ખરું સોનું પારખીએ 22-7-14

22:40

ટેલિવિઝન પર એક જાહેરાત આવે છે....જ્વેલરીની દુકાનમાં બે છોકરીઓ ગળાના હાર જોઇ રહી છે. એક હાર જોતાં બીજી છોકરીને કહે છે ...યાર બહોત મહેંગા નહી હૈ..... સિર્ફ 3 લાખકા હૈ... બીજી છોકરી સહજતાથી કહે છે કે હા મહેંગા તો હૈ તુજે ઇસકે લિયે શાદી જો કરની પડ રહી હૈ. અને બન્ને હસી પડે છે. સોનું અને લગ્ન બન્ને એકબીજાના પર્યાય ન હોવા છતાં તેને પર્યાયની જેમ માનવામાં આવે છે. સોનાના કે હીરાના ઘરેણાં વિના લગ્નની કલ્પના કરવી જ જાણે મુશ્કેલ બની ગઈ છે. ગરીબ માતાપિતા દેવું કરીને, લોન લઈને ય સોનું દીકરીને આપશે.
સાસરામાં ય લોકો પૂછશે કે કેટલું સોનું લાવી. વ્યવહારની વાતોમાં સ્ત્રીઓ એકબીજીને આ પ્રશ્ન પૂછશે  જ કેટલું સોનું આપ્યું ?  અને કેટલી મોંઘી સાડીઓ લીધી. દીકરીના લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે માતાપિતા સતત ચિંતિંત રહેતા હોય છે. દીકરીઓ પણ આ બાબતનો વિરોધ ન કરે ત્યારે નવાઈ લાગે. મુંબઈની લોકલ ટ્રેનમાં એક વખત કુટુંબની મહિલાઓ વાત કરી રહી હતી. દીકરી જમાઈને સગાઈ વખતે આટલાં સોનાની વીંટી. લગ્ન વખતે અમુક ઘરેણાં તો જોઇએ જ. કેટલા તોલા સોનું અપાયું તેના પર દીકરીના સુખનો આધાર હોય. સ્ત્રી ધન કહીને ય સોનું આપવાનું જ તો લગ્ન કરતી સમયે સોના જેવા માણસો છે કે નહીં તે કેમ જોવામાં આવતું નથી. જો સોના જેવા માણસો જોયા હોય તો સ્ત્રી ધનની જરૂર પડે નહી.
 હમણાં જ એક જુદા સમાચાર વાંચવા મળ્યા એ વાંચીને જ  આ વિચારો આવ્યા. કેરાલામાં એક છોકરીએ લગ્ન સમયે સોનાના ઘરેણાં ન પહેરવાનો નિર્ણય લઇને સમાજમાં જુદો દાખલો બેસાડ્યો. તેના જીવનસાથીએ પણ એના વિચારોને વધાવ્યા અને સાથ આપ્યો. તેનું નામ એલિઝાબેથ ચેંદી. તેમના સમાજમાં નવવધુ ઘુંટણ સુધી લાંબી સોનાની ચેઇનો પહેરે અને હાથમાં કલાઈ સુધીની સોનાની બંગડીઓ. આટલા બધા સોનાના ઘરેણાં બનાવવા માટે ગરીબ ઘરના માતાપિતાએ લગભગ વેચાઈ જવું પડે કાં ગોલ્ડ પ્લેટેડ ઘરેણાંઓ બનાવવા પડે. એલિઝાબેથ ચેંદીએ પૈસાના આ વરવા પ્રદર્શનને ન અનુસરવાનો નિર્ણય કર્યો. તેણે પારંપારિક મુન્ડુ પહેરવેશને થોડો આધુનિક રીતે સીવડાવ્યો અને સાથે નાળિયેરના છીલકામાંથી ઘરેણાં મેડ ટુ ઓર્ડર બનાવડાવ્યા. કુદરતી રીતે બનેલા તેના ઘરેણાંને પોલીશ પણ કરવાની જરૂરત નહોતી એટલે તે બનાવનારના સ્વાસ્થયને પણ નુકશાન ન થાય. એલિઝાબેથનું કહેવું છે કે ઘરેણાં નવવધુની  સુંદરતામાં વધારો કરવા માટે  પહેરાતાં  હોય છે.જરૂરી નથી કે આ ઘરેણાં સોનામાંથી જ બનેલા હોય.જે કંઇપણ મળે તેમાંથી ઘરેણાં બની શકે. ફુલનાં ઘરેણાં ય આપણે ત્યાં પહેરાંતા.
વાત સાચી જ છે. સોનું જો નવવધુને રોકાણરૂપે અપાતું હોય તો સોના સિવાય અનેક રીત છે ઇન્વેસ્ટમેન્ટની જે સોના કરતાં વધુ ફાયદાકારક બની શકે છે. સોનાના ઘરેણાં બનાવડાવ્યા બાદ તેને બેંકના લોકરમાં મૂકી રાખવાના. બેંક લોકરના ય ચાર્જ ચુકવવાના તેના કરતાં મ્યુચઅલ ફંડ,  વીમો, જમીન, ઘર અનેક રીતો છે રોકાણ કરવાની દીકરીના નામે. સોનું જો જીવન સુખી કરી શકતું હોત તો પૈસાદારોના ઘરોમાં છૂટાછેડા થાત નહી. એલિઝાબેથની જેમ આંતરિક સુંદરતાથી નવવધુ વધુ સુંદર લાગી શકે એમ છે. સોનાની માગણીઓ કરતાં સાસરામાં દીકરીને પરણાવવા કરતાં સુખની વ્યાખ્યાને સાચી રીતે સમજીને દીકરીને સુખી કરવાની જરૂર માતાપિતાએ છે તો દીકરીએ પણ નવો ચીલો ચાતરી સોનાની ખરી પરખ કરતાં શીખવું જોઇએ. લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરવા કરતાં તે રકમમાંથી દીકરીને પોતાનું ઘર ખરીદી આપીને કે યોગ્ય રોકાણ કરી  આપીને તેને પગભર કરી શકાય છે. લોકોને જમાડવા અને પાર્ટી આપવી જો એ તમને પોષાતું હોય તો યોગ્ય છે પરંતુ, એ સિવાયના ટાળી શકાતા ખર્ચાઓ પ્રત્યે ફેરવિચારણા કરવાની જરૂર છે. ઘરેણાં ન પહેરવા કે ન બનાવવા તે અંગત પસંદગી હોઇ શકે પરંતુ, તેને રિવાજ બનાવીને શોષણ થવા દેવું તે આજની નારીને શોભતું નથી. કારણ કે આજે દરેક સ્ત્રીઓ ભણીગણીને પોતાના પગભર થઈ શકે છે. શિક્ષણનો અર્થ જ્ઞાન છે. જ્ઞાનએ આપણને સ્વતંત્ર વિચાર કરતાં શીખવાડે છે.  જેમાં કોઇનું શોષણ ન હોય અને શોષણ થવા દેવાનું ન હોય. સોનાના નામે ક્યાં સુધી આપણે ખોટા રિવાજોને પોષ્યા કરીશું. યોગ્ય ડિઝાઈન અને પરિધાન સાથે કોઇપણ સ્ત્રી સુંદર દેખાઈ શકે છે. અને ખરું તેજ તો આંતરિક આત્મવિશ્વાસથી જ આવતું હોય છે.     
 


You Might Also Like

1 comments

  1. સોનું જો નવવધુને રોકાણરૂપે અપાતું હોય તો સોના સિવાય અનેક રીત છે ઇન્વેસ્ટમેન્ટની જે સોના કરતાં વધુ ફાયદાકારક બની શકે છે. સોનાના ઘરેણાં બનાવડાવ્યા બાદ તેને બેંકના લોકરમાં મૂકી રાખવાના. બેંક લોકરના ય ચાર્જ ચુકવવાના તેના કરતાં મ્યુચઅલ ફંડ, વીમો, જમીન, ઘર અનેક રીતો છે રોકાણ કરવાની દીકરીના નામે. સોનું જો જીવન સુખી કરી શકતું હોત તો પૈસાદારોના ઘરોમાં છૂટાછેડા થાત નહી.

    ReplyDelete