માય નેમ ઈઝ શીલા...

00:48
ઓશો રજનીશની સેક્રેટરી રહી ચૂકેલી મા આનંદશીલા ફરી ચર્ચાનો વિષય બની છે

દરેક વ્યક્તિમાં સ્ત્રીત્વ અને પુરુષત્વ હોય છે. અર્ધનારીશ્ર્વર શિવની કલ્પના આપણે ત્યાં છે જ. પ્રખ્યાત માનસચિકિત્સક યુંગ પણ કહે છે કે દરેક વ્યક્તિમાં સ્ત્રીત્વ અને પુરુષત્વ એમ બન્ને સ્વરૂપો હોય છે. ક્યારે કયું પાસું આગળ આવશે તે કહી ન શકાય. યુંગ કહે છે કે બેમાંથી એક સ્વરૂપ સબકોન્શિયસ રૂપે હોય છે. ડોમિનન્સ એટલે કે સત્તાશાળી વ્યક્તિત્વ હોય તો પૌરૂષીય સ્વરૂપ (મસ્ક્યુલિન) કામ કરતું હોય છે અને સત્તાવાહી વ્યક્તિત્વ ન હોય સમર્પિતભાવ હોય તો સ્ત્રીત્વ(ફેમિનાઈન) ડોમિનન્ટ હોય છે. જોકે આજે આધુનિક યુગમાં મોટેભાગે દરેક વ્યક્તિ સંજોગ પ્રમાણે બન્ને સ્વરૂપોને બેલેન્સ કરતી હોય છે. વાત થઈ રહી છે મા આનંદશીલાની. શીલા અંબાલાલ પટેલ ગુજરાતી યુવતી 1949માં વડોદરામાં જન્મી અને 18મા વરસે અમેરિકા ભણવા ગઈ ત્યારબાદ વિદેશી પતિ સાથે ભારત આવી, ભગવાન રજનીશ સાથે જોડાઈ અને મા આનંદશીલા બની ત્યાર પછીનું તેનું જીવન આજે મીડિયામાં ચર્ચાનો વિષય બની રહ્યું છે. 

વાઈલ્ડ વાઈલ્ડ ક્ધટ્રી નામની ડોક્યુમેન્ટરીમાં રજનીશ કરતાં પણ મા આનંદશીલાનું પાત્ર લોકોને આઘાત આપી ગયું. આખીય ડોક્યુમેન્ટરીમાં આનંદશીલા વાણીમાં કોઈ જ ઉતારચઢાવ વિના પોતાની વાત કરે છે. એકાદ સમયે તેની આંખમાંથી આંસુની ધારા વહે છે ભગવાન રજનીશ કહેતા અને તેમની વાત કરતાં. સ્પષ્ટ દેખાય છે કે શીલા એમના ગળાડૂબ પ્રેમમાં હતી. પ્રેમ કરવો કંઈ ખરાબ નથી પરંતુ રજનીશ અને શીલા વચ્ચેના સંબંધો વરસોથી ચર્ચામાં રહ્યા છે. નમણી, સુંદર અને બુદ્ધિશાળી શીલાના વ્યક્તિત્વમાં પૌરુષીય સ્વરૂપ ડોમિનન્ટ હતું તે એમનું જીવન ચરિત્ર જોતાં જણાય છે. ડોક્યુમેન્ટરીમાં પણ રજનીશના વ્યક્તિત્વ કરતાં શીલાની સત્તા વધુ ઉગ્ર અનુભવાય છે. અનેકવાર પુરુષો કહે છે કે સ્ત્રીઓ પણ ખરાબ હોય છે, તેઓ પણ બીજાને નુકસાન પહોંચાડી શકે છે. તો કહેવાનું કે એવી સ્ત્રીઓ કેટલીક જ હોય છે જેમનામાં પૌરુષત્વનુંસ્વરૂપ ડોમિનન્ટ કરતું હોય. કૈકેયી સુંદર તેમજ બુદ્ધિશાળી હતા પણ તેમની  મહત્ત્વાકાંક્ષા તેમજ પુત્રપ્રેમે તેમના સ્ત્રીત્વને બાજુ પર મૂકીને ક્રૂર શરતો મૂકવા મજબૂર કર્યા. 

આજના યુગની વાત કરીએ તો ઈન્દ્રાણી મુખરજી પણ દેખાવમાં સુંદર સ્ત્રી છે પણ તેનામાં રહેલી મહત્ત્વાકાંક્ષાએ પૌરુષીય સ્વરૂપનો ઉપયોગ કર્યો. સત્તા અને સંપત્તિ મેળવવા માટે તેણે પોતાના બાળકોને ત્યજ્યા એટલું જ નહીં વખત આવે તેનું ખૂન પણ પોતાના હાથે કર્યા બાદ ઠંડે કલેજે તે વરસો સુધી જીવી શકી. તેને કોઈ જ દુખ ન થયું કે કોઈ જ ગુનાહિતતા ન અનુભવાઈ. ઊલટાનું પોતાનો ગુનો છાવરવા માટે સતત કાવાદાવા રમતી રહી. જરૂર પડ્યે તેણે પોતાના પહેલાં પતિનો અને બીજા પતિનો ઉપયોગ પણ કર્યો. જ્યારે આવા કિસ્સાઓ બહાર આવે છે ત્યારે સ્ત્રી આવું કરી શકે તે દરેકને માટે આશ્ર્ચર્ય અને આઘાતનો વિષય બની રહે છે. જ્યારે કોઈ પુરુષ પોતાના બાળકની કાળજી લે છે માતા કરતાં પણ વધારે સારી રીતે ત્યારે તેનામાં રહેલું સ્ત્રીત્વ કામ કરતું હોય છે. આપણે સ્ત્રી અને પુરુષને એક જ રીતે જોઈએ છે કે સ્ત્રી એટલે નમ્ર, પ્રેમાળ, સુંદર અને માતૃત્વવાળો સ્વભાવ ધરાવતી કાળજી લેનારી. જ્યારે પુરુષ એટલે ખડતલ, વીર કોઈપણ પરિસ્થિતિમાં ભાંગી ન પડે, રક્ષણ કરનારો, ન રડનારો, પ્રેમ કરે પણ દર્શાવે નહીં વગેરે વગેરે એવી માન્યતાઓ આપણે બાંધી મૂકી છે. એટલે જ જ્યારે કોઈ સ્ત્રી એ બાંધેલી વ્યાખ્યાથી વિપરિત વર્તે ત્યારે આઘાત લાગે છે. 

મા આનંદશીલામાં પૌરુષીય તત્ત્વ ડોમિનેટેડ હતું. એ પુણેના રજનીશના આશ્રમમાં આવી ત્યારે મા લક્ષ્મી રજનીશના સેક્રેટરી હતા. અનેક થેરેપી દ્વારા લોકોમાં રહેલા ક્રોધ, ઈર્ષ્યા, વાસના વગેરેને કાઢવા માટે મુક્ત આચારવિચારને વ્યક્ત કરવાનું રહેતું. તેમાં મોટાભાગે વિદેશીઓ ભાગ લેતાં કે પછી મા આનંદશીલાને લખેલા પુસ્તકમાં વર્ણવ્યા પ્રમાણે પૈસા મેળવવા માટે આવા વિદેશીઓને માટે જ આવી ગ્રુપ થેરેપી ચલાવવામાં આવતી. ભારતીયો આવું મુક્તવર્તન સહી શકે એમ નહોતા એ પણ એક કારણ હતું. રજનીશ કશું જ મફતમાં આપવા નહોતા માગતા આધ્યાત્મિકતા પણ નહીં, અને એ જ બાબત આજે પણ તેમના અનુયાયીઓ વિદેશમાં અનુસરી રહ્યા છે. તેમની સેક્રેટરી આ બધો જ વેપારી-વ્યવહાર સંભાળતા. શીલાએ આવીને સૌથી પહેલાં લક્ષ્મીને દૂર કરીને રજનીશની અંગત સચિવ બનવાનું સ્વપ્ન સેવ્યું અને પૂરું કર્યું. શીલાનો સ્વભાવ જ નહોતો પાશ્ર્ચાદ્ભૂમાં રહી શકે. રજનીશ અને શીલાની વચ્ચે કેવા સંબંધ હતા તે શીલા જ કહી શકે પણ એટલું સ્પષ્ટ દેખાતું હતું કે મા શીલા તેમના ગળાડૂબ પ્રેમમાં હતા અને રજનીશ માટે ખૂબ પઝેસિવ હતા. 

રજનીશ તેમના સિવાય બીજી કોઈ સ્ત્રીને ગુલાબ પણ આપે તો તેનો કાંટો કાઢી નાખતા મા શીલાને અટકાવી શકાતું નહીં. મા આનંદશીલા જે ઝડપથી રજનીશની નજીક પહોંચ્યા હતા અને જે રીતે તેઓ રજનીશનો જમણો અને ડાબો બેય હાથ બન્યા હતા તે શંકા ઉપજાવે છે. પુણેમાં રજનીશની પ્રવૃત્તિનો સખત વિરોધ થતાં અને વધુને વધુ લોકો આવતા હોવાથી આશ્રમ નાનો પડતો હોવાને કારણે , રજનીશ ત્યાંથી બીજે કશે સ્થળાંતર કરવા માગતા હતા. એ તકનો લાભ લઈને શીલાએ અમેરિકાના ઓરેગોન વિસ્તારમાં મોટો પ્લોટ (64 હજાર એકર) ખરીદી લીધો અને રજનીશ સહિત બધાને ત્યાં શિફ્ટ કર્યા. તે આખા વિસ્તારને તેણે રજનીશપુરમ નામે શહેર બનાવવાનું નક્કી કર્યું. આટલા મોટા પ્રોજેક્ટને શીલાએ જે રીતે મેનેજ કર્યો હતો તેને માટે તેને દાદ દેવી પડે. તે રજનીશપુરમનો વિરોધ ત્યાંના સ્થાનિક રહેવાશીઓએ કર્યો, કારણ કે રજનીશની ભગવાન તરીકે સ્થાપિત થવાની મહત્ત્વાકાંક્ષાને પૂરી કરવાનું બીડું શીલાએ ઝડપ્યું હતું. એ સપનાંને પૂર્ણ કરવા માટે સામ,દામ અને દંડ એવા દરેક હથકંડા શીલાએ અપનાવ્યા હતા. 

શીલાએ અમેરિકાના એ વિસ્તારની ચૂંટણીમાં પણ રજનીશપુરમના ઉમેદવાર ઊભા રાખ્યા અને સત્તા હાથમાં આવે તે માટે દરેક પ્રયત્નો કર્યા. આધ્યાત્મિક આશ્રમમાં બંદૂકો પણ ખરીદવામાં આવી અને પોલીસખાતું પણ બનાવવામાં આવ્યું. રજનીશ ભગવાનનું બિરુદ મેળવી ચૂક્યા હતા, બોલીવૂડ જ નહીં હોલીવૂડની કેટલીક પ્રસિદ્ધ વ્યક્તિઓ આશ્રમમાં આવવા લાગી હતી. તે દરમિયાન રજનીશ એકાંતવાસમાં હતા અને ફક્ત શીલાને મળતા હતા. શીલા દ્વારા જ રજનીશ સાથે સંપર્ક થઈ શકતો હતો. બેએક વરસ બાદ જ્યારે હોલીવૂડની કેટલીક વ્યક્તિઓ સાથે રજનીશ નિકટ આવ્યા તે શીલાથી સહન ન થયું. મા આનંદશીલાએ રજનીશના કમરામાં જાસૂસી યંત્રો ગોઠવ્યાં અને રજનીશની દરેક વાતચીત મા આનંદશીલા સાંભળતા. અમેરિકાના અનેક ઘરવિહોણા લોકોને રજનીશપુરમ લાવવામાં આવ્યા હતા ફક્ત કામ કરવા માટે અને લોકપ્રિયતા વધારવા માટે પણ એ શક્ય ન બન્યું. એ લોકોને ડ્રગ્સ આપવામાં આવતા અને કેટલાકને મારી પણ નખાયા. એકે-47 જેવા હથિયારો આશ્રમમાં રખાયા હતા અને આ આશ્રમની કર્તાહર્તા મા આનંદશીલા હતા. છેવટે 1984માં ચાર વરસ બાદ રજનીશપુરમની શરૂઆત બાદ મા આનંદશીલા પોતાના થોડાક અનુયાયીઓ સાથે ભાગી ગયા. તેમના પર અનેક આરોપ લાગ્યા. ભગવાન રજનીશની પણ ઈમિગ્રેશન વિભાગે ધરપકડ કરી અને પછી અમેરિકાની બહાર કાઢી મૂક્યા. મા આનંદશીલા પર ખૂનનો આરોપ મુકાયો. તેમની ધરપકડ થઈ અને વીસ વરસની સજા પણ થઈ...તે છતાં તેઓ ફક્ત 29 મહિના બાદ છૂટી ગયા. આવી અનેક વાતો મા આનંદશીલાની નિયત માટે શંકા દૃઢ કરે છે. અમેરિકાની જેલમાં જતાં પહેલાં અને પછી પણ મા આનંદશીલાના ચહેરા પર ક્યારેય કોઈ જ ગુનાહિત ભાવ કે દુખ દેખાતું નથી. ચહેરો હંમેશા હસતો અને ખુશખુશાલ જ દેખાય. આજે મા આનંદશીલા સ્વિટ્ઝરલેન્ડમાં માતૃસદન અને પિતૃસદન નામે કેર સેન્ટર ચલાવે છે. 

મા આનંદશીલાએ પત્રકારોને આપેલી પોતાની મુલાકાતોમાં ભગવાન રજનીશ માટે બેસુમાર પ્રેમ હોવાની વાત કબૂલી છે, પણ તેમની સાથે શરીર સંબંધ બાંધ્યો ન હોવાનુંય કહ્યું છે. તેઓ કહે છે કે રજનીશ અને મારી(શીલા) વચ્ચે જે સંબંધ હતો તે અનોખો હતો. એ દિવસો મારા જીવનના શ્રેષ્ઠ દિવસો હતા. આ સિવાય હજી પણ તેઓ ક્યારેય પોતાને ગુનેગાર માનતા નથી. જે કરવું પડ્યું તે કરવું જ પડે એમ હતું તેવું કહે છે અને દરેક બાબત ભગવાન રજનીશના કહેવાથી જ કરતા હતા એવું સ્પષ્ટ કરે છે. પણ કેટલાક સવાલોના જવાબ સ્પષ્ટરૂપે સ્વીકારી શકાતા નથી. મા આનંદશીલા 1985 બાદ ક્યારેય રજનીશને મળ્યા નથી. તેમને લાગે છે કે રજનીશપુરમ એક સફળ ઉદાહરણ હતું ગ્લોબલ વિલેજનું. મા આનંદશીલાનું વ્યક્તિત્વ અને દૃઢતા સ્ત્રીમાં છુપાયેલ પૌરુષીય માનસિકતા અર્થાત્ મસ્કયુલિનિટીને છતી કરે છે. આવા વ્યક્તિત્વો સાયકોલોજિસ્ટ માટે અને લેખકો માટે ઉત્તમ વિષય બની રહે છે. વાઈલ્ડ વાઈલ્ડ ક્ધટ્રી આપણું રજનીશ કરતાં આનંદશીલા પર વધુ ધ્યાન ખેંચે છે. સત્તા અને સંપત્તિ બહુ ઓછી સ્ત્રીઓના નસીબમાં આવી છે તે આજે પણ હકીકત છે. પૌરુષીય તાકાત હોય તો જ સ્ત્રી એ બન્ને મેળવી શકે છે.
You Might Also Like

0 comments