શાક, દાળનો આગવો સ્વાદ એટલે નાનુમલ ભોજમલ

06:46




કકડીને ભૂખ લાગી હોય, સામે થાળી પીરસાયેલી હોય ને તેમાં પીરસાયેલી વાનગીઓનો સ્વાદ સુગંધ બનીને તમને તરબતર કરી રહ્યો  હોય ત્યારે દુનિયાની કોઈ વાત તમારું ધ્યાન બદલી શકતી નથી. ઘી નીતરતી પોચી રોટલીને જમણા હાથના અંગુઠા અને આંગળીઓ વડે પકડી એક બટકું તોડતી સમયે  સામે મૂકેલી ત્રણ,ચાર વાટકીઓ પર તમારી નજર ફરે છે.  આલુ મેથી, ભીંડાનું શાક, કારેલાનું શાક, પનીરનું શાક, મિક્સ શાક અને દાળ.  ભીંડાના શાકમાંથી રોટલી વડે બે ત્રણ ભીંડાના બટકા ઉપાડી મોંમા મૂકતા જે તૃપ્તિ થાય તે વર્ણવી શકાય એમ નથી. ભીંડા કોરા છે. તેની સાથે બટાટા પણ છે. વળી તેના પર લાગેલો મસાલો તાજો પીસેલો લાગે. સ્વાદમાં મસાલાની તાજી સોડમ છે તો સાથે ભીંડાની ભરપુરતા છે. મોંઢામાં મૂકતા પહેલાં તાજી રોટલીનો સ્વાદ ઘી સહિત તમને સ્પર્શે અને પછી જેમ જેમ ચાવતા જાવ તેમ તેમ તેમાંથી શાકનો સ્વાદ ભળતો જાય. બીજું બટકું આલુ મેથીનું લઈને મોઢામાં મૂકતા તાજી લીલી ભાજીની નજાકત સાથે બટાટાનો મુલાયમ માવો સ્વાદેન્દ્રિયને રસતરબોળ કરી દે છે. આવો કંઈક અનુભવ નાનુમલ ભોજમલની થાળીમાંથી ભોજન કરતા થયો.  થાળીમાં કોઈ નવીન વાનગી નથી. શાક ઘરમાં પણ ખાધા છે અને હોટલમાં પણ તે છતાં તેમાં  રહેલા સ્વાદને લીધે લખવામાંથી રસ ઝરે છે. તાજી રોટલી અને શાકનો સ્વાદતો અનુભવ કરવો પડે તેને શબ્દમાં લખવો કેવી રીતે મુશ્કેલી છે.  પંજાબી ખાવાનું તો અનેકવાર ખાધું પણ કેટલાક સ્વાદ અનોખા હોય છે. 
મોહમ્મદઅલી રોડ અને યુસુફ મહેરઅલી રોડના જંકશનની નજીકમાં ઝકરિયા મસ્જિદની સામે છેલ્લા ૬૦ વરસથી નાનુમલ ભોજરાજની હોટલ આવેલી છે. મૂળ પાકિસ્તાનનું  સિંધી કુટુંબ જે ૧૯૪૯-૫૦માં હિજરત કરીને મુંબઈ પહોંચ્યું હતું. હાલ જે રેસ્ટોરન્ટ સંભાળે છે તે કિશોર ગાબા ખૂબ નમ્ર સ્વરે કુટુંબનો ઈતિહાસ કહે છે.  નાનુમલ તેમના દાદા હતા જેમણે પાકિસ્તાનથી હિજરત કરીને ભારતમાં આવ્યા બાદ કોઈ સિંધી કેમ્પમાં રહેવા કરતા મુંબઈ આવીને સ્થાયી થવાનું પસંદ કર્યું. પાસે હતા ફક્ત ૧૭૦૦ રૂપિયા. પાકિસ્તાનના શિકારપુરમાં તેમની મિઠાઈની દુકાન હતી. એટલે તેમને આવડતું કામ અહીં મુંબઈમાં આવીને શરૂ કર્યું. સૌ પહેલા  ખારમાં નાનુમલ થારુમલ સ્વીટ શોપ શરૂ કરી. ત્યારબાદ ૧૯૬૦માં તેમના પિતાજી ભોજરાજે  મસ્જિદ બંદર સ્ટેશન નજીક એક દુકાનનો ગાળો લીધો. તેમાં પણ સ્વીટ શોપ શરૂ કરી ૧૯૬૦ની સાલમા જે પછી તરત ભોજનાલય બનાવ્યું. તે સમયે મસ્જિદ બંદરમાં અનેક વેપારી કામકાજ થતા. વ્યવસાયિક લોકોથી ધમધમતો વિસ્તારમાં શુદ્ધ શાકાહારી ભોજનાલયની માગ ઊભી થઈ હતી. દુકાનને નામ આપ્યું નાનુમલ ભોજરાજ શુદ્ધ મસાલા અને શાકભાજી દ્વારા ઘર જેવું ભોજન આપવાની શરૂઆત કરી. તે આજે પણ તેમના દીકરાઓ કિશોર અને પહિલાજ અને તેમના દીકરાઓ ચલાવી રહ્યા છે. કિશોર ગાબા કહે છે કે દસમાં ધોરણથી તેઓ અહીં દુકાન પર આવીને કામ કરે છે. લોકોને સંતોષથી ખાતા જોઈને આનંદ આવે છે. સસ્તુ, સારું અને સ્વચ્છ ભોજન ગ્રાહકને આપવા માટે તેઓ કટિબદ્ધ છે. તેમના દાદા અને પિતા ગુણવત્તાના ખૂબ આગ્રહી હતા. આજે કિશોર ગાબા અને તેમના ભાઈ તેમજ દીકરાઓએ   મસ્જિદ બંદરની હોટલનો વિકાસ કરવા કરતા તેનો વિસ્તાર વિકસાવ્યો. આખાય મુંબઈમાં ૧૭ બ્રાન્ચ વિકસાવી. મસ્જિદ બંદરની હોટલમાં એસી બેઠક નથી. નીચે તેમ ઉપર સ્ટીલના બાકડા અને ટેબલ છે. ત્રીસેક વ્યક્તિઓ હોટલમાં બેઠી હોય તો ગરદી લાગે. હોટલનું રસોડું એકદમ ચોખ્ખું અને ખુલ્લું છે. તારદેવમાં તેમણે મોટી રેસ્ટોરન્ટ બનાવી જ્યાં એસી બેઠક વ્યવસ્થા છે. કિશોર ગાબા કહે છે કે કુટુંબ સાથે મસ્જિદ બંદર કોઈ આવે નહીં એટલે કુટુંબ સાથે બેસીને ખાઈ શકે તેવી વ્યવસ્થાની માગણી ઘરાકો દ્વારા થતાં અમે તારદેવ, પાર્લા વગેરે વિસ્તારોમાં હોટલ શરૂ કરી. દરેક જગ્યાએ આવું ભોજન મળે તે વ્યવસ્થા માટે મુખ્ય રસોઈઓ દરેક બ્રાન્ચમાં જઈને અન્ય રસોઈઆને શીખવાડી આવ્યો. શક્ય છે દરેક જગ્યાએ સ્વાદમાં હાથફેરનો થોડો ફરક કદાચ અનુભવાય પણ સ્વાદ જળવાય રહે તેની કાળજી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. 
વળી વાનગીની વાત કરીએ જેથી શું ખાવું તે કહી શકાય. નાનુમલ ભોજરાજમાં જાઓ તો દાળ ચોક્કસ ખાજો.    થાળીમાં રહેલી દાળ પર  નજર કરી તો નવાઈ લાગી. ખાઉસેની જેમ દાળ પર તળેલા કાંદા નાખેલા હતા. એક ચમચી ભરી દાળ મોંઢામાં મૂકતા થયું કે બસ બીજું કંઈ નથી ખાવું. દાળ ખાઈએ. દાળનો સ્વાદ, મસાલાનો સ્વાદ અને તળેલા કાંદાનો મીઠો સ્વાદ ચમચી મૂકીને ભાત સાથે દાળને આંગળીઓથી ચોળીને ખાવાનું મન થઈ ગયું. ભારતીય ભોજન ચમચીથી ચાખી શકાય પણ તેને હાથથી ખાવું પડે, કારણ કે યોગ્ય માત્રામાં ભોજન ગરમ હોય તો તેનો સ્વાદ આવે નહીં તો જીભ દઝાડે. જીભ દાઝ્યા બાદ તમે જે પણ ખાઓ તો તેનો સ્વાદ આવશે નહીં. ભાત અને દાળને ચોળીને મોંઢામાં કોળિયો મૂકોને જે સ્વાદ આવે તેની તુલના કોઈ બીજી વાનગી સાથે થઈ શકે. જો દાળ-ભાતમાં સ્વાદ આવી શકે તો ખરો રસોઈઓ એવું કહી શકાય. અહીંના શાક ખરા અર્થમાં શાક છે તેમાં એક સરખી ગ્રેવી નથી. મિક્સ શાકમાં ફણસી, ફ્લાવરનો સ્વાદ આવે તો મેથીમાં કડવાશ નથી પણ તેનો સ્વાદ છે. ભીંડા સૂકા તળીને મસાલાવાળા બનાવ્યા હોય કે નરમ કાંદા- ટમેટાં સાથે બનાવ્યા હોય તે બંનેના સ્વાદ જુદા છેને સાથે સ્વાદિષ્ટ છે. બીજી એક અનોખી આયટમ છે પાલક કોફ્તા ગ્રેવી. અમે ખાધી ત્યારે તેમાં સહેજ મીઠું વધારે હોવાથી સ્વાદ આવ્યો. શક્ય છે યોગ્ય રીતે બની હોય તો સ્વાદ આવી શકે. વળી દરરોજ એક આયટમ સિંધી પણ હોય. સોમવારે દાલપાલક, મંગળવારે સિંધી કઢી, બુધવારે દહીં કઢી વગેરે વગેરે. સિંધી કઢી એટલે ટમેટાંની ગ્રેવીમાં બનાવેલી હોય.  થોડી ખટાશ તેમાં વધારે હોય. થાળીમાં  ભાત-દાળ તમારે ખાવા હોય તો પુલાવ-બિરયાની, મસાલા ભાત પણ છે પણ ફરી કહીશ કે અહીંની તડકા દાળતો ખાવી જોઈએ. સાથે છાશ હોય તો ભારતીય ભોજન પૂર્ણ ગણાય. અને સ્વીટ પણ ખરી . અહીં મગની દાળનો શિરો, ગાજરનો હલવો અને ગુલાબ જાંબુ મળે છે. સંપૂર્ણ ભારતીય થાળી અને ભારતીય  સ્વાદ નાનુમલ ભોજમલની ગુડવીલ છે. ફક્ત મિઠાઈનું કાઉન્ટર બહાર જોવા મળ્યું. લોકો પાર્સલ કરીને તે લઈ જાય છે. તમારે હોટલમાં જવું હોય તો આખી થાળી પેક કરીને પહોંચાડાય છે ડિલિવરી એપ્પ ધ્વારા સ્તો. થાળીનું પેકિંગ પણ સરસ રીતે કરવામાં આવે છે. વિશે કિશોર ગાબા કહે છે કે ભોજનને પ્રેમથી પિરસવું જરૂરી છે. ખેર, ગુગલ મહારાજને પૂછીને તમારી આસપાસ આવેલ નાનુમલ ભોજરાજને શોધીને જઈ આવો અને અમને જણાવો કે સ્વાદ છે કે નહીં. જણાવો તો સારું પણ ભોજનમાં એક્સપ્લોર કરતાં રહેવું જોઈએ. અને હા, જમતી વખતે મોબાઈલ ઓફ્ફ રાખજો અને ફક્ત ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરશો તો સ્વાદ અને સોડમની અનુભૂતિ કરી શકાશે. નહીં તો  


You Might Also Like

0 comments