સ્વતંત્રતાનો સાચો અર્થ જાણો

14:49







   સ્વતંત્રતાનો સાચો અર્થ છે કે કોઈને ગુલામ બનાવો નહીં અને ગુલામ બનો પણ નહીં.



હવે સ્ત્રીઓની પરિસ્થિતિ બદલાઈ છે. તેઓ શિક્ષિત હોય છે અને બહાર કામ કરવા પણ જાય છે. ત્રીસેક વરસ પહેલાં હતા એટલા બંધનો સ્ત્રીઓને માટે નથી રહ્યા પણ નવાઈ લાગે છે કે હજીપણ માતાપિતા અને છોકરીઓ માટે જીવનનું ધ્યેય એકમાત્ર લગ્ન છે.   કનાટીકટ યુનિવર્સિટિના સોસિયોલોજી (સમાજશાસ્ત્ર) ડિપાર્ટમેન્ટના હેડ મનીષા દેસાઈને મળવાનું થયું. મૂળ વલસાડના મનીષા દેસાઈ મુંબઈમાં ભણ્યા અને પછી પીએચડી માટે અમેરિકા ગયા તે પણ ફેલોશિપ મેળવીને. મનીષા દેસાઈ હાલ 60 વરસના છે અને તે સમયે પણ તેમના માતાપિતાએ દીકરીને કોન્વેટમાં ભણાવી હતી. જો કે આજે મનીષા દેસાઈને અફસોસ છે કે તેઓ ગુજરાતી લખી નથી શકતા, હા તેમણે ગુજરાતી વાંચવાનું શીખી લીધું છે.  પીપલ્સ મુવમેન્ટ તેમનો મુખ્ય વિષય રહ્યો છે. તેમાં પણ ભારતમાં મહિલાઓની ચળવળમાં તેમણે અભ્યાસ કરીને પુસ્તક લખ્યા છે. તેમનું કહેવું છે કે ગ્રાસરૂટ લેવલની સ્ત્રીઓ વધુ સક્ષમ છે અને પોતાના અધિકારો માટે જાગૃત છે. કારણ કે તેઓ મોટેભાગે કુદરત સાથે કામ કરે છે. મધ્યમવર્ગીય સ્ત્રીઓની સ્થિતિ સુધરી છે પણ તેઓ પોતાના વ્યક્તિત્વ માટે સજાગ નથી.
આપણે જોઈ શકીએ છીએ કે બદલાવ સ્ત્રીઓમાં  આવ્યો છે પણ સામે પક્ષે પુરુષોની માનસિકતામાં બદલાવ આવ્યો નથી એટલે પરિસ્થિતિ બદલાયેલી દેખાતી નથી. હવે પુરુષોની માનસિકતામાં બદલાવ લાવવા માટે કામ કરવું પડશે. આજે સ્ત્રીઓ બહાર જઈને કામ કરે છે પણ ઘરની જવાબદારી ઓછી નથી થતી કારણ કે જે કેર વર્ક છે એટલે કે ઘર સંભાળવું, બાળકો સંભાળવા તે કામ પુરુષો પણ કરી જ શકે છે, એ કામ ફક્ત સ્ત્રીઓનું જ છે એવી માન્યતાને બદલવી પડશે. આજે સ્ત્રીઓને ડબલ બર્ડન સાથે બહાર કામ કરવા જાય તો પણ ત્યાં પુરુષ માનસિકતાનો સામનો કરવો જ પડે છે. નિર્ણયો લેવાની સત્તા હજી આજે પણ પુરુષો પાસે જ છે. તેઓ સ્ત્રીઓને તેમાં સામેલ કરવા નથી માગતા. સ્ત્રીઓનો વ્યક્તિ તરીકેનો સ્વીકાર હજી પુરુષોમાં નથી એટલે સંઘર્ષો પેદા થાય છે. સ્ત્રીઓને ગ્લાસ સિલિંગનો સામનો ઘરમાં અને બહાર એમ બન્ને જગ્યાએ કરવો પડે છે. આટલી વાત કર્યા પછી મનીષાબહેનને સવાલ પૂછ્યો કે તમને તકલીફ થઈ હતી કારર્કિદી બનાવવા માટે.... ત્યારે સ્પષ્ટતાથી કહે છે કે ના કારણ કે હું મારા વિચારોમાં સ્પષ્ટ હતી. શિક્ષણ માટે મને ઘરમાંથી જ પ્રોત્સાહન મળ્યું હતું. પણ મને 22 વરસની ઉંમર સુધી કલ્પના નહોતી કે મને શેમાં રસ છે.  મેં તો ગ્રેજ્યુએશન સાયન્સમાં કર્યુ કારણ કે મારા પિતા ઈચ્છતા હતા કે હું ડોકટર બનું, પણ મને ડોકટરી કોલેજમાં પ્રવેશ ન મળ્યો એટલે માઈક્રોબાયોલોજીમાં પીએચડી કરતી હતી. તે માટે કેઈએમ મેડિકલ કોલેજમાં જતી, ધીમે ધીમે મને સમજાયું કે મને કંટાળો આવે છે આ વિષય મારો નથી. મારે ભણવાનું છોડી દેવું હતું એટલે મારી મમ્મીની તબિયત ખરાબ થઈ અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવી પડતી હતી એટલે મને બહાનું મળ્યું. પણ મારા પિતા ઈચ્છતા નહોતા કે હું ભણવાનું છોડું...એક દિવસ પેપરમાં માસ્ટર ઓફ સોશિયલ સાયન્સ, નિર્મલા નિકેતનની જાહેરાત જોઈ અને મેં ત્યાં એડમિશન લીધું. તેમાં હું હાઈએસ્ટ માર્ક્સથી પાસ થઈ. એ બે વરસ દરમિયાન મને વિમેન્સ મુવમેન્ટ વિશે ઘણું શીખવા અને જાણવા મળ્યું. મારા પ્રિન્સિપલ માલતી દેસાઈએ મને અમેરિકા જઈને પીએચડી કરવાની સલાહ આપી અને મને સ્કોલરશીપ પણ મળી. પણ મને અમેરિકા જઈને સમજાયું કે ત્યાંના સમાજીક કામ અને અહીંના સમાજીક કામના સંદર્ભ જુદા છે. ત્યાં મારે કાઉન્સેલિંગ અને રિસર્ચ પર જ કામ કરવાનું હતું જેમાં મને રસ ન પડ્યો. ખરેખર સમાજ સાથે સંકળાવાનું કે મુવમેન્ટ સાથે સંકળાવાનું મને ગમતું હતું. એટલે મે ત્યાં યુનાઈટેડ નેશનમાં લખ્યું કે મને તમારી સાથે ઈન્ટર્નશીપ કરવામાં રસ છે. તેમણે મારી એપ્લિકેશન સ્વીકારી અને મેં થોડો સમય સ્વીટર્ઝરલેન્ડમાં જઈને કામ કર્યું. ફરી પરત અમેરિકા આવીને મેં યુનિવર્સિટિને વિનંતી કરી કે મને સમાજશાસ્ત્રમાં રસ પડે છે તો તેમાં પીએચડી કરવાની પરવાનગી આપો એટલે મારા સારા નસીબે ત્યારે જે મને સ્કોલરશીપ સમાજીકકામ સંદર્ભે મળી હતી તે ટ્રાન્સફર થઈ શકી. એ દરમિયાન મારી માતાનો આગ્રહ હતો કે હું પરણી જાઉં. મારા પિતા કનુભાઈ દેસાઈ  પણ એવું જ ઈચ્છવા લાગ્યા હતા. મને છોકરાઓ બતાવે પણ મારે પીએચડી કર્યા પહેલાં પરણવું નહોતું. મારી માતા શિક્ષણને દોષ દેવા લાગી ને કહેતી કે લગ્ન નહીં કરે હમણાં તો પછી છોકરો નહીં મળે અને પસ્તાઈસ વગેરે મને નવાઈ લાગતી કે મારી મા તે જમાનામાં શિક્ષિકા તરીકે નોકરી કરી ચૂકી હતી પણ તેના વિચારો બદલાયા નહોતા. 22 વરસની ઉંમરે મને સમાજશાસ્ત્ર ગમે છે તે સમજાયું કે મારું ધ્યેય એ જ બની રહ્યું. હું પરંપરિત સ્ત્રી નહોતી પણ મારું વ્યક્તિત્વ જાળવવા મેં સતત મહેનત કરી. હું વિરોધ કરી શકી કારણ કે હું તેમના પર ડિપેન્ડન્ટ નહોતી. યુનિવર્સિટિમાં હું જેરેમીને મળી અને અમે બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે પણ માતાપિતાને ગમ્યું નહોતું. તેમનો વિરોઘ હતો, તેમણે સંબંધ તોડી નાખ્યો પણ મેં તેમને પત્રો લખવાનું ચાલુ રાખ્યું છેવટે તેમણે અમારા લગ્નનો અને જેરેમી સાથે મને સ્વીકારી.
મારા પતિ આર્કિયોલોજીસ્ટ હતા ત્યારે હવે યુનિવર્સિટિમાં નથી પણ પોતાનું કામ કરે છે. તેઓ મારા કરતાં વધુ ફેમિનિસ્ટ હતા એટલે લગ્ન પછી કે બે બાળકો બાદ પણ મારો અભ્યાસ કે કામ અટક્યા નથી. રિસર્ચ માટે હું એક વરસ ભારતમાં હતી અને બે દીકરાઓ અને ઘરનું ધ્યાન તેમણે રાખ્યું. તે સમયે પણ ભારતમાં મને કુટુંબીઓ પૂછતા કેવી રીતે બે બાળકો અને ઘરની જવાબદારી છોડીને અહીં રહી શકે છે?  ત્યારે તેમને એક જ જવાબ આપતી કે ઘર અને બાળકોની જવાબદારી ફક્ત સ્ત્રીઓની નથી, પુરુષો પણ સક્ષમ છે એ કામ કરવા માટે.
અત્યારે ભારતમાં ચાલતી ચળવળ વિશે તેમને પૂછ્યું તો કહે કે જે મહિલા સંસ્થાઓ છે તે જ મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરે છે. અહીં બે ભાગલા પાડી દેવામાં આવ્યા છે કે સ્ત્રીઓનું કામ અને પુરુષોનું કામ. સામાજીક ચળવળમાં આજે રાજકીય પક્ષો પણ મહિલાઓનો ઉપયોગ કરે છે પણ તેમને નિર્ણય કરવાની કોઈ સત્તા નથી હોતી. તેમને કોઈ પદ કે મહત્ત્વ નથી આપવામાં આવતું. ભાવનગરમાં ચાલેલી નિરમા ફેકટરી વિરુદ્ધની  પર્યાવરણ વિશેની ચળવળ કે જેમાં કનુ કલસરિયા નેતૃત્વમાં હતા તેને મેં નજીકથી નિરિક્ષણ કર્યું છે. તેમાં એક બહેન કડવીબહેન ખૂબ સરસ ભાષણ આપી શકતા ત્યારે તેમને લોકોને સમજાવવા ભાષણ આપવા બોલાવે કહે કે તમારા વિના નહીં ચાલે પણ પછી નેતૃત્વમાં તેઓ ક્યાંય જણાય નહીં. આવું દરેક જગ્યાએ જોવા મળે છે. મહિલા સંસ્થાઓમાં મહિલાઓ ખૂબ સારું કામ કરે છે. તેમનામાં કૂનેહપણ હોય છે પરંતુ જ્યારે સામાજીક કામ હોય કે જેમાં સ્ત્રી અને પુરુષ બન્ને સંકળાયેલા હોય ત્યારે સ્ત્રીઓને સાથે રખાય છે પણ ફક્ત ઉપયોગ પૂરતા. વળી કેટલીક જગ્યાએ જોયું કે ગામમાં સરપંચ મહિલા હોય પણ કામની કોઈ વાત કરવાની હોય તો તેના બદલે તેના પતિ કે જેઠ કે દિયર જ કરતા હોય. હજીપણ સત્તા પુરુષો પોતાના હાથમાં જ રાખવા માગે છે. તેનો વિરોધ કરવો હોય તો સ્ત્રીએ એકલા રહેતા પણ શીખવું પડશે. બળથી નહીં કળથી કામ લેવું પડશે. પુરુષોની માનસિકતા બદલાય તો શક્ય છે કે બદલાવ જોવા મળે પણ સ્ત્રીની માનસિકતા બદલાય પણ પુરુષની માનસિકતા ન બદલાય તો સમાજમાં કોઈ બદલાવ નહીં આવે.
વળી મહિલાઓના કાયદાઓનો દૂરઉપયોગ થઈ રહ્યાની વાત ચાલે છે તે સદંતર ખોટી છે એવું મનીષા દેસાઈનું કહેવું છે. સ્ત્રીઓ માટે પોલીસ સ્ટેશનમાં જવું અને અદાલતમાં જવું સહેલું નથી. તેની પાસે ન તો હિંમત છે કે ન તો પૈસા છે વકિલોને આપવાના જે કેસ લડી શકે.  ખોટા કેસ કરનાર એકાદ બે ઘટનાઓ હોય તેનાથી કાયદાઓ ખોટા નથી થતા. આ પુરુષ પ્રધાન સમાજની મોડસ ઓપરેન્ડી હોય છે સ્ત્રીઓને દાબમાં રાખવા માટે. સ્ત્રી માટેના કાયદાઓ ઘડવાની જરૂર પડી તેનો અર્થ કે તેમના પર વધુ અત્યાચાર થઈ રહ્યા છે. જો કાયદા હોય તો પુરુષોને તકલીફ પડે કારણ કે તેમની સત્તા ઓછી થઈ જાય. એટલે તેઓ સ્ત્રીઓને પણ પિતૃસત્તાક માનસિકતાથી વિચારતી કરી દે. જે મહિલા સંસ્થાઓ છે તેઓ કોઈ નથી માનતું કે સ્ત્રીઓના કાયદાઓ બદલવા જોઈએ. સ્ત્રીને પાછળ રાખવાનું રાજકારણ રમાતું આવ્યું છે અને હજી પણ રમાય છે. આપણે જાગૃત થઈને ભવિષ્ય બદલવા વિશે વિચારવાનું છે.
સ્વતંત્રતાનો સાચો અર્થ છે કે કોઈના ગુલામ બનો નહીં અને ગુલામ બનાવો નહીં. આજની નારીએ સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે વિકસવાનું છે. પુરુષોને ખરા અર્થમાં શિક્ષિત કરવાના છે. ન સ્ત્રીએ પુરુષને  ડિપેન્ડન્ટ બનાવવાનો છે  ન સ્ત્રીએ પોતે  ડિપેન્ડન્ટ બનવાનું છે. 

You Might Also Like

0 comments