સંબંધોમાં એકબીજાની સંમતિ જરૂરી છે

21:10




કોઈપણ સંબંધમાં સ્પષ્ટતા હોય તો ગેરસમજ થવાની શક્યતા ઓછી થાય છે



સ્સો એક - કૉલેજમાં ભણતી છોકરી - અમે એક જ ક્લાસમાં હતા, તેણે ફેસબુક પર રિકવેસ્ટ મોકલી ત્યારે નામ ખબર પડી. પછી ઓળખાણ વધતા ફોન નંબર એક્સચેન્જ કર્યા અને વૉટ્સ ઍપ્પ પર ચેટિંગ શરૂ થઈ. શરૂઆતમાં તો કૉલેજની નોટ્સ અને ક્લાસમાં શું શીખવાડ્યું તેના વિશે વાતચીત થતી...પણ પછી કપડાંના વખાણ અને કોમ્પ્લિમેન્ટ્સ મળવા લાગ્યા. એ ખૂબ મસ્તીખોર અને મજાકિયા સ્વભાવનો હતો, તેના જોક પર હસવું આવતું. ચેટિંગનો સમય વધતો ગયો. અમે કૉલેજમાં અને કૉલેજની બહાર પણ મળવા લાગ્યા. એક કલાક ચેટિંગ ન થાય તો અમે વિહ્વળ થઈ જતા. એક દિવસ તેણે મિત્રની પાર્ટીમાંથી ઘરે મૂકવા આવતા ગાડીમાં મને કિસ કરવાનો પ્રયત્ન કર્યો અને હું ખિજાઈ ગઈ. તો એણે મને સંભળાવ્યું કે તો પછી મિત્રતા કેમ કરી, ડેટિંગ પર કેમ આવી....

કિસ્સો બે ફેસબુક પર એકબીજાના વિચારોને સમર્થન આપતા અચાનક મિત્રતા બંધાઈ. સ્ત્રીએ અંગત રીતે મેસેન્જરમાં વાતચીત શરૂ કરી. પેલા ભાઈએ તેને પ્રેમનું આકર્ષણ સમજીને સેક્સ્યુઅલ કમેન્ટ કરવા માંડી. બહેન ભણેલા હતા એટલે વાતચીતમાં ક્યાંક ગેરસમજ થઈ હશે તો દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પણ પેલા ભાઈના મતે તો અંગત રીતે વાતચીત કરવી એટલે સેક્સ્યુઅલ સંમતિ આપી દીધી એવું હતું. આવું જ કોઈ બહેન પણ ભૂલથી માની લઈ શકે છે. કોઈ તમારી સાથે ઉષ્માથી વાતચીત કરે તો એનો અર્થ એ નથી હોતો કે સામી વ્યક્તિ તમને પ્રેમ કરે છે. ગમવું અને પ્રેમ કરવો એ બાબતો જુદી હોઈ શકે છે.

પાર્ટનર્સ ફોર લો ઍન્ડ ડેવલપમેન્ટે ક્ધસેન્ટ અને રિજેકશન એક્સપોરિન્ગ ફોલ્ટિલાઈન્સ બિટવીન ફ્રેન્ડશીપ, ઈન્ટિમસી અને હરેસમેન્ટ વિષય લઈને સત્ય ઘટના પર આધારિત કેટલાક વીડિયો બનાવ્યા છે. આ વીડિયોમાં ઉપરોક્ત જણાવ્યા એવા કિસ્સાઓ છે. એક વીડિયોમાં એક યુવાન કહી રહ્યો છે કે અમે બીપીઓમાં સાથે કામ કરતા હતા. રાત્રે ગાડી અમને મૂકવા આવે. તે હંમેશાં મારી બાજુમાં બેસતી. અમે વાતો કરતા. કેટલીકવાર તે મારા ખભે માથું નાખી સૂઈ જતી. કામ કરીને થાકી જઈએ તે કુદરતી છે, પણ એકવાર તે આ રીતે સૂઈ ગઈ હતી અને તેનો હાથ મારા પગ પર મૂક્યો. મેં તેનો હાથ પકડ્યો તેણે વિરોધ ન કર્યો. એટલે મેં તેને કિસ કરી તો તે ખિજાઈને દૂર બેસી ગઈ. બીજા દિવસથી તેણે મારી બાજુમાં બેસવાનું છોડી દીધું. ડ્રાઈવરે મારા વિરુદ્ધ ફરિયાદ કરી. એ વીડિયોમાં બીજો અવાજ પૂછે છે કે તેં એને પૂછ્યું હતું ? પેલો છોકરો કશું જ નથી કહેતો.

પાર્ટનર્સ ફોર લો ઈન ડેવલેપમન્ટના અક્ઝિક્યુટિવ ડિરેકટર મધુ મહેરા આ વિશે પોઈન્ટ ઑફ વ્યૂ સંસ્થાએ આયોજિત ચર્ચામાં કહ્યું કે 2013ની સાલમાં આપણે ત્યાં સેક્સ્યુઅલ હરેસમેન્ટનો કાયદો ઘડાયો, પણ જરૂર છે લોકોને શિક્ષિત કરવાની. સહમતી (ક્ધસેન્ટ) અને નકાર (રિજેકશન) વિશે સમજણ કેળવવાની, દરેક બાબતને કાયદાથી સૂલઝાવી શકાતી નથી. સમજણને વિસ્તારવી પડે છે. મધુ મહેરા સાથે અંગત વાતચીત થઈ અને તેમને પૂછ્યું કે આ પ્રોજેક્ટનો વિચાર તમને ક્યાંથી આવ્યો તો મધુ મહેરા કહે છે કે અમે સ્ત્રીઓના અધિકાર માટે કામ કરીએ છીએ. યુવાનો સાથે કૉલેજ અને ઑફિસોમાં પણ કામ કરીએ તે સમયે અમારી સામે આ બધા કેસીસ આવ્યા. તેમાં મુખ્ય વાત એક જ હતી કે સામી વ્યક્તિને ક્યારેય પૂછવામાં આવતું નથી કે જણાવવામાં આવતું નથી કે તમને શેમાં રસ છે અને નથી. આ વિશે કાયદાઓથી ડરાવવા કરતાં વાતચીત કરવી વધુ જરૂરી લાગી. અમને લાગ્યું કે સ્ત્રી-પુરુષના સંબંધોમાં સંમતિ અને નકારને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં લેવાતા નથી. તેના વિશે કાયદાઓ અને સજાની જોગવાઈ થઈ જ શકે છે, પણ સ્ત્રી-પુરુષના આકર્ષણથી પેદા થતી સમસ્યાઓને નિવારી શકાતી નથી. એને માટે જરૂરી છે કે આપણે ચર્ચા કરીએ. તેને સમજીએ અને યુવાનોને સલામત સંબંધ બાંધવાના રસ્તા દર્શાવી શકીએ. અમને વિચાર આવ્યો કે આ તો યુનિવર્સલ પ્રશ્ન છે તો એને વધુ લોકો સુધી પહોંચાડવા માટે વીડિયો બનાવ્યા. એ વીડિયોનો ધ્યેય જ એ છે કે લોકો વિચારે અને વાતચીત કરતા થાય. ક્ધસેન્ટ જેટલું જ મહત્ત્વનું છે રિજેકશનનો સ્વીકાર કરવાનું. આજે નકાર એટલે કે રિજેકશન સ્વીકારવું પુરુષ કે સ્ત્રી બન્ને માટે મુશ્કેલ હોય છે. તમને જ્યારે પસંદગીની છૂટ છે તો રિજેકશન પણ આવવાનું જ છે જીવનમાં દરેક બાબતે. રિજેકશનને અહંકારનો ઈસ્યૂ ન બનાવવો જોઈએ. તે પણ પાર્ટ ઑફ લાઈફ છે. જીવનનો ભાગ છે. નોકરીમાં નકાર આવી શકે, કૉલેજમાં એડ્મિશન ન મળે, પ્રેમમાં પણ એ રીતે હાર સ્વીકારવી પડતી હોય છે. પુરુષો બદલો લેવાનું વિચારે કે પછી આત્મહત્યાનું વિચારે, સ્ત્રીઓ રિજેક્ટ થવાથી પોતાની જાતને હીન માનવા લાગે, ડિપ્રેશનમાં સરી પડે છે. સાથે કૉફી પીવા જાવ તો પણ ક્ધસેન્ટ માની લેવાની ભૂલ કરી બેસતા હોય છે. એટલે જ જરૂરી છે કે સ્પષ્ટતાથી વાત કરતા શીખો. તમે આગળ વધવા માગો છો કે નહીં. સામી વ્યક્તિ સંબંધમાં આગળ વધવા ન માગતી હોય તો આપણે પાછા પગલા ભરવા જ પડે છે. તમે જબરદસ્તી ન કરી શકો કે ન તો આત્મહત્યા કરો તે ઉપાય નથી.

મધુ મહેરાએ જે ચર્ચાની શરૂઆત કરી છે તે સ્કૂલ અને કૉલેજમાં થવી જોઈએ. સ્ત્રી-પુરુષને એકબીજા માટે આકર્ષણ થવાનું છે. વળી આજે સોશિયલ મીડિયાને કારણે આ સમસ્યાઓ વધી રહી છે. કોઈની સાથે આખી રાત ચેટ કરો કે વાતચીત કરો તેનો અર્થ એ નથી હોતો કે સેક્સુઅલ સંબંધ બાંધવા માટે સામી વ્યક્તિ તૈયાર છે. તે માટે પૂછી લેવું જરૂરી છે, માની લેવા કરતા. બીજું આપણે ત્યાં હિન્દી ફિલ્મોનો પ્રભાવ એટલો બધો છે કે તેને લીધે પુરુષોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે સ્ત્રીઓની ના એટલે હા. સ્ત્રીએ એ માટે જ સ્પષ્ટતાથી પોતાના ગમા-અણગમા કહેતા શીખવું પડશે. કોઈ તમને કહે કે તમે સુંદર છો કે તમે મને ગમો છો તો તે ગુનો નથી થઈ જતો, પણ સામે સ્ત્રીએ સ્પષ્ટ કરી લેવું જોઈએ કે તેને એ પુરુષ સાથે સંબંધ કેટલો આગળ વધારવો છે કે નહીં. જો કે, દરેક વખતે એવું નથી હોતું, હા કે ના તો સ્ત્રીએ એવું કહેવું જોઈએ કે આપણે મિત્રો છીએ અને જ્યારે મને લાગશે કે મારે આગળ વધવું છે તો હું જણાવીશ. સાથે હરવું-ફરવું કે અંગત વાત શેઅર કરવાથી સેક્સ્યુઅલ સંબંધોની સંમતિ માની લેવાની જરૂર નથી.

આજે સ્ત્રી-પુરુષો સાથે કામ કરે છે તો વાતચીત થશે, મિત્રતા થશે. દરેક મિત્રતા કે સંબંધો સેક્સ્યુઅલ જ હોય તે માન્યતામાંથી સ્ત્રી-પુરુષે બહાર નીકળવાની જરૂર છે. સંબંધોની સ્પષ્ટતા અને નકારનો સ્વીકાર થાય તો સમાજમાં ગુનાખોરી અટકી શકે છે. પ્રેમનો અસ્વીકાર કર્યો કે લગ્ન કરવાની ના પાડી એટલે ઍસિડ ફેંકવો કે જાહેરમાં અંગત ચેટ કે ફોટાઓ મૂકીને બદલો લેવો તે માનસિકતા ગુનાહિત માનસની છે. મધુ મહેરાનું કહેવું છે કે દરેક માનસ ગુનાહિત નથી હોતું, પણ રિજેકશનનો સ્વીકાર કરવો પડે, દુખી થાઓ છો તો દુખ પણ જીવનનો ભાગ છે તેનો સ્વીકાર કરવો પડે. કોઈ તમને રિજેક્ટ કરે છે તો તમે પણ ક્યારેક કોઈને રિજેક્ટ કરતા જ હો છો. દરેક વ્યક્તિ સાથે આપણે સહજતાથી જોડાઈ શકતા નથી. દરેક વ્યક્તિ જુદી હોય છે. દરેક વ્યક્તિના વિચાર અને ગમા-અણગમાનો આદર કરતા શીખવું પડે.

સામી વ્યક્તિને રિજેક્ટ કરો ત્યારે પણ માનવીય અભિગમ અપનાવો. કોઈની લાગણીને હર્ટ ન કરો. સંવાદ કરો કે તમને એ વ્યક્તિને માટે લાગણી નથી એનો અર્થ એ નથી કે તે ખરાબ છે. તે છતાં કોઈ પીછો કરે કે આક્રમક બને તો તે ગુનો બને છે. જો આ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે તો શક્ય છે કે ગુનાઓનું કે આત્મહત્યાનું પ્રમાણ ઓછું થાય. પ્રેમ થાય એટલે સામી વ્યક્તિ પર આપણો પૂરો અધિકાર માની લેવાની ભૂલ પણ કરતા હોઈએ છીએ. વ્યક્તિની સ્વતંત્રતા અને ગમા-અણગમાનો આદર કરવો તે કોઈપણ સંબંધ માટે પાયાની જરૂરત હોય છે.

You Might Also Like

0 comments