની માનસિકતાનો લાભ રાજકીય પાર્ટીઓ ચાલાકીથી ઉઠાવતી હોય છે. 

1980 અને 1990ની સાલમાં ભારતમાં રાજકીય હિંસામાં વધારો થયો હતો. જેમાં મુખ્ય સૂર હિન્દુ રાષ્ટ્રીય ભાવનાત્મકતાનો હતો. ટોળું ભેગું કરવા માટે લીડર જુસ્સો અને લાગણીનો ઉપયોગ કરતા હોય છે. ઘણીવાર સાચી વાત હોવા છતાં ઉગ્ર સ્વરૂપે કહેવામાં આવે છે ત્યારે સત્તાનો અહમ પણ ઘવાતો હોય છે. અહમના ટકરાવથી પણ હિંસાનો ભડકો થતો હોય છે. ટોળાંનો પણ પોતાનો અહમ ઊભો થાય છે જે ઘણો સ્ટ્રોન્ગ હોય છે. જે તેના નેતાને પણ ગાંઠે નહીં. તેવું બની શકે. ગાંધીજીને અસહયોગના આંદોલનની શરૂઆતમાં આવી ઘણી તકલીફો પડી હતી. અસહયોગનું આંદોલન અહિંસાત્મક જ હોય એવી ગાંધીજીની ઈચ્છા હતી પણ જ્યાં તેઓ હાજર ન હોય તેવા પ્રદેશમાં જ્યારે લોકો અંગ્રેજો સામે હિંસાત્મક બની જતાં અને હકૂમત એવું કહેતી કે લોકોએ હિંસા કરી એટલે અમે સામે હિંસક બન્યા ત્યારે બધી ચળવળનો અર્થ બદલાઈ જતો. એટલે એક સમયે તેમણે અસહયોગનું આંદોલન બંધ રાખ્યું હતું. ગાંધીજી જાણતા હતા કે હિંસા દ્વારા આઝાદી મેળવવી સહેલી નથી. અને તેમાં વધુ આપણા ભારતીયો જ મરવાના હતા. અંગ્રેજોની સામે સત્યાગ્રહીઓના ટોળાં સરઘસ લઈને જતા હતા તે પણ પોતાની સંગઠિત તાકાતનું પ્રદર્શન કરતા હતા અને તેના પર હિંસા આચરી તે તાકાતને તોડવાનો પ્રયત્ન અંગ્રેજો કરતા જેને લીધે જલિયાંવાલા બાગ જેવા હત્યાકાંડ સર્જાયા. 1955માં બંગાળની વિધાનસભામાં ગાંધીવાદી સભ્યએ સરસ રીતે કહ્યું હતું કે- કાયદાને આદર સાથે હું નમ્રતાપૂર્વક કહીશ કે અમને રાષ્ટ્રપિતાએ અનિયંત્રિત કાયદાનો કઈ રીતે વિરોધ કરવો તે શીખવ્યું છે. અમે ફરીથી કાયદાને તોડીશું...અમારે માટે કાયદા કરતાં જીવન વધારે કીમતી છે. અમારા પર ટિયર ગેસ પણ છોડાય કે લાઠી ચાર્જ પણ થઈ શકે. પણ સત્યાગ્રહ કરવો તે કાયદેસર અધિકાર છે. દેખાવ વખતે લોકોને કાયદાનો શાંતિપૂર્ણ રીતે ભંગ કરવાનો અધિકાર છે. અને જો તે સમયે હિંસા થાય તો તે સરકાર તરફથી જ હોઈ શકે. સત્યાગ્રહી લોકો તરફથી ન થાય.

એ જ રીતે કાશ્મીરમાં ચાલી રહેલી અરાજકતામાં કોઈ એકાદ બે વ્યક્તિ નથી. એક રીતે વિચારતા કે પછી હિંસા દ્વારા પોતાની માનસિકતા પોષતા લોકોનો સમૂહ છે તો અત્યારે પણ માણસોનું ટોળું શંકાશીલ માણસોને પોલીસને હવાલે કરવાને બદલે હિંસા કરે છે કારણ કે દરેકના મનમાં હિંસા ધરબાયેલી છે તેને બસ ફક્ત કોઈ બહાનું જોઈતું હતું બહાર આવવા માટે. ખરો સમજદાર અને બુદ્ધિશાળી માણસ એ જ છે કે ટોળાંમાં ભળતો નથી. ગુનેગારને સજા થવી જરૂરી છે પણ તે માટે નિર્દોષને રહેંશીને ભય ન ફેલાવાય.  

You Might Also Like

0 comments