સારી છોકરી કે ખરાબ છોકરી ? 25-6-13

01:37

હલકું લોહી હવાલદારનું આ કહેવત કઈ રીતે પડી તેની ખબર નથી. પરંતુ, બ્લેમ ગેમ રમવી આપણને ગમતી હોય છે. આપણાથી ક્યારેય ભૂલ નથી જ નથી હોતી.સફળતા કે સારા કામનો યશ આપણે જાતે લઈએ છીએ જ્યારે  આપણી ભૂલ કે વર્તન માટે આપણે  હંમેશા બીજાને જવાબદાર ઠેરવતાં હોઇએ છીએ. મને ગુસ્સો આવ્યો કારણ કે તે એવું વર્તન કર્યુ. સાયકોલોજીસ્ટો બ્લેમ ગેમને  ફન્ડામેન્ટલ એટ્રીબ્યુટશન એરરના નામે ઓળખે છે. એટલે જ જ્યારે કોઇ ગુનાનો ભોગ બને છે ત્યારે ભોગ બનનારને જ તે ગુના માટે જવાબદાર ઠેરવવાની આદત સમાજને છે. બળાત્કાર થવો કે છેડતી થવી તેને માટે જવાબદાર સ્ત્રી પોતે જ હતી તેવું માનનારા અને કહેનારા અનેક લોકો મળી આવશે.
પદમલથા રવિએ તાજેતરમાં એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી અને તેને  ઓનલાઈન મફતમાં જોઇ શકાય છે. ગુડ ગર્લ ડોન્ટ ડાન્સ નામની 15 મિનિટની ફિલ્મ પદમલથાએ એટલે બનાવી કે તેને જાણવું હતું કે લોકો સારી છોકરી કે ખરાબ છોકરીની વ્યાખ્યા શું કરે છે. દિલ્હી બળાત્કારની ઘટના બાદ લોકો બિન્દાસ બળાત્કાર વિષય પર ચર્ચા કરી રહ્યા છે. મોટેભાગે એવું સંભળાતું હતું કે છોકરી એકલી છોકરા સાથે બહાર ગઈ જ કેમ. રાત્રે બહાર ન જવું જોઇએ. વગેરે વગેરે. પદમલથાએ બહુ જ તટસ્થતાપૂર્વક ફિલ્મ બનાવી છે તેણે સમાજના જુદા જુદા સ્તરના લોકોને ફક્ત પુછ્યું કે તમારા મતે સારી છોકરી  એટલે કોણ ? નવાઈ લાગે એવી વાત એ છે કે મોટાભાગનાએ કહ્યું કે સારી છોકરીઓ ટુંકા કપડાં ન પહેરે, રાત્રે પાર્ટીઓમાં ન જાય, આલ્કોહોલ ન પીએ, ડાન્સ ન કરે. કારણ કે આવું કરવાથી પુરુષો છેડતી કરવા માટે કે બળાત્કાર કરવા માટે ઉશ્કેરાય છે. પદમલથાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે બળાત્કાર માટે કોણ જવાબદાર હોય છે ત્યારે બહુ ઓછા લોકોએ કહ્યું કે બળાત્કારી. મોટાભાગના બળાત્કાર માટે આજની નારી અને સમાજને જવાબદાર ગણે છે. નવાઈ લાગે તેવી વાત છે પણ સ્ત્રીઓ હંમેશા બ્લેમ ગેમનો ભોગ બની છે અને સતત બની રહી છે.
દિલ્હીની સમીરા જૈને પણ એક ડોક્યુમેન્ટરી બનાવી છે જેમાં સ્ત્રી જો જાહેર સ્થળે એકલી ઊભી હોય કોઇ કારણ વિના તો તેને પુરુષો કઈ રીતે જુએ. ફિલ્મનું નામ છે મેરા અપના શહર. જાહેર સ્થળ એટલે કે પાર્ક , રોડ, પાનની દુકાન. આ દરેક સ્થળે તમે ક્યારેય એકલી સ્ત્રીને નહીં જોઇ હોય. એકલી સ્ત્રી હોય એટલે તે અવેઇલેબલ છે તેવી જાતની માનસિકતા સાથે મોટાભાગના પુરુષો જોતા હોય છે. અને શક્ય હોય તો તેમનામાંથી કોઇ તેની નજીક જવાનો ય પ્રયત્ન કરશે. બન્ને ફિલ્મો નવા વિચારને  ચર્ચાને જન્મ આપે છે. શું દરેક સ્ત્રીએ પોતાના અસ્તિત્વને પુરુષોને નજરમાં રાખીને જ જીવવાનું ? આપણે શું પહેરવું કેમ વર્તવું તેના પર પુરુષની માનસિકતા અવલંબિત છે. પુરુષોના પાર્ટી કરવા પર, આલ્કોહોલ પીવા પર કે એકલા ફરવા પર કોઇ પ્રતિબંધ નથી કારણ કે તેના પર કોઇ સ્ત્રીની માનસિકતા અવલંબિત નથી. સદીઓથી ચાલી આવતી બ્લેમ ગેમનો ક્યારેય અંત આવશે ખરો જો સ્ત્રી પ્રેમમાં પહેલ કરે તો ખરાબ, પુરુષની છેડતી કરે તો ખરાબ. તો આ જ ધારાધોરણ પુરુષો માટે કેમ નથી લાગુ થતા કારણ કે માનસિકતા  બ્લેમ ગેમની છે. બ્લેમ ગેમ રમવાને બદલે જો જવાબદારીના સ્વીકાર સાથે વિચાર થાય તો માનસિકતા જરુર બદલાય શકે. પરંતુ, આપણી નારીની માનસિકતા પણ બ્લેમ ગેમ રમવાની છે સ્ત્રી હોય કે પુરુષ બન્નેની સાયકોલોજી મૂળે તો બ્લેમ ગેમ રમીને જવાબદારીનો ખો બીજા પર નાખી દેવાની હોય છે.  બિઝનેસ કન્સલટન્ટ અને લેખક જોન ગોર્ડનનું વાક્ય છે , વી ડોન્ટ લિવ અવર લાઇવ્સ બેઝ્ડ ઓન રિયાલિટી. વી લિવ અવર લાઇવ્સ ઓન અવર પર્સેપ્શન ઓફ રિયાલિટીઝ . અર્થાત આપણે આપણું જીવન કલ્પેલી વાસ્તવિકતા ધ્વારા જીવીએ છીએ નહીં કે વાસ્તવિકતાને સ્વીકારીને.



You Might Also Like

1 comments

  1. Here's Padmalatha Ravi'a Doc Film url: http://www.youtube.com/watch?v=-JT8nmTvu78

    Pls share Samira Jain's. I can't find. Thanks.

    ReplyDelete