હાંસિયામાં રહી ગયેલો ઈતિહાસ

05:32



 – સ્ત્રીઓને મધ્યમાં રાખીને ઈતિહાસને જોતાં ઉમા ચક્રવર્તી પોતે એક ઈતિહાસ રચી રહ્યા છે





માંડ પાંચ ફૂટ ઊંચાઈ, પાતળા શરીર પર સહજતાથી પહેરાયેલી સાડી પણ તેમના વ્યક્તિત્વનો અંશ લાગે એવા ૭૭ વરસના ઈતિહાસવિદ્ ઉમા ચક્રવર્તીનું વ્યક્તિત્વ નમ્રતાથી સભર છે. દિલ્હીમાં રહેતાં ઉમા ચક્રવર્તીએ ડાઈમેન્શન ઓફ બુદ્ધિઝમ પર રિસર્ચ પેપર લખ્યું છે જે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ છાપ્યું છે. ત્યારબાદ રીરાઈટિંગ ઓફ હિસ્ટ્રી પંડિતા રમાબાઈ, શેડો લાઈવ્સ- રાઈટિંગ ઓન વિડોહુડ વગેરે અનેક અભ્યાસપૂર્ણ પુસ્તકો લખ્યાં છે. ઈતિહાસવિદ્ ઉમા ચક્રવર્તી ગયા અઠવાડિયે મુંબઈમાં તેમની ત્રીજી ફિલ્મ નિમિત્તે આવ્યાં હતાં. પૃથ્વીમાં વિકલ્પ નામે દર મહિનાના છેલ્લા શુક્રવારે થતો ફ્રી શોમાં અનેક જુદી જુદી ડોક્યુમેન્ટરી ફિલ્મો દર્શાવવામાં આવે છે.

જે વાચકો ઉમા ચક્રવર્તીને ન જાણતા હોય તેમના માટે એટલું કહી દઉં કે ઉમા ચક્રવર્તી ફેમિનિસ્ટ હિસ્ટોરિયન એટલે કે નારીવાદી ઈતિહાસકાર તરીકે પણ પ્રખ્યાત છે. તેમને જ્યારે સવાલ પૂછ્યો કે ફેમિનિસ્ટ ઈતિહાસકાર બનવા સુધી કઈ રીતે પહોંચ્યાં એ વિશે કહેશો તો ખૂબ સરળ શબ્દોમાં કહે કે હું ઈતિહાસવિદ્ જ હતી અને છું પણ ૮૦ના દાયકામાં જ્યારે દિલ્હીમાં દહેજ વિરોધી ચળવળમાં હું સક્રિય ભાગ લઈ રહી હતી તે સમયે અમે વિચારી રહ્યા હતા કે આપણી સંસ્કૃતિમાં આ દહેજની કુપ્રથા કેવી રીતે આવી તેના મૂળમાં શું છે તે સમયે એક યુવતી મારી પાસે આવી. મને કહે તમે ઈતિહાસવિદ્ છો તો તમે એ અભ્યાસ કરીને શોધી કાઢો કે દહેજનું મૂળ ક્યાં છે. ચળવળ અમે ચલાવીશું તમે અભ્યાસ કરીને નવો વિચાર શોધી આપો. મને પણ તેની વાત સાચી લાગી એટલે તે દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. દરેક ઈતિહાસને હું પછી સ્ત્રીના સંદર્ભે પણ જોવા લાગી. એ જ અરસામાં રીરાઈટિંગ હિસ્ટ્રી પંડિતા રમાબાઈ લખાયું. તે વખતે મને ખ્યાલ આવ્યો કે સદીઓથી સ્ત્રીઓના જીવનના કેન્દ્રમાં લગ્નને રોપી દેવામાં આવ્યો છે. પહેલાં તો નાની ઉંમરે એટલે કે બાળકી હોય ત્યારે જ તેના લગ્ન થઈ જતા. એ સ્ત્રીનું પોતાનું વ્યક્તિત્વ વિકસે જ ક્યાંથી? તેને પિતાના ઘરેથી પણ કહી દેવાતું કે અહીંથી તારી ડોલી જાય પછી સાસરેથી તારી અર્થી નીકળે ત્યારે જ બહાર નીકળવાનું. સ્ત્રીની પાસે કોઈ પોતાની જગ્યા જ નથી હોતી કે એ ત્યાં જઈ શકે. સંઘર્ષ કરીને જાય ક્યાં એવી પરિસ્થિતિ હોય ત્યારે તેના માટે મૃત્યુ સિવાય કોઈ આરો નથી હોતો.

હું બુદ્ધિઝમનો અભ્યાસ કરી રહી હતી ત્યારે પણ ખ્યાલ આવ્યો કે સ્ત્રીથી સાધુ બની ન શકાય. આપણી સંસ્કૃતિમાં પુરુષ લગ્નબાદ પણ સાધુ બનીને ભક્તિ કરી શકે છે પણ સ્ત્રીને માટે કોઈ જ રસ્તો નથી હોતો, લગ્ન કર્યા બાદ બાળકો પેદા કરવા અને તેમને ઉછેરવા સિવાય. થેરીગાથામાં બહુ સરસ કવિતા વાંચવા મળી હતી કે આ ચૂલા ચોકાનું હું શું કરું...મને તો આકાશની શોધ છે. સ્ત્રીને પણ ભક્તિ કરવી છે, પોતાનું આકાશ શોધવું છે જ્યાં તે મુક્ત હોય. તેને પોતાને પણ અભિવ્યક્ત થવું હોય છે પણ તેની પાસે લગ્ન બાદ કશું જ કરવાનું રહેતું નથી. એક સ્ત્રી તરીકે મને સ્ત્રીના ભૂંસી નાખવામાં આવેલા ઈતિહાસને ફરીથી લખવામાં રસ પડ્યો. કારણ કે સ્ત્રીઓના ઈતિહાસમાં પુરુષોને રસ પડતો નથી એટલે તે લખાતો નથી.

એક ઈન્કલાબ ઔર આયા ડોક્યુમેન્ટરી ફિલ્મ એ ઉમા ચક્રવર્તીની ત્રીજી ફિલ્મ છે. મજાની વાત તો એ છે કે ૬૩ વરસની ઉંમરે ઉમા ચક્રવર્તીએ ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો જેથી તેઓ ફિલ્મ બનાવી શકે. તેમને એ વિશે પ્રશ્ર્ન કર્યો કે એવું તે શું બન્યું કે તમને ફિલ્મમેકિંગ તરફ વળવું પડ્યું ? ખૂબ ઉત્સાહ સાથે વાત કરતા કહે છે કે હું ઈતિહાસવિદ્ છું. અભ્યાસ અને લેખન મારો વ્યવસાય અને રસ બન્ને છે એટલે જ્યારે સ્ત્રીઓના ઈતિહાસ મારી સામે ખુલતા ગયા તેમાં સ્વાતંત્ર્યની લડતમાં ભાગ લેનારી સુબ્બલક્ષ્મીની વાત મારી પાસે આવી. તેની પૌત્રી મારી પાસે દાદી સુબ્બલક્ષ્મીના લખાણની ટ્રન્ક લઈને આવીને તેમના વિશે કેવી રીતે લખવું તેની સલાહ માગી રહી હતી. એ બધું તો લખાયું પણ મારા મનમાં એ ટ્રન્ક એટલે કે પતરાની પેટી વસી ગઈ. મને સારી ફિલ્મો જોવાનો શોખ પણ છે. ફિલ્મ એક એવું માધ્યમ છે કે તે શબ્દોની પેલે પાર જઈને વાત કરી શકે છે. સુબ્બલક્ષ્મી આમ તો એક ગૃહિણી જ હતી. જેના લગ્ન બાળપણમાં થઈ ગયા હતા, પણ તે વાંચતા લખતા શીખી હતી. તેને પુસ્તકો ખરીદીને વાંચવા ગમતા હતા. વળી તેણે ડાયરી પણ લખી રાખી હતી. એ પતરાની પેટીમાં બાળકોની નોટબુક પણ હતી જેમાં સુબ્બલક્ષ્મીએ પોતાની વાત લખી હતી. તે મનમાં જીવતી હતી જે શબ્દોમાં લખાયેલું હતું એટલે આપણને તેની વાત કહી જાય છે. મને દેખાતું હતું કે એ પેટીમાં સુબ્બલક્ષ્મી જ હતી તેની ફિલ્મ બનવી જોઈએ. મારા કેટલાય યુવાન ફિલ્મકાર વિદ્યાર્થીઓને કહ્યું કે તમે આ પરથી ફિલ્મ બનાવો, તેઓ હા પાડતા પણ ક્યારેય ફિલ્મ બનાવી નહીં. એટલે મને થયું કે ચાલ હું જ એ ફિલ્મ બનાવી લઉં. એ માટે ફિલ્મમેકિંગની કળા શીખવી પડી.

સુબ્બલક્ષ્મીની વાત કહેતી અ ક્વાયેટ લિટલ એન્ટ્રી ફિલ્મ બની. એમાં એ પતરાંની પેટી પણ એક પાત્ર છે. સુબ્બલક્ષ્મી ત્યારે શાંતિનિકેતનમાં જતા. નંદકુમાર બોઝ સાથે તેમણે કામ કર્યું. સ્વાતંત્ર્યની ચળવળમાં સરોજિની નાયડુ અને અન્યો સાથે ભાગ લીધો હતો. સાથે તેમનું વાંચવા, લખવાનું પણ ચાલુ હતું. તેમની આ ત્રીજી ફિલ્મ એક ઈન્કલાબ ઔર આયામાં બે મુસ્લિમ સ્ત્રીઓની વાત છે. એક સુઘરા ફતેમા અને ખાદિજા અન્સારી. ૧૯૨૦થી ૧૯૪૯નું લખનઊના માહોલમાં આ બે સ્ત્રીઓ અને ફિરંગી મહેલની વાત ખૂબ સરસ રીતે ફિલ્માવાઈ છે. તે સમયે ફિરંગી મહેલમાં રહેનારી સ્ત્રીઓ બહારની દુનિયા જોતી જ નહીં. તેમના લગ્ન પણ ફિરંગી મહેલમાં રહેતા પિતરાઈઓ વચ્ચે થતા. એક ઘરથી બીજા ઘરમાં પરણીને જાય પણ તેમનું જીવન એ દીવાલોની વચ્ચે જ પૂરું થઈ જતું. ફિરંગી મહેલમાં રહેનારા મુસ્લિમ પુરુષો તે સમયે ખૂબ અભ્યાસુ પણ હતા. તેઓ પોતાના દીકરાઓને તો ભણાવતા જ પણ દીકરીઓને પણ વાચતા, લખતા શીખવાડતા. ફિરંગી મહેલમાં રહેનારી સ્ત્રીઓ અંદરો અંદર મીટિંગો કરતી અને પોતે કંઈક લખીને લાવતી અને વાંચતી. સુઘરા ખૂબ સારી કવયિત્રી હતી. હકીકતમાં ઉમાજી ફિલ્મ બનાવવા માગતા હતા ખાદિજા પર. ખાદિજા તે સમયે હિન્દુ વ્યક્તિના પ્રેમમાં પડ્યા હતા અને પરણ્યાં હતાં. ૧૯૪૯માં આઝાદ ભારતમાં સરકાર વિરુદ્ધ બોલવા માટે જેલમાં ગયા હતા. ખાદિજા અને તેના પતિ કોમ્યુનિસ્ટ હતા. ફિરંગી મહેલમાં રહેનારા દરેક મુસ્લિમો કોમ્યુનિસિસ્ટ એટલે કે માર્ક્સવાદી હતા. માર્ક્સવાદ અને લખનઊનો ઈતિહાસ સાથે ખાદિજાનો ઈતિહાસ ઉખેળતા ફિરંગી મહેલમાંથી સુઘરા પણ મળી જેને ઉમાજી અવગણી ન શક્યાં. એ અરસામાં સુઘરાનું પુસ્તક પણ છપાયું હતું જે અપ્રાપ્ય છે. સુઘરાની કવિતા, ગઝલ અને ઠુમરીઓ ગવાય છે. તેમના કુટુંબીઓની સ્ત્રીઓને પણ તેમની કવિતાઓ મોઢે છે. અને તેમનું જે અડધું કુટુંબ પાકિસ્તાન જઈને વસ્યું છે ત્યાં સ્ત્રીઓ સુઘરાની કવિતાઓ ગાય છે તે ફિલ્મમાં જોઈ શકાય છે. સુઘરાનું પુસ્તક કલામે સુઘરાની કોપી માંડ માંડ ઉમા ચક્રવર્તી મેળવી શક્યાં. ઉર્દૂમાં હોવાને લીધે બીજા પાસે વંચાવી અભ્યાસ કર્યો. એની પ્રસ્તાવના સુઘરાના ભાઈએ લખી હતી. તેમાં લખ્યું હતું કે સુઘરા મારા કરતાં પણ વધુ બુદ્ધિશાળી હતી. સુઘરાની કવિતાઓ તે સમયે મેગેઝિનમાં પ્રકાશિત પણ થતી હતી. તેમને કોઈ બાળક નહોતું થયું અને ઘરમાં જ પુરાઈ રહેવાને કારણે તેઓ માનસિક બીમારીનો ભોગ બન્યા અને નાની ઉંમરે જ મૃત્યુ પામ્યાં હતાં. ખાદિજા હજી જીવે છે અને પોતાની વાત કહે છે...એ જમાનામાં તેમના પિતાએ હિન્દુ સાથે લગ્ન કરવા માટે કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો. કહ્યું હતું કે તારે લગ્ન કરવા હોય તો કર જા તું તારું જીવન જીવી લે. ખાદિજાએ અનિરુદ્ધ સાથે રજિસ્ટર્ડ રીતે લગ્ન કર્યા હતા ૧૯૪૯માં લખનઊમાં. તેમના લગ્નજીવનમાં ક્યારેય ધર્મ વચ્ચે નહોતો આવ્યો. એ વિશે તેમણે ક્યારેય વિચાર્યું જ નહોતું.

ઉમા ચક્રવર્તીની બે ફિલ્મો તો ઈન્ટરનેટ દ્વારા જોવા મળી શકે પણ આ ત્રીજી ફિલ્મ હજી ઓનલાઈન મુકાઈ નથી. ઉમાજી ૭૭ વરસની ઉંમરે હજી પણ ઉત્સાહપૂર્વક કામ કરે છે. ઈતિહાસને શોધીને તેના પરથી ધૂળ ખંખેરી રહ્યાં છે. તેમની ઈચ્છા છે કે સ્ત્રીઓએ પોતાની વાત લખવી જોઈએ. સ્ત્રીઓના જીવનનો અભ્યાસ ઈતિહાસમાં એટલે જ ઓછો મળે છે કે તેમના વિશે ક્યારેય લખાતું નથી. અનેક સ્ત્રીઓએ સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ લીધો હશે. તેમની પોતાની એક વાર્તા હશે તે કહેવાવી જોઈએ. નહીં તો પતરાની પેટીઓમાં અને ઘરની દીવાલોની અંદર જ તે દફન થઈને ભૂંસાઈ જશે.

You Might Also Like

0 comments