નાયક નહીં ખલનાયક હું મેં

05:00







 આપણા દરેકની કલ્પનામાં ખલનાયક હોય છે, ખરું જોઈએ તો નાયક-ખલનાયક સિક્કાની બે બાજુઓ છે.

છેલ્લા પંદર દિવસથી નાયક રણબીર કપૂર અને ખલનાયક સંજુની ચર્ચા ચાલી રહી છે. ના અહીં સંજુ ફિલ્મના સારઅસારની ચર્ચા નથી કરવી. સંજુ ફિલ્મે 100 કરોડથી વધુનો વકરો કર્યો. તેને જોવા જનાર એમ પણ કહે કે અમે તો રણબીર કપૂરનો અભિનય જોવા ગયા હતા. અરે, તમારે ફિલ્મ જોવી હતી અને જોઈ તેમાં શું કામ જોવા ગયા તે સાબિત ન કરવાનું હોય. સંજય  દત્તના જીવન વિશે ફિલ્મ શું કામ બનાવી કે ન બનાવવી જોઈએ એ બધું ભૂલી જાઓ તો પણ સંજુમાં ગમે એવી બાબત એ હતી કે તેમાં દરેક રસ છે જે પ્રેક્ષકોને જોવા ગમે. ફિલ્મ કે નાટક મનોરંજન માટે લોકો જુએ છે. ફિલ્મ સારી કે ખરાબ હોઈ શકે અનેક કારણોસર, પરંતુ છેલ્લા સો વરસોથી ખલનાયકને નાયક બનાવીને ફિલ્મો બનતી આવી છે દુનિયામાં.
આપણને સૌને ખલનાયક ગમે છે કારણ કે માનો કે ન માનો પણ આપણા સૌમાં પણ ખલનાયક છુપાયેલો હોય છે. એ સિવાય પણ બીજા અનેક કારણો છે ખલનાયક પરની ફિલ્મો ગમવા માટે. મોટાભાગનાનું સંજુ માટે એવું કહેવું છે કે એક ખરાબ વ્યક્તિને સારી સાબિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ફાઈન, પણ મોટાભાગની ગેંગસ્ટર કે માફિયાની સફળ ફિલ્મોમાં ખલનાયક પ્રત્યે સહાનુભૂતિ થાય એવા કેટલાક દૃશ્યો હોય જ છે. વળી સ્ટોરીલાઈન એવી હોય કે આપણને સબકોન્સિયન્સલિ ખલનાયક ગમવા લાગે છે. ગેંગસ્ટર કહો કે માફિયા કે પછી ભાઈ બનનાર વ્યક્તિ મજબૂરીમાં ખોટા રવાડે ચઢી ગઈ હોય છે. બડેભાઈ દાઉદ પોલીસ કોન્સ્ટેબલનો દીકરો છે. કોઈ ખલનાયક જન્મથી ખલનાયક હોતો નથી. દરેક ખલનાયકની પોતાની આગવી સ્ટોરી હોય છે. એક વખત ગેંગસ્ટરનો થપ્પો લાગ્યો કે તેને ભૂસીને બહાર આવવું અઘરું હોય છે. ઓસામા બિન લાદેન કે અબુ બકર કે પછી દાઉદ હોય જેમને આપણે નાયક ન કહી શકીએ પણ તેમના જીવન પર લેખ લખાય કે પુસ્તક થાય કે ફિલ્મો બને તે જોવી દરેકની ગમે છે.
જે આપણા જીવનમાં ન બની શકે તે દરેક બાબતમાં આપણને રસ પડે છે. ફિલ્મમાં લાગતા ભવ્ય દૃશ્યો અને સુંદર હીરો-હિરોઈનની કલ્પનામાં રાચવા માટે જ હોય છે. એ રીતે જીવનની ડાર્ક સાઈડ બતાવતી ફિલ્મો પણ લોકોને વધુ ગમે છે તે ફિલ્મ બનાવનારા સારી રીતે જાણતા હોય છે. બીજું  કે આ ખલનાયકો બિન્દાસ સ્વભાવના હોય છે. તેમને ભય નથી લાગતો, તેઓ આત્મવિશ્વાસી અને બુદ્ધિશાળી પણ હોય છે. વળી ખલનાયક દેખાવમાં હેન્ડસમ ન હોય તો ચાલે કે તેને નાચતા ન આવડતું હોય તો ચાલે. ટુંકમાં તે કોઈપણ સામાન્ય માણસ જેવો દેખાતો હોય છે તે છતાં નિર્ભય, હિંમતવાન અને આત્મવિશ્વાસ જેવા ગુણોને કારણે તેનું વ્યક્તિત્વ આકર્ષક બનતું હોય છે. આ બધા ગુણો દરેકમાં નથી હોતા. વળી આ ગેંગસ્ટર પણ ક્યારેક તો અન્યાયની સામે લડતા હોય છે. અરુણ ગવળી, વરદરાજન વગેરે અનેક ગેંગસ્ટર પરથી ફિલ્મ બની છે અને તેમાં આપણા જાણીતા હીરોલોકે અભિનય કર્યો છે.
કલ્પનાના ગેંગસ્ટર ડોન કો પકડના મુશ્કિલ હી નહીં  નામુમકિન હૈ... અમિતાભ બચ્ચને ડોન એટલે કે ગેંગસ્ટરનો રોલ કર્યો એનું ફેસિનેશન શાહરુખને એટલું હતું કે તેણે એની રિમેક કરી અને તે પણ બે ભાગમાં. ફિલ્મ જોતી વખતે આપણે એ નાયક કહો કે ખલનાયકના પાત્રમાં ઓતપ્રોત થઈ જતા હોઈએ છીએ. કુશાંદે થિયેટરમાં બેઠા બેઠા એ બધું જ જીવીએ છીએ જે જીવવાની આપણી હિંમત નથી હોતી. આપણે ભલે પોઝિટિવિટીની વાતો કરીએ પણ નેગેટિવિટી આપણને વધુ ગમે છે. નકારાત્મકતા જો કોઈ સિરિયલમાંથી કે ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવે તો ડ્રામા ક્રિએટ થતો નથી. જો ડ્રામ ન હોય તો એ ફિલ્મ કે નાટક કે સિરિયલ દર્શકોને ઝકડી નથી રાખતા. હાલની બહુ ચર્ચિત નેટફ્લિક્સની સિરિઝ સેકરેડ ગેમ્સ પણ સામાન્ય દેખાવ ધરાવતા નવાઝુદ્દીન સિદ્દિકી(જે એક ડોન બનવા માગે છે) સિવાય બની ન શકત. એ સિરિઝમાં પણ ખલનાયક પ્રત્યે નફરત નથી થતી.
ખલનાયકની ફિલ્મોની વાત  કરીએ અને ગોડ ફાધરની વાત ન કરીએ તો ચાલે જ નહીં. ખલનાયકને હીરો બનાવતી ફિલ્મોમાં ગોડ ફાધર આજે પણ ઉત્તમ ફિલ્મોની કક્ષામાં આવે છે. મારિઓ પુઝોની બેસ્ટ સેલર નવલકથા ગોડ ફાધર પરથી ફિલ્મ બની જેમાં વિટો પોતાની ખલનાયકની ગાદી માઈકલને આપવા માગે છે. માઈકલને તે રુથલેસ (ક્રૂર, ઘાતકી) માફિયા બોસ  બનાવે છે. અલ પસિનો અને બ્રાન્ડોની અદાકારીના પ્રેમમાં આજે ય અનેક લોકો છે. અનેક માફિયાઓ, ગેંગસ્ટરની પણ આ પ્રિય ફિલ્મ છે. ગોડ ફાધર ટુ અને થ્રી પણ બની ચૂકી છે. 1972માં આ ફિલ્મ થિયેટરમાં પ્રદર્શિત થોઈને તેણે કમાણીના રેકોર્ડ તોડ્યા, એવોર્ડસ પણ અનેક મેળવ્યા. આજે પણ ગોડ ફાધર નંબર વન છે. માફિયા ગેંગ કાર્લોસ પ્રત્યે લોકોને એટલી સહાનુભૂતિ થાય છે કે તેઓ પોલીસ અને એફબીઆઈને ખલનાયક માનવા લાગે છે, આ માફિયાઓ ખરાબ નથી. બિઝનેસ સિવાય તેઓ કોઈને નડતા નથી કે હેરાન નથી કરતા કે મર્ડર નથી કરતા. પોતાની પત્નીઓને પ્રેમ કરે છે. પરિવાર પ્રત્યે લાગણી ધરાવે છે. દોસ્તી માટે જીવ આપી દઈ શકે છે. કોઈનો ઉપકાર નથી ભૂલતા. બે વરસ પહેલાં નેટફ્લિક્સ પર પિકી બાઈન્ડર્સ અને નાર્કો બે સિરિઝ પ્રસિદ્ધ થઈ હતી. પિકી બાઈન્ડર્સની ચારેક સિઝન થઈ ચૂકી છે. તેનો ખલનાયક કે નાયક ટોમી શેલ્બી પ્રત્યે તમને સહાનુભૂતિ થાય. એ પાત્ર પ્રત્યે તમને લગાવ ઊભો થાય. એવું કેમ બને છે? કારણ કે ખલનાયકની સ્ટોરીમાં ટ્વીસ્ટ અનેક હોય છે. સંજુના જીવનમાં પણ અનેક ટ્વીસ્ટ છે તેને કારણે દરેક હીરો કરતાં તેની સ્ટોરી અલગ છે. વળી ખલનાયકની લાગણીઓ જેટલી પોતાની વ્યક્તિઓથી ઘવાય છે તેટલી નાયકની લાગણીઓ ઘવાતી નથી. પીડામાંથી ખલનાયક પેદા થાય છે. એ પીડા આપણને સ્પર્શે છે. આપણામાં સહાનુભૂતિ ઊભી કરે છે. આપણે પીડા સાથે અનુસંધાન સાધી શકીએ છીએ. એ પીડા આપનાર વ્યક્તિઓને ગોળીથી ઊડાવી દેવાનો અનેકવાર વિચાર આવી જતો હોય છે આપણા મનમાં પણ ખલનાયકની જેમ આપણે એવું કરતા નથી. ફિલ્મમાં એ ખલનાયકની હિંસા સાથે આપણી અંદર ધરબાયેલી હિંસાને બુસ્ટ મળે છે.
વળી આ બિન્દાસ કહેવાતા ગેંગસ્ટર કે માફિયાઓ ખૂબ પૈસા કમાય છે. લકઝરીયસ જીવન જીવે છે. મોટા ઘર બનાવે છે. સમાજમાં સફળ કોને કહેવાય છે કે જેની પાસે મોટી ગાડી હોય, મોટું ઘર હોય અને ખૂબ પૈસા હોય. ક્યારેય કોઈ ગરીબ સંતોષી અને સુખી માણસને સફળ માનતા નથી. આ ગેંગસ્ટર પાસે આ બધું આવે છે. ગરીબીમાંથી તે રાજા જેવી સાહ્યબી ભોગવે છે. દાઉદની સાથે દોસ્તી રાખવી આપણા અનેક ફિલ્મસ્ટારોને ગમતી હતી. 1999થી લઈને 2007 સુધી અમેરિકાની પ્રખ્યાત સિરિઝ ધ સોપરાનો દર્શકોમાં લોકપ્રિય હતી. ખલનાયક ટોમી સોપરાનો ક્રિમિનલ હોવા છતાં વ્યક્તિ તરીકે સારો દર્શાવાય છે. દર્શકોને એ ખલનાયકના પ્રેમમાં હતા કે તેઓ નિર્માતાને લખતા કે ટોમીને જેલમાં ન મોકલે કે કોઈ સજા ન કરે. સંજુ માટે રાજુ હિરાણીને કે તેના બોલીવૂડના મિત્રોને પ્રેમ હોઈ શકે છે. અને દર્શકોને પણ ફક્ત અભિનય ગમ્યો હોય એવું તો ન જ હોય ને... સ્ટોરી પણ મહત્ત્વની હોય છે. વાર્તા વગર એકટિંગથી કે ટેકનિકથી ફિલ્મો ચાલતી નથી. સેકરેડ ગેમ્સમાં ગેંગસ્ટર ગણેશ ગાયતોંડે તરફ નફરત નથી થતી જેટલી તેમાં દર્શાવાતા રાજકારણી માટે થઈ શકે છે. ગેંગસ્ટર કે માફિયા ભલે ખલનાયક કહેવાતા હોય પણ તે આપણી કલ્પનાના નાયક જ બની રહે છે.  


You Might Also Like

0 comments