પુરુષ હોવું એટલે શું?

21:14




 મેન અને મસ્ક્યુલિનિટીનો પણ હવે અભ્યાસ કરવામાં આવે છે પશ્ચિમની યુનિવર્સિટિમાં

રોહન ઘરના દરેક કામમાં પત્નીને મદદ કરાવે એટલે રોજ મિત્રો સાથે ઓફિસમાં ટાઈમપાસ કરતો બેસે નહીં. તેના મિત્રો તેના પર હસે, ‘મરદ થઈને ઘરકામ કરવાની વાતો કેમ કરે છે?’ તો રોહન તેમને કહેતો કે મારી પત્ની પણ બહાર કામ કરવા જાય છે અને મારા જેટલું જ કમાય છે તો ઘરનું કામ એ એકલી જ શું કામ કરે? ડિવિઝન ઓફ લેબરનો નિયમ હું નિભાવું છું. રોહનની વાત કોઈ સ્વીકારવા કે સમજવા તૈયાર ન હોય તે સ્વાભાવિક છે, કારણ કે સમાજે ચોક્કસ ભૂમિકાઓ નક્કી કરી લીધી છે. તેમાં ન્યાયઅન્યાય નથી જોવાતો. કેટલાક પુરુષો એ ભૂમિકાની લક્ષ્મણરેખા ભૂંસવાનો પ્રયત્ન કરે તો તેની સામે બીજા પુરુષો જ હસતા હોય છે.

વિમેન્સ સ્ટડીઝ એટલે કે સ્ત્રીઓનો અભ્યાસ કેટલાય વરસોથી આપણે ત્યાં અને વિદેશમાં પણ થાય છે. પુરુષ તરીકે તમને મજાક પણ સૂઝે અને પ્રશ્ર્ન પણ થાય કે સ્ત્રીઓનો અભ્યાસ કરવાનો એટલે શું વળી? વિમેન્સ સ્ટડીઝમાં સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને સામાજિક, સાહિત્ય, ઐતિહાસિક અને સાયકોલોજીનો અભ્યાસ થાય. સ્ત્રીજાતિનું જીવન અને અનુભવને દરેક વિષયની છણાવટ સાથે સમજવામાં આવે. એ જ રીતે પુરુષને કેન્દ્રમાં રાખીને પુરુષ હોવું એટલે શું ? એ સવાલને મધ્યમાં રાખીને દરેક સમાજિક, ઐતિહાસિક, સાહિત્યિક અને માનસિકતાના પાસાંઓ દ્વારા તેનો અભ્યાસ થાય.

આપણે સહજતાથી સ્વીકારી લઈએ છીએ કે આ પુરુષ અને આ સ્ત્રી. ધારો કે પુરુષને આપણે પુરુષ નહીં પણ કોઈ બીજા જ નામથી ઓળખતા હોત તો? વાહિયાત સવાલ અને વાત લાગી શકે તે પણ આ પ્રશ્ર્ન એક સ્ત્રી દ્વારા પુછાતો હોય ત્યારે. હકીકતમાં આપણા પૂર્વજોએ લાખો કરોડો વરસ પહેલાં સ્ત્રી અને પુરુષ એવું નામ આપ્યું જે આપણે સ્વીકારી લીધું. પછી તેની આસપાસ વાર્તાઓ રચાતી ગઈ. ૨૦૧૫ની સાલમાં અમેરિકામાં સેન્ટર ફોર સ્ટડી ઓફ મેન્સ એન્ડ મસ્ક્યુલિનિટીના ડિરેકટર માઈકલ કિમેલે વિશ્ર્વની પ્રથમ માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામ શરૂ કર્યો મેન્સ એન્ડ મસ્ક્યુલિનિટી સંદર્ભે. ક્લાસમાં તેણે ગ્રેજ્યુએશન પાસ કરીને આવેલા વિદ્યાર્થીઓને પૂછ્યું કે ગુડમેન એટલે કે સારો પુરુષ એટલે શું? ક્લાસમાં કોઈ જવાબ ન આપી શક્યું અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. તે જોઈને માઈકલે કહ્યું કે કોઈ પુરુષ મૃત્યુ પામે ત્યારબાદ એના વિશે શું કહેવાય છે? એટલે તરત જ બધા કહેવા લાગ્યા કે:

સારો પુરુષ એટલે......

બીજાની કાળજી કરનારો,

પોતાની જરૂરિયાત પહેલાં બીજાની જરૂરિયાત તરફ પહેલાં ધ્યાન આપતો હોય તેવો,

પ્રમાણિક હોય.

પ્રોફેસર માઈકલે બીજો પ્રશ્ર્ન પૂછ્યો કે હવે મને કહો કે રિઅલ મેન કેવો હોય.

તરત જ બધા કહેવા લાગ્યા કે

રીઅલ મેન એટલે કે પૌરુષિય પુરુષ એટલે .....

જવાબદારી ઊઠાવવા તૈયાર હોય,

સત્તાશાળી, કોઈપણ જોખમ ઊઠાવવા તૈયાર હોય એટલે કે સાહસી હોય, (નબળાઈ ન દર્શાવે).

હવે આ બે મુદ્દાઓને પ્રોફેસરે બોર્ડ પર લખ્યા અને કહ્યું કે તમને આ બેમાં વિરોધાભાસ નથી લાગતો? જો પુરુષ સંવેદનશીલ હોય તો જ બીજાની કાળજી કરી શકે અને બીજાની જરૂરત પર વિચાર કરી શકે, જ્યારે તે સત્તાશાળી હોય, સાહસિક હોય તો તેને સંવેદનશીલ બનવું ન પાલવે. પુરુષ પોતાની નબળાઈ દર્શાવે નહીં. રડે નહીં. પુરુષ પણ માનવી છે અને તેને સંવેદનાઓ હોય છે તે વિશે કોઈ વિચારતું નથી.

હકીકતમાં પણ એવું જ છે. આપણે ત્યાં અવારનવાર કેટલાક વાક્યો સંભળાતા હોય છે. ભાયડાના ભડાકા... બાયલો છે કે શું? મરદ બન, પુરુષ થઈને હાવ આમ. મરદાનગી છે કે નહીં? સ્ત્રીના માટે જેમ ચોક્કસ રોલ હોય છે એ રીતે પુરુષ માટે પણ સમાજમાં ભૂમિકા નક્કી કરેલી છે. પુરુષે ચોક્કસ રીતના જ કપડાં પહેરવા, તેણે અમુક જ રીતે વર્તવાનું, નબળા તો પડાય જ નહીં, સંવેદનશીલતા પણ નબળાઈ ગણાઈ શકે.

યુ ટ્યુબ ઉપર ધ માસ્ક યુ લિવ ઈન નામની ડોક્યુમેન્ટરી જોઈ લેજો. બાળક જ્યારે નાનું હોય છે ત્યારથી જ તેના પર પુરુષ બનવાનું પ્રેશર હોય છે. તેના કુમળા મગજ પર હિંસક પ્રહારો થાય છે. એ હિંસાને પરિમાણે તે એ નથી બની શકતો જે એને બનવું હોય છે. પુરુષ ઉપર પણ અત્યાચાર થાય છે એવું કહેનારાઓ આજે અનેક મળશે, પણ પુરુષ પર અત્યાચાર કરનારા પુરુષો જ હોય છે તે કબૂલ નથી કરતા, કારણ કે તેમને ખબર જ નથી હોતી કે પિતૃસત્તાક સમાજવ્યવસ્થા તેમને કેટલે અંશે નુકશાન પહોંચાડે છે. હાલમાં જ કલમ ૩૭૭માં ફેરફાર થયા. આવકારદાયક ફેરફાર કે જેમાં સજાતીય સંબંધને હવે ગુનો ગણવામાં નહીં આવે. ત્યારબાદ બીજા દિવસથી વ્હોટ્સ એપ પર જોકનો મારો ચાલ્યો. જેમાં ટારગેટ હતો પુરુષ. સ્ત્રીઓ પણ સજાતીય સંબંધ બાંધતી હોય છે. પણ નવાઈ લાગી કે આમ તો દરેક જોક સ્ત્રીને ઉતારી પાડતા હોય છે પણ સજાતીય સંબંધમાં પુરુષો ઉપર જ જોક કરવામાં આવ્યા હતા. એનું કારણ કે સજાતીય સંબંધમાં પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એક વ્યક્તિ સ્ત્રી એટલે કે સ્ત્રૈણ હોય અને બીજી પુરુષ હોય. એ માન્યતાને આધારે જ સ્ત્રૈણ પુરુષની મજાક સતત ઉડાવાતી હતી. સ્ત્રૈણ હોવું એટલે સંવેદનશીલ, નમણાશવાળું વ્યક્તિત્વ.

પુરુષના વ્યક્તિત્વ પર અમુક જ રીતે વર્તવાનું પ્રેશર હોય છે. જેને કારણે પુરુષની માનસિકતા પર કઠોર પ્રહાર થતા હોય છે. પુરુષને ઘરકામ કરવાનો શોખ હોય કે તેણે જુદી રીતના કપડાં પહેરવા હોય તો આપણો સમાજ તેને પીંખી નાખશે. એ સિવાય પણ જો પુરુષ સારો, જવાબદાર અને સંવેદનશીલ હોય તો પણ તે સમાજમાં સ્વીકાર્ય નહીં બને. જો તે પુરુષ સ્ત્રીની મજાક ન ઉડાવે, સ્ત્રીનો આદર કરે. સ્ત્રીને પણ એક વ્યક્તિ તરીકે જુએ તો પણ પુરુષો એને પૌરુષીય ન હોવાનો ટોણો મારી શકે છે. ટોક્સિક મસ્ક્યુલિનાલિટીનું તેને નામ આપવામાં આવ્યું છે. ઉગ્ર, આક્રમક હોવું તે પુરુષનું આભૂષણ ગણાય છે. સ્ત્રી જો ગાળાગાળી કરે કે આક્રમક હોય તો તેને ખરાબ ગણાય છે કારણ કે સમાજમાં એ ગુણ પુરુષના જ હોય તેવું સામાન્યપણે સ્વીકારાઈ ગયું છે.

સ્ત્રી ક્રિકેટની રમતમાં કેમ વધુ દર્શકો નથી હોતા? કારણ કે તેમનામાં આક્રમકતા નથી હોતી. ફુટબોલ અને ક્રિકેટ જેવી રમતો ટેસ્ટોસ્ટેરોનની રમતો માનવામાં આવે છે. સ્ત્રી-પુરુષના ભેદભાવ વર્તન, દેખાવ અને રહેણીકરણી તેમ જ ચોક્કસ પસંદગીને જન્મ આપે છે. એનાથી વિરુદ્ધ વર્તન કરનાર પુરુષને પુરુષ ગણવામાં આવતો નથી. કેટલાક પુરુષોને સ્ત્રીનાં કપડાં પહેરવા ગમે પણ એવું કરે તો તેને પુરુષ સમાજ જ સ્વીકારશે નહીં. એ જ રીતે એક પુરુષને બીજો પુરુષ ગમે તો તેને પણ સ્વીકારવું પિતૃસત્તાક માનસિકતાને ગમતું નથી.

પુરુષ જો સ્ત્રીની છેડતી કરે કે સ્ત્રીના ઉપર બળાત્કાર કરે કે મારામારી કરે તો ખાસ વાંધો આવતો નથી પણ જો તેની પસંદ બીજા પુરુષોથી જુદી હોય તો તેને પણ પુરુષસમાજ શાંતિથી જીવવા દેતો નથી. છોકરો સ્કૂલમાં હોય અને તે નમણો કે ઋજુ સ્વભાવનો હોય તો શાળાના બીજા છોકરાઓ તેને હેરાન કરી મૂકે છે. સા...છોકરી કહીને ચીડાવે છે. આમાં ટોક્સીક મસ્ક્યુનાલિટી ભાગ ભજવતી હોય છે. ઘરે જો એ છોકરો પિતાને માતા પર હાથ ઉગામતો કે તેને વારંવાર ઉતારી પાડતા જુએ છે તો એ છોકરામાં હિંસા જન્મ લેતી હોય છે અથવા તો તેનો આત્મવિશ્ર્વાસ મરી જતો હોય છે. બાળપણથી જ એ છોકરાને અનેક માનસિક ટોર્ચર સહન કરીને પુરુષ બનાવવાનો પ્રોસેસ થતો હોય છે. એ બાળક જો માર ખાઈને આવે તો તેની માતા પણ કહેતી હોય છે કે છોકરીની જેમ માર શું ખાઈ આવ્યો, બે સામે દઈને આવવું હતુંને...છોકરો થઈને રડે છે....એવાં વાક્યો માતા પણ જો કહેતી હોય તો એ બાળક મોટો થઈને કેવી માનસિકતા સાથે પુરુષ બને છે તે આપણે જાણતા જ હોઈએ છીએ.

જાતિનું લેબલ આપણે જ્યારે લગાવીએ છીએ તો તેની સાથે એની બાંધેલી માન્યતાઓ પણ ચોટાડી દેતા હોઈએ છીએ. સજાતીય સંબંધોને ગુનો ન ગણવાનું કાયદામાં ભલે કહેવાયું હોય પણ સજાતીય સંબંધ ધરાવતા પુરુષોને બીજા પુરુષો જ સૌથી વધુ ધિક્કારતા હોય છે.

આ પુરુષોનો ધિક્કાર એટલો હિંસક હોય છે કે તે સામી વ્યક્તિને તોડી નાખે છે. પુરુષ તો જ સાબિત થાય કે તે બાંધેલા માળખામાં વર્તે. તેને સ્ત્રી જ જાતીય પાર્ટનર તરીકે ગમે. તે સ્ત્રી સાથે જ લગ્ન કરવા માગે. તે શર્ટ પેન્ટ જ પહેરે, તે બીજા પર હિંસા કરવા કે શોષણ કરવા તૈયાર હોય. સંવેદનશીલ હોય તો નબળો ગણાય અને પુરુષતો ન જ ગણાય. પૌરુષીય હોવાની વ્યાખ્યાઓ પણ પુરુષોએ જ બાંધી છે એ ન ભૂલવું જોઈએ.


You Might Also Like

0 comments