જુહુ ચોપાટી એટલે સમુદ્ર , સેલિબ્રિટિ અને સ્વાદ

03:19










એક એવો મુંબઈગરો જડવો મુશ્કેલ છે જેણે એકવાર પણ જુહુ ચોપાટીની મુલાકાત લીધી હોય. ખારથી લઈને વરસોવા (અંધેરી) સુધી પથરાયેલો રેતાળ લાંબો કિનારો અને સામે અફાટ સમુદ્રના વિવિધ રંગો. તેની સુંદરતાને ક્યારેય ઉંમર નડતી નથી. એવરગ્રીન કુદરતી કિનારો કોન્ક્રિટના જંગલ સમા મુંબઈમાં ઠંડી લહેરખી સમો છે. વહેલી સવારથી મોડી રાત સુધી અહીં લોકોને પોતાની સ્પેસ મળી રહે છે. દૂર દૂરથી ફરવા આવનારાઓ વિશાળ ખુલ્લી જગ્યામાં મુંબઈની ગીચતા ભૂલી જઈ શકે છે. મુંબઈ પ્રવાસ માટે આવનારા માટે જુહુનો દરિયા કિનારો મસ્ટ લિસ્ટમાં આવે. આમ તો અહીં ખારથી લઈને વરસોવા સુધીમાં અનેક રસ્તાઓ છે જે તમને કિનારા પર લઈ જાય તે છતાં સાન્તાક્રુઝ હવાઈઅડ્ડાની સામેથી દેખાતો કિનારો મુખ્ય ગણી શકાય. અને એટલે ત્યાં મોટી ખાઉગલ્લી છે. એક સમય હતો કે ખાણીપીણીના સ્ટોલ દરિયાની રેતી પર હતા અને સ્વચ્છતાથી જોજનો દૂર હતા.
 આજે ઈટિંગ આઉટને  ખાસ પ્લેટફોર્મ આપી  ફુડ કોર્ટ તરીકે સ્થાયી કરવામાં આવ્યું છે.  ખાઉગલ્લીને કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે દેખાય છે. ક્યાંય ખાવાની પ્લેટ કે ખાવાની વસ્તુઓ વેરાયેલી નથી પડેલી. લગભગ દરેક સ્ટોલ પર ખાવાનું બનાવનારાએ માથે ટોપી પહેરી છે. વોચમેન પણ રાખ્યા છે અને સ્વચ્છતા જાળવવા માટે દરેક સ્ટોલ ઓનર પોતે જવાબદારી નિભાવી રહ્યા હોવાનું જણાય છે. ચોપાટી પર ભેલપુરી અને ગોળા ખાવાના હોય તે તો જાણે નક્કી છે. જૂની ફિલ્મો જોશો તો હિરોઈનોને જૂહુના દરિયા કિનારે લારી પરથી ગોળા ખાતા દર્શાવાય છે. હવે બધી લારીઓ પરમેનેન્ટ સ્ટોલ ધારકો થઈ ગયા છે. તે છતાં કિનારા પર ખૂમચા ધારકો નથી એવું તો કહી શકાય. જે ફૂડ કોર્ટમાં મળે તે ખૂમચાઓ પર અને ફેરિયાઓ ફરીને વેચતા હોય છે. સવારના પહોરમાં ચાલવા આવતા કે દરિયા કિનારાની સવાર જોવા આવતા સહેલાણીઓ માટે અહીં મસ્ત ઓપશન છે. ધનલક્ષ્મી ઢોસા કાઉન્ટર. ફુડ કોર્ટની વચ્ચો વચ્ચ રસ્તા તરફથી જાઓ તો ડાબી બાજુ અને દરિયા તરફથી પ્રવેશો તો જમણી તરફ ધનલક્ષ્મીનું કાઉન્ટર છે. સવારના , સાડા છથી અહીં નાસ્તો, કોફી અને ચા મળી રહે. ટિપિકલ સાઉથ ઈન્ડિયન ફિલ્ટર કોફીની ચુસકી સવારની આછી ઠંડકમાં કે વરસાદી માહોલમાં જરૂરી છે. આમ તો દરિયા કિનારે કિટલીમાં ચા કોફી વેચતા ફેરિયા પણ હોય પણ ધનલક્ષ્મીમાં ઢોસા, ઈડલી, મેંદુવડા, ચટણી-સાંભારનો ગરમાગરમ નાસ્તો અને કોફી સવારની સાથે દિવસ પણ સુધારી દઈ શકે. નવાઈતો લાગી કે અહીં સાઉથની દરેક ભાષા ઉપરાંત હિન્દી અને ગુજરાતીમાં પણ ઈડલી, ઢોસા, વડા લખેલું છે. હવે તો ધનલક્ષ્મી શોધવું અઘરું નહીં પડે. જાતજાતના ઢોંસા અહીં મળે છે પણ મૈસુર સાદા કે મસાલા ટ્રાય કરવા જેવો છે. 
કેલેરી કોન્સિયન્સ હો તો તુલીપવાળી ગલીમાંથી દરિયા કિનારે જાઓ તો ત્યાં હેલ્ધી જ્યુસ અને સલાડ પણ મળી રહે છે. પણ ગુલાબી ઠંડીમાં કડક, મીઠી ફિલ્ટર કોફી અને ગરમા ગરમ નાસ્તો ટ્રીટ સમાન છે. 
તમે આટલા વહેલા જઈ શકો તો કંઈ નહીં, સાંજના સૂરજ દરિયામાં ડૂબકી લગાવવાની તૈયારી કરતો હોય ત્યારે ફૂડ કોર્ટ ધમધમતું હોય છે. તે સમયે પણ ધનલક્ષ્મી ખુલ્લુ હોય છે. સાંજના અહીં બધા સ્ટોલ ખુલ્લા હોવાથી કોમ્પિટિશન વધી જાય છે ગ્રાહક અને વેચનાર વચ્ચે. તમારા પર રિતસરનો મારો ચાલે, પાઉંભાજી ખાલો, આઈયે ચાટ ખાઈએ, ગોલા ખાઈએઆટલી બધી દુકાનો ક્યાં જઈએ અને ક્યાં જઈએ. અમે અહીં ચારેક દુકાનો પર ચાખ્યું. પાઉંભાજી તાજી મળે અને હાબટરથી લથબથ પાઉં સાથે   ખાજો. ભરપૂર બટર નાખીને ભાજીપાઉં ખાવા એકવાર ફૂડ કોર્ટમાં જવું પડે. હેલ્થ કોન્સિયન્સ કે કેલેરી કોન્સિયન્સને બાજુ પર મૂકીને   પાઉંભાજી ખાવા જોઈએ. મોટાભાગના સ્ટોરમાં ભાજી પાઉં સારા મળે છે પણ ઘનલક્ષ્મીની પાછળ આવેલી દુકાન કે જ્યાં પિત્ઝા અને સેન્ડવિચ મળે છે ત્યાં બેસવાની પણ સગવડ છે. પણ ફૂડ કોર્ટમાં ઊભા રહીને ખાવાની મજા પણ લેવા જેવી ખરી અને દરિયાની સામે બેસીને ખાવું હોય તો પણ ચોઈસ છે. ભાજીપાઉં સાથે અહીં પુલાવ, ચાઈનિઝ પણ મળી રહે છે. ચાટની વાત કરીએ તો બે કે ત્રણ સ્ટોલ છે. રોડ તરફ બહાર દેખાતો સ્ટોલ ભંવરસિંહનો છે. તેઓ કહે છે કે અહીં મોટાભાગના સ્ટોલ રાજસ્થાનીઓના છે.  ચાટની વાત કરીએ તો સીઝન હોય ત્યારે કાચી કેરીનું ચાટ એટલે કે સમારેલી કાચી કેરી પર મીઠું મરચું ભભરાવીને પ્લેટ મળે છે. ફોટો જોતાં મોઢામાં પાણી આવી ગયું. સ્ટોલવાળો કહે કે બહેનજી ગરમીઓમેં કેરી ચાટ ખાને જરૂર આના
ભંવરસિંહ ગામમાં રાજકારણમાં સક્રિય છે. રાજસ્થાની ચાટ અહીં મળે છે. પાણીપુરી, દહીં પુરી, ભેલ, સેવપુરી અને રગડા પેટિસતો ખરાં પણ ખસ્તા કચોરી ચાટ કે સમોસા ચાટ ટ્રાય કરી શકાય. ચાટ મીઠા નથી હોતા કારણ કે રાજસ્થાની સ્ટાઈલમાં બને છે. તીખું તમતમતું ખાધા બાદ કચ્ચી કેરી કે કાલાખટ્ટાનો ગોળો ચૂસીને માણી શકાય તેટલી જગ્યા તો પેટમાં રહે છે. તમે વધુ ખાઈ શકતા હો  એટલે કે પાચનશક્તિ સારી હોય તો મલાઈગોલા, રબડી ગોલા-આઈસ્ક્રીમ કે ફાલુદા-કુલ્ફી ખાઈ શકો, પણ કાલાખટ્ટા અને કાચી કેરીના સ્વાદમાં સ્વર્ગનો આનંદ અમને તો લાગ્યો. પેટની ચિંતા થતી હોય તો મસાલા સોડા કે મસાલા થમ્સ અપની ચોઈસપણ છે.  ફૂડ કોર્ટની બહાર નીકળતા વિચાર આવ્યો કે મુંબઈનું દરેક સ્ટ્રીટ ફૂડ અહીં છે પણ વડાં પાઉં નથી ત્યાં તો ફૂડ કોર્ટની બહાર એક સ્ટોલ નજરે પડ્યો. ફૂડ કોર્ટની બહાર દરિયા કિનારે ચણાજોર ગરમ, મકાઈ ભૂટ્ટા અને બાફેલા ચણાની ભેળ પણ ટ્રાય કરવા જેવી. બધું જોતાં લાગ્યું કે જીંદગી કૈસી હૈ પહેલી હાયેએએએ, મીઠા ખાયે કે તીખા ખાયે જો ભી ખાયેે….







You Might Also Like

0 comments