મુકામ નહીં પ્રવાસ મહત્ત્વનો 27-5-14

22:13

મુકામ નહીં પ્રવાસ મહત્ત્વનો

તુફાની ખ્યાલો ધરાવતી નારીઓમાં આ બીજી મહિલા છે ફ્રાન્સની.  34 વરસીય કેરોલાઈન મોઈરોક્સ. 2011ની સાલના જુનમાં યુરા નામના તેના ગામથી પગપાળા દુનિયાનો પ્રવાસ કરવા નીકળી પડી. કરોલાઈન એન્જિનયર છે. બાળપણથી એનું સ્વપ્ન હતું દુનિયા ફરવાનું. બસ એક સમય એવો આવ્યો કે તેણે નક્કી કર્યું કે તે નીકળી પડે પ્રવાસે.
શું કામ ? તો કહે કોઇ કારણ નથી. દરેક કામ કારણ સાથે જ થવા જોઇએ જરૂરી નથી. તેને પ્રવાસનો આનંદ આવે છે. એટલે તે પ્રવાસ કરી રહી છે. જ્યારે તેને લાગશે કે બસ આનંદ નથી આવતો તો તે પ્રવાસ બંધ કરી દેશે. કેરોલાઈન કહે છે કે શરૂઆતમાં તમે પ્રવાસ કરતાં હો છો પણ પછી પ્રવાસ તમને લઈ જતો હોય છે. પ્રવાસ એ જ જીવન છે. તમને સમજાય ત્યારે એનો આનંદ બેવડાતો હોય છે. વણજારાની જેમ ફરવાનો આનંદ અને પ્રવાસની મુશ્કેલીઓ મને રોજ નવા પાઠ ભણાવે છે.
ચાર વરસ, 45 દેશો  અને 70 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યા બાદ પણ કેરોલાઈને થાકી નથી કે હોમ સિકનેસ અનુભવતી નથી. હા, ઘર અને પરિવાર યાદ આવે પણ એ બધું કંઇ સદીઓ સુધી સાથ નથી આપતું. તેણે પોતાનો બ્લોગ શરૂ કર્યો છે. જેના પર એ પોતાના અનુભવ લખે છે. સહેલું તો નહોતું જ આમ જ દશ વરસ માટે પ્રવાસે નીકળી પડવાનું. કેરોલાઈને એક વરસ સુધી તૈયારીઓ કરી હતી. તેણે પગપાળા જ પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતુ એટલે સામાન જે સાથે રાખે તેને ચોકસાઈપૂર્વક પસંદ કરવાનો હતો. કારણ કે તેણે ઊંચકીને ચાલવાનું હતું. તેણે જ્યારે આ રીતે પ્રવાસની જાહેરાત કરી ત્યારે એકલા જ જવું એવું નક્કી ય નહોતું. પણ સાથે કોઇ આવશે કે નહીં તે ય સવાલ હતો. તે છતાંય કેટલાક લોકો જોડાયા.  થોડે સુધી સાથ આપવા. સ્ટવથી લઈને ટેન્ટ સુધીનો દરેક સામાન બને તેટલો હલકો પસંદ કર્યો. ખર્ચો ઓછો રાખવાનો હોય એટલે શક્ય તે દરેક વસ્તુ સાથે લઇને ચાલવાની. વળી કોઇ વાહનમાં પ્રવાસ નહીં કરવાનો.
કશા જ કારણ વિના પ્રવાસ શરૂ કર્યો ત્યારબાદ સમયાંતરે લોકો તેની સાથે જોડાતા તો ક્યાંક તેણે એકલા જ ચાલવું પડતું. એકલતા ક્યારેય અનુભવી નથી કારણ કે માણસોની વચ્ચે જ તે પ્રવાસ કરી રહી હતી. હા , ભાષા, બદલાતા મોસમ, લોકોનો પ્રતિસાદ દરેક બાબત બદલાતી રહેતી. ક્યારેક ખૂબ ઠંડી તો ખૂબ ગરમી, વરસાદ, વાવાઝોડું... ક્યારેક લોકો પોતાના ઘરે બોલાવે તો ચીનમાં એક જગ્યાએ પોલીસ સ્ટેશનમાં ટેન્ટ નાખીને રહેવું પડ્યું. કઝાકિસ્તાનમાં ખૂબ તકલીફો પડી મોસમ અને લોકોના એટિટ્યુડની ય. તે છતાંય કેરોલાઈન લખે છે કે પ્રવાસ કરવાનો તેનો જુસ્સો જરાય ઢીલો નહોતો પડ્યો.
પ્રવાસ એટલે અનિશ્ચિતતા એ નક્કી જ હોય છે. પ્રવાસનો આનંદ જ  ત્યારે લઈ શકાય જ્યારે તમને ખબર ન હોય કે આગળ શું હશે ?
કેરોલાઈનની જેમ  આમ રઝળપાટ કરવા નીકળી પડવું સહેલું નથી જ પણ દરેક સ્ત્રીએ જીવનમાં નાનો પ્રવાસ પણ એકલા કરવા જેવો છે. એકલા હો ત્યારે તમારે બહાર અને અંદરનો એમ બે પ્રવાસ થાય છે. વળી જીવનના દરેક પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ય કેળવાય છે. એકલા હો ત્યારે પ્રવાસનો ખરો આનંદ આવે છે કારણ કે પ્રવાસ બીજાના સાથ માટેનો જુદો હોય છે. અને પોતાની સાથે રહેવાનો પ્રકૃતિમાં રહેવાનો જુદો હોય છે. હજી દુનિયા એટલી ખરાબ નથી કે સ્ત્રીઓ બહાર નીકળી જ ન શકે. થોડી કાળજી રાખવામાં આવે તો પ્રવાસમાં કડવા અનુભવો થતા નથી. હજી સુધી એકલપ્રવાસે નીકળેલી સ્ત્રીઓએ અફસોસ વ્યક્ત કર્યો નથી. વળી સ્ત્રીઓને સારાનરસા માણસો ઓળખતા ય આવડતા હોય છે.
વધુ નહીં તો ય એકાદ દિવસનો કે બે દિવસનો એકલા પ્રવાસ કરવો જોઇએ. મેં શ્રીલંકાના કોલંબો શહેરમાં એકલા પ્રવાસ કર્યો હતો એક દિવસ માટે. અને મારો અનુભવ જરાય ખરાબ નહોતો. ઊલ્ટાનું મને સારો રિક્ષાવાળો મળ્યો જેણે શક્ય તેટલું મને ફેરવી. અને સમયસર એરપોર્ટ પર પહોંચાડી ય ખરી. શરૂમાં ડર હતો અજાણ્યો દેશ, લોકો ને પૈસા ઓછા પણ ...  આજે ય તે પ્રવાસ અકબંધ છે સ્મૃતિમાં. 


You Might Also Like

0 comments