સઆદત હસન મન્ટો ભારતીય હતો

03:09


ગર્વ થાય કે નંદિતા દાસ એક ગુજરાતી છોકરીએ સઆદત હસન મન્ટોને કચકડે મઢવાનો પ્રયત્ન કર્યો. ફિલ્મ સારી છે કે ખરાબ એવું બ્લેક એન્ડ વ્હાઈટ કહી શકાય છે. પણ દરેક બાબતને તમે સ્વીકાર કે અસ્વીકારના ત્રાજવે તોળી શકતા નથી. મન્ટો ફિલ્મ જોયા બાદ એટલું તો લાગ્યું કે મન્ટોના જલદ વ્યક્તિત્વને ફિલ્મમાં ધારદાર દર્શાવી નથી શકાયો. તે છતાં મન્ટોને નવાઝઉદ્દીન સિદ્દીકીએ બડી સદ્દત કે સાથ નિભાવ્યો છે. મન્ટોને ક્યારેય કોઈ એવોર્ડ નથી મળ્યા. મન્ટો સૌથી વધુ વંચાતો અને ચર્ચાતો લેખક હતો અને રહેશે. 
ભારતના ભાગલાએ લેખકના ય ભાગલા પાડી દીધા હતા એવું કહી શકાય. મન્ટોએ મુંબઈ છોડીને પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો તે  ખોટો હતો તેવી પ્રતીતિ ખુદ મન્ટોને પણ ઊધઈની જેમ ખાઈ ગઈ  હતી.પોઝિટિવ સ્ટોરીઓ કહેનારાઓ ગમે તેટલું કહે તો પણ  જીવનમાં કેટલાક નિર્ણયો તમે ચાહો તો પણ બદલી નથી શકતા. મન્ટો ક્યારેય પાકિસ્તાન છોડી નહોતો શક્યો અને કે ન તો ભારત છોડી શક્યો હતો. તેને માટે લાહોર ભારતનો જ એક ભાગ હતું 1947ના પહેલાં જેવું. કદાચ તે એટલે જ મુંબઈ છોડીને લાહોર જતો રહ્યો હતો કારણ કે તે ભાગલાને સ્વીકારી નહોતો શક્યો. તેની વાર્તાઓમાં(ન વાંચી હોય તો વાંચો, ગુજરાતીમાં મોહન દાંડીકર તેમ જ શરીફા વીજળીવાળાએ મન્ટોને પુસ્તક રૂપે આપણને આપ્યા છે.)  સતત તમને ભાગલાની પીડાઓ અને અખંડ ભારતની બૂ (વાસ) આવશે. મન્ટોની વાર્તાઓ પરથી નસિરૂદીન શાહે નાટકો કર્યા છે. મુંબઈમાં પૃથ્વી થિયેટરમાં તે હજી પણ અવારનવાર ભજવાય છે. મન્ટો ઐતિહાસિક પાત્ર હતો અને કદાચ તેનો જન્મ ભાગલાની પીડાઓને આલેખવા માટે જ થયો હતો. મન્ટો વિશેની આ પહેલી ફિલ્મ છે જે હાલમાં રજૂ થઈ. મન્ટોને વાંચીએ કે તેની જીવનકથા વાંચીએ તો ખ્યાલ આવે કે મન્ટોએ સતત અન્યાયને પચાવ્યો છે. આ ફિલ્મ જોતાં પણ ક્યારેક લાગે કે મન્ટોને પૂરા પમાયા નથી. તે છતાં જેમણે મન્ટોને ક્યારેય વાંચ્યા નથી કે નામ પણ નથી સાંભળ્યું તેમના માટે ઘણું ભાથું આ ફિલ્મમાં છે. મન્ટો ફિલ્મ જોવી જોઈએ કે નહીં એવું પૂછાય નહીં કારણ કે તે જોવી જ જોઈએ. આપણે ત્યાં લેખકના જીવન પરથી ફિલ્મો ભાગ્યે જ બની છે. લેખક સમાજના ચહેરા પરથી દંભના નકાબને ઉતરડી શકે છે. જો કે આપણે ત્યાં ગુજરાતીમાં દંભને પોષે એવા લેખકોની ભરમાર છે. તે જવાબદાર વાચકો પણ ખરા જ. અન્ન એવો ઓડકાર કહીએ છીએ તેવી જ રીતે નવી કહેવત ઘડી શકાય કે જેવા  વાચકો એવા લેખકો.  સત્ય સાથે આપણે પનારો પાડવા કરતાં કલ્પનાઓના શામિયાણાઓમાં રાચવું સરળ લાગે છે. ગુજરાતી ભાષા સિવાય અન્ય ભાષાઓમાં વાસ્તવિકતાને નક્કર સ્વરૂપે રજૂ કરતા લેખકો અપાર છે. 
મન્ટો અને ઈશમત ચુગતાઈ એ બે નામ એવા છે કે તેમની વાત કર્યા સિવાય ઉર્દુ સાહિત્યની વાત કરી શકાય જ નહીં. બન્ને એક જ સમયમાં સાથે હતા આજથી સિત્તેર વરસ પહેલાં. દેશ જ્યારે અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે. હજી પણ આપણે અંગ્રેજોની ગુલામી ભાગલારૂપે અને અંગ્રેજી ભાષા રૂપે ભોગવી રહ્યા છીએ. માનસિક ગુલામીમાંથી ક્યારેય આપણે બહાર આવી શક્યા નથી અને આવી શકીશું નહીં. ભાગલા પાડીને રાજ કરવાની નીતિ હજી પણ આપણી માનસિકતામાં અકબંધ જળવાયેલી છે. યાત્રા દરમિયાન જો બે વ્યક્તિઓ એકબીજાને ઓળખાણ કરશે તો તમે કેવાએ પ્રશ્ન ચોક્કસ પૂછાશે. મને જ્યારે પૂછાય છે ત્યારે હું મૂક બની જાઉં છું. હું બ્રાહ્મણ કે હું જૈન એવો કશું જ બોલતા મને ખચકાટ થાય છે. જાતિ કે ધર્મના વાડાઓનો ક્રોસ ઉચકીને ચાલતા ક્યારેય આપણે થાકતા કેમ નથી. એણે આપણી જાતિ કે ધર્મનું અપમાન કર્યું એટલે એ જાતિ કે ધર્મ ખરાબ. કોઈ એક કે બે વ્યક્તિઓ કઈ રીતે આખાય ધર્મ અને જાતિને ખરાબ બનાવી શકે છે? તે પ્રશ્ન હંમેશ મને કોરતો રહ્યો છે. 
મન્ટો મુસલમાન પછી હતો પહેલાં તો તે માણસ હતો. એટલે જ તેને અમાનવીય બાબતો દેખાતી, ખટકતી અને તેને બેચેન બનાવી દેતી. એ વાસ્તવિકતાને વાર્તામાં લખીને સમાજને તેનો ચહેરો દર્શાવતી. સ્વાભાવિક છે કે સમાજ વિચલીત થઈ જ જાય. એ વિચલીત સમાજ ક્યાં તો એ લેખકને ગોળી મારી દે છે કે ક્યાં તો એટલો પીડે કે તે તડપીને મરી જાય. સમાજને જો એ સમજાય કે તે લેખકને મારી નથી શકતી ફક્ત તેના શરીરને ખતમ કરી શકે છે. મન્ટો આજે પણ તેની વાર્તાઓ, નાટકો અને લેખો દ્વારા ભાવકોના મનમાં જીવે છે. સઆદત હસન મન્ટોને નોબલ પ્રાઈઝ નહીં મળે પણ તેને સાહિત્યના કોઈ માનઅકરામ પણ નથી મળતા. એ જ્યારે ગરીબીમાં જીવતો હતો ત્યારે પણ ગૌરવ જાળવીને જીવતો. તેના લેખનને કોઈ સુધારવાનો પ્રયત્નતો ન જ કરી શકે પણ લેખકના વિચારોને પણ બદલી ન શકતા. 
યોગ્ય સમયે આ ફિલ્મ આવી છે, આજે મન્ટોની ખૂબ જરૂર છે કારણ કે માનઅકરામની લાલચે લખતા કે વેચાતા લેખકોની સામે આયનો ધરી શકે કે લખવું એટલે શું? સંબંધો મન્ટોના ય હતા પણ સંબંધોને તેણે ક્યારેય વાપર્યા નહોતા. આજે તો લેખકની કલમની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે. કોમ્પ્યુટર આવતા હવે હાથેથી લખાતું નથી ભલે પણ હૃદયથી પણ લખાતું નથી. વાટકીવ્યવહારથી લખાય છે. સંબંધોને સાચવો તો પ્રસિદ્ધિ અને ઈનામો અને એવોર્ડોને મેળવી શકાય છે. સરળ છે આજે લેખક બનવું. મન્ટોએ પીડામાંથી વહેતા લોહીથી લખ્યું હતું. તેને એ બધું જ દેખાતું હતું જે આસપાસમાં બની રહ્યું હોય. મુસલમાન હોવા છતાં વાસ્તવિકતાને તેણે દંભનો બુરખો ન પહેરાવ્યો. તે સમાજના દંભી ચહેરાઓ સાથે જીવી શકતો નથી. તે પોતાને બરાબર જાણતો હતો એટલે જ તેણે ભગવાનને સંબોધીને નાનકડું લખાણ લખ્યું છે. તેને પ્રાર્થના પણ કહી શકાય,લખ્યું છે કે હે અલ્લાહ, આ દયાપાત્ર સઆતદ હસન મન્ટોને પાછો બોલાવી લો. તે સુગંધથી દૂર ભાગે છે અને દુર્ગન્ધનો પીછો કરે છે. તેને ગૃહિણી કરતાં વેશ્યાઓ સાથે વધુ આનંદ આવે છે. વહેતા પાણી કરતાં કિચડમાં ફરવું વધુ પસંદ છે...વગેરે વગેરે અને છેલ્લે કહે છે કે એ તારા વિશે ક્યારેય વિચારતો નથી પણ સેતાનને અનુસરે છે. એ જ સેતાન જે ક્યારેક દેવ હતો અને જેણે તમારી આજ્ઞાને અવગણી હતી. 
મન્ટો શરાબ અને સિગરેટ પીતો, પણ પતિ, પિતા અને મિત્ર તરીકે ખૂબ પ્રેમાળ હતો. દુનિયાએ તેની સાથે ભલે અન્યાય કર્યો હોય પણ તેણે અંગત રીતે કોઈની સામે ફરિયાદ કરી હોય એવું નહોતું. તેના પર કેસ થયા હતા તે છતાં તેના વ્યક્તિત્વમાં કડવાશ નહોતી કે હિંસા પણ નહોતી. તેના લખાણોમાં વાસ્તવિકતા હતી જે લોકોને વાગતી હતી. તેનું લખાણ સમાજને તેનો ચહેરો દર્શાવતું હતું. અને એ ચહેરો સમાજને ન ગમે એ સ્વાભાવિક છે. મન્ટો જન્મ્યો હતો અખંડભારતમાં અને મૃત્યુ પામ્યો ભાગલા પડ્યાના થોડા જ વરસોમાં લાહોરમાં. તેના જીવનના સૌથી સારા દિવસો વીત્યા હતા મુંબઈમાં એવું તેણે  પોતે જ લખ્યું છે. મન્ટો એક પ્રશંસકને પત્રમાં લખે છે કે હું હરતું ફરતું મુંબઈ છું. હું જ્યાં પણ હોઈશ ત્યાં મારું વિશ્વ બનાવી લઈશ. મન્ટોનું જીવન અને વાર્તાઓ વાંચ્યા બાદ એટલું જરૂર લાગે કે સુખની શૈયામાં સૂઈને સમાજનો અસલી ચહેરો ચિતરાય નહીં.  કદાચ એટલે જ  મન્ટો ઊભડક બેસીને લખતા. ખુરશી ઉપર પણ મન્ટો ઉભડક જ બેસતા. લેખક ક્યારેય શાંતિથી બેસી શકે જ નહીં. આવા અશાંત લેખક 42 વરસની નાની  ઉંમરે મૃત્યુ પામ્યા. કબર ઉપર લખવાનું લખાણ પણ તે જાતે જ લખી ગયા હતા. અહીં સૂતો છે વાર્તા  કળાના તથ્યો અને રહસ્યોનો મર્મી... જે હજી વિચારે છે કે કોણ સારો વાર્તાકાર સર્જનહાર કે હું.  

You Might Also Like

0 comments