દુનિયાનો અંત આ નથી. 9-9-14

00:09


સ્મિતાએ અગાસી પરથી છલાંગ લગાવવા દોટ મૂકી અને તેની પાછળ એની મમ્મી અવનિબહેને બચાવવા માટે. તેમના સારા નસીબે હાઈરાઈઝ મકાનની અગાસી પર જવાનો દરવાજો બંધ હતો. અને ચાવી ગુરખા પાસે હતી. સ્મિતાને સમજાવીને અવનિબહેન ઘરે લાવ્યા. પણ પછી તેણે પોતાની જાતને બેડરૂમમાં બંધ કરી દીધી. બે દિવસ સુધી તેણે કશું જ ખાધું નહીં. એ વાતને ય આજે છ મહિના થઈ ગયા હોવા છતાં સ્મિતા શૂન્યમનસ્કે ઘણીવાર બેસી રહે છે. તેના લગ્ન નક્કી કર્યા તો તેમાં એણે હા પાડી પણ ઉત્સાહ કશો નહી. દિલ તૂટવાની ઘટના આજે પણ સ્ત્રીને છિન્નભિન્ન કરી મૂકે છે. જાણે જીવનમાં પ્રેમ સિવાય બીજું કશું મહત્ત્વનું છે જ નહી.
આ લખાઈ રહ્યું છે ત્યારે યુએસ ઓપન ટેનિસની રમતમાં શારાપોવાને હરાવીને 24 વર્ષિય કેરોલીન વોઝનેકી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી ચૂકી હતી. કેરોલીનના લગ્ન આ નવેમ્બરમાં પ્રસિધ્ધ ગોલ્ફર રોરી મેક્લ્લરોય સાથે થવાના હતા. પોતપોતાના ક્ષેત્રમાં બન્ને પ્રસિધ્ધ રમતના ખેલાડીઓ 2011થી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. જાન્યુઆરીમાં બન્નેએ આખી દુનિયાને જાણ કરીને સગાઈ કરી હતી. લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી. મે મહિનામાં તેમના ભવ્ય લગ્નના આમંત્રણ પોષ્ટ થઈ ગયાના બીજે જ દિવસે રોરીએ કોઇ કારણવિના સંબંધ પૂરો કર્યો. દરેક યુવાનને અનુભવાય તેવો લગ્નનો ડર અનુભવાયો હતો રોરીને. કેરોલીન ભાંગી પડી થોડો સમય માટે. થોડો સમય એકાંતમાંગાળી પોતાની જાતને પાછી મેળવી.  તેણે પોતાનું જીવન અને પોતાની રમત પ્રત્યે વધારે ગંભીરતાથી ધ્યાન આપવાનું શરૂ કર્યું. કેરોલીન નંબર વન ટેનિસ રમતવીર રહી ચુકી હોવા છતાં હજી સુધી એકપણ ગ્રાન્ડ સ્લેમ હરિફાઈનું ટાઈટલ નહોતું મેળવ્યું. બ્રેકઅપ બાદ તે હવે વધુ સારું રમી રહી છે. આ વખતે તે ફાઈનલ સુધી પહોંચે તો નવાઈ નહી.( કેરોલીન ફાઈનલ સુધી પહોંચીને તેની બેસ્ટ ફ્રેન્ડ સેરેના સામે હારી ગઈ , પણ હાલમાં જ થયેલા બ્રેકઅપ બાદ તેનું પરર્ફોમન્સ સારું કહેવાય.)
તેણે સહજતાથી લોકો સામે કબૂલ્યું હતું કે તેને બ્રેકઅપનું અતિશય દુખ થયું હતું. પણ તેને એટલું સમજાયું કે રમતની જેમ જીવનમાં પણ હારજીત થતી જ રહે છે. તેને પકડીને જીવન ખતમ કરવું તે મૂર્ખામી છે. સમય અટકી નથી જતો તો જીવન શું કામ કોઇ જ કારણસર અટકી જવું જોઇએ. આ જ છે આજની નારી લગ્ન તૂટવા કે પ્રેમભંગ થાય ત્યારે સ્ત્રીઓ હંમેશા પોતાને આપદગ્રસ્ત માનીને બિચારાપણું મહેસુસ કરવા લાગે છે. ઉલ્ટાનું લાગણીનું એક અવલંબન ઓછું થતાં બીજા જરૂરી કામ પ્રત્યે મન લગાવી શકાય છે. એક વ્યક્તિની આસપાસ ગુંથાયેલા જીવન સાથે બીજી અનેક વ્યક્તિઓ જે આપણી આસપાસ છે તેની મોટેભાગે અવહેલના કરી હોય છે. તે સંબંધોને સાચવી લેવાનો મોકો તમને મળે છે. જીવનને બૃહદ પ્રરિપ્રેક્ષ્યમાં જોવાનો મોકો મળે છે. પોતાની જાતને ચાહવાનો મોકો મળે છે.  સ્મિતા જેવી અનેક છોકરીઓ છે તો સામે કેરોલીન જેવી છોકરી પણ છે જે લગ્નની તૈયારીઓને સમેટીને, તૂટેલા સંબંધો પર કોઇ ખરાબ ટિપ્પણીઓ કર્યા વિના જીત તરફ આગેકૂચ કરી રહી છે.
સ્મિતાની જેવી જ કહાણી મુંબઈની 27 વરસની ધારિણીની છે. બ્રેકઅપ બાદ શરૂઆતના થોડા દુખ બાદ  દિલમાં કોઇપણ કડવાશ વિના પોતાના જીવનને પોતાની રીતે જીવવા માટે તૈયાર છે. કેરોલીન મે મહિનાના તેના બ્રેકઅપ બાદ ઇસ્તનબુલ પોતાની મૈત્રીણી સાથે ફરવા ગઈ હતી. ત્યારે સોશિયલ મિડિયા પર ફોટો મૂક્યો હતો અને લખ્યું હતું કે વરસો બાદ હું હાઈહીલ્સ પહેરીને ફરી રહી છું. કેરોલીનનો ગોલ્ફર બોયફ્રેન્ડ તેનાથી ઊંચાઈમાં નીચો હતો. એટલે કરોલીને તેના માટે ફ્લેટ શુઝ પહેરવા માંડ્યા હતા.

આજની નારી પણ પ્રેમમાં પોતાના અનેક ગમા અણગમા જતા કરતી હોય છે પણ પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખે છે એટલે જ જીવનના દરેક પડાવે તે સંઘર્ષ કરીને અગ્રેસર રહેશે. થોડો સમય પહેલાં ધરમપુરના કપરાડા વિસ્તારમાં ભરાયેલા મેળામાં એક છોકરી રડતી રડતી  છોકરાને જે હાથમાં આવ્યું તેનાથી જાહેરમાં મારી રહી હતી. અને આસપાસના લોકો પેલા છોકરાને બચાવી રહ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે પેલી છોકરીની સગાઈ પેલા છોકરા સાથે થઈ હતી. છોકરાએ છોકરીના પૈસા લઇને વાપર્યા હશે અને પાછા નહીં આપતો હોવાથી તે કહી રહી હતી કે જો લગ્ન પહેલાં જ તે આવું કરતો હોય તો લગ્ન બાદ શું કરશે ? અને પછી તે છોકરાને છોડીને એકલી જ મેળા તરફ ચાલી નીકળી. આદિવાસી અને અમેરિકન છોકરીની વચ્ચે ય કેટલીક  છોકરીઓ છે જે શિક્ષણ મેળવ્યા છતાં પોતાનું વ્યક્તિત્વ ઊભું  ન કરી શકી હોય. પોતાના વ્યક્તિત્વને પ્રથમ સ્થાને મૂકીને જીવનના અન્ય વ્યવહારો કરવા જોઇએ. તો જીવનની અનેક સમસ્યાઓમાંથી સહેલાઈથી માર્ગ કાઢી શકાય છે. 

You Might Also Like

0 comments