સૂરજ ધીમા તપો કેમ કહું ...

03:50


ઉનાળો મને બહુ ગમે એમ કહું કે તરત જ સામી વ્યક્તિ મને જોઇ રહે ... મનમાં વિચારે ય ખરા  કે ક્યાંક જરુર મારા મગજમાં ગરબડ છે. મારો જન્મ મુંબઈમાં એટલે ઉનાળાનો આકરો તાપ સૌરાષ્ટ્ર કચ્છ જેવો નહીં. હવાનો ભેજ પરસેવાના રેલા થઈ નિતરે. જરા પવન વાતા ઠંડક લાગે. મે મહિનાની શરુઆત થાય એટલે ઉનાળાની બપોરે ઘરની બહાર ન નીકળવાના દરેક બહાના મન શોધે. પણ એકવાર બહાર નીકળો તો ઉનાળાની સુંદર રંગોની છાલક વાગ્યા વિના રહે જ નહીંને. ઉનાળાની બપોરે બહાર નીકળો ત્યારે પ્રેમીની બાજુઓની ભીંસ જેવો ગરમાટો વીટળાય.  નજરે ચડે તમતમતો તડકો. તડકાનું એકચક્રી રાજાશાહી સામ્રાજ્ય સાવ નિરસ નથી. રસ્તા પર ચાલવા માટે પીળા ચટક નાજુક ફુલો અને લાલ પાંદડીઓની જાજમ બિછાવેલી હોય. કેટલાક લોકો તેને સોનમહોર કહે છે પણ તે છે પેલ્ટાફોરમ... ઊંચા ઘટાદાર વૃક્ષો પર નાના નાના પીળાં રંગના અઢળક ફુલો ખીલે. આકરા તાપને આપણે કેમ વખોડિયે જ્યારે નાજુક પીળા ફુલોની જાજમ બિછાવેલા રસ્તા જોઇએ ત્યારે. તેમાંથી તીવ્ર માદક સુગંધ પણ આવે. તો બીજી તરફ ગુલમહોરનો મિજાજ પણ કંઇ ઓછો ન હોય લીલા પાનની વચ્ચે લાલ, કેસરી જેવા ફુલોના ગુચ્છે ગુચ્છા...કોલેજમાં હતી ત્યારે તે ફુલોની પાંદડીઓને ડાયરીના પાના વચ્ચે જાળવીને મુકી દેતી. અને ક્યાંક કોઇ ગલીમાં અચાનક જ્યારે લેબર્નમ એટલે કે ગરમાળો દેખાઈ જાય ત્યારે ... મનમૂકીને ઉનાળાને ચુમી લેવાનું મન થાય. જુહુની એક ગલીમાં બપોરે પસાર થતાં ફુલ ફોર્મમાં ખીલેલો ગરમાળો જોયો અને બસ... આંખો ભરીને ગટક ગટક પીધો. અરે...સાવ શુષ્ક અને કંટાળાભરી લાગતી બજારની વચ્ચે એક મકાનના કમ્પાઉન્ડમાં નાનકડો ગરમાળો જોતાં જ મનની મોસમ પલટાઈ ગઈ.
ફોર્ટ વિસ્તારમાં જોયેલા તમન અને જેકરેન્ડા યાદ આવે. પરપલ રંગના ફુલો ઉનાળામાં અદભૂત છટા પાથરે...તમન અને જેકરેન્ડા એક જ કે નહીં તે ખબર નથી.મને તો ઉનાળામાં ઉછરતાં આ રંગોનું ઘેલું નામ તો ધીમે ધીમે ખબર પડી. પીળા સફેદ ચંપા ય ખીલે અને કાંટાળા બોગનવેલ તો રંગરંગના નીખરે... સફેદ,પીળા, પરપલ, ગુલાબી....કૈલાશપતિ ય મુંબઇમાં અનેક ઠેકાણે છે તેની સુગંધ અને સુંદરતા તેના પોતાના આગવા. મુંબઈના રાણીબાગ, ફાઉન્ટન અને જુહુના રસ્તાઓ પર રંગોની મસ્તીમાં મહાલવાની મજા એકવાર પણ માણ્યા વિના ઉનાળો વીતે જ નહીં.વળી તેમાં કોયલની કૂક... બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું કામ કરે.  ઉનાળાનું અદ્દલ પ્રેમી જેવું છે. આકરો તાપ ગમે નહીં અને તો ય તેના વિના જીવનમાં રસ નહી. રંગોની મોજ તડકામાં સીસકારા બોલાવતા  દિલ ભરીને માણ્યા બાદ વરસાદમાં તરબોળ થવાની મજા જ કંઇ ઓર છે. ગમે તેટલી ગરમી લાગે નથી સહેવાતો તાપની બૂમો છતાં ય પણ ઉનાળો તો જોઇએ જ એ નક્કી.



You Might Also Like

1 comments

  1. ક્યાંક વૃક્ષની છાયા મળે તો એની નીચે ઊભા રહીને પરસેવો લૂછતી વખતે હાશકારો થાય છે. વૃક્ષનો આ મહિમા પણ આપણને એના ઉછેર માટે પ્રેરણા આપી શકતો નથી. આવું કેમ બને છે ? કદાચ આપણી લાગણી જરૂરિયાતને આધારે છે. કોઈની ચીજ ઉછીની લઈને વાપરવાની ટેવ પડી ગઈ છે. બીજાના સુખનો વિચાર કરવાનું આપણે ભૂલી જઈએ છીએ. વૃક્ષ નીચે ઊભા રહીને પરસેવો જેટલી ઝડપથી લૂછીએ છીએ એટલી જ ઝડપથી આપણે વૃક્ષના સમગ્ર અસ્તિત્વને ભૂલી જઈએ છીએ. જે લોકો ઘરના ખૂણામાં ભરાઈને આરામ કરી શકે તેમને વૃક્ષની મહત્તા સમજાતી નથી. આવા સુખી માણસોને નિસર્ગોપચાર માટે એ જ વૃક્ષો અને લીલાછમ્મ છોડવાઓને સહારે જીવવા મથવું પડે છે. આપણી સંસ્કૃતિમાં વૃક્ષને સંતો સાથે સરખાવવામાં આવ્યાં છે. કમનસીબી છે કે આજે આપણે સંતોનો વિશ્વાસ કરી શકતા નથી. કારણ કે આજના સંતોમાં માનવીની સ્થૂળ અવસ્થા અકબંધ જોવા મળે છે. માણસને ઓગાળીને ભાગ્યે જ કોઈ સંતની કોટિએ પહોંચે છે. એકમાંથી બીજી અવસ્થાને આંબવાની આ પ્રક્રિયામાં બેવડું અસ્તિત્વ જોખમી બને છે. જે ધર્મ અને શ્રદ્ધાના માર્ગમાં ન ચાલી શકે. કોઈ એક સ્વરૂપને તો આપણે ઓગાળવું જ પડે. છેવટે જે મળે તે ઓળખ સમાજની ધરોહર બની શકે.

    ReplyDelete