છોલે, બટાટાનું શાક અને પરાઠા માટે દર્યાસ્થાન જઈ શકાય.

01:01





 મસ્જિદ બંદર સ્ટેશન પાસે આવેલી દર્યાસ્થાન સ્ટ્રીટ અને તેમાં આવેલી ખાઉગલીની અવનવી વાતો 



બપોરે મસ્જિદ બંદર સ્ટેશનના છેલ્લા પુલ પરથી બહાર નીકળી મહમદઅલી રોડ તરફ ચાલો કે તમને કોઈ બીજી દુનિયામાં પહોંચી ગયાનો અહેસાસ થાય.  હાથલારી, લારીઓ અને માણસો માણસો. બધામાંથી તમારે રસ્તો કાઢવો પડે. સંભાળીને ચાલતા હો કે તમારા નાકમાં તેજાનાન સુગંધ સ્પર્શે ડાબી તરફ મેવામસાલા વેચનારા કચ્છીઓની દુકાનો જોવા મળે. એક જમાનામાં મુંબઈની ગૃહિણીઓ અહીંથી હોલસેલમાં મેવામસાલા મંગાવતી કે ખરીદી કરવા જતી. ફુડ કોલમ લખતા હો અને તરફ તમારું ધ્યાન ખેંચાય તો નવાઈ. ફુડ ચેનલો કે પ્રવાસી ચેનલોમાં ઈજિપ્ત અને અરબ દેશોની મસાલાની બજારને જે ફેસિનેશનથી દર્શાવતા હોય તે યાદ આવી ગયું. મદમસ્ત મસાલાઓને માણતા આગળ ચાલો ત્યારે ડાબી બાજુ લાંબી ગલીઓ આવે. નરસી નાથા સ્ટ્રીટ, ઈસાજી સ્ટ્રીટ, દર્યાસ્થાન વગેરે વગેરે ગલીઓમાં એક જમાનામાં હોલસેલ માર્કેટ, ઓફિસો રહેતી. હવે મોટાભાગની બજાર નવી મુંબઈ શિફ્ટ થઈ ગયા હોવા છતાં ગરદી, લારી અને હાથલારીઓ ઓછા થયા હોય એવું લાગ્યું નહીં. અધૂરામાં પુરું રસ્તા પર બેસેલા ફેરિયાઓ. શિંગોડાની સિઝન આવી ગઈ તે પણ જણાય. સ્ટેશનરી, કેલેન્ડર, ચોપડીઓ વગેરે વગેરે અનેક વસ્તુઓની દુકાનો અને ફેરિયાઓને કારણે રસ્તો નાનો થઈ જાય. આજુબાજુના મકાનો ઓછામાં ઓછા સો વરસ જૂના તો હશે તેની બાંધણી પરથી ખ્યાલ આવે. 
આખોય વિસ્તાર કમર્શિયલ તેમ રહેણાંક વિસ્તાર છે. ઘણી ઓફિસો,પેઢીઓ અને દુકાનો હોવાને કારણે અહીં ખાવાપીવાની વસ્તુઓ પણ મળે . 
દર્યાસ્થાન ખાઉગલીની વાત આજે કરવી છે. મસ્જિદ બંદર  સ્ટેશન અને મહમદઅલી રોડની બરાબર વચ્ચે દર્યાસ્થાન ગલી છે. કોર્નર પર  સામે બ્લ્યુ રંગનું  દર્યાસ્થાન સ્ટ્રીટ, માંડવી- કોલીવાડા વંચાતુ પાટિયું જોવા મળશે. ગલીમાં દરિયાદેવની અખંડ જ્યોતનું મંદિર છે. કહે છે કે જ્યોત ૧૪૦ વરસથી અખંડ છે, હાલના પાકિસ્તાનથી અહીં લાવવામાં આવી છે. તેના નામ પરથી ગલીનું નામ  દર્યાસ્થાન  પડ્યું છે.  દર્યાસ્થાન સ્ટ્રીટમાં  નજર કરો કે બન્ને તરફ ખાણીપીણીના સ્ટોલ નજરે ચઢે. જાણકારો કહે છે કે ખાઉગલી જૂની છે પણ સ્ટોલ હવે પ્રમાણમાં નવા છે. પહેલાં અહીંના ભજીયા, ગાંઠિયા અને કાંજીવડા ખાવા લોકો આવતા. હવે ત્યાં સ્ટોલ દેખાતા નથી.  સૌ પ્રથમ દેખાશે ચહા હાઉસનો માણસ. બહાર એક પુતળું ચાનો કપ લઈને ઊભેલું દેખાશે. કપમાંથી વરાળ નીકળતી દેખાય. કપમાં દુકાનવાળાએ ધુપબત્તી સળગાવી મૂકી હોય. તપાસ કરતાં ખબર પડી કે ચહા હાઉસ હમણાં પાંચેક મહિના પહેલાં   ખુલ્યું છે. વર્ધમાન ચહા કંપનીવાળાની દુકાન છે. અહીં બે જાતની ચા અને કોફી મળે. સાથે બનમસ્કા અને કુકીઝ ખાવા હોય તો મળે. દમ ચા અને મસાલા ચા. દમ ચા એટલે થોડી કડક અને ઓછી મીઠી અને મસાલા ચા એટલે થોડી ઓછી કડક અને મસાલાવાળી સ્તો. ફક્ત દશ રૂપિયામાં દમ ચા પીધી અને આહ નીકળી ગઈ. ગાઢી, પરફેક્ટ ચા,દૂધ અને સાકર સાથે ચાહનો સ્વાદ તમને ફ્રેશ કરી દે. બેસવાની જગ્યા નથી બસ ઊભા ઊભા ચહા પીવાની. ચોખ્ખા પિત્તળના તપેલામાં ચાહ ઉકળતી હોય અને બને એટલે બે સ્ટીલના નળવાળા જગમાં ચહા ભરી રાખી હોય. ચા માગતા કપમાં ભરીને તમને આપી દે, સમય બગાડવાનો નહીં. અને હા ચા ભરી રાખી હોય તો પણ તેનો સ્વાદ ચાહ કરાવી દે એવો. ખાઉ ગલી છે એટલે તમારે ચા પહેલાં પીવી કે પછી તે તમારે નક્કી કરવાનું. 
તેની બાજુમાં શિવ પુડલા અને પાપડનો સ્ટોલ, ચણાના લોટના પુડલાની અનેક આયટમ. સેન્ડવિચ, ચીઝ બટર, મૈસુર, કોર્ન, ચાઈનીઝ જે સ્વાદમાં ખાવા હોય તે સ્વાદમાં ખાઈ શકો. વળી પાપડ પણ અનેક વેરાયટીમાં આઈમીન મસાલા પાપડ, ચીઝ પાપડ. પાપડ શેકીને તેના પર કાંદા, ટમાટર, કોબી અને ચટણીઓ નાખીને આપે. પુડલાવાળાની સામે ઢોસાવાળો પણ જે દરેક ગલીના કોર્નર પર મળે તેવો પણ અમારું ધ્યાન ગયું તેની બાજુના સ્ટોલ પર . મસ્જીદ બંદર ,દર્યાસ્થાન સુધી  તમારે જવું પડે એવો સ્ટોલ. સ્ટોલ સવારે અગિયાર વાગ્યાથી સાંજના વાગ્યા સુધી હોય છે. અહીં મળે છે એક પરફેક્ટ થાળી. પરાઠા, બટાટાની સૂકી ભાજી, છોલે, કચુંબર અને અથાણું. જોઈએ તો લીલા મરચાં પણ મળે. દીપક શર્મા અને તેના પિતાજી જાતે મસાલાઓ વાટીને તૈયાર કરે છે. થાળીની કિંમત છે ફક્ત ૫૦ રૂપિયા. હવે કરીએ સ્વાદની વાત.બટાટામાં જે લાલ મસાલો છે તે તીખો છે પણ સ્વાદમાં એકદમ અદભૂત છે. છોલે એક સગડી પર ગરમ થતા હોય. કાબૂલી ચણા જુદા અને મસાલાવાળી કરી સાઈડમાં ભરેલી હોય. તમને પીરસાય ત્યારે છોલે અને કરી મિક્સ કરીને આપે. છોલે મોઢામાં મૂકતા તમને કાબૂલી ચણા એકદમ સોફ્ટ થઈ ગયેલા ઓગળી જતા અનુભવાય. તેનો સ્વાદ અને કરીનો સ્વાદ મિક્સ થતા સ્વાદનો જે જાદુ સર્જાય કે તમને લાગતી ગરમી ભૂલાઈ જાય. તમને થાય વસ્તુ હોટલમાં બેસીને ખાવા મળે તો જલસો પડી જાય, પણ દીપકના છોલે-પરાઠાની કોઈ શાખા નથી. પરાઠા પણ તાજા તમને સગડી પર બનાવી આપે. બટાટાનું શાક અને છોલેનું ડેડલી કોમ્બિનેશન તે પણ છોલે બીજીવાર જોઈતો મળે. પ્રેમથી દીપક ખવડાવે છે. બહુ તીખું લાગ્યું હોય તો બાજુમાં વિકાસ ડેરીની નાનકડી દુકાન છે ત્યાં છાશ-લસ્સી અને રબડી મળે છે. ૧૦ રૂપિયામાં જીરા છાશ કે પછી ૨૪ રૂપિયામાં મલાઈ લસ્સી, ૩૦ રૂપિયામાં ડ્રાયફ્રુટ લસ્સી પીઓ કે પછી ૩૫ રૂપિયામાં રબડી ખાઓ. તમને લાગશે કે મસ્જિદ બંદર જવું વસૂલ છે. ફક્ત સો રૂપિયામાં તમે પેટ અને સ્વાદભરીને ખાઈ-પી શકો. ખાઉ ગલ્લી છે એટલે વડાપાઉં, ભજિયા, ચાઈનીઝ પણ અહીં મળે છે પણ પંજાબી થાળી ખાવા જઈ શકાય. તમને લાગે કે ખૂબ ખવાઈ ગયું છે તો આખો વિસ્તાર ઈતિહાસ સાચવીને બેઠો છે. અનેક બજારો છે બસ ચાલ્યા કરો. 




You Might Also Like

0 comments