દુનિયા બદલાતી નથી. 16-6-15

06:16
વીક એન્ડ વેકેશનમાં હોટલમાં સવારનો નાસ્તો પતાવીને સામેના ડુંગરો જોતાં બેઠાં હતા. વાતાવરણમાં હજી સુસ્તી હતી પણ સૂરજ કંઈક ઊતાવળમાં હોય તેમ વહેલો નીકળી આવ્યો હતો. ઉનાળાનો સમય એને માટે પુષ્કળ કામનો સમય હશે. આવા પોએટિક વિચારો કરતી હું ચાના ઘૂંટડા ભરી રહી હતી કે સામે ના ટેબલ પર નજર ગઈ. એક માનૂની પેપર વાંચી રહી હતી. કોઈક સમાચાર વાંચીતા તેના ચહેરાના ભાવ બદલાયા અને તેણે અખબારને  ઘડી કરીને બાજુ પર મૂકી દીધું જોયા વિના. અને બસ ખાલી આંખોએ તે આકાશમાં તાકી રહી. શું થયું હશે કે તેનો મૂડ ખરાબ થઈ ગયો. એ ઉત્કંઠાએ મેં વિચારો વાંચવાનું એપ દબાવ્યું.
ક્યાં જઈને અટકશે આ યુદ્ધો. અરે લડી મરોને તમે બધા પુરુષો અંદર અંદર. અમે અહીં આરામથી અમારી મુક્તતાને માણી રહ્યા છીએ. કોઈ આંખ ઊંચી કરીને જોવાની હિંમત કરે તો લાફો મારતા હવે નથી અચકાતા. આસપાસ જોઉં છું તો લાગે છે કે જમાનો બદલાયો છે સ્ત્રીઓ માટે. કાલે જ રાત્રે પાર્ટી જામી હતી ત્યારે વિનય બોલ્યો હતો કે સ્ત્રી સ્વાતંત્ર્યના ઝંડા હવે તો મૂકો .... જમાનો બદલાયો છે... સ્ત્રીઓને આજે છે તેવી ફ્રિડમ ક્યારેય નહોતી. દરેક ઘરમાં બસ તમારું જ રાજ છે. કેટલું સહેલું છે બોલવું આ બધું પણ આ જ ગામની કેટલી સ્ત્રીઓને ઘરની દરેક બાબતોનો નિર્ણય લેવાનો અધિકાર હશે ? મારા જેવી એકાદ બે ટકા સ્ત્રીઓને જોઈને પરિસ્થિતિ બદલાઈ ગઈ છે તે કેમ કહી શકાય ?
 અરે  આ જ પૃથ્વીના બીજા છેડાઓ પર અસંખ્ય સ્ત્રીઓ ફફડાટ સાથે જીવે છે કે બીજી મિનિટે તેની સાથે શું થશે તે ખબર નથી. કઈ રીતે જીવી શકાય એમ ? નાની બાળકીઓને પણ તેઓ છોડતા નથી. આઈએસઆઈએસના કબજામાં રહેલા ગામોમાં એક પણ બેન દીકરી સલામત નથી. વર્જિનિટી ચકાસીને ...શી... જાણે કોઈ ફર્નિચર જેને દરેક બાજુથી જોઈને તેનો ભાવ તાલ નક્કી થાય. અને પદવી પ્રમાણે જેહાદીઓને પસંદ કરવાનો અધિકાર આપે. મન ભરાય ત્યાં સુધી રાખે નહીં તો ફરી વેચી દે છોકરીઓને અને આમ વીસ બાવીસ વખત વેચે. તેમાંથી કેટલીક ભાગીને શરણે આવી. પણ એનું જીવન કફોડી સ્થિતિમાં આવી જાય. આ જ વિકાસ છે. એકબાજુ હાઈરાઈઝ મકાન બંધાય અને બીજી તરફ ઝુપડપટ્ટી જ્યાંથી મજુરો જાય ઘર બાંધવા હાઈરાઈઝમાં. પછી ઘર ચલાવવા, રસોઈ, ઘરકામ, સાફસફાઈ, શોફર તરીકે. કરોડો રૂપિયાનું ઘર બનાવનાર પાસે લાખ રૂપિયાનું ઝુપડું બાંધી આપવાના પૈસા ન હોય. તેઓ ફરિયાદ કરશે કે  ઝૂપડપટ્ટી ગંદકી ફેલાવે છે. શોષણ આપણે કરીએ તો ચાલે. સવારના પહોરમાં આ જ સમાચાર પર નજર ગઈ હે ભગવાન.... કહે છે કે આઈએસઆઈએસે એક છોકરીને જીવતી બાળી નાખી. તેનો વાંક એટલો જ હતો કે તેણે સેક્સ માટે ના પાડી. અરે આ યુદ્ધ છે કે પાશવી ઈચ્છાઓ પોશવાનો દંભ ? કોન્ગો , બોસ્નિયામાં થયેલા પાશવી બળાત્કારોને પણ શરમાવે એવી પરિસ્થિતિ આ યુદ્ધોમાં સ્ત્રીઓની થઈ રહી છે.  આ બધા રિપોર્ટ યુએન પાસે પહોંચ્યા છે. નવાઈ લાગે છે કે પારકી ધરતી પર જઈને ઓસામાનો અને સદ્દામ હુસેનનો ખાત્મો બોલાવનાર મહાસત્તાઓ અહીં કેમ સત્વર પગલાં નથી લેતી ? અહીં પણ કેટલું રાજકારણ અને બિઝનેસ થતો હશે. સત્તાઓ વચ્ચે.... નવાઈ એ લાગે કે જે લોકો સ્ત્રીઓને બાંધે છે, કેટલા તાલિબાની પહેરાઓ મૂકે છે તે જ લોકો .......ઉફ્ફ ક્યાં આવા સમાચારો મારી નજરે ચઢે છે.  સમાચાર ન વાંચવાથી દુનિયામાં પરિસ્થિતિ બદલાઈ જશે ખરી ?કદાચ આપણે માણસ તરીકે જીવવાને લાયક નથી. એકબાજુ આ બધી લકઝરી ભોગવવા માટે જંગલો અને પર્યાવરણનો ખાતમો બોલાવવાનો અને બીજી તરફ જે પુરુષોને જન્મ આપે છે એ સ્ત્રીઓને જ ખમત કરવાની, તેના પર અત્યાચાર કરવાનો. શું કામ બધી સ્ત્રીઓ નક્કી કરતી નથી કે કોઈ પુરુષને જન્મ જ ન આપે.... વિચારતી ધૂંધવાતી તે સ્ત્રી ઊઠીને ચાલી ગઈ.
વિચારોનો એ પ્રવાહ મને પણ તાણી ગયો. એ પ્રદેશોમાં જ્યાં સ્ત્રી તરીકે જીવવું એ પાપ છે, શ્રાપ છે. ખરેખર જ સ્ત્રીઓમાં એકતાનો અભાવ છે. એકબીજાની ઈર્ષ્યા, ચૂગલી, નિંદા કરવી. અમારું જીવન નાનકડા સલામતીના કોચલામાં પૂરી કરી દઈએ. એક થઈને કેમ કોઈ ઝૂંબેશ નથી ઊઠાવાતી ? હા નિર્ભયા વખતે થોડો સમય જુવાળ આવ્યો હતો. પણ તે પછીએ રોજે રોજ કેટલાય નિર્ભયાના બનાવો બને છે ગામડાઓમાં, આદિવાસી સ્ત્રીઓ પર, ગરીબ સ્ત્રીઓ પર, કેટલાય સમાચારોતો મિડિયા સુધી પહોંચતા ય નથી. અને પહોંચે છે તો સ્ત્રીનું ક્રિયાકર્મ થઈ ગયું હોય પછી. અને તેને ય એકાદ ફકરામાં ક્યાંક વચ્ચે મૂકી દીધા હોય કોઈની નજરે ન ચઢે તેમ. બાકી હિરોઈનોના ફોટા તો ચાર કોલમમાં ય છપાય. ટીવીમાં ચર્ચાઓ થાય પણ જ્યાં સુધી મિડલ ક્લાસ કે અપર ક્લાસની કોઈ સ્ત્રી પર અત્યાચાર ન થાય ત્યાં ગરીબ સ્ત્રીઓ પર થતા અત્યાચારના સમાચારની કિંમત નથી. એકાદ સ્ત્રીની સફળતાના ગુણગાન નીચે હજારો સ્ત્રીઓ પર થતાં અન્યાયને આસાનીથી છુપાવી દેવામાં આવે છે. અને અમે સ્ત્રીઓ એ એક સ્ત્રીની સફળતા જોઈને ખુશ થઈએ કે હવે દુનિયા બદલાઈ ગઈ.


You Might Also Like

0 comments